પ્રતિપાદિત વિષય :
ભાગવતધર્મનું પોષણ અને મોક્ષનું દ્વાર ઉધાડુ કેમ થાય ?
મુખ્ય મુદ્દા :
૧. ભગવાન પાસે પહોંચવાના ઉપાયોને ભાગવતધર્મ કહેવાય છે.
ર. એકાંતિક સંતથી તે માર્ગનું પોષણ થાય છે.
૩. જગત આસક્તિ એ મોક્ષમાર્ગ માટે દ્વારબંધી છે.
૪. ભગવાન અને સંતમાં આસક્તિ થાય એટલે મોક્ષના દ્વાર ખુલ્યા કહેવાય છે.
વિવેચન :–
આ વચનામૃત ભાગવત ધર્મના પોષણનું છે. મોક્ષનું દ્વાર ઉઘાડવાનું છે. વચનામૃતમાં મુકતાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે શ્રીમદ્ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યો જે ભાગવત ધર્મ તેનું પોષણ કેમ થાય ? અને જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો : સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભકિત તેણે યુકત ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે ‘પ્રસંગમજરં… મોક્ષદ્વારમપાવૃતમ્।।'(ભા ૩:૨૪:૨૦) જેવો આ જીવને પોતાના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.
હવે એ જોઈએ કે ભાગવત ધર્મ એટલે શું ? તો જે સાધને કરીને મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિ થાય તે સદ્ગુણો કે સત્ક્નિયાઓને ભાગવત ધર્મ કહેવાય. જે સાધનો કરવાથી અક્ષરધામને પામીને મહારાજની સેવામાં રહેવાય તેને ભાગવત ધર્મ કહેવાય છે. આત્મનિવેદીભાવથી ભગવાનને સર્વસ્વ સર્મપણ કરવું, ભગવાનની નવધાભકિત કરવી, સત્સંગ કરવો વગેરે ભાગવત ધર્મ છે. મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભકિત એ ચાર સાધનોને ભાગવત ધર્મ કે એકાંતિક ધર્મ કહ્યો છે. ચારેય પૂરા હોય ત્યારે ભાગવત ધર્મ પૂરો ગણાય, ખામી હોય ત્યાં સુધી અધૂરો ગણાય.
એવો જે ભાગવત ધર્મ તેનું પોષણ કેમ થાય ?
તો એવા એકાંતિક સત્પુરુષના પ્રસંગે કરીને ભાગવતધર્મનું પોષણ થાય છે અને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. મોક્ષનું દ્વાર એટલે શું ? અક્ષરધામમાં શું મજબૂત ગેઈટ અને લોક એન્ડ કી ની વ્યવસ્થા છે કે બારણું ખોલવાની જરૂર પડે છે ? ત્યાં દ્વાર એટલે શું ? ‘પ્રસંગમ્અજરમ્પાશમ્’ આ જીવને દેહ અને દેહ સંબંધીમાં આસક્તિ છે તે લોખંડના કમાડ જેવી મજબૂત છે. લોખંડના કમાડ તો જૂના થાય ખરા પણ આ આસક્તિ અજર એટલે કયારેય જૂની જ નથી થતી. નિત્ય નવી ને નવી કૂંપળો કાઢતી રહે છે. માટે તે કમાડ છે તે કોઈ રીતે ખુલે નહિ તેવું છે. તે કયારે ખુલે ? તો ભગવાનના એકાંતિક સાધુનો પ્રસંગ થાય ને કુટુંબનો પ્રસંગ તૂટે ત્યારે બારણું ખુલ્લું થાય છે.
અહીં એક એ પણ વિચારવા જેવું છે કે ‘પ્રસંગમજરમ્પાશમ્’ એ શ્લોક અને ‘યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુકે’ એ શ્લોકમાં કલ્યાણને માટે પ્રથમ આસક્તિ કરવાનું સ્થાન ભગવાનના સાચા એકાંતિક બતાવ્યા છે. વળી તે બન્ને વ્યાસ ભગવાને બતાવ્યા છે, કેવળ મહારાજ જ કહે છે એમ નથી. મહારાજ પણ તે જ બતાવે છે. તેમાં વિચારવાનું એ છે કે પરમ આસક્તિનું કેન્દ્ર તો મહારાજ જ હોવા જોઈએ તો મહારાજ સંતને કેમ બતાવે છે ? કારણ તો શું હોય તે મહારાજ જાણતા હશે પણ બતાવ્યા છે તે હકીકત છે અને એટલું તો જરૂર કે કલ્યાણના માર્ગમા ભગવાનના એકાંતિક સાચા સંતમાં શ્રદ્ધા, આસક્તિ થવી એ કલ્યાણનું બીજાધાન છે અને તેમાં સંપૂર્ણ હેત થાય તો તેને પરમાત્મામાં જરૂર હેત થઈ જ જાય છે એમાં કોઈ શંકા નથી.
પેલા સાચે જ સંત હોય અને આને પવિત્ર ભાવે પ્રસંગ કર્યો હોય તો તો કોઈ ફેર જ નથી. જ્યારે ભગવાનમાં કદાચ હેત હોય ને સંત સાથે વાંધો હોય તો કલ્યાણનું કામ બગડી જાય છે. એવા ઉદાહરણો છે. તેથી કલ્યાણનું કેન્દ્ર સાચા સંત છે. સંત એ ભગવાન નથી પણ તેની પ્રતિકૃતિ છે. તે ભગવદ્ભાવે સેવવા યોગ્ય છે. બીજી બાજુ સંતનું પણ એ જ તાન હોય છે કે જીવ ભાવનાથી નજીક થયો છે, તો તેને ભગવાનમાં જોડવો. અજાણ્યો મુમુક્ષ ભાવનાથી નજીક થાય અને તેનો આ લોકનો લાભ ઉઠાવી લે અને મુમુક્ષુને કિલ્લે બાંધી લે તો તે સંત પણ ન કહેવાય.
વચનામૃતના બીજા ભાગમાં શુકમુનિનો પ્રશ્ન છે : ગમે તેવો આપત્કાળ આવી પડે તો પણ પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય ? એટલે કે ધર્મની દૃઢતાની ઓળખાણ શું છે ?
ત્યારે મહારાજ કહે : વચનની ખટક રહે, નાનું મોટું વચન લોપી શકે નહીં એવો જેનો સ્વભાવ હોય તેને આપત્કાળ પડે તો પણ તે ધર્મમાંથી ખસે નહિ. ધર્મ દૃઢતામાં પકડની જરૂર હોય છે. આસ્થા અને શ્રદ્ધાની જરૂર હોય છે. તેમાં કયારેક ઉદાર સમજણ ધર્મને શિથિલ બનાવી દે છે. તેનો ખટકો ઢીલો કરી નાખે છે કે કાંઈ વાંધો નહિ. બીજું, આપણે કલ્યાણના માર્ગનું ઘણું કરીએ છીએ. કદાચ આમાં થોડું ઓછું થયું તો શું થયું ? એવી અયોગ્ય ઉદાર સમજણવાળાને ધર્મ દૃઢ થાય નહિ. તેને મહારાજે કહી તેવી ખટક પણ ન રહે. માટે દૃઢતા પણ ન થાય એટલે તો ધર્મિષ્ઠ પુરુષો પાસે આચરણના વિકલ્પ હોતા જ નથી. આમ કરવું જ એવી દૃઢતા જ હોય છે. તેથી ધર્મની દૃઢતા કયારેક કહેવાતા ઉદાર સમજણવાળાને જડતા લાગે છે અને કયારેક ધર્મની દૃઢતાને નામે જડતા પેસી પણ જાય તે પણ જોવા જેવું ખરુ. દૃઢતા જરૂરી છે પણ જડતા નહિ. વળી દૃઢતાની જેને ખટક હોય તેનો જ સત્સંગ પણ દૃઢ રહે છે.