ગઅ-૦૩ : દયા અને સ્નેહનું

પ્રતિપાદિત વિષયઃ

દયા અને સ્નેહ.

મુખ્ય મુદ્દાઃ

૧.જેને સાધનકાળમાં સત્સંગનો યોગ હોય તેને બ્રહ્મરૂપ થયા પછી પણ ભગવાન અને તેના ભક્તોમાં દયા અને સ્નેહ રહે છે.
ર.કુસંગનો યોગ હોય તો ભગવાન અને તેના ભક્તમાં દયા અને સ્નેહ રહેતાં નથી.
૩.દયા અને સ્નેહ ભગવાન કે ભગવાનના ભક્ત પ્રત્યે થાય તો તે સદ્‌ગુણ છે.
૪.દયા અને સ્નેહ અભક્તમાં થાય અથવા કુપાત્રમાં થાય તો તે દુર્ગુણ છે.

વિવેચન :–

આ વચનામૃતમાં પ્રથમ મહારાજે વાત કરી કે હરિભક્તના હૃદયને વિષે દયા અને સ્નેહ એ બે વાનાં સ્વાભાવિક રહ્યા હોય છે. તેમાં સ્નેહનું સ્વરૂપતો મધ જેવું છે. તે જ્યાં ત્યાં ચોટે. જ્યારે દયાનો સ્વભાવ એવો છે જ્યાં ત્યાં દયા કરે. ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટે જન્મ લેવો પડયો. જેના ઉપર દયા આવે તે સંગાથે સ્નેહ થયા વિના રહે નહિ. એ દયા ને સ્નેહ તેને ટાળ્યાનો ઉપાય તો આત્મજ્ઞાન ને વૈરાગ્ય છે. તે બે દ્વારા દયા ને સ્નેહનો નાશ થઈ જાય છે. ત્રણ દેહ વગેરે ઉપાધિનો નાશ થઈ જાય છે ને બ્રહ્મસત્તામાત્ર રહે છે.

આત્મજ્ઞાન ને વૈરાગ્યથી પૂર્ણ એવા મુક્તને ભગવાન અને ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ રહે છે કે નથી રહેતો ? એ પ્રશ્ન છે. અર્થાત્‌કારણનો નાશ થયા પછી કાર્ય રહે ખરું ? એમ આત્મજ્ઞાન અને વૈરાગ્યની સંપૂર્ણ હાજરી પછી દયા અને સ્નેહનું અસ્તિત્વ રહે ખરું ? એ પ્રશ્ન છે. મોટા મોટા સંતોએ ઉત્તર કર્યો પણ સમાધાન ન થયું ત્યારે મહારાજે ઉત્તર કર્યો.

જ્યારે ભક્ત જ્ઞાન વૈરાગ્યે કરીને માયિક ઉપાધિથી રહિત થાય છે ત્યારે કેવળ બ્રહ્મસત્તા માત્ર સ્થિતિને પામે છે. ત્યારે તે માયાના બંધનમાં કે દયા અને સ્નેહના બંધન કરનારાં દોરડાંની પકડમાં આવતો નથી. જેમ કોડિયું, તેલ ને વાટયને યોગે કરીને દીપકનો અગ્નિ દેખાય છે, ગ્રહણ કર્યામાં આવે છે. જો એ ત્રણે અલગ પડી જાય તો પછી અગ્નિ દૃષ્ટિમાં પણ ન આવે ને ગ્રહણ કર્યામાં પણ ન આવે. તેમ બ્રહ્મરૂપ થયા પછી તેને સ્નેહ દયાનાં દોરડાં બાંધી શકતાં નથી. એટલે કે સ્નેહ–દયા નાશ પામી જાય છે. છતાં પણ જો તેને સાધનકાળમાં શુદ્ધ સંપ્રદાયે કરીને ભગવાનનું જ્ઞાન થયું હોય ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય યથાર્થપણે જણાયું હોય તો બ્રહ્મરૂપ થયા પછી પણ માયિક ઉપાધિ ભલે નાશ થઈ જાય પણ ભગવાન ને ભગવાનના ભક્તમાં સ્નેહ દયા રહે છે.

ત્યાં ફરી મહારાજે પ્રથમ દૃષ્ટાંત બતાવ્યું કે ઉપાધિનો યોગ ટળી જાય પછી અગ્નિ ગ્રહણ કર્યામાં આવતો નથી પણ અગ્રાહ્યપણે અદ્ધર પદ્ધર આકાશમાં રહે છે. તો પણ તેને બળતી વખતે સુગંધ દુર્ગંધના પાશ લાગેલ હોય તે જતા નથી. જેમ કે આપણને દેખાતું ન હોય તો પણ ખ્યાલ આવી જાય કે અહીં કોઈ જગ્યાએ કપડું સળગે છે અથવા વાયર બળે છે કે સુખડ બળે છે. ત્યારે અગ્નિ તો આકાશમાં લીન થઈ ગયો હોય પણ તેને લાગેલો સારો અથવા ખરાબ સુગંધ પાશ તેની હાજરીની ચાડી ખાય છે. તે મહારાજ કહે છે કે આ જીવને બ્રહ્મરૂપ થતાં થતાં સાધનકાળમાં શુદ્ધ સંપ્રદાયે કરીને સત્સંગનો પાશ લાગ્યો હોય તો બ્રહ્મરૂપ થયા પછી સર્વે માયિક ઉપાધિનો નાશ થયા પછી પણ ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ રહે છે. એટલું જ નહિ, વૃદ્ધિ પામે છે ને પૂર્ણકક્ષાએ પહોંચે છે. નારદ, સનકાદિક ને શુકજીની પેઠે તેને ભગવાન ને ભગવાનના ભક્તમાં અતિશય દયા–પ્રીતિ રહે છે અને જો સાધન દશામાં ભગવાનની ઉપાસનાએ રહિત એવા કેવળ આત્મજ્ઞાની અથવા કુસંગનો પાશ જેને લાગે છે તેને કયારેય ભગવાન કે ભગવાનના ભક્તમાં પ્રીતિ થતી જ નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો તો પણ તેને શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્ત એવા પાંડવો તેમાં પ્રીતિ થઈ જ નહિ. માટે એવાને બ્રહ્મરૂપ થાય તો પણ કુસંગનો પાશ જતો નથી. તેને ભગવાન કે ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ થતાં નથી. જ્યારે ભગવાનનો ભક્ત બ્રહ્મરૂપ થાય ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્તને વિષે દયા ને પ્રીતિ અતિશય વૃદ્ધિને પામે છે, પણ જતાં નથી.

અહીં આપણને આ વિષયમાં એક જિજ્ઞાસા જરૂર ઊભી થાય છે કે દયા ને પ્રીતિ છે તે માયિક છે કે દિવ્ય છે ? અથવા સદ્‌ગુણ છે કે દુર્ગણ છે ?

તેનું સમાધાન એ છે કે દયા ને પ્રીતિ એ સાપેક્ષ શબ્દો છે. તેથી આલંબન વિના કોઈ એકલો દયા કે પ્રીતિ કરી શકતું નથી. દયા કે પ્રીતિનું કોઈક પાત્ર હોય છે. ફળ દેવામાં તેને સામા પાત્રની અપેક્ષા છે. દયા અથવા પ્રીતિ કરી તો કોના ઉપર કરી ? અથવા કોની સાથે કરી ? એ સામા પાત્રને આધારે તેની માયિકતા કે દિવ્યતાનો નિર્ણય થાય છે. દયા કે પ્રીતિ કરનારને આધારે તેનો નિર્ણય થઈ શકતો નથી. શ્રીકૃષ્ણ ભગવાને ૧ વખત જરાસંધને હરાવીને દયા કરીને જવા દીધો પણ ૧૮મી વખતે પોતે હાર્યા તો કાળયવન મારી નાખવા પાછળ પડયો. ભગવાન સમર્થ છે તેથી કાંઈ થઈ ન શકયું. પૃથ્વીરાજ ચૌહાણે ૧ વખત ઘોરીને હરાવી દયાથી છોડી મૂકયો ને અઢારમી વખતે તે જીત્યો તો તેની આગળની દયાનું શું ફળ આવ્યું ? તે ઈતિહાસ બતાવે છે. અને ભગવાનના ભક્ત ઉપર કરેલી દયાથી શું પ્રાપ્તિ થાય છે તે અંગે પણ અનેક ઈતિહાસ છે.

ગોપીઓએ પ્રીતિ ભગવાનમાં કરી હતી અને લૌકિક ઢાળની હતી, માયિક ભાવની હતી તો પણ બ્રહ્મરૂપ થઈ. જ્યારે ભરતજીએ પવિત્ર ભાવનાથી મૃગ બાળકમાં સ્નેહ–દયા કરી તો પણ ત્રણ જન્મ લેવા પડયા. માટે દયા–પ્રીતિ પોતે નિર્ણય આપતાં નથી પણ તે અમર પાત્રો જે પરમાત્મા અથવા તેના એકાંતિક ભક્તોમાં કરવામાં આવે તો તે અમર બને છે. બ્રહ્મરૂપ અને દિવ્ય બને છે. જ્યારે બ્રહ્મરૂપ થયેલા મુક્તો હોય પણ તેને દયા કે પ્રીતિનું પાત્ર નબળું હોય તો તે ભલે બ્રહ્મરૂપ રહ્યા પણ તેમાંથી નીકળતી પ્રીતિ બ્રહ્મરૂપ નહિ નીકળે અને તેનું પરિણામ પણ તે મુક્તને પણ બંધન કરનારું થશે. માટે પાત્ર દિવ્ય તો તે દયા–સ્નેહ પણ દિવ્ય છે. પાત્ર માયિક તો તે માયિક છે અને તેવી રીતે ઊંચું પાત્ર હોય તો ત્યાં પ્રયોજાયેલા દયા–પ્રીતિ સદ્‌ગુણ બની રહે છે અને કુપાત્રમાં કરાયેલાં દયા પ્રીતિ મુક્તોની પણ અધોગતિ સર્જે છે. તો આપણી તો વાત શું પૂછવી ? વીજળીનો કરંટ ગરમી ઉત્પન્ન કરે કે ઠંડી ? તો એ પ્રશ્ન નથી, પણ તેનો ઉપયોગ કયા સાધનોમાં કરાય છે તેવું તે ઉત્પન્ન કરે છે. તેવું જ દયાને પ્રીતિનું રહ્યું છે.