ગઅ-૦૫ : માહાત્મ્યયુક્ત ભક્તિનું

પ્રતિપાદિત વિષયઃ

કઈ ભક્તિમાં વિધ્ન નડે અને કઈ ભક્તિમા વિધ્ન ન નડે.

મુખ્ય મુદ્દાઃ

૧.માહાત્મ્ય સહિત ભક્તિમાં વિધ્ન આવતું નથી.
ર.શુક સનકાદિક જેવા મોટા પુરુષની સેવા અને પ્રસંગથી માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે.
૩.ભક્તિ કરવામાં નિર્દોષતા કરતાં પણ ઈષ્ટદેવમાં અનન્યગતિકતા વધુ મહત્ત્વની છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. ‘ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિધ્ન ન થાય એવી તે કઈ ભક્તિ છે ? અને જે ભક્તિમાં કંઈક વિધ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે ?’ ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો. ભાગવતના તૃતીય સ્કંધમાં માતા દેવહૂતિએ કપિલ ભગવાન પ્રત્યે કહ્યું છે જે…

યન્નામધેયશ્રવણાનુકીર્તનાદ્યત્‌પ્રહ્વણાદ્યત્સ્મરણાદપિ ક્વચિત્‌।

શ્વાદોપિ સદ્યઃ સવનાય કલ્પતે કથં પુનસ્તે ભગવન્નુ દર્શનાત્‌।।ભાગ.૩/૩૩/૬।।

જે ભગવાનનું નામ સાંભળવાથી, કીર્તનથી, સ્મરણથી અંત્યંજ પણ યજ્ઞ કરવાની પવિત્રતાને પામી જાય છે. તો તે સાક્ષાત્‌ભગવાનના દર્શનથી પવિત્ર બની જાય એમાં શું કહેવું ?

અહો બત શ્વપચોતો ગરીયાન્‌યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ્‌।

તેપુસ્તપસ્તે જુહુવુઃ સસ્નુરાર્યા બ્રહ્માનૂચુર્નામ ગૃણન્તિ યે તે ।।ભાગ.૩/૩૩/।।

જેની જીહ્વાએ હે ભગવાન તમારું નામ જપાઈ રહ્યું છે તે શ્વપચ પણ શ્રેષ્ઠ છે. તેણે સર્વ તપ કરી લીધાં છે. સર્વે યજ્ઞો કર્યા છે. સર્વે વેદોના પાઠ પણ કરી લીધા છે.

વિપ્રાદ્‌દ્વિષડ્‌ગુણયુતાદરવિન્દનાભ પાદારવિંદવિમુખાત્‌શ્વપચં વરિષ્ઠમ્‌।

મન્યે તદર્પિતમનોવચને હિતાર્થ પ્રાણં પુનાતિ સ કુલં ન તુ ભૂરિમાનઃ ।।

મન્યે ધનાભિજનરૂપતપઃશ્રુતૌજસ્તેજઃપ્રભાવબલપૌરૂષબુદ્ધિયોગાઃ ।

નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન્ગજયૂથપાય ।। ।।ભાગ./૯/૯–૧૦।।

બાર ગુણે યુક્ત બ્રાહ્મણ હોય પણ તે ભગવાનના ચરણથી વિમુખ હોય તો તેના કરતાં ભગવાનને મન કર્મ વચને સમર્પિત શ્વપચ પણ શ્રેષ્ઠ છે. એમ હું (પ્રહ્‌લાદજી)માનું છે. તે શ્વપચ પોતાના કુળનો પણ ઉદ્ધાર કરે છે જ્યારે ભગવાનથી વિમુખ બ્રાહ્મણ પોતાનો પણ ઉદ્ધાર કરી શકે નથી.

પુષ્કળ ધન, પવિત્ર કુળ, સુંદર રૂપ, ઉગ્ર તપ, ઉત્તમ બ્રહ્મવર્ચસ્વ, તેજસ્વિતા, પ્રભાવ, બળ, પરાક્રમ, તીવ્ર બુદ્ધિ, યોગ વગેરે સાધનો પણ ભક્તિથી રહિત હોય તો ભગવાનને પ્રસન્ન કરી શકતા નથી. ઉપરની સર્વ સંપત્તિથી રહિત પણ કેવળ ભક્તિથી ગજરાજ(ગજેન્દ્ર)પર ભગવાન પ્રસન્ન થયા હતા.

એકોપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવભૃથેનતુલ્યઃ ।

દશાશ્વમેધી પુનરેતિ જન્મઃ કૃષ્ણપ્રણામી ન પુર્નભવાય ।।ભારત.શાં.રા.૪/૯૧।।

ભગવાનને એક દંડવત કરે તો તે દસ અશ્વમેધ યજ્ઞના ફળ તુલ્ય ફળ આપનારો છે. એટલું જ નહિ પણ દસ અશ્વમેધી પુણ્ય ખૂટતાં ફરી જન્મ મરણ પામે, પણ ભગવાનને ભક્તિથી પ્રણામ કરનારો પુનર્જન્મ પામતો નથી.

ન પારયેહં નિરવદ્યસંયુજાં સ્વસાધુકૃત્યં વિબુધાયુષાપિ વઃ ।

યા માભજન્‌દુર્જરગેહશ્રૃંખલાઃ સંવૃશ્ચ્ય તદ્વઃ પ્રતિયાતુ સાધુના ।।ભાગ.૧૦/૩૨/૨૨।।

ભગવાન ગોપીઓને કહે છે કે હે ગોપીઓ ! તમે જે મારા પ્રત્યે ભક્તિ દર્શાવી છે તેના વખાણ હું દેવતાના સો વર્ષ સુધી કરું તો પણ પાર ન પામી શકું. જે વજ્ર જેવી ઘરનાં બંધનની સાંકળને મૂળથી તોડીને મને આરાધ્યો છે તે તમારી ભક્તિનો બદલો તો હું પણ આપી શકીશ નહિ. તમે જ જ્યારે માફ કરશો ત્યારે જ હું ૠણમુક્ત થઈશ.

મદ્‌ભયાદ્વાતિવાતોયં સૂર્યસ્તપતિ મદ્‌ભયાત્‌।

વર્ષતીન્દ્રો દહત્યગ્નિર્મૃત્યુશ્ચરતિ મદ્‌ભયાત્‌।।ભાગ૩/૨૪/૪૨।।

મારા ભયથી આ પવન વાય છે, સૂર્ય તપે છે, વરસાદ વરસે છે, અગ્નિ બાળે છે અને કાળ બધાનો અંત લાવે છે.

સર્વધર્માન્‌પરિત્યજ્ય… ઈત્યાદિક શ્લોકમાં કહેલું ભક્તિનું માહાત્મ્ય તથા ભગવાનનું માહાત્મ્ય તેણે સહિત ભક્તિમાં કોઈ જાતનું વિધ્ન આવે નહિ અને માહાત્મ્ય જાણ્યા વિના કેવળ પ્રાકૃત બુદ્ધિએ કરીને કરે તો તેમાં વિધ્ન આવે અને એવી મહાત્મ્ય સહિત ભક્તિ શુક સનકાદિક જેવા જે મોટા પુરુષ એના પ્રસંગ થકી અર્થાત્‌તેમાં આસક્તિ કરવાથી ઉદય થાય છે.

પછી શુકમુનિએ મહારાજને પૂછયું જે એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપકવ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકેય એના હૃદયમાં આવે નહિ. બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપકવ હોય પણ કામ, ક્રોધ, લોભ મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે એ બેય ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે ? પ્રશ્ન ખૂબ જ સીધો અને સ્પષ્ટ છે.

પ્રથમ દૃષ્ટિએ તો તેમાં કંઈ પૂછવા જેવું પણ નથી જણાતું. જો ઉત્તરમાં સંદિગ્ધતા કે અનિર્ણય જેવું હોય તો મહારાજને પૂછવાની જરૂર પડે. અહીં તો પ્રશ્નમાં જ સ્પષ્ટ છે કે બન્ને ભક્તને મહારાજનો નિશ્ચય પરિપૂર્ણ હોય ને પછી એકમાં કામાદિ વિકાર છે અને એકમાં કામાદિ વિકાર નથી, નિર્દોષ છે તો ભગવાનના ધામમાં કોણ વધુ સુખ પામે ? તો સ્પષ્ટ જ છે કે જે દોષ રહિત છે તે જ ભગવાનના અધિક સુખને પામે અથવા તો એમ કહો કે કામાદિક દોષવાળો, નિશ્ચય છે તો પણ ભગવાનના ધામમાં હમણાં જશે નહિ અને નિર્દોષ છે તે જશે.

અહીં આ લોકમાં જે બન્નેને ભગવાનનું સુખ આવતું હોય તેમાં પણ નિર્દોષ ભક્ત વધારે સુખનો અધિકારી છે આટલી સ્પષ્ટતા તો પ્રશ્નમાંથી મળી શકે તેમ છે. તો વચનામૃતમાં પ્રશ્ન ઉઠાવવામાં શા માટે આવ્યો ?

તો એનું સમાધાન મહારાજના ઉત્તર ઉપરથી એ છે કે મહારાજ તે ઉપરાંત એક વસ્તુનું ધ્યાન ખેંચવા માંગે છે. જેની પ્રશ્નની અંદર વધારે સ્પષ્ટતા થઈ નથી અને તે એ છે કે અહીં બન્ને ભક્તોને નિશ્ચયની પરિપૂર્ણતા છે માટે તેમાં કાંઈ તપાસ કરવા જેવું નથી. હવે એક ભક્તને કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકાર કયારેય હૃદયમાં આવતા નથી એવો નિર્દેશ પણ છે અને બીજાને એ વિકારોથી વિક્ષેપ થાય છે. તેથી પ્રથમ ભક્ત જેવો એ ભક્ત નિર્દોષ નથી; પરંતુ એના હૃદયમાં જો પરમાત્માના સ્વરૂપ પ્રત્યે અનન્યતા હોય એટલે કે મહારાજે કહ્યું તેમ ભગવાન વિના હૃદયમાં કામાદિકનો વિક્ષેપ થાય ત્યારે હૃદયમાં દાઝ અને અંતરમાં બળતરા થાય છે એ મહારાજની મૂર્તિ પ્રત્યે તેની અનન્યતા બતાવે છે. માટે એ ભગવાનના ધામમાં મોટા સુખને પામશે.

પ્રથમ ભક્ત નિર્દોષ જરૂર છે; પરંતુ નિર્દોષતા અને અનન્યતા બન્ને અલગ વસ્તુ છે. નિર્દોષ હોય એટલે પરમાત્મા પ્રત્યે અનન્ય હોય જ તેવું નથી હોતું અને મહારાજના મતે નિર્દોષતા જરૂર શ્રેષ્ઠ છે પણ તેના કરતાં એક ડગલું આગળ પરમાત્માના સ્વરૂપ પ્રત્યે અનન્યતાનું વધારે મહત્ત્વ છે. અનન્યતા જેટલું નિર્દોષ બનાવીને તેને પરમાત્મામાં ચોટાડવા પ્રેરણા કરે છે તેટલી નિર્દોષતા કે નિષ્કામતા અનન્ય બનાવીને ભગવાનમાં ચોટાડવા પ્રેરણા કરી શકતી નથી. માટે મહારાજ અહીં કહે છે કે જેને કામાદિક વિકારોથી અંતરમાં દાઝ થાય છે ને ભગવાનની મૂર્તિ વિના બીજું ઈચ્છતો નથી અને આત્મનિષ્ઠા વૈરાગ્ય જો થોડા હોય તો પણ દેહ મૂકયા કેડયે તો ભગવાનની મૂર્તિમાં અતિશય પ્રીતિએ યુક્ત થાય છે અને વધારે ભગવાનના સુખને પામે છે. જ્યારે પ્રથમ કહ્યો જે ભક્ત અતિશય ત્યાગીને વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોઈ તે ઉપરથી તો નિષ્કામ જણાય છે, પણ તેને ભગવાનના સ્વરૂપમાં અનન્યતા નથી. માટે હૃદયમાં આત્મદર્શનાદિક પ્રાપ્તિની ઈચ્છા છે અથવા વૈરાગ્યાદિક ગુણનું અભિમાન છે. માટે સકામ ગણાય અને પરલોકમાં તેને જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તિમાં ઈષ્ટદેવમાં અનન્યગતિક ખૂબ મહત્ત્વની છે.