પ્રતિપાદિત વિષય :
ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણવા.
મુખ્ય મુદ્દા :
૧. જે શાસ્ત્રની જે વાતમાં મુખ્યતા હોય તે વિષયના જ્ઞાનમાં તેનું ગ્રહણ કરવું.
ર. ચારેય શાસ્ત્રોનું સંકલન કરીને ભગવાનનો મહિમા સમજવો.
વિવેચન :–
શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં મોક્ષધર્મની કથા વંચાવતા હતા. તેમાં એમ આવ્યું કે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર આ ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુકતાનંદસ્વામીએ પૂછયું : હે મહારાજ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ સમજવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે ?
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા : સાંખ્યશાસ્ત્ર ચોવીસ તત્ત્વ અને પચીસમા ભગવાનને કહે છે. જેમ ચોવીસ તત્ત્વ ભગવાન વિના કાંઈ કરી શકવા સમર્થ નથી માટે તેને તત્ત્વ ભેળા જ ગણી લીધા છે. માટે સહજ અભ્યાસથી જીવાત્મા અલગ સમજાતો નથી. ઝાઝી ચોવીસ તત્ત્વની મીમાંસા કરી છે. માટે જીવાત્મા અલગ જો ન સમજાય તો પછી સાધન કોને માટે ? એ તેમાં ખામી આવે છે.
જ્યારે યોગશાસ્ત્ર છે તે સાંખ્યથી તત્ત્વની બાબતમાં એક કદમ આગળ ચાલીને ચોવીસ તત્ત્વ અને તેનાથી જીવ–ઈશ્વરને પૃથક્માનીને પચીસમા કહે છે અને તેનાથી પર છવીસમા ભગવાનને કહે છે ને મૂર્તિમાન કહે છે. આ ચોવિસ તત્ત્વથી પોતાના જીવાત્માને પૃથક્માનીને છવીસમા ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. તેમાં એકદેશસ્થપણું આવે છે. કારણ કે ધ્યાન એ તો એકદેશસ્થ સિવાય થાય નહિ. ધ્યાન સહજપણે દેશના સંકોચના સિદ્ધાંતને માને છે માટે તે ખામી આવે છે.
જ્યારે વેદાંત શાસ્ત્ર ખાસ કરીને શુષ્ક વેદાંત ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, નિરંજન કહે છે. જેમાં આકાર ગૌણ થઈને નિરાકારનું પ્રતિપાદન થઈ જાય એ ખામી છે.
જ્યારે પંચરાત્ર શાસ્ત્ર ખાસ કરીને અવતાર, ધામો, તેમની સમૃદ્ધિ તથા અર્ચાર્ઓની ભકિતની જે વિધિ તેનું પ્રતિપાદન કરે છે. જેમાં ભગવાનમાં પ્રાકૃતતા તથા મનુષ્યભાવ આવી જાય તેવી પદ્ધતિ હોવાથી સહજ તે ભાવ આવી જાય છે એ તેની ખામી છે.
આમ સાંખ્ય મતમાં જીવાત્માને નોખો કહ્યો નથી. જો પચીસમો પોતાનો આત્માને સમજે તો પચીસમા તો ભગવાન છે. માટે સમાન થઈ જાય એ ખામી છે. યોગમાં મૂર્તિમાન સમજતાં પરિચ્છિન્ન–સીમિત સમજાઈ જાય છે. વેદાંતમાં નિરાકાર સમજાય છે. પંચરાત્રમાં મનુષ્યભાવ આવી જાય છે. આ ખામીઓ એક શાસ્ત્ર બીજા શાસ્ત્રની ખામી દૂર કરે છે. માટે ખોટ આવતી નથી ને ભગવાન યથાર્થ સમજાય છે. ખરેખર તો સાંખ્ય, જીવની શુદ્ધિનું શાસ્ત્ર છે. જ્યારે વેદાંત, એ પરમાત્માનો મહિમા સમજવાનું શાસ્ત્ર છે. પંચરાત્ર ભકિતમાં રીતિ તથા પરમાત્માને સેવવાનું શાસ્ત્ર છે. જે શાસ્ત્રની જે વાતમાં (વિષયમાં) પ્રધાનતા હોય તેટલા વિષય પૂરતું તે વધારે પ્રમાણિત ગણાય. પણ એક વાત ઊંચી હોય તેથી દરેક વાતમાં પ્રમાણરૂપ છે એમ ન મનાય.
શાસ્ત્રમાં તેને ‘તટાકોપ ન્યાય’ કહેવાય છે. જેમ સરોવરને કિનારે ગયા. ખૂબ સુંદર પાણી છે પણ કિનારે શેવાળ, દેડકાં વગેરે પણ છે. તો પાણીનો ઉપયોગ–ગ્રહણ કરાય પણ પાણી સારું અને તેનાં વખાણ કર્યાં એટલે સાથે દેડકાં અને શેવાળને પણ લેવો જ પડે એમ નથી. એમ જીવાત્માની શુદ્ધિ માટે સાંખ્યશાસ્ત્રની યુકિતઓ ખૂબ સારી છે, પણ પરમાત્મા વિષે તેનો અભિપ્રાય પ્રમાણિતરૂપ ન માની લેવાય.
મહારાજે તેની જે ખામીઓ પણ બતાવી તેનાથી તો ખાસ ચેતવું. તો કલ્યાણના માર્ગમાં તેનો સારો લાભ લઈ શકાય. તેમ યોગની સાધન પ્રક્રિયા ખૂબ જ સજ્જડ છે. તે પરમાત્માને લક્ષ્યમાં રાખીને ચાલે તો સારો ફાયદો થાય. જ્યારે વેદાંતશાસ્ત્રની પરમાત્માના મહિમા કથનમાં મુખ્યતા છે. તે મહિમાને લક્ષ્યમાં રાખી પરમાત્માની ઉપાસના કરે તો સારો ફાયદો થાય. પંચરાત્ર શાસ્ત્ર ભકિત માટે પ્રમાણિત છે. તેથી ભકિત કરવાની રીતિ તેમાંથી ગ્રહણ કરવી. તો ભગવાન જલ્દી રાજી થાય. જે તે રીતમાં મહારાજે વચનામૃતમાં કહ્યા મુજબ તે સહજ દોષો લાગેલા છે તેનો ત્યાગ કરવો. માટે સાંખ્યની પદ્ધતિ પ્રમાણે તત્ત્વથી પોતાના આત્માને પૃથક્અને શુદ્ધ માની યોગની પદ્ધતિથી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું અને તે મૂર્તિનો મહિમા શું છે ? તેમાં વેદાંતની શ્રુતિઓનું અનુસંધાન રાખવું. જયારે તેમાં પ્રેમભકિત–સેવન પંચરાત્ર પ્રમાણે કરવું. તો મહારાજ કહે પૂરો જ્ઞાની કહેવાય, નહિ તો અધૂરો જ્ઞાની કહેવાય.