ગપ્ર–પ૮ : દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કારનું, મોટાને જાણે તેવો થયાનું

પ્રતિપાદિત વિષય :

ભક્તના અતરમાં વિક્ષેપ કરનારા કોણ છે ?

મુખ્ય મુદ્દા :

૧. ભગવાનના ભક્તના અંતરમાં વિક્ષેપ કરનારા દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર છે.

ર. પૂર્વસંસ્કાર મહા મહેનતે દૂર થાય છે.

૩. મોટા પુરુષ જેના ઉપર રાજી થાય તેના ભૂંડા પૂર્વ સંસ્કાર દૂર થાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : હે મહારાજ ! જયારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં ગુણના વેગ કેમ ટળે ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા : એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે. કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે અને એ બેયે કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે માટે એ બે ટળવા ઘણા કઠણ છે વગેરે.

વચ.ગ.પ્ર.પપમા પણ મહારાજે આ વચનામૃતને મળતી ચર્ચા કરી છે. ત્યાં પણ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે જીવને ભજન સ્મરણ તથા વર્તમાનનો દૃઢાવ એક સરખો કેમ રહેતો નથી ? તેનાં કારણ પણ ત્રણ બતાવ્યાં. અશુભ એવા દેશ અને કાળનું સેવન દૃઢાવ તોડી નાખે છે. અહીં એ પરિબળ કુસંગ તરીકે લીધું છે. પૂર્વ સંસ્કાર બન્ને જગ્યાએ બતાવ્યા છે. ત્યાં ઉત્તમ વગેરે દૃઢતા બતાવી પુરુષપ્રયત્ન–પુરુષાર્થ બતાવ્યો છે. અહીં તેની જગ્યાએ સત્સંગ બતાવ્યો છે. ત્યાં દૃઢતા તોડનારાં પરિબળોને પણ લક્ષ્યમાં રાખ્યા છે. અહીં કેવળ ધ્યાન સમયે કે ભજન સમયે એકાગ્રતા નથી થતી ને રજ તમના ભાવો આવે છે તેને જ ખાલી લક્ષ્યમાં રાખીને ચર્ચા થઈ છે એટલો તફાવત છે.

અહીં મહારાજ કહે છે કે રજોગુણ, તમોગુણના ભાવ પ્રર્વતનનું કારણ એક તો દેહ છે. મહારાજ કહે છે કે જયાં સુધી ગુણને વશ વતેર્રુ છે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો થયો નથી. દેહભાવ જ એવો છે કે કયારેય સુખ કે સંતોષ આવવા દેતો નથી. સદ્‌.ગોપાળાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે : એક વખત મુકતાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો કે હે મહારાજ, સદા સુખિયા કેમ થવાય ? તો મહારાજે સામો પ્રશ્ન પૂછયો કે તમે જે ભક્ત દેહરૂપે વર્તે છે તેની વાત પૂછો છો કે આત્મારૂપે વર્તે તેની વાત પૂછો છો ? જો આત્મારૂપે વર્તતો હોય તો અમારાથી દૂર વનમાં બેઠો હોય તોય દુખિયો ન થાય અને દેહરૂપે વર્તતો હોય તો અમારા ચરણારવિંદ છાતીમાં રાખીને બેઠો હોય તો પણ સુખિયો થતો નથી. માટે સૌથી પ્રથમ વિક્ષેપ કરનાર પરિબળ દેહ છે.

મહારાજ કહે છે કે દેહને સંગે જે રજોગુણ તમોગુણ પ્રવર્ત્યા હોય તે આત્મવિચારથી દૂર થાય છે. કુસંગને યોગે પ્રવર્ત્યા હોય તે સંતને સંગે જાય છે. પૂર્વ સંસ્કાર પણ સારો હોય ને દેહભાવ પણ ન હોય તો પણ કુસંગમાં હેત થઈ જાય તો તે હેતને યોગે કરીને કુસંગના જે ગુણો હોય તેની અસર આ ભકતના અંતઃકરણમાં તત્કાળ થાય છે. ભગવાન અને સત્પુરુષમાં અંતરથી ગાઢ પ્રીતિ થઈ જાય તો નબળા સંસ્કાર અને નબળી ક્રિયાઓ તથા નબળા વિચારો સ્તંભિત થઈ જાય છે. દૂધ–પાણીના જેવું જેટલું ગાઢ હેત, તેટલા નબળા વિચારો સ્તંભિત થાય છે.

ત્રીજું પરિબળ છે પૂર્વ સંસ્કાર. તેનાથી વિશેષ રજ, તમના વેગ પ્રવર્તે છે. તેને તો પ્રકૃતિ કહેવામાં આવે છે. તેનો નાશ તો મહારાજ કહે જલ્દી થતો નથી. તેનો નાશ કરવા માટે મોટા પુરુષની સેવા અને તેનો રાજીપો જરૂરી છે. તે થાય તો તેનું અંતઃકરણ અતિ પવિત્ર થઈ જાય છે. મહારાજ ત્યાં સુધી કહે છે કે એવા મોટા પુરુષ રાજી થાય તો જીવ રાંક હોય તો રાજા થાય ને ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય ને ગમે તેવું વિધ્ન આવનારું હોય તો નાશ થઈ જાય છે.

હવે પ્રશ્ન એ છે કે મોટા પુરુષ કેમ રાજી થાય ? તો તેના ઉત્તરમાં મહારાજ કહે : પ્રથમ તો તેમની સાથે નિષ્કપટપણે વર્તે. જેવા હોઈએ તેવા તેમની પાસે રજૂ થવુ. આપણામાં ભાવના નથી પણ પ્રત્યક્ષ હાજરીમાં વધારે બતાવવી, આપણામાં ગુણ નથી તો પણ બતાવવા, આપણામાં ખામી છે તો મોટા પુરુષના ધ્યાનમાં ન આવવા દેવી ને આપણે ખામીરહિત છીએ એવું બતાવવું વગેરે. આ બધા કપટ વ્યવહારો છે. માટે જેવા હોય તેવા રજૂ થવું. સારા ગુણો હોય ને છતાં અમે નબળા છીએ એમ કહેવુ પણ જરૂરી નથી. અહંકારરહિત રજૂ થવુ એ જરૂરી છે, પણ આપણા ગુણો છુપાવવા એવું જરૂરી નથી. જો તેમના ખ્યાલમાં હોય તો આપણા કલ્યાણ માટે આપણા ગુણોને ભગવાનની સેવામાં કયાંક ઉપયોગ કરી શકે, જેથી નિષ્કપટ વ્યવહાર ખૂબ જરૂરી છે. જો ખામી હોય તો તેનો ઉપાય બતાવે અથવા સહાય કરે.

બીજું મહારાજે કહ્યું કે કામક્રોધાદિનો ત્યાગ કરે.

અહીં એક પ્રશ્ન એ છે કે મોટા પુરુષ રાજી થાય ત્યારે કામાદિક જાય કે કામાદિક જાય પછી મોટા પુરુષ રાજી થાય ? અહીં મહારાજ કહે ‘ત્યાગ કરે’ એનો અભિપ્રાય એ છે કે મોટા પુરુષ એનો ત્યાગ કરવા પ્રેરે ને ઉપાય પણ બતાવે તેમા વિશ્વાસ રાખી પુરુષપ્રયત્ન કરે અને તે પણ એવું જ બતાવે કે જે આપણાથી શકય હોય, ત્યારે શત્રુ જાય અને મોટા પુરુષ રાજી થાય. માટે અમે ખામીવાળા છીએ એવું તો ગરજુ મુમુક્ષુ પણ સ્વીકારે છે ને નિર્લજ્જ નાદારો પણ સ્વીકારે છે. માટે ફક્ત સ્વીકૃતિથી વધારે વિશેષ નથી. મુમુક્ષુતા પ્રયત્નને પણ સૂચવે છે.

ત્રીજું મહારાજ કહે સંતનો ગુલામ થઈને રહે અને દેહે કરીને સૌને નમતો રહે ને અંતરથી માન મૂકવાનો પ્રયત્ન કરે તો મોટા પુરુષ રાજી થાય. તો પૂર્વ સંસ્કારથી જે વિક્ષેપ હોય તે પણ ટળી જાય છે. અહીં અત્યારના હળાહળ કળિકાળ સમયમાં થોડુંક આ પણ વિચારવા જેવું છે કે કયારેક મુમુક્ષુ કામાદિનો ત્યાગ કરે, સંત ભક્તનો ગુલામ થઈને રહે છતાં પણ ઘણી વખત મોટા પુરુષ વ્યક્તિગત ફાયદાના અભાવે રાજી ન પણ થાય ત્યારે મુમુક્ષુને મૂંઝવણ થતી હોય છે. પણ અહીં મહારાજે જે ત્રણ બાબતો કહી તે તટસ્થ દેખાય તો સાચે જ મોટા પુરુષ રાજી થાય છે. તે નિઃસ્વાર્થી હોય છે અને જો રાજી ન થાય તો મહારાજ તો જરૂર રાજી થશે. મુમુક્ષુએ નિરાશ થવાની જરૂર નથી. સાચે જ મહાપુરુષો તેની ભાવનાથી પ્રસન્ન થાય છે. તે કહ્યું છે કે…

અપાંનિધિં વારિભિરચયન્તિ દીપેન સૂર્યં પ્રતિબોધયન્તિ ।
તાભ્યાં તયોઃ કિં પરિપૂણતા સ્યાત્‌ભક્ત્યા હિ તુષ્યન્તિ મહાનુભાવા ।।

સમુદ્રની જળ અંજલિથી પૂજા કરાય છે. સૂર્યને દીપ અર્પણ કરી સન્માનવામાં આવે છે. તે વસ્તુની તેમને ઘેર ખોટ નથી; પણ મહાનુભાવો વસ્તુને નહીં તેની ભક્તિને જોઈને રાજી થાય છે.

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછયું : સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય ને દિન દિન પ્રત્યે ભક્તિ વૃદ્ધિ પામતી જાય તેનો શો ઉપાય છે ? ત્યારે મહારાજ કહે : અતિશય જે મોટા પુરુષ તેમનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની શુદ્ધિ થતી જાય છે ને ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે ને તે પાકો હરિભક્ત થાય છે. તે પાકા હરિભકતનું લક્ષણ એ છે કે સારા પંચવિષય તેને દુખદાયક જેવા લાગે. ભગવાનમાં અચળ નિષ્ઠા રહે એને પાકો હરિભક્ત કહેવાય અને પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે તે પાકા હરિભક્ત થવાનું સાધન છે.