પ્રતિપાદિત વિષયઃ
ચાર વાનાંની કાચ્યપ ટાળવાનું.
મુખ્ય મુદ્દાઃ
૧.જે આત્મલક્ષી તથા પરમાત્માલક્ષી હોય તેને ચાર વાનાંથી પણ કોઈ જાતનો ફેર પડે નહિ તથા આસ્થા આવે નહિ.
ર.ધર્માદિ ચાર વાનાં પૂર્ણ હોય ત્યારે વાસુદેવ ભગવાનમાં પ્રવેશ(અતિ આસક્તિ)થાય છે.
૩.સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ આ ચાર વાનાંની કાચ્યપ ટાળે તો નિર્વિધ્ન ભક્તિ થાય.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજે સંતો આગળ વાત કરી કે ધન, સ્ત્રી અને પુત્ર આદિક જે દેહ અને દેહના ભોગની આસક્તિનું પોષણ કરનારા પદાર્થો છે તેણે કરીને બુદ્ધિમાં ફેર પડે નહિ અર્થાત્ભગવાનના માર્ગે ચાલવાના નિર્ણયો બદલે નહિ અથવા ઢીલા પડે નહિ અને તેને અર્થે કોઈ ન્યૂન પુરુષને વિષે આસ્થા આવે નહિ એવા તો સત્સંગમાં પણ ગણતરીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહિ. કારણ કે મોટા ભાગે સત્સંગ કરતાં પણ દેહ અને તેના આસક્તિના પદાર્થો પ્રધાન થઈ જાય છે. સત્સંગ કરતાં કરતાં દેહાદિક તથા ધન, સ્ત્રી, પુત્રાદિક ગૌણ થતા જાય ને ભગવાન તથા ભગવાનના ભક્ત અને ભજન મુખ્ય થતા જાય એવો ચોખ્ખો સત્સંગ કોઈ કરતા નથી. કોઈક વિરલા જ કરતા હોય છે. બાકી બધા આને પણ એટલું જ મહત્ત્વ દઈને સત્સંગમાં આગળ વધે છે. મહારાજ કહે છે કે એવા વિરલ વ્યક્તિત્વવાળા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. જેને એક માત્ર ભગવાનની પ્રધાનતા જ રહે છે ને દેહાદિકના ભોગ વિના મહેનતે મળે તો પણ પરમાત્માના માર્ગમાં વિધ્નરૂપ જાણીને તેમાં લેવાતા નથી. ગમે તેવા ચમત્કારમાં પણ તેઓ અંજાઈ જતા નથી.
ચમત્કારમાં માણસ કયારે અંજાઈ જાય છે ? તો મહેનત કર્યા વિના અથવા અધૂરી કે ઓછી મહેનત કરીને પણ પૂર્ણ ફળની અતિ ચાહના અંતરમાં રહે ત્યારે ચમત્કારમાં ફસાઈ જવાય છે. આ દેહાભિમાન તથા દેહાસક્તિનું ફળ છે. માટે મહારાજ કહે છે કે કેવો હોય તેને કોઈનો ભાર ન આવે ?
તો જે પોતાને પૂર્ણ રીતે દેહથી અલગ આત્મારૂપે માનતો હોય ને ભગવાનનો પૂરો મહિમા જાણતો હોય તો તેની બુદ્ધિ આ લોકની લાલચમાં લલચાય નહિ. મહારાજ કહે, એ એવા મોટા છે તો પણ માનનો બહુ યોગ થવા લાગે, રૂપિયાના ઢગલા થાય, રૂપવાન સ્ત્રીઓ સેવામાં આતુર હાજર થવા લાગે ત્યારે તેઓ અતિ ત્યાગી છે ને ભગવાનનો ઘણો મહિમા જાણે છે તો પણ તેનું ઠેકાણું રહે નહિ. ઉતરતા ત્યાગી જેવા રહે કે કેમ એમાં સંશય છે. કેમ જે એ પદાર્થ જ એવા છે. એની અસરતો એક ભગવાનને જ ન થાય. તે કહ્યું છે જે ‘ૠષિં નારાયણમૃતે’ માટે તેનાથી બચવા માટે તેનો યોગ થયા પહેલાં તેનો ડર રાખે અને તેવા પદાર્થો તથા સંજોગોથી દૂર રહેતા શીખે તો તેની દુષ્ટ અસરથી બચી શકે. તે વિના કોઈ રીતે બચી શકાય નહિ.
પછી મહારાજે વાસુદેવ ભગવાનમાં પ્રવેશની વાત કરી. જે ભક્તમાં સ્વધર્માદિ ચારેય વાનાં હોય તેનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય છે. પ્રવેશ એટલે શું ? તો ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્તિ થાય. જેમ અતિ લોભીને ધનમાં, અતિ કામીને મનગમતી સ્ત્રીમાં, વાંઝિયાને દીકરો થાય તેમાં આસક્તિ થાય ને સદાને માટે તેનું અનુસંધાન અને સ્મૃતિ રહે તેને મહારાજે પ્રવેશ કહ્યો છે. તે સ્વધર્માદિ ચારેય વાનાં સંપૂર્ણ હોય તેને જ ભગવાનમાં એવું થાય છે. બીજાને એવું થતું નથી. બીજાને તો બ્રહ્માદિકમાં પોતાની સ્થિતિની યોગ્યતા અનુસારે જોડાઈ જવાય છે. પણ સ્થિતિ નીચી હોય ને મનમાં ઊંચી અપેક્ષા રાખે તો ખાલી અપેક્ષા રાખવાથી પરમાત્મામાં પ્રવેશ થતો નથી. પોતાની યોગ્યતા પ્રમાણે આપોઆપ પ્રવેશ બીજામાં થઈ જાય છે. છતાં પણ મહારાજે અહીં એક સહેલું સાધન ભગવાનમાં પ્રવેશ કરવાનું બતાવ્યું છે. જેને ભગવાનની કથા, કીર્તન, નામસ્મરણ વગેરે પ્રકારની ભક્તિ તથા મહિમા, ધર્મ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, સંત સમાગમ એનું બંધાણ દારૂ–અફીણના જેવું બંધાણ થઈ ગયું હોય પછી તે ગમે તેમ કરે તો પણ તેના વિના ચાલે નહિ. તો તેનો પણ ભગવાનમાં પ્રવેશ થાય છે.
ભગવાનને પામવાનાં સાધનોમાં આસક્તિ છે તે સાધ્યમાં જ આસક્તિ છે તેમ જાણવું. સાધ્યમાં(પરમાત્મામાં)આસક્તિ બતાવે છે ને તેના સાધનમાં તેને આદર નથી થતો અથવા આદર નથી કરતો તો તેને સાધ્ય એવા પરમાત્મામાં આસક્તિ છે જ નહિ, ને ઉપરથી બતાવે છે. તે બીજાને છેતરવા અને પોતાનો અર્થ સારવા બતાવે છે. માટે મહારાજ કહે, કથા આદિકમાં જેનો પ્રવેશ એટલે કે કથા આદિકમાં આસક્તિ થાય તેનો ભગવાનમા પ્રવેશ થાય છે. મહારાજ કહે, ગમે તેવા કુસંગમાં એટલે કે નબળા વાતાવરણમાં ફસાઈ ગયો હોય તો પણ તેને કર્યા વિના ન ચાલે તો તેનો વાસુદેવમાં પ્રવેશ થાય છે. જેને પરમાત્મામાં આસક્તિ થાય છે તે ચતુર્ધા મુક્તિને પણ ઈચ્છતા નથી, કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે છે. બીજા કોઈ પદાર્થનો ઈશક તેને હોતો નથી અને ઉપર કહ્યો તેવો ન હોય તે પ્રાકૃત ભક્ત કહેવાય અને તેનો ભગવાનને વિશ્વાસ આવતો નથી.
મહારાજ કહે, આ ચાર વાનાં હોય તેની ભક્તિનો પણ ભગવાનને વિશ્વાસ આવતો નથી તે કયા ? તો સ્ત્રી, ધન, દેહાિભમાન અને સ્વભાવ આ ચારવાનાંના ત્યાગમાં કાચ્યપ હોય તેની ભક્તિનો વિશ્વાસ આવતો નથી. તેની ભક્તિમાં જરૂર વિધ્ન આવે છે. કેમ જે, કયારેક સ્ત્રી, ધનનો મોકો મળે તો ઠેકાણું ન રહે ને આસક્ત થઈ જાય. જો દેહાધ્યાસ હોય તો દેહમાં જ્યારે રોગાદિક કષ્ટ આવે, અન્ન વસ્ત્ર ન મળે અથવા કઠણ વર્તમાનની આજ્ઞા થાય તો મનની સમતુલા ન રહે ને વિકળતા આવી જાય. ચાળા ચૂંથવા લાગી જાય અર્થાત્તુચ્છ ચેષ્ટાઓ કરવા લાગી જાય. જયારે સ્વભાવ પ્રમાણે ન વર્તવા દે ત્યારે મૂંઝાય ને સંત સમાગમથી નોખું પડી જવાય. પછી ભક્તિ રહે નહિ. માટે જેને દૃઢ ભક્તિ ઈચ્છવી તેને તો એ ચાર વાનાંની કાચ્યપ ટાળવી. તો જ તેની પરમાત્મામાં અતિ આસક્તિ નભી શકે; નહિ તો રહે નહિ.
સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી(પ્ર.ર.વા.૧૯)તથા બીજા સદ્ગુરુઓની વાતોના સાહિત્યમાં ઉલ્લેખ છે જે, ત્યાગીને તો ધન સ્ત્રીનો સંબંધ જ નથી તો કેમ સમજવું ? તો તેનું સમાધાન એ છે કે ત્યાગીને દેહ તે સ્ત્રીને સ્થાને છે. કેમ જે ગૃહસ્થ પોતાની સગવડતા ન સચવાય તો કાંઈ નહિ પણ ઘરવાળાની સગવડતાઓ પ્રાણને ભોગે પણ પૂરી કરતા હોય છે ને કરવી પડતી હોય છે. તેવું જ ત્યાગીને દેહવિષયમાં હોય છે. ગૃહસ્થને બીજા સ્થાનમાં દીકરા હોય છે તેમ ત્યાગીને દીકરા નથી પણ પોતાના મનોરથ ગોઠવી રાખ્યા હોય તેનું દીકરાની જેમ જતન થાય છે. માટે તે બન્ને પદાર્થ હૃદયમાં પડયા જ છે;પણ થોડા જુદા સ્વરૂપમાં રહેલા છે. નબળાઈને એક જગ્યાએથી નિષેધ કરવામાં આવે ત્યારે તે પોતાનું સ્વરૂપ–ઉપરની વેશભૂષા બદલીને જુદા સ્વરૂપે પ્રગટ થાય છે અને વસ્તુતાએ તો તે મૂળમાં પડેલો રાગ જ હોય છે. માટે મહારાજે જે ચાર વાનાંની કચાશ બતાવી તે દૂર કરે ત્યારે જ નિર્વિધ્ન ભક્તિ થઈ શકે છે.