ગઅ-૦૪ : બાધિતાનુવૃત્તિનું

પ્રતિપાદિત વિષયઃ

બાધિતાનુવૃત્તિ તથા જીવની દેહને વિષે સ્થિતિ.

મુખ્ય મુદ્દાઃ

૧.બાધિતાનુવૃત્તિ એ નિર્વિકલ્પ સ્થિતિની દૃષ્ટિએ કિંચિત્‌ઊણપ છે.
ર.સામાન્ય ભક્તો જો આ પ્રક્રિયાને ન સમજી શકે તો શ્રેષ્ઠ ભક્તનો અવગુણ લઈ પાપમાં પડે છે.
૩.જીવ માંસચક્રમા રહ્યો છે ને સામાન્ય સત્તાથી સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે.

વિવેચન :–

આ વચનામૃત બાધિતાનુવૃત્તિનું છે. બાધિતાનુવૃત્તિ એટલે પ્રથમ બાધિત કરેલી અને પછીથી અનુપ્રવૃત્ત થયેલી અથવા સજીવન થયેલી વૃત્તિને બાધિતાનુવૃત્તિ કહેવાય. મહારાજ કહે છે કે પ્રથમ જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનુવૃત્તિ કહીએ. આ વસ્તુ પૂર્ણ મુક્દશાની દૃષ્ટિએ ખામી ગણાય, કારણ કે વચનામૃતમાં બતાવ્યું કે નિર્વિકલ્પ સમાધિથી તેનો નાશ થઈ જાય છે. જ્યારે સવિકલ્પ દશામાં બાધિતાનુવૃત્તિ રહે છે ખરી, માટે સ્થિતિની એક પ્રકારની ઊણપ જરૂર છે, પણ સામાન્ય સાધકો માટે તથા ભક્તો માટે તો તે ઘણી ઊંચી સ્થિતિ છે. કારણ કે બાધિતાનુવૃત્તિથી જે પ્રતિક્રિયા થાય છે તે તે ભક્તને મોક્ષમાર્ગમાં ઝાઝી નડતર રૂપ થતી નથી. કારણ કે તેઓ સ્થિતિની અમુક મર્યાદા ઉલ્લંઘીને ઉપર પહોંચી ગયા છે. જો બાધિતાનુવૃત્તિની પ્રતિક્રિયા જોઈને બીજા ભક્તોને અવગુણ આવે તો તેમને નુકશાની પહોંચે છે. તે બાબતથી અત્રે મહારાજે બધાને સાવધાની રાખવા સૂચવ્યું છે.

મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત જ્ઞાન, વૈરાગ્ય અને વિચારના બળે કરીને માયિક પ્રીતિ ટાળી નાખી છે. છતાં સવિકલ્પ સ્થિતિને યોગે કરીને અંતરમાં ઊંડે બીક રહે છે. રખે ને મારે તેમાં કયાંય પ્રીતિ અથવા બંધન હોય ? જેમ શૂરવીર હોય તેણે બધા શત્રુને મારી નાખ્યા હોય તો પણ તેને કયારેક એમ ડર લાગે છે કે રખે ને કોઈ તેમાંથી સજીવન થાય કે સાવ મર્યો ન હોય ! તેમ ડરી જાય અથવા સ્વપ્નમાં દેખાય તો ડરી જાય. તેમ જ્ઞાની ભક્તે અંતરમાંથી જગતને જૂઠું કરી નાખ્યું છે તો પણ બાધિતાનુવૃત્તિને યોગે કરીને કોઈ સમે ધન, કલત્રાદિકની સ્મૃતિ થઈ આવે ત્યારે મનમાં બી જવાય જે ‘રખે મને બંધન કરે.’ માટે એવા ભક્તોને જ્યારે અતિશય મંદવાડ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનુવૃત્તિને યોગે કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ કયારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે બરલ્યા જેવું બોલાય અને ‘ઓય બાપ ઓય મા’ એવા શબ્દો પણ બોલાઈ જાય ત્યારે જે આ બાધિતાનુવૃત્તિના મર્મને ન જાણતો હોય તેના હૃદયને વિષે અવગુણ આવી જાય અથવા પોતે ભગવાનના માર્ગથી પાછો પડી જાય. તે એવા મોટા ભક્ત હતા તો પણ એવું થયું તો આપણું કાંઈ વળે તેમ નથી. એમ સમજીને ભગવાનના માર્ગમાં શ્રદ્ધા ઘટી જાય અથવા એમ પણ થાય કે આવા મોટા હતા ને તેને આટલી બધી જગતની વાસના હશે ? માટે જો બાધિતાનુવૃત્તિનો મર્મ ન સમજ્યા હોય તો બન્ને વાતે નુકશાન થાય છે. મહારાજ કહે છે કે સંસારમાં કેટલાક પાપી મનુષ્ય બોલતાં–ચાલતાં દેહ મૂકે અથવા અકસ્માત થાય ત્યારે બોલતાં ચાલતાં શરીર પડે તો શું તે પાપીનું કલ્યાણ થશે ? નહિ જ થાય. ભગવાનનો ભક્ત ભગવાનનું નામ સ્મરણ કરતો દેહ મૂકે અથવા બાધિતાનુવૃત્તિને યોગે કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ ભગવાનના ચરણાવિંદને જ પામે છે એમાં શંકા નથી.

પછી મહારાજે મોટેરા પરમહંસોને બીજો પ્રશ્ન પૂછયો. આ દેહને વિષે જીવ રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ને સર્વ દેહમાં વ્યાપીને કેવી રીતે રહ્યો છે તે કહો ?

સંતો ઉત્તર ન કરી શકયા ત્યારે મહારાજે જ ઉત્તર કર્યો જે જેમ દેહને વિષે અન્નાદિકનો જે પરિપાક તે વીર્ય છે તેમ પંચભૂતના પરિપાક–સારરૂપ હૃદયને વિષે એક માંસનું ચક્ર છે. ચક્ર શબ્દ યોગશાસ્ત્રનો છે. ષટ્‌ચક્રો પૈકીનું એક ચક્ર અનાહત ચક્ર હૃદયમાં આવ્યુ છે. જે ચક્રનો અર્થ અહીં એક માંસપેશી જ છે; પરંતુ ભૂમિતિ ચક્ર જેવું ચક્ર એવો અર્થ નથી. તે માંસપેશીકા શરીરના તમામ પંચભૂતોના પરિપાક અને સાર રૂપે પરિણતિ પામીને રહી છે. તેમાં જીવ રહ્યો છે.

મહારાજે દૃષ્ટાંત આપ્યું કે જેમ ચીંથરાનો કાકડો તેલે પલાળીને સળગાવીએ તો અગ્નિ તે કાકડાને વળગી રહે છે. વસ્તુતાએ અગ્નિ અને ચીંથરાનો કાકડો બન્ને ભિન્ન જાતિ છે. તો પણ તેલરૂપ ઈંધણને યોગે કરીને અગ્નિ તેને વ્યાપીને વળગી રહે છે. તેમ જીવ પણ પોતાના પૂર્વ કર્મ પ્રારબ્ધરૂપ તેલ રૂપી ઈંધણથી તે માંસચક્રમાં વળગી રહ્યો છે. જેમ અગ્નિ તેલરૂપ બળતણ જ્યાં સુધી ખલાસ ન થાય ત્યાં સુધી પ્રજ્જવલિતરૂપે વળગી રહે છે. તેલ પૂરું થઈ જાય તો શાંત થઈ જાય છે ને અલગ પડી જાય છે.

વળી લોઢાનો ખીલો લાલચોળ થયો હોય ત્યારે તેમાં જેમ અગ્નિ ઓતપ્રોત વ્યાપી રહ્યો છે. તેમ જીવ માંસના ચક્રમાં વ્યાપીને રહ્યો છે અને બાહ્ય રૂપે વળગી રહ્યો છે અને સામાન્ય સત્તાથી આખા શરીરમાં વ્યાપી શરીરને ચેતનવંતુ રાખે છે. દેહમાં જે દુઃખ થાય છે તે પોતાને વિષે માનીને દુઃખી સુખી થઈ જાય છે. દેહમાં દુઃખ છે એ જીવને જ દુઃખ થાય છે. જ્યાં સુધી દેહમાં અહંતા છે ત્યાં સુધી દેહની દરેક લાગણીઓ સુખ, દુઃખ, ભાવના જીવનુ જ ગણાય છે અને અંતર્યામી પરમાત્મા તેને પોતાના કર્માનુસાર ફળ જીવની અનિચ્છાએ પણ ભોગવાવે છે. જેમ કોડિયું, વાટ, તેલ તેના સંબંધ વિના અગ્નિ અધરપધર રહેતો નથી. બધા જ અત્યંત ભિન્ન જાતિના હોવા છતાં ભેળા થઈને અગ્નિને પ્રજ્જવલિત રાખે છે. તેમ કોડિયાને ઠેકાણે દેહ છે. દેહમાં રહેલું માંસચક્ર છે. તેલને ઠેકાણે પૂર્વ કર્મો છે ને વાટને સ્થાને મન, ઈન્દ્રિયો છે. જીવ તેમાં વળગ્યો છે. સુખદુઃખ ભોગવે છે. છતાં કોડિયું આદિ તૂટી જાય તો જીવ તૂટી જતો નથી. અગ્નિની જેમ જીવ દેહના મરવાથી મૃત્યુ પામતો નથી. દેહ ભેળો સુખદુઃખને તો પામે પણ દેહ જેવો જીવનો નાશવંત સ્વભાવ નથી. જેમ ઘરમાં દીવો રાખ્યો હોય તો દીવાનો પ્રકાશ સમગ્ર ઘરમાં વ્યાપે છે. તેમ સામાન્ય સત્તાથી જીવ સમગ્ર દેહમાં વ્યાપીને સુખદુઃખ અનુભવે છે; પરંતુ વ્યતિરેકપણે તો બધાથી જુદો સુખરૂપ, સત્તારૂપ અને પ્રકાશરૂપ(વિવેક શક્થિી યુક્ત) છે. તેને વિષે પરમાત્મા સાક્ષીરૂપે રહીને સારાં–નરસાં કર્મનાં ફળ તેની પાસે ભોગવાવે છે ને ભક્તિ કરે તો મુક્તિ પણ તે જ આપે છે.