પ્રતિપાદિત વિષયઃ
ભગવાનના સ્વરૂપની નિષ્ઠા તથા છ વાનાંના ત્યાગનું.
મુખ્ય મુદ્દાઃ
૧.માયાથી થયેલા આકારોથી મહારાજનું સ્વરૂપ ભિન્ન છે .
ર.અક્ષરધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ અને પ્રત્યક્ષ પૃથ્વી ઉપર રહેલું સ્વરૂપ બન્ને એક છે. જરા પણ ભેદ નથી.
૩.લોભાદિક છ વાનાં જેનામાં હોય તે જીવતે કે મરીને કયારેય સુખી થાય જ નહિ.
વિવેચન :–
આ વચનામૃતના પ્રથમ ભાગમાં મહારાજે સ્વરૂપનિષ્ઠા સમજાવી છે. પોતાને મળેલા પ્રત્યક્ષ શ્રીજી મહારાજ કોણ છે ? તેનો મહિમા શું છે ? તે જ્યારે ઓળખાય ત્યારે સ્વરૂપનિષ્ઠા થાય છે. મહારાજે પરોક્ષરૂપે આ વચનામૃતમાં પોતાની ઓળખાણ આપીને ઈશારો માત્ર કરી દીધો છે.
મહારાજ કહે, અમે સાંખ્યાદિ શાસ્ત્રના આધારે નિર્ણય કર્યો છે. નિષ્ઠા, શાસ્ત્રને આધારે હોવી જોઈએ; નહીં કે પોતાની મનઃ કલ્પિત. મહારાજ શાસ્ત્રની મધ્યસ્થી આગળ લાવે છે. મહારાજ કહે છે કે માયાના કાર્યથી ઉત્પન્ન થયેલ આકાર માત્ર મિથ્યા છે. ભગવાન પણ એવા દેખાય છે પણ તે તેવા નથી. તે દિવ્ય ને સચ્ચિદાનંદ છે. તેના મુક્તો, ભક્તો પણ એવા છે. ભગવાન દયાએ કરીને પૃથ્વી ઉપર મનુષ્યાકૃતિ ધારણ કરે છે અને સર્વજનના નયનગોચર વર્તે છે ને આપણા ઈષ્ટદેવ છે. અક્ષરધામનુ સ્વરૂપ અને પૃથ્વીપરનું સ્વરૂપ બન્ને એક છે. તેમાં લગાર પણ ભેદ નથી. એ ભગવાન સર્વ કારણના કારણ છે. સર્વ અવતારના અવતારી છે અને એકાંતિક ભાવે તમારે સર્વેને પૂજવા યોગ્ય છે. મહારાજે શ્રી મુખે પોતાનું સર્વોપરીપણું ઘણા ઓછા સ્થાને કહ્યું છે. એ પોતાના સર્વોપરીપણાની સ્પષ્ટતા પોતાને મુખે અહીં કરે છે. સ્વરૂપનિષ્ઠા એટલે ઓળખાણ. શ્રીજી મહારાજ કોણ છે ? તે ઓળખાણ ભક્તના હૃદયમાં હોવી જરૂરી છે. જ્યાં સુધી ઓળખાણ ન થાય ને પછી સાક્ષાત્મળ્યા હોય તો જોઈએ તેવો તેનો કેફ આવતો નથી. માટે તેના મહિમાની ઓળખાણ એ જ તેની સાચી સ્વરૂપનિષ્ઠા છે. જે ભક્તના હૃદયમાં અવશ્ય હોવી જોઈએ. મહારાજે પોતાના દિવ્ય અને સર્વોપરી સ્વરૂપની આ વચનામૃતમાં સાક્ષાત્ઓણખાણ કરાવી છે.
બીજું ભગવાનના ભક્તને જીવનનિષ્ઠાની જરૂર પડે છે. ભક્તનું જીવન, શાસ્ત્રમાં નિષેધ કરેલા દોષોથી રહિત નિષ્કલંક હોવું જોઈએ. તો જ તેને ભગવાનના સ્વરૂપનું સુખ આવી શકે. અન્યથા ભગવાન મળ્યા હોય ને પોતે દાવો ધરાવતા હોય કે અમે મહારાજને સર્વોપરી સમજીએ છીએ, તો પણ મહારાજે આ વચનામૃતમાં જે છ વાનાં કહ્યાં તે હોય તો મહારાજ મળ્યા છતાં તેના સ્વરૂપનું સુખ ન આવે. મહારાજ કહે છે, આ છ વાનાં જેને હોય તેને જીવતે કે મરીને કોઈ દિવસ સુખ થાય નહિ. વચનામૃતમાં જેમ સદા સુખી થવાના ઉપાય બતાવ્યા છે(વચ.ગ.અં.૮). તેમ આ છ વાનાં સદા દુઃખી થવાનાં કારણો છે. તે ત્યાં સુધી કે મૃત્યુ થયું એટલે છૂટી ગયા એવું નથી. જન્મોજન્મ પણ આ છ વાનાં હોય તે ગમે ત્યાં જાય તોય સુખી ન થાય. એવી વાત મહારાજે કહી છે.
તેમાં પ્રથમતો દ્રવ્યાદિકનો લોભ હોય અર્થાત્મહારાજ દ્રવ્યના લોભને દુઃખરૂપ કહે છે. લોભ માણસની વૃત્તિમાં સમાયેલો છે. દ્રવ્ય તો તેનું આલંબનરૂપ છે. લોભને વધુ ઓછું થવાનું સ્થાન તો માણસનું હૃદય છે, એટલે કે ચૈતન્ય પોતે છે. અણહકનું અથવા વગર પુરુષાર્થનું દ્રવ્ય પોતાના હકમાં કરી લેવું અને પોતાની પાસે આવી ગયેલા ધનને પણ પોતાના કલ્યાણના માર્ગે યોગ્ય હોય ત્યાં પણ વિનિયોગ ન કરી શકવાની વૃત્તિને લોભ કહેવાય છે. કેવળ પોતાની પાસે ધન હોવું અથવા જરૂરિયાતથી વધારે ધન હોવું કે અઢળક સંપત્તિ હોવી એટલે લોભ થઈ ગયો એવું નથી. આપણે ધારણા કરીએ કે ધન જ દુઃખ અથવા અકલ્યાણનું કારણ હોત તો જનક, અંબરીષ વગેરે જેવા રાજા હતા. અઢળક સંપત્તિના માલિક હતા. મહારાજ વખતે પણ ઘણા ધનપતિઓ અને દરબારો પરમ મુક્ત સ્થિતિના હતા. ધનની સાથે વ્યક્તિનું માનસિક જોડાણ છે તે જો અયોગ્ય હોય તો લોભમાં ગણાય અને અકલ્યાણનું કારણ બને છે. ઘણી વખત વ્યક્તિ પાસે ધન ન હોય ને લોભ હોય અને કોઈકની પાસે અઢળક સંપત્તિ હોય ને લોભ ન પણ હોય. એટલે લોભવૃત્તિ અને દુઃખનું કારણ કેવળ ધન નહિ પણ ધન પ્રત્યે જોડાયેલી વ્યક્તિની વૃત્તિ છે. તે એને જીવતે કે મરીને સુખ લેવા દેતી નથી. માટે તેનાથી નિવૃત્તિપરાયણ થવું.
બીજું સ્ત્રીને વિષે બેઠયા ઉઠયાની વાસના. જે પદ્ધતિથી ધન જીવના મોક્ષમાં અવરોધ કરે છે તે જ પદ્ધતિથી સ્ત્રી પણ તે માર્ગમાં અવરોધ કરે છે અર્થાત્માનસિક આસક્તિ મોક્ષ બગાડે છે. ઘણા સ્ત્રીવાળા ભક્તો નિર્વાસનિક હશે. એટલે સ્ત્રી એ ખરાબ વસ્તુ છે એમ નથી, પણ પરસ્પરનું જે મનોબંધન કે મનોભાવ તે બન્નેને નુકસાનરૂપ છે ને અનંત દુઃખનું કારણ પણ છે.
રસને વિષે જીહ્વાની આસક્તિ, દેહાભિમાન આ દોષો જન્મ લેવરાવવામાં કારણભૂત બને છે. સ્થૂળ પદાર્થો નહિ. સ્થૂળ પદાર્થો તો એટલું જ કાર્ય કરે છે કે એ વસ્તુનું આલંબન લઈને દોષ સારી રીતે પાંગરે છે, વૃદ્ધિ પામે છે. એટલે સ્થૂળ પદાર્થ તદ્દન કારણરૂપ નથી; એવું નથી. પરંતુ મનમાં કે પોતાના જીવમાં તે દોષ ન હોય તો સ્થૂળ પદાર્થ અકિંચિત્કર બની જાય છે.
ઉપરાંત કુસંગીમાં હેત અને સંબંધીમાં હેત રહી જવું. આ છ વાનાં હોય તેને જીવતે કે મરીને પણ સુખ થાય નહિ. જન્મમરણ લેવરાવે એટલું જ બસ નહિ, જન્મ લેવરાવીને જ્યાં બીજો જન્મ થયો હોય ત્યાં આ દોષો ભેળા જ જાય અને તેને ત્યાં પણ દુઃખી દુઃખી કરાવે. તેનો કેડો મૂકે નહિ. એવા આ છ દોષો છે. માટે મહારાજ કહે જેને સુખ ઈચ્છવું તેને તે દોષોથી નિવૃત્તિપરાયણ થવું અને એવા દોષો ન હોય ને મહારાજની આજ્ઞામાં સાવધાન હોય એવા સંત સાથે પોતાનું જીવન જડી દેવું તથા વિષયના સંબંધથી દૂર રહેવું તો કાયમી દુઃખ દૂર થાય છે.