ગઅ-૦૬ : જીવ અને મનની મિત્રતાનું

પ્રતિપાદિત વિષયઃ

જીવ અને મનની મિત્રતા.

મુખ્ય મુદ્દાઃ

૧.ભગવાનની ભક્તિ કોઈ ઉપર ઈર્ષ્યાથી ન કરવી.
ર.લોકોને દેખાડયા સારુ ભક્તિ ન કરવી.
૩.ભક્તિ પરમાત્માને રાજી કરવા, પોતાના કલ્યાણ માટે કરવી.
૪.ભક્તિ કરતાં કોઈ અપરાધ પ્રવૃત્તિ થાય તો બીજાનો વાંક ન કાઢવો પણ પોતાનો જ વાંક સમજવો.

વિવેચન :–

આ વચનામૃત જીવ અને મનની મિત્રતાનું છે. મહારાજ કહે છે કે જીવ અને મન પરમ જીગરજાન મિત્ર છે. એક બીજા માટે સમર્પિત મિત્રો છે. જેમ દૂધ અને પાણી એક બીજા માટે બળી મરે છે એવા મિત્ર છે. જ્યારે દૂધ અને પાણીને ભેગાં કરી અગ્નિ ઉપર મૂકીએ ત્યારે પાણી દૂઘને તળિયે બેસે છે ને પોતે બળે છે પણ દૂધને બળવા ન દે. જ્યારે દૂધ પણ પાણીને ઉગારવા ઉભરાઈ અગ્નિને ઓલાવી નાખે છે. તેવી જ મિત્રાચારી જીવ અને મન વચ્ચે છે.

સામાન્ય રીતે તાત્ત્વિક દૃષ્ટિએ આપણી માન્યતા હોય છે કે દોષો બધા મન, ઈન્દ્રિયોના જ છે. જીવ તો ચૈતન્ય તત્ત્વ છે, શુદ્ધ છે. મહારાજ કહે છે કે દોષોની પ્રવૃત્તિ જીવની મલિનતા વિના કેવળ મનથી કે ઈન્દ્રિયોથી શકય નથી બનતી. પોતાના ઈષ્ટદેવની ભક્તિ કરવામાં પણ બીજા ભક્તો સાથે ઈર્ષ્યા અથવા લોકોને દેખાડવા માટે દંભ કરવો તેમા પણ પોતાના જીવની અંદરની નબળાઈ અને મલિનતા જ કાર્ય કરે છે. ભક્તના હૃદયમાં પડેલી નબળાઈને પોષવામાં જીવનો નબળો મૌન ઈરાદો જ કાર્ય કરી રહ્યો છે. પરમાત્મા ત્યાં સુધી તે ભક્ત ઉપર જોઈએ તેવા રાજી થતા નથી. પરમાત્માનો રાજીપો અંતરના શુદ્ધ ઈરાદાવાળા ઉપર થાય છે. ક્રિયાના અતિરેકથી નહિ. તેથી જ મહારાજ અહીં આ વચનામૃતમાં કહે છે કે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિ કોઈ પણ જાતની નવધા ભક્તિ હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો ભગવાન તે ભક્તિએ કરીને રાજી થતા નથી. કારણ કે ભક્તિ કરનારા ભક્તનો મૌન ઈરાદો શુદ્ધ નથી.

લોકને દેખાડયા સારુ પણ ભક્તિ ન કરવી. તેમ કરે તો પણ ભગવાન રાજી થતા નથી. આ જીવ જેવું અંતરમાં પડેલી ઈર્ષ્યાના પ્રેરણા બળથી, લોક મને સારો કહે અથવા લોકોની આગળ હું શ્રેષ્ઠ દેખાઉં એવી લોક ચાહના માટે પોતાની શક્થિી પણ અતિરેકમાં જઈને ભક્તિ, સત્સંગ કે સદાચરણ કરે છે, તેટલું ભગવાનને રાજી કરવા કરતો નથી. પેલામાં જેવો તેને સ્વાદ આવે છે તેટલું આ તેને મીઠું લાગતું નથી. આ માર્ગે પુરુષાર્થ કરવામાં તેને અહંકાર, ઈર્ષ્યા, દંભ જેટલાં પ્રેરકબળ પૂરે છે તેટલાં ભગવાન કે તેની શુદ્ધ ભક્તિ બળ પ્રેરી શકતી નથી. આ દોષોને પોષવા ખાતર જેટલું જીવ કરી બતાવે છે તેટલું પોતાના કલ્યાણ માટે કરી બતાવી શકાતું નથી. ઘણી વખત ઈર્ષ્યા, દંભ કે અહંકારની ચાનકે ચડેલો જીવ વ્યર્થ પણ વિરાટ પુરુષાર્થ કરી બતાવે છે. તેથી જ મહારાજ અહીં કહે છે કે જે કાંઈ નવધા ભક્તિ કરવી તે પોતાના કલ્યાણના અર્થે કરવી. ભગવાન અને સાચા સંત રાજી થાય તેને અર્થે કરવી.

એક બીજો પણ આ જીવનો સ્વભાવ છે. તે એ છે કે તેને ભગવાનની ભક્તિ કરતા કાંઈક અપરાધ થઈ જાય કે દોષની પ્રવૃત્તિ થઈ જાય તો તેનો વાંક બીજાને માથે નાખવો અને પોતાને અતિ નિર્દોષ ચીતરવાનો જીવમાત્રનો સ્વભાવ છે. મહારાજે તો આ વસ્તુને મૂર્ખતા કહી છે. જીવને એવું કરવામાં પોતાના અહંનું પોષણ થાય છે અને ભારે આનંદ આવે છે. જીવને સારું દેખાવવામાં જ રસ છે. સારું થવામાં બિલકુલ રસ નથી. તેવું કરવાનું તેને કઠિન પડે છે. દોષનો ટોપલો બીજાની ઉપર ઢોળીને ભૂમિતિના દાખલાની જેમ પોતાને અતિ નિર્દોષ સાબિત કરવા પાછળ પોતાની ગજા ઉપરની શક્તિ ખર્ચે છે, પણ એનાથી અર્ધી શક્તિ પણ સારું થવા માટે ખર્ચવામાં અતિ દુઃખ દર્દ થાય છે. મહારાજ કહે આ તેની કેવળ મૂર્ખતા છે. મૂર્ખતા એટલા માટે છે કે પોતાના લાભમાં પ્રવૃત્તિ નથી, રસ નથી ને ગેરલાભમાં અતિ વેગ છે.

મહારાજ કહે ‘મને બીજાએ ભૂલાવ્યો, મારામાં વાક નથી એમ કહેનાર મહા મૂર્ખ છે.’ કોઈ કહે જે તું ‘કૂવામાં પડય’ તો આપણે નથી પડતા. તો કોઈની પ્રેરણાથી આમ કેમ થાય છે ? તેનું કારણ મહારાજ કહે તેના જીવની અંદરની મલિનતા છે. તેથી માયાના દોષોથી મલિન પ્રવૃત્તિમાં તેને આનંદ આવે છે. મહારાજ કહે છે કે પોતાના મનનો કે ઈન્દ્રિયોનો વાંક કાઢવો તે પણ મૂર્ખતા છે. મન અને જીવને તો પ્રથમ કહી તેવી મિત્રતા છે. તે જીવને ન ગમે તે મન કરતું નથી. જીવમાં થોડો નબળો મૌન ઈરાદો છુપાયેલો હોય ત્યારે જ તે પ્રવૃત્તિ જીવની નજર સામે થવી શકય છે. જો પોતાનો જીવ અતિ શુદ્ધ અને પાપરહિત હોય તો અધર્મની વાર્તા કોઈ માણસ કહે અથવા મન કહે તો માને નહિ. માટે જ્યારે મનમાં સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય અથવા સદાય અયોગ્ય પ્રવૃત્તિ ચાલુ રહેતી હોય ત્યારે પોતાના જીવનો વાંક સમજવો, પણ એકલા મનનો વાંક ન સમજવો. જો પોતાનો જીવ શુદ્ધ હોય અને શુદ્ધ ઈરાદો હોય ને નબળો ઘાટ થાય ત્યારે અંતરમા દાઝતું હોય તો ફરી તેને તે ઘાટ કે પ્રવૃત્તિ થવી શકય નથી. માટે મહારાજ કહે એવી રીતે સમજે તો તેને કોઈનો તથા પોતાના મનનો પણ કુસંગ લેશ માત્ર અડી શકે નહીં અને નિર્વિધ્ન થકો ભગવાનનું ભજન કરે.