પ્રતિપાદિત વિષયઃ
શ્રીજી મહારાજના અંતરનો સિદ્ધાંત.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાન તથા સંતમાં આત્મબુદ્ધિ.
ર.ભગવાન તથા સંતનો દૃઢપણે પક્ષ.
૩.પોતાના મનને ભગવાનના સ્વરૂપમાં રાખવું.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે કહે છે કે અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એક તો ભગવાન અને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ કરવી. બીજું ભગવાનના ભક્તનો દૃઢ પક્ષ રાખવો જોઈએ. ત્રીજું પોતાનું મન પરમેશ્વરના ચરણારવિંદમાં દૃઢ કરીને રાખવું અને ચોથું છતે દેહે જ હું ધામમાં રહ્યો છું એવી દિવ્ય ભાવના સાથે જીવન જીવવું. મહારાજ કહે એ અમારો સિદ્ધાંત છે. આ વચનામૃતને વજ્રની ખીલીનું વચનામૃત કહેવાય છે. તેનો ભાવ એ છે કે આ ચારે વાતની દૃઢતા વજ્રની ખીલી જેવી કરી રાખવી. એવો મહારાજના અંતરનો સિદ્ધાંત છે.
મહારાજ કહે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને ભગવાન અને ભગવાનના સાધુ તેનાથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી, એવું અંતરમાં મનાય ત્યારે જ આત્મબુદ્ધિ થાય છે. દેહ પોતે નથી પણ તેને સુખરૂપ મનાયો છે તેથી સૌથી વધારે આત્મબુદ્ધિ દેહમાં છે. તેમ ભગવાન અને સાધુમાં જેટલી સુખબુદ્ધિ થશે તેટલી તેમાં આત્મબુદ્ધિ થશે. બીજું તેનો પક્ષ રાખવો. તે જેમ દેહ અને દેહના સંગા સંબંધીનો પક્ષ રાખીએ છીએ એટલે કે તેનો અવગુણ કયારેય આવતો નથી. કયારેય કંટાળો આવતો નથી. સદાય બીજા કરતાં સુખરૂપ જણાયા કરે છે. તેની નિંદા કરતા નથી. તેની જીવિકાનું ધ્યાન રાખીએ છીએ. તેનું રક્ષણ કરવામાં જીવનું જોખમ ઉઠાવીએ છીએ ઈત્યાદિક ક્રિયાઓ હૃદયમાં પડેલા પક્ષની પ્રતિક્રિયાઓ છે. એવી રીતે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ અને દૃઢ પક્ષ રહે તો મહારાજ કહે કે તે ભક્તને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક અંતર્શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. આકરા નિયમ અને તપશ્ચર્યાથી પણ જે દૂર થતા નથી. તે ભક્તમાં આત્મબુદ્ધિ કરવાથી અને પક્ષ રાખવાથી પરાભૂત થાય છે. જ્યારે ભગવાનમાં અને તેના સાચા સંતમાં આત્મબુદ્ધિ થાય છે ત્યારે ભગવાનમાં જે ધર્માદિક રહેલા છે તે સંબંધી સદ્વૃત્તિઓ આ ભક્તના હૃદયમાં ઉદ્ભવ થાય છે અને સદ્ગુણો ઉદય થાય છે. કામાદિક પ્રત્યે શત્રુબુદ્ધિ ઉદય થાય છે કારણ કે ભગવાન હેયપ્રતિભટ્ટ અને કલ્યાણૈકતાન છે. તેમાં આત્મબુદ્ધિ થાય તો તેની વૃત્તિઓ ઉત્પન્ન થવી જ જોઈએ. પછી તે ભક્તને કામાદિકનો નાશ કરવા પ્રયત્ન કે સાધનો કરવા પડતા નથી, સહજ થઈ જાય છે. તેના અંતર્શત્રુ હૃદયમાંથી દૂર હટી જાય છે. આત્મબુદ્ધિ તો ઠીક પણ સાચા ભાવથી ગુણ લેવાથી પણ બળવાન સ્વભાવો દૂર થઈ જાય છે. એવા સત્સંગમાં દાખલાઓ બન્યા છે. આત્મબુદ્ધિ થાય ત્યારે તો થાય જ એમાં નવાઈ નથી.
એવા ભક્તએ પછી પોતાનું મન છે તે પરમેશ્વરના ચરણારવિંદમાં દૃઢ કરીને રાખવું. વજ્રની ખીલીની જેમ જડી દેવું અને હું છતે દેહે ભગવાનના ધામમાં જ છું. ધામમાં રહેનારા મારા ઈષ્ટદેવ અને તેના પાર્ષદોની મને પૃથ્વી પર જ પ્રાપ્તિ થઈ છે. મૃત્યુ પછી જેને પામવા છે તે દેહ છતાં મળી ચૂકયા છે એવા દિવ્ય ભાવ સહિત જીવન જીવવું. આ વાત કયારે શકય બને ? તો પ્રથમ કહી તેવી આત્મબુદ્ધિ, પક્ષ, મમતા જ્યારે મહારાજમાં તથા તેમાં આત્મબુદ્ધિવાળા સંતમાં આત્મબુદ્ધિ, મમતા થાય તો સહેજે જ એવી ભાવના હૃદયથી સ્ફુરણા પામશે અને જો તે નહિ હોય તો માનસિક કસરત ઘણી કરશે તો પણ શકય નહિ બને. અંદરની અધૂરાઈ કસરતથી પૂરવી શકય નથી.
શ્રીજી મહારાજે વચ.ગ.પ્ર.ના પ૬મા કહ્યું છે કે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિક્તિ સમજીને કે કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે હું આત્મ અનાત્માની વિક્તિ કરી લઉં, તો એમ વિક્તિ થતી નથી. એતો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે, પણ તે નિષ્ઠા વિના કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. માટે એવી આત્મબુદ્ધિ થયા વિના દિવ્ય ભાવ હૃદયમા આવવો શકય નથી.