પ્રતિપાદિત વિષય :
વાજિંત્ર વજાડીને કીર્તન ગાનની સાથે ભગવાનની મૂર્તિની પણ સ્મૃતિ રાખવી.
મુખ્ય મુદ્દો :
સંગીત ભક્તિમાં મદદ થાય તેવું આયોજન કરવું.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્યાદિક વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. કીર્તન ગાનની સાથે વાજિંત્ર વગાડવાનું એ જ પ્રયોજન છે કે મનને ભગવાનમાં વધારે એકાગ્ર કરી શકાય. આજના મનોવૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી બતાવ્યું છે કે કોઈ પણ માનસિક કાર્ય કરવામાં અનુરૂપ સંગીત મદદ કરે છે. સંગીતના સહારાથી મનને જલ્દી એકાગ્ર કરી શકાય છે. વળી સંગીતની જો મદદ હોય તો તેટલું જ માનસિક કામ કરતા મનને સંગીત વિના જે થાક લાગે છે તેના કરતા ઓછો થાક લાગે છે. વળી સંગીતની મદદથી માનસિક કાર્ય ઝડપી કરી શકાય છે. જે માનસિક કાર્ય ૩૦ મિનિટમાં થતું હોય, સંગીતની મદદથી તેટલું જ કામ ઓછા સમયમાં થાય છે. આ બધા સંગીતના ફાયદાઓને ધ્યાનમાં લઈને આપણા શાસ્ત્રકારોએ સંગીતને ભકિતમાં જોડયું છે ને ભક્તિમા સહાયક બનાવ્યું છે.
સંગીતને એક પોતાનો સ્વતંત્ર રસ પણ હોય છે અને બીજું ભકિતરસમાં મદદ કરવાનો પણ તેનો ગુણ છે. મહારાજ અહીં એ કહે છે કે સંગીત જો ભકિતરસને મદદ કરનારું ન બને અને પોતાનો અંગત–પ્રાઈવેટ રસ જમાવે તો ભકિતનું ઘાતક બને, મદદકર્તા ન બની શકે તો જીવના હૃદયમાં શાંતિ ન થાય. શાંતિ સંગીતથી નથી આવતી. શાંતિ તો પરમાત્માની મૂર્તિમાં મન જોડવાથી આવે છે. મહારાજ કહે છે કે ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વગાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. માટે ભગવાનનાં કીર્તન ગાવવાં, નામરટણ કરવુ તથા નારાયણ ધૂન્ય કરવી ઈત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિ સંભારીને જ કરવું.
વળી મહારાજ એમ પણ કહે છે કે ભજન કરવા બેસે ત્યારે ભગવાનને વિષે વૃત્તિ રાખે અને જયારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહી. કારણ કે બીજી ક્રિયા કરતી વેળાએ જગત સંભારવાની જે કવાયત કે અભ્યાસ હોય તે જયારે ભજનમાં બેસે ત્યારે આપોઆપ શરૂ થઈ જાય છે. માટે મહારાજ કહે છે કે ભગવાનના ભકતે હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. તો તેને ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. પછી તો કામકાજ કરતે થકે પણ ભગવાનમાં વૃત્તિ રહે અને અભ્યાસ ન કરે તો ભજનમાં બેસે ત્યારે પણ ન રહે, માટે અભ્યાસ ઉપર આધાર રહે છે. તેથી તેનો દૃઢ અભ્યાસ કરવો.