પ્રતિપાદિત વિષયઃ
સદા સુખી રહ્યાનો ઉપાય.
મુખ્ય મુદ્દાઃ
૧.વૈરાગ્ય ધર્મથી ઈન્દ્રિયો જીતીને વશ કરવી.
ર.ભક્તોમાં પ્રીતિ,મિત્રતા, અને રુચિ રાખવી.
૩.ભક્તો થકી મન નોખું ન પડવા દેવું, ઉદાસ ન થવા દેવું.
વિવેચન :–
આ વચનામૃત સદા સુખી રહ્યાનું છે. શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછયો છે. જે ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેણે કરીને સદા સુખી રહેવાય ? પ્રશ્ન સીધો છે. તો પણ મહારાજે જે ઉત્તર કર્યો છે તે ઉપરથી સત્સંગમાં સદા સુખી રહ્યાનો ઉપાય કયો છે એમ સમજવાનું છે. કારણ કે સામાન્ય રીતે સદા સુખી રહેવાનો ઉપાય તો એકલો વૈરાગ્ય જ પૂરતો છે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ‘એક વૈરાગ્ય બીજી વજ્રમણિ તેને તપાવી ન શકે કોઈ તાપ’ તદ્ઉપરાંત કદાચ લેવો હોય તો ધર્મની દૃઢતા પણ સુખી થવા માટે ઠીક જરૂરી છે. સંતોષ વગેરે સાધનો સુખી થવા માટે પૂરતાં છે. તો મહારાજે જે ઉત્તરમાં ભગવાન ને ભગવાનના ભક્તમાં અતિશય પ્રીતિ, મિત્રભાવ, સંગ વગેરે બતાવ્યા છે; તે સત્સંગ, જેને સદા સુખદાયી બનાવવો હોય તેને માટે ખૂબ જરૂરી છે. સત્સંગની મહાનતાનો ફાયદો જેને ઉઠાવવો છે તથા શાસ્ત્રમાં કહેલું જે સત્સંગનું મહા સુખ છે તેને સદા પામવાની ઈચ્છા છે તેને માટે મહારાજે આ બધાં સાધનો ગણાવ્યાં છે. માટે સત્સંગમાં સદા સુખી રહેવાનો શો ઉપાય છે ? અથવા તો એમ કહો કે કેવી વ્યક્તિને સત્સંગ સદા સુખદાયી થાય ?
મહારાજ તેના ઉત્તરમાં કહે છે કે એ ભક્તને એક તો દૃઢ વૈરાગ્ય હોય તથા બીજો અતિશય દૃઢ સ્વધર્મ હોય અને એ બે સાધને કરીને જેણે પોતાની ઈન્દ્રિયો જીતીને પોતાને વશ કરી હોય તે જ સદા સુખી રહી શકે છે. મહારાજ કહે છે કે ઉપરનાં બે સાધનોથી જેને પોતાની ઈન્દ્રિયોને જીતીને વશ ન કરી હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહિ. જ્યારે ભક્તિ કરતો હોય ને ઈન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે હરિભક્તના હૃદયમાં અતિશય દુઃખ થાય છે. માટે ભગવાન ને ભગવાનના ભક્તના સંગે રહ્યો થકો પણ દુઃખી થઈ જાય છે. માટે ઈન્દ્રિયો જીતવા માટે વૈરાગ્ય ને ધર્મ અતિ જરૂરી છે અને ત્યારે જ સુખી રહી શકાય. એવો હોય ને પછી તેને ભગવાન ને ભગવાનના ભક્તમાં અતિ પ્રીતિ હોય, તેની સાથે અતિ મિત્રતા વર્તતી હોય અને તેનો સંગ અતિ ગમતો હોય તો તેને સત્સંગ સુખદાયી થાય. નહિ તો વૈરાગ્યવાન હોય, ધર્મવાળો હોય તો પણ તેને સત્સંગ દુઃખદાયી લાગવા લાગે.
જ્યાં સુધી ભગવાનની વિચારધારા અને ભગવાનના શ્રેષ્ઠ ભક્તોની વિચારધારામાં રુચિ–પ્રીતિ ન થાય ત્યાં સુધી સત્સંગનું સુખ કે ભગવાનનું સુખ; વૈરાગ્ય, ધર્મની હાજરીમાં પણ આવી શકતું નથી. ધર્મ, વૈરાગ્ય દુઃખ અંદર ન પ્રવેશ કરે તેને માટેનાં સાધન છે, પણ ભગવાનનું અને સત્સંગનું સુખ આવવાનાં દ્વાર તો ભગવાન અને ભગવાનના ભક્તમાં પ્રીતિ છે. તેનું સુખ સદા મેળવવા માટે તેની વિચારધારામાં વિલીન થયા વિના શકય બનતું નથી. વૈરાગ્ય અને ધર્મ તે બન્ને સદ્ગુણો હોવા છતાં જો ભગવાન તથા તેના ભક્તમાં પ્રીતિ ન હોય તો આવરણરૂપ બનીને સત્સંગ કે ભગવાનના સુખથી વંચિત રાખી દે છે. ભગવાન ને ભગવાનના ભક્તમાં પ્રીતિ, મિત્રતા વગેરે હોય પણ જો પેલા બે ધર્મ અને વૈરાગ્યરૂપી સાધનોથી ઈન્દ્રિયો વશ ન કરી હોય તો તે ભક્ત કયાંય સુખ ન પામે. માટે આ લોક પરલોકમાં સદા સુખી રહેવા માટે મહારાજે અહીં કહ્યા જે ઉપાયો તે પૂર્ણ છે.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે હે મહારાજ ! ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિધ્ન છે ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો. ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિમાં એ જ મોટું વિધ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહિ ને ભગવાન ને ભગવાનના ભક્ત થકી મન નોખું પડી જાય. બેપરવાઈ થઈ જવાય. એ જ અતિશય મોટું વિધ્ન છે. ભગવાનની ભક્તિ છે તે સ્વપ્રધાન નથી પણ’પર'(પરમાત્મા તથા તેના ભક્ત)પ્રધાન છે. જો સદાય પોતાની ગૌણતા રહે અને તે બેની મુખ્યતા રહે તો જ ભક્તિ અખંડ જળવાઈ રહે. જો પોતાનું વ્યક્તિત્વ ગુણવાન હોય ને પ્રધાનત્વ પકડી લે તો ભક્તિ વિલીન થઈ જશે, નાશ થઈ જશે. ગુણવાન હોવું વિધ્નરૂપ નથી, પણ ભક્તો પ્રત્યે સ્વપ્રધાનતા અને ભક્તોની ગૌણતા આવે તો કયારેય પણ ભક્તિ જીવિત રહી શકતી નથી. માટે મહારાજ કહે કે તે અતિશય મોટું વિધ્ન છે.