ગપ્ર–પ૦ : કુશાગ્ર બુદ્ધિવાળાનું

પ્રતિપાદિત વિષય :

બુદ્ધિ ભેદ અને તેની કુશાગ્રતા.

મુખ્ય મુદ્દો :

આત્મકલ્યાણનો માર્ગ સૂઝે તે બુદ્ધિની સાચી કુશળતા.

વિવેચન :–

આ વચનામૃત કુશાગ્રબુદ્ધિનું છે. મહારાજ કહે જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની(પરમાત્માની) પ્રાપ્તિ થાય છે. ‘દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ'(કઠોપ. ૧૩૧૧) એમ કહ્યું છે. તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કુશાગ્રબુદ્ધિ કહેવાય કે નહિ ? અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ?

ત્યારે સંતોથી ઉત્તર ન થયો. એટલે મહારાજ બોલ્યા જે કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહિ તથા કેટલાક શાસ્ત્ર પુરાણના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણના અર્થે જતન કરે નહિ. કેટલાક રાજનીતિમાં, કેટલાક ધન કમાવવામાં ખૂબ નિપુણ હોય તો પણ પોતાના કલ્યાણના માર્ગમાં પ્રયત્ન ન કરતા હોય તેને કુશાગ્ર બુદ્ધિવાળા ન કહેવાય. તેને તો જાડી બુદ્ધિવાળા કહેવાય.

કુશાગ્રબુદ્ધિ એટલે શું ?

બુદ્ધિસ્તાત્કાલિકી જ્ઞેયા મતિરાગામીગોચરા ।
પ્રજ્ઞાં નવોન્મેષશાલિની પ્રતિભાં વિદુઃ ।

અને

શુશ્રૂષા શ્રવણં ચૈવ ગ્રહણં ધારણં તથા ।
ઉહાપોહોડર્થ વિજ્ઞાનં ચ ધીર્ગુણાઃ ।।

શ્રોતું–ઈચ્છા શુશ્રૂષા, શ્રવણં–આકર્ણનં, ગ્રહણં–શાસ્ત્રાર્થ ઉપાદાનં, ધારણં–અધીતસ્ય અવિસ્મરણં,

ઉહઃ–પૂર્વપક્ષઃ, અપોહઃ–સમાહૃતસ્ય ઉપરિ ધ્યાનં, તત્વજ્ઞાનં–પરમાર્થ સ્વરૂપં ઈતિ ધીઃ ગુણાઃ।

આ અને આવા બીજાં અનેક શાસ્ત્ર વચનોના આધારે કુશાગ્રબુદ્ધિ એટલે એક તો તાત્કાલિક સમાધાન શોધવાની શક્તિ અને નવીન નવીન માર્ગો શોધવાની શક્તિ વગેરે કુશાગ્રબુદ્ધિનાં લક્ષણો કહેવાય.

કાર્યનો ફટકાર લાગ્યા પછી આંખ ઉઘડે અને સમાધાન દેખાય તો મંદબુદ્ધિ કહેવાય.                

ચાલુ કાર્યે ભાન થઈ જાય કે આનું ફળ સારું નહિ આવે અને સુધારી લે તો મધ્યમ બુદ્ધિ કહેવાય.

કાર્ય થયા પહેલાં તેના માનસિક ઉદ્‌ગમથી જ તેનું ફળ શું આવશે એમ વિચારી ભવિષ્યનું માપ કાઢે તો તે કુશાગ્રબુદ્ધિ કહેવાય.

જેમ વ્યાપાર–બિઝનેસ કરવો હોય તો તેને માટે M.B.A. અભ્યાસ અથવા એવા બીજા અભ્યાસો હોય છે. તેના વિશેષ નિષ્ણાતો હોય છે. તેઓ પ્રથમ ભૂતકાળ અને વર્તમાન સ્થિતિનું સર્વેક્ષણ કરીને બજારના ભવિષ્યનું સાચુ માપ કાઢે, પછી બિઝનેસ કરે છે. જેથી તેમાં સફળતા મળે છે. સારા નિષ્ણાતો હોય તો વર્ષ, બે વર્ષ કે પછી પાચ–પચ્ચીસ વર્ષ કે સો વર્ષ પછીની વ્યાપારી પરિસ્થિતિને સારી રીતે જોઈને અત્યારથી તેની તૈયારી કરે તેને આપણે બુદ્ધિશાળી કહીએ છીએ.

મહારાજ કહે છે કે, જેમ વ્યાપારમાં નિષ્ણાતો બજારનું માપ કાઢે છે કે અપ થશે કે ડાઉન થશે, તેમ માણસો પોતાના જીવની ગતિનું માપ કાઢતા નથી કે ભવિષ્યનો વિચાર કરતા નથી. ડાહ્યા હોય તો પણ આવું વિચારતા નથી કે મૃત્યુ પછી મારા જીવની સ્થિતિ ડાઉન થશે કે અપ થશે. અર્થાત્‌મરીને હું પશુમાં જઈશ, દેવતા થઈશ કે ધામમાં જઈશ એનું માપ કોઈ કાઢતું નથી. માટે બીજા ગમે તેટલા માપ કાઢે અને પોતાના જીવના કલ્યાણનું ન વિચારે તેા તે જાડી બુદ્ધિ કહેવાય.

લોકમાં જેટલું લાંબું ભવિષ્ય જોઈ શકે તે વધારે બુદ્ધિશાળી કહેવાય. તેવી જ રીતે થોડું વધારે લાંબું, મૃત્યુ પછીની હાનિ–લાભને જુએ તો મહારાજ કહે તેને કુશાગ્રબુદ્ધિ વાળો જાણવો.’નિઃશેષકલ્યાણપર્યાલોચની બુદ્ધિઃ કુશાગ્રા’ બુદ્ધિનું બુદ્ધિપણું તેની ઉહાપોહ ક્ષમતામાં છે અને તે ક્ષમતા તેની કવાયતથી વધારી શકાય છે. જેમ નિર્બળ શરીરવાળો વ્યક્તિ કવાયત કરી શરીર સુદૃઢ કરી શકે છે. તેમ બુદ્ધિની કવાયત કરવાથી બુદ્ધિની ક્ષમતા વધે છે.

બીજો મુદ્દો તે બુદ્ધિની શુદ્ધિ છે. ભગવાન, ગુરુ કે વડીલોના આશીર્વાદથી બુદ્ધિની શુદ્ધિ થાય છે. તેથી કલ્યાણ વિષયની ઉહાપોહ શક્તિ વધે છે કે મારું કલ્યાણ કેમ થાય ? તેનો માર્ગ હાથમાં આવે છે. તે ઉપર ગણાવેલા મહાનુભાવોના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે. કેવળ બુદ્ધિની કવાયતથી શાસ્ત્રોના અર્થો તથા વ્યવહારની કાબેલિયત તો પ્રાપ્ત થાય છે, પણ મોક્ષબુદ્ધિ નથી આવતી. કારણ કે બન્ને અલગ–અલગ છે.

વ્યવહારમાર્ગમાં દૂરદર્શી બનવું કે શાસ્ત્રોના ગહન અર્થોને હાથ કરવા તે અભ્યાસથી પણ હાથ કરી શકાય છે, પણ મૃત્યુ પછી પોતાના આત્મકલ્યાણના નિર્ણય માટે તો મોટાના આશીર્વાદ કામ આવે છે. આશીર્વાદથી કલ્યાણનો માર્ગ પકડવાની અને ચાલવાની જીવમાં શક્તિ આવે છે. જયારે શાપથી કલ્યાણના માર્ગમાં ચાલવાની શક્તિ હોય તો પણ લુપ્ત થઈ જાય છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે : ઘણા ડાહ્યા હોય અને મોટા મોટામાં ભૂલ કાઢે એવા હોય તો પણ કલ્યાણના માર્ગમાં કેમ ચાલતા નથી ? અને કેટલાક તો એવા ડાહ્યા ન હોય તો પણ કલ્યાણના માર્ગે ચાલે છે તો તેનું કારણ શું ? તો તેના ઉત્તરમાં મહારાજે કહ્યું છે કે તેને કોઈનો ફટકાર લાગ્યો છે. ગરીબને દુઃખવ્યા હોય, માબાપ કે ગુરુ કે કોઈ સાચા ભક્તની આંતરડી કકળાવી હોય તેનો જીવ વૃંદલ જેવો નકામો થઈ જાય છે. માટે કલ્યાણના માર્ગે ચાલવા માટે સંતો–ભક્તોના આશીર્વાદ એ અકસીર દવા છે. તેનાથી બુદ્ધિમાં મહારાજે કહી એવી કુશાગ્રતા આવે છે.