ગપ્રગપ્ર–૪ર : વિધિ – નિષેધનું

પ્રતિપાદિત વિષય :

આત્મકલ્યાણના માર્ગના વિધિ–નિષેધનું સ્પષ્ટીકરણ.

મુખ્ય મુદ્દા :

વિધિ–નિષેધની અતિશય દૃઢતા જરૂરી.

વિવેચન :–

સંતો–હરિભકતોની સભામાં વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા : ‘વિધિનિષેધ મિથ્યા છે… એક બ્રહ્મ જ સભર ભર્યોર્ર્ર્ર્ છે તે સત્ય છે’ તે શું સમજીને કહેતા હશે ? શંકરાચાર્યે તો વિધિનિષેધનું પ્રતિપાદન કર્યુ છે. તેને શું જ્ઞાન નહિ હોય ? માટે તે તો કેવળ મૂર્ખાઈથી બોલે છે એમ જણાય છે. વિધિ નિષેધ મુખ્યત્વે વર્ણાશ્રમને આધારિત છે. અને વિધિનિષેધને મિથ્યા કહ્યા છે તે તો સ્થિતિના બળે કહ્યા છે. નિર્વિકલ્પ સ્થિતિને પામ્યો હોય તેને એમ જણાય કે કાંઈ નથી, પણ એનાથી બધું મિથ્યા છે એવું નથી.

જો વિધિનિષેધ ખોટા હોય તો જેટલા ત્યાગી પરમહંસો થયા તે સર્વને વિષે જડભરત શ્રેષ્ઠ છે. પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વમાં જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વ જન્મમાં ૠષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજયનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો. તેમને મૃગનો જન્મ લેવો પડયો ને મૃગના આકારને પામ્યા. બીજું પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો સર્વે ભગવાનની માયાને તરી ગઈ ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું ધામ તેને પામી. તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્‌ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. માટે ગમે તેવો મોટો હોય તેનું કુસંગે કરીને ભૂંડું જ થાય ને ગમે તેવો પાપી જીવ હોય તેનું સત્સંગે કરીને રૂડું જ થાય છે.

અત્રે વિશેષ બાબત એ છે કે શ્રીજી મહારાજે વિધિનિષેધ ઉપર વાતની શરૂઆત કરી. તે પણ નહાવું, ધોવું, સ્પર્શાસ્પર્શ તથા રોટી–બેટીના વ્યવહારરૂપ છે. એ બધામાં વિધિનિષેધ વિશેષ કરીને હોય છે. અહી એ વિચારણીય છે કે શ્રીજી મહારાજે જે બન્ને દૃષ્ટાંત આપ્યા તેમાં ગોપીઓએ તો મર્યાદા લોપીને પ્રેમ કર્યો તો શો વિધિ પાળ્યો ? જયારે ભરતજીએ મૃગ ઉપર દયા કરી તેમાં વર્ણાશ્રમનો કયો વિધિ લોપાયો ? તેથી શ્રીજી મહારાજે બન્નેને વચનામૃતના દૃષ્ટાંત તરીકે શા માટે લીધા ?

તો એનું સમાધાન એ છે કે વિધિનિષેધમાં એક તો વર્ણાશ્રમ સંબંધી વિધિનિષેધ અને બીજો આત્મકલ્યાણના માર્ગમાં વિધિનિષેધ. ગોપીઓએ વર્ણાશ્રમનો વિધિ લોપ્યો હતો પણ આત્મકલ્યાણના માર્ગનો વિધિ લોપ્યો ન હતો. કલ્યાણના માર્ગનો વિધિ મુખ્ય છે : ઉત્તમ વ્યકિતનો સંબંધ અને સત્સંગ. નિષેધ છે અસત્‌વ્યકિત કે વસ્તુનો સંબંધ કે સંગ. ગોપીઓને પરમાત્માનો સંગ હતો તો સત્સંગ હતો. વિધિ અને નિષેધ ક્રિયારૂપ પણ છે અને વ્યકિતરૂપ પણ છે.

કલ્યાણના માર્ગ માટે વિધિ : પરમાત્માની આજ્ઞામાં રહેવું ને સત્સંગ કરવો એ છે. જે ક્રિયાવિધિ કરતા વધારે પરિણામ લાવનારો થાય છે. અને નિષેધ માટે કુસંગ એ પાપક્રિયા કરતા વધારે અધોગતિ આપનારો થાય છે. સ્વામીની વાતોમાં કહ્યું છે કે અસત્‌પુરુષમાં અશુભ દેશકાળાદિ આઠે આઠ આવી જાય છે. વચ.ગ.પ્ર.ર૯મા મહારાજ કહે છે કે તમારી જેવા (ગોપાળાનંદ સ્વામી પ્રત્યે) સત્પુરુષનો સંગ હોય તો ક્રિયા પણ રૂડી જ થાય, દેશાદિ પણ રૂડા થઈ જાય છે.માટે વ્યકિતના સત્સંગ, કુસંગ, વિધિનિષેધની અસર ક્રિયાના જેટલી થતી નથી. મહારાજ કહે થોડે કે ઝાઝે સત્સંગે કરીને સારું જ થાય છે. કુસંગે કરીને ભૂંડુ જ થાય છે. માટે વિધિનિષેધ સાચા છે ને દરેકને આચરવા યોગ્ય છે.