ગઅ–૩૭ : દરિદ્રપણામાં પ્રથમ ખાધેલી ચીજો સાંભર્યાનું

પ્રતિપાદિત વિષયઃ

મોરે ખાધેલ સારી સારી વસ્તુને (ભગવાનના સુખને) સંભારી રાખવી.

મુખ્ય મુદ્દાઃ

૧.ભગવાનનું સુખ અથવા ભક્તિનું સુખ એક વાર યથાર્થ અનુભવાયા પછી ભુલાતું નથી.

ર.સારા દેશકાળ ન રહે તો પણ તે પછી ભૂલો પડતો નથી.

વિવેચન :

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી જે, ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જેના હૃદયમાં એકવાર થયું હોય તેને પછી દેશકાળાદિક વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ તેના હૃદયથી જાય નહિ. જેમ ભરતજીને મૃગદેહમાં તથા બ્રાહ્મણદેહમાં પણ પરમાત્માના સ્વરૂપનો તથા ભક્તિ કરેલ તેની સ્મૃતિ હૃદયથી ગઈ ન હતી.

મહારાજ દૃષ્ટાંત આપે છે જેમ કોઈ મોટો રાજા અથવા શાહુકાર હોય તેને પ્રારબ્ધ યોગે અધિકાર કે સમૃદ્ધિ છૂટી ગઈ ને અતિ દરિદ્રતા આવી ગઈ તો પણ પૂર્વે અતિ કિંમતી વસ્તુઓ ખાધી હોય તથા ભોગવી હોય તે સાંભરી આવે પણ પ્રથમથી જ દરિદ્રી હોય તો કશું સાંભરે નહિ. તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભજનનું સુખ પોતાના મનમાં ઊંડુ એક વાર અનુભવ્યું હોય પછી તેને સમાગમ ન રહે તો પણ તે ભગવાનના સુખને તથા સંત સમાગમના સુખને સંભારતો થકો પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખને ભોગવે પણ ભૂલી ન જાય. જેના અંતરમાં કોઈ દિવસ અનુભૂતિ જ થઈ નથી એ શું સંભારી શકે ? માટે જ્યાં સુધી સાનુકૂળતા છે ત્યાં સુધીમાં પરમાત્માના સ્વરૂપનું સુખ, ભજનનું સુખ, સાચા સંતના સમાગમનું સુખ તેની એકવાર તો હૃદયમાં ઊંડાણપૂર્વક અનુભૂતિ કરી લેવી. જો તેવી અનુભૂતિ સાનુકૂળતામાં પણ ન કરી શકે તો મહારાજ કહે તે પશુ જેવો ગણાય. તે પછી શું સંભારી શકે ?

એ ભગવાનનુ સુખ કેવું છે ? તો મહારાજ બતાવે છે કે તે પરમાત્માનો જે આકાર છે તે તો દેવ, મનુષ્યાદિમાંથી કોઈનો એવો આકાર નથી. અતિ વિલક્ષણ છે. તેનું સુખ, સામર્થી, ગુણ તમામ બીજા કરતાં અતિ વિલક્ષણ છે. એવું ધ્યાન આરાધનાથી પોતાના હૃદયમાં કાંઈક અનુભવ થવો જોઈએ. બીજું ભગવાન જેવા તો એક ભગવાન છે તેના જેવું સુખરૂપ બીજા કોઈનું વિલક્ષણ વ્યક્તિત્વ નથી. અક્ષર મુક્તો કરતાં પણ પોતે વિલક્ષણ છે. તેના વિલક્ષણ વ્યક્તિત્વની અનુભૂતિ કરવી જોઈએ. વળી તે ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ છે અર્થાત્‌જેમ જેમ અનુભવાય તેમ માયાના બંધનને જડમૂળથી ઉખેડનારું છે. વળી એ ભગવાન પોતાના અક્ષરધામમાં એક દેશમાં રહ્યા થકા અનંત કોટિ બ્રહ્માંડના જીવોના સમૂહોના અંતર્યામીરૂપે રહ્યા છે. તે એ જીવોથી અતિ વિલક્ષણ છે.

જેમ કાષ્ઠમાં રહેલો અગ્નિ કાષ્ઠથી અતિ જુદી જાતિનો છે. તેમ પરમાત્મા અંતર્યામીરૂપે રહ્યા છે તોય જીવથી અતિ વિલક્ષણ જાતિના છે. એ મનુષ્ય જેવા થાય તો પણ તેવા જ દિવ્ય છે ઈત્યાદિક પરમાત્માના સ્વરૂપનુ જે જ્ઞાન તેને હૃદયમાં અનુભવાયું હોય તથા તીવ્ર વેગથી ભક્તિ કરી હોય તો સંસાર વ્યવહારની ક્રિયા કરતાં ભક્તિની કાંઈક વિલક્ષણતા અનુભવાણી હોય તે માત્ર એક જ વાર હૃદયમાં અનુભવ થયો હોય છતાં તેની વિસ્મૃતિ કયારેય થતી નથી. જેમ રાજાને અગાઉ ખાધેલી વસ્તુ સાંભરે છે. જેમ ભરતજીને મૃગદેહમાં સ્મૃતિ રહી હતી તેમ તથા જેમ વૃત્રાસુરને આસુરી યોનીમાં જ્ઞાન રહ્યું તથા પ્રહ્‌લાદને ગર્ભમાં થયેલ નારદજીના સત્સંગનું સુખ યાદ રહેલ તેમ ત્યારે ભૂલી જવાતું નથી. જો એક વાર યથાર્થ અનુભવાયું હોય તો. એમ શા માટે ? તો કયારેક સત્સંગના યોગથી અલગ પડી જવાય તો આ વાર્તાને સમજી રાખી હોય તો કયારેય તેને એમ ન થાય જે મારું અકલ્યાણ થશે. તેના જીવનું અતિ રૂડું જ થાય છે. માટે આ વાર્તાને યથાર્થ હૃદયમાં સમજીને રાખવી.