પ્રતિપાદિત વિષય :
સ્વધર્મે સહિત ભક્તિ કરવા છતાં પૂર્ણકામપણું મનાતું નથી.
મુખ્ય મુદ્દા :
૧. આત્મનિષ્ઠા વિના અધ્યાત્મ ખામીઓ જલ્દી દૂર થતી નથી.
ર. ભગવાનના મહિમા વિના પૂર્ણકામપણું આવતું નથી.
વિવેચન :–
પ્રસ્તુત વચનામૃતમાં મહારાજ કહે છે કે સ્વધર્મે યુકત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે. એ બેમાં ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાનાં તો ભગવાનના ભકતને દૃઢપણે સાધવાં અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે.
અહીં મહારાજે પૂર્ણકામપણાની વાત કહી છે અને તે પણ આધ્યાત્મિક પૂર્ણકામપણાની વાત કરી છે. સંતોષ અને પૂર્ણકામપણામાં થોડો ભેદ છે, બન્ને એક નથી. સંતોષી થવાથી મહારાજે અહી જે કહી તે પૂર્ણકામપણાની સ્થિતિ આવી જતી નથી. હૃદયમાં સંતોષ હોય તો ધર્મ મર્યાદામાં રહેવામાં ઘણી મદદ થાય છે. એટલે તો મહારાજ કહે છે કે સ્વધર્મે યુકત એવો જે ભગવાનનો ભકત તેના હૃદયમાં યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી. બિલકુલ મનાતું નથી એવું પણ નથી. સંતોષ છે તે કિંચિત્અંશે પૂર્ણકામપણાની પૂર્તિ જરૂર કરે છે પણ તેની સંપૂર્ણ અવેજી ન કરી શકે. સંતોષ છે તે લૌકિક પ્રાપ્તિજન્ય છે, સગવડતાઓ અને અનુકૂળતાઓ જનિત છે. પછી ભલે તે હૃદયમાંથી ઊઠતો ભાવ છે. એટલે એવું પણ નથી કે સગવડતા કે અનુકૂળતાઓ દરેકને હૃદયમાં સંતોષ અર્પણ કરે જ. એ તો ભગવાને આપ્યું હોય તેમા કોઈક ભાગ્યશાળી વિરલ વ્યકિતઓને જ સંતોષ હોય અને તે સુખી હોય. બાકી તો જગતમાં મિથ્યા વલખાં જ મારતાં હોય છે.
આધ્યાત્મિક પૂર્ણકામપણું એ તેનાથી આગળની વસ્તુ છે. એ તત્ત્વ પરિચયનું પરિણામ છે. પરિચય એટલે કે તેની વિલક્ષણતાનો પરિચય થાય ત્યારે તેના મહિમાનો પરિચય થાય છે અને તેમાંથી પૂર્ણકામપણું આવે છે. તેથી મહારાજ કહે છે કે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠાથી અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે. પૂર્ણકામપણું તો પારમાર્થિક તત્ત્વોની પ્રાપ્તિ એટલે કે યથાર્થ પરિચયથી થાય છે. સંતોષ તો લૌકિક પ્રાપ્તિ થાય તે પ્રભુએ આપી છે તે ઘણી છે. વધારે ઈચ્છા ન રાખે તેને કહેવાય છે. સુખી થવા માટે તે ઘણો જ સારો ગુણ છે, પણ તે લૌકિક સાધનો ઉપર નિર્ભર છે. પરલોકની પરિસ્થિતિ સામે ઝઝૂમવા માટે તે પર્યાપ્ત નથી. તેમાં પૂર્ણકામપણાની જરૂર પડે છે. મહારાજ કહે પૂર્ણકામપણામાં ખામી હોય તેટલી તો સમાધિમાં પણ નડે છે. મહારાજ કહે સમાધિમાં જયારે અતિશય તેજ દેખાય, અતિશય નાદ સંભળાય ને જયારે સમુદ્ર માઝા મૂકે એવા તેજના સમૂહો દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. મહારાજે પોતાનો મુદ્દો સમજાવવા ખૂબ જ સુંદર દૃષ્ટાંત આપ્યું છે. જેથી મહારાજને જે સમજાવવું છે તે બધાને જલ્દી સમજાય જાય.
મહારાજ કહે અમે એક હરિભકતને સમાધિ કરાવી. તેણે અતિશય તેજને જોઈને ચીસ પાડવા માંડી. હું બળું છું. હું બળું છું. હવે વિચાર કરીએ તો સમાધિમાં દેહ તો ભેળો હોય નહીં. હોય તો પોતાનો જીવ એકલો હોય. માની લઈએ કે મન વગેરે ભેળુ હોય પણ તેને તો તેજ બાળી શકતું નથી. તે તો ઘણી વખત સંગડી ઉપર આંટાં મારતું હોય છે તો પછી બળવાનું કોણ છે ? તે હું બળું છું એવો ડર લાગે ? ભલે દેહ ભેળું નથી પણ દેહભાવ ભેળો છે એ દેહભાવથી ડર લાગે છે ને એ છોડવાનો છે. શાસ્ત્રના આધારે જોતાં અહીં દેહની હાજરીમાં દેહ છતાં જ જેટલો છૂટયો તેટલો છૂટયો ને દેહ પડી ગયા પછી દેહની ગેરહાજરીમાં તે કામ થતું નથી. મહારાજ કહે, અર્જુન તો મહા શૂરવીર ને રણવીર હતા. ‘અર્જુનસ્ય પ્રતિજ્ઞે દ્વે ન દૈન્યં ન પલાયનમ્’ એવા હતા. કદાચ સામાન્ય માણસને ભય હોય પણ અર્જુનને ભય ! તો પણ ભગવાનનું વિરાટ રૂપ જોઈને ધીરજ ન રહી. માટે લૌકિક શૂરાતન જુદું છે ને તત્ત્વનું શૂરાતન જુદું છે. તે તમામ અપૂર્ણપણાને દૂર કરે છે. તે દેહભાવને દૂર કરે છે. ડર છે તે તો દેહભાવનો જ છે, પછી તે આલોકમાં હોય કે પરલોકમાં હોય. જાગૃતિમાં હોય કે સમાધિમાં હોય, પણ તે દેહભાવનું જ પરિણામ છે. લૌકિક હિંમત આવે તેથી દેહભાવ ન ચાલ્યો જાય. દેહના કટકા થઈ જાય તોય પાછો ન હઠે એવો રણબંકો હોય તો પણ દેહભાવ દૂર થઈ ગયો એમ ન કહી શકાય. એમ તો શૂરવીરો લડાઈમાં મરે જ છે. દેહ પડી જાય કે પાડી દેવાથી દેહભાવ દૂર થતો નથી કે આત્મભાવ આવતો નથી એ પણ જાણી રાખવું જરૂરી છે. એ તો કયારે આવે ? તો તેનો સંઘર્ષ કરવો પડે છે. ભગવાનનું બળ લઈને ભગવાને કહેલા ઉપાયો કરે ને અંતરમાં આત્મા–અનાત્માના વિવેકનું મનન કરે તો આવે.
મહારાજે વચનામૃતમાં અન્ય જગ્યાએ તેના સાધનો કહ્યાં છે તે કરે તો પૂર્ણકામપણું આવે છે. મહારાજે એ પણ કહ્યું છે કે શાસ્ત્રમાંથી કે મોટા સંતના મુખે સાંભળીને જાણે હું કરી લઉં. તો તેમ નથી થતું. એ તો એને પરમાત્મામા જેટલી નિષ્ઠા અને પરમાત્માના સાચા ભકતોમાં જેટલી નિષ્ઠા એટલી જ આત્મનિષ્ઠા આવે છે. એટલે કે મહારાજનો મહિમા સમજાયા વિના એ સિદ્ધ થતું નથી. માટે તે બન્ને એક બીજાના પૂરક છે. મહારાજ કહે છે કે અમે તે હરિભકતને સમાધિ કરાવીને કહ્યું કે તું ‘ગણપતિ’ને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો મહારાજે થોડી હઠયોગની પ્રક્રિયા બતાવી છે. ષટ્ચક્રોના સ્થાને સમાધિમાં જવાથી ત્યાં પોતાના આત્મસ્વરૂપનું દર્શન થતું હશે એવું શાસ્ત્રોના કહેવા પરથી જણાય છે. હઠયોગની તે પ્રક્રિયા પ્રાણના નિરોધથી સમાધિની પ્રક્રિયા કહી છે ને તે સમાધિમાં પોતાના આત્મસ્વરૂપનું સાક્ષાત્દર્શન થાય છે.