પ્રતિપાદિત વિષય :
મોક્ષનું અસાધારણ કારણ.
મુખ્ય મુદ્દા :
૧. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન એ મોક્ષનાં અસાધારણ કારણ છે.
ર. જેવી કુટુંબીમાં પ્રીતિ છે તેવી ભગવાનમાં થાય તો તે પણ મોક્ષનું કારણ બની જાય.
૩. કુટુંબી જેટલી ભગવાનમાં પ્રીતિ નથી માટે કામ–ક્રોધાદિ સ્વભાવો નડે છે.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન ઉત્તર કરવાની પ્રેરણા કરી ત્યારે મુકતાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો : મોક્ષનું અસાધારણ કારણ તે શું છે ? ત્યારે મહારાજ બોલ્યા : ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય જાણવું એ બે મોક્ષના અસાધારણ હેતુ છે. અહીં મોક્ષ એટલે શું ? એ પ્રથમ વિચારી લેવું જરૂરી છે. મોક્ષ એટલે મુકિત. ‘મુકિત’ શબ્દ સાપેક્ષ હોવાથી જન્મ મરણથી મુકિત, અજ્ઞાનથી મુકિત, સ્વભાવથી મુકિત વગેરે ગણી શકાય.
અધ્યાત્મ ગ્રંથમાં અનુબન્ધ ચતુષ્ટય હોય છે. જેમ તબીબી વિજ્ઞાનમાં રોગ, રોગ થવાનું કારણ, રોગ નાશની દવા અને તંદુરસ્તી. આ ચાર બાબતનો વિચાર કરવામાં આવે છે. તેમ અધ્યાત્મ શાસ્ત્રમાં પણ બંધન, બધન થવાનું કારણ, બંધનમાંથી છૂટવાનો ઉપાય અને મુક્તિ અવસ્થાનો વિચાર કરવામાં આવે છે. તેમાં પણ હરિલીલામૃતમાં લખ્યા મુજબ કોઈક કેફ કરીને ઊંઘી જાય… વગેરે મુકિતઓ લખી છે. પરમાત્મામાં લીન થવું, ચોવીસ તત્ત્વોથી અલગ થવું વગેરે મુકિતઓ જુદા જુદા મતોમાં મનાય છે પણ મહારાજને મતે તો શિક્ષાપત્રી શ્લોક ૧ર૧મા કહ્યા મુજબ : ‘તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ્।’ ભગવાનના ધામમાં બ્રહ્મસ્વરૂપે મહારાજની સેવા કરવી તે મુક્તિ છે.
તેને અનુસંધાને મહારાજે મુક્તિનું અસાધારણ કારણ બતાવ્યું કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન. સ્વરૂપના જ્ઞાનથી આસક્તિ–ગાઢ પ્રીતિ થાય છે અને મહિમાથી સેવામાં જોડાવાય છે. જેને જેમાં ઘાટું હેત હોય તેની સહેજે સેવામાં રહેવાય છે. પછી ભલે તે જગતનો માર્ગ હોય કે કલ્યાણનો માર્ગ હોય. પણ જેને જેમાં ઘાટું હેત તેને આસક્તિ કહેવામાં આવે છે. તે જેને વિષે હોય તેની સેવામાં વિના પ્રેરણાએ જોડાઈ જવાય છે. આ જીવને સ્ત્રી પુત્રાદિમાં હેત–આસક્તિ છે તો તેની સેવામાં જિંદગી સમર્પિત સહજથી જ કરી દેવામાં આવે છે. તેથી જ બીજો પ્રશ્ન મુકતાનંદ સ્વામીએ પૂછયો : સ્નેહનું શું રૂપ છે ?
ત્યારે મહારાજ કહે : તે હેતમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ. જેમ દેહના સંબંધીમાં હેત છે તેવું ભગવાનમાં હેત જોઈએ. ખરેખર સ્વયં હેતનો સ્વભાવ જ એવો છે કે તેમાં વિચાર રહેતો નથી. હેતમાં સીધી છલાંગ હોય છે, કુરબાની હોય છે, સમર્પણનો ઢગલો હોય છે. જ્યારે મહિમામાં ક્રમ હોય છે, પગથિયાં હોય છે. તેનો વિકાસ ક્રમિક છે. જ્ઞાન અને ધર્મનો વિકાસ ક્રમિક થાય છે. દોટ નથી હોતી. હેત અને વૈરાગ્યમાં સીધી છલાંગ હોય છે. એટલે તો હેત તૂટે તો સીધો વૈરાગ્ય હોય છે. તેમાં ક્રમિક વિકાસ ઓછો દેખાય છે.
કુટુંબીનું હેત વિચાર રહિતનું હોય છે. તેમાં સદ્ગુણોની ત્રિરાશી મૂકીને હેત કરવામાં આવતુ નથી કે આટલા સદ્ગુણો છે તેથી આટલું હેત કરાય, એવું નથી. સીધું ગણિત હોય છે કે સંબંધ થયો એટલે સમર્પણનો ઢગલો. માટે મહારાજ કહે, ભગવાનમાં કમસે કમ કુટુંબીમાં હેત છે તેવું હેત કરવુ. ઘડીમાં સ્થાપન ઉત્થાપન ન કરવું, પણ એકધારું કરવું. કારણ કે આડકતરી રીતે પ્રથમ પ્રશ્નનો પણ એ જવાબ છે કે પરમાત્મામાં કુટુંબીના જેવું ગાઢ હેત થઈ ગયું અને પછી કદાચ સ્વરૂપજ્ઞાન ને માહાત્મ્ય નહિ હોય તો પણ તે મુક્તિનું કારણ બને છે. આખરે તો સ્વરૂપજ્ઞાન ને મહિમાજ્ઞાન પ્રીતિ ઉપજાવીને મહારાજે માનેલી મુક્તિનું કારણ બને છે. પરમાત્માના ધામમાં બ્રહ્મરૂપ થઈ મહારાજની સેવા કરવામાં મહારાજમાં અતિ સાચું હેત પણ કારણ બની રહે છે. તેનો ક્રમિક વિકાસ કે પગથિયાં નથી. માટે સ્વરૂપજ્ઞાન અને મહિમાનો વિચાર એ રાજમાર્ગ છે.
હવે ‘મુકિત’ એટલે મહારાજની બ્રહ્મરૂપે ધામમાં જઈને સેવા કરવી તે. તેનો ઉપાય બતાવીને આગળના ભાગમાં તેનું વિરોધી બંધન અને બંધનનું કારણ તેની ચર્ચા મહારાજ શિવાનંદસ્વામીના પ્રશ્નમાં કરે છે. સ્વામીએ પ્રશ્ન પૂછયો : સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી ? તેનો ઉત્તર મહારાજ કરે છે : તેને સત્સંગનો ખપ નથી, ભગવાનની એટલી ગરજ નથી. ભગવાન કરતા સ્વભાવમાં વધારે પ્રીતિ છે. માટે સ્વભાવની પૂર્તિ કરવામાં એટલે કે સ્વભાવની સેવામાં જબરજસ્તીથી હાજર થઈ જવાય છે. જે મહારાજની સેવામાં મોટો પ્રતિબંધક છે. સ્વભાવ અને તેનું પોષણ કરનાર દેહ, સ્ત્રી, ધન વગેરેની સેવામાં જબરજસ્તીથી જોડાવાય છે એ જ બંધન છે.
આ જીવે અનેકવાર જન્મો લઈને આ ત્રણ વસ્તુની સેવા કરી છે અને એને અંગે જેની કોઈની કરવી પડે તેની સેવા–નોકરી પણ હરખથી કરી છે. કરોડો જન્મ ધરી ધરીને આ જ કર્યું છે, પણ ભગવાન કે તેના સાચા ભકતની સેવા કરી નથી. જો કરી છે તો પૂરી નથી કરી. તેનું કારણ સ્વભાવો છે. તેને એવો ભાસ થાય છે કે આ મુકિતમાં વેરી છે. સત્સંગ કરવામાં શત્રુ છે તો જરૂર દૂર થાય. ભાઈ જેવું, કુટુંબી જેવું મહારાજની કે સત્સંગની સેવામાં હેત થાય તો પેલા જરૂર દૂર થાય ને મહારાજની સેવામાં અખંડ જોડાઈ શકાય.