પ્રતિપાદિત વિષયઃ
મૂર્તિનું અનેકતામાં એકપણું અને દિવ્યપણું.
મુખ્ય મુદ્દાઃ
૧.જુદી જુદી દેખાતી હોવા છતાં અક્ષરધામમાં છે તે જ આ મૂર્તિ છે. એવી દૃઢ માન્યતા પૂર્વક મૂર્તિનું ધ્યાન કરવું.
ર.જેટલી ઈતર આસક્તિ દૂર કરીને મૂર્તિમાં આસક્ત થવાય તેટલી યથાર્થતા જલ્દી અનુભવાય.
વિવેચન :–
આ વચનામૃતમાં પ્રથમ મહારાજે પ્રેમભક્તિના કીર્તન ગવરાવ્યાં. પછી વાત કરી જે આ વાત ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે. પછી બોલ્યા, જે કોટિ કોટિ ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ સમુદ્ર જેવો અથાહ જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ તેને વિષે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી તે પોતે ભગવાન અવતાર ધારે છે. તે ભગવાન કેવા છે ? તો અક્ષર થકી પર, કારણના કારણ ને અક્ષર મુક્તોના પરમ આરાધ્ય છે. તે જ ભગવાન શ્રીજી મહારાજરૂપે સાક્ષાત્અહીં આવ્યા છે.
હવે જ્યારે ધ્યાનના કરનારાની જે દૃષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજા રૂપ, વિષયમાત્રમાં અતિશય વૈરાગ્યને પામીને તે ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ બેયમાં લગાર પણ ભેદ ન જણાય. એવી રીતે જ્યારે મૂર્તિમાં આસક્ત થઈ જોડાય છે ત્યારે તેજ અને ઐશ્વર્યયુક્ત ધામની મૂર્તિ અને તેજ તથા ઐશ્વર્ય રહિત દેખાતી અવતાર સમયે પ્રત્યક્ષ મનુષ્યાકાર મહારાજની મૂર્તિ અથવા શાસ્ત્ર વિધિથી પ્રતિષ્ઠા પામેલી મહારાજની ધાતુ પાષાણની મૂર્તિ તે બેયમાં ધ્યાનના કરતલને લગાર પણ ભેદ જણાતો નથી. તે મૂર્તિ ને આ મૂર્તિનાં રૂપ, અવસ્થા, તેજ બરાબર જણાય છે. એક રોમનો પણ ફેર જણાતો નથી. એવી રીતે અતિશય એકપણું જણાય છે. આ લોકની મૂર્તિમાં મનુષ્ય ભાવ છે તે તો પોતાની સ્વતંત્ર ઈચ્છાથી બતાવે છે. રૂપ, તેજ અને ઐશ્વર્યમાં મંદપણું તો પોતાની ઈચ્છાથી આવૃત કરી રાખ્યું છે, પણ બીજે આસક્તિ છોડી તેમાં આસક્ત થાય તો તે આવરણ દૂર થતાં તેને યથાર્થ જણાય છે અથવા સમાધિવાળાને સમાધિમાં તે યથાર્થ દેખાય છે. આસક્તિ અથવા સમાધિ વિના એ યથાર્થ જણાતું નથી. માટે જેને માયિક દૃષ્ટિ છે એવા આપણે મહારાજના આ વચનોમાં અતૂટ શ્રદ્ધા–વિશ્વાસ રાખીને મૂર્તિના ધ્યાનનો અભ્યાસ કરવો. એવો મહારાજનો ઈશારો છે અને જે તેજ ઐશ્વર્યાદિ યુક્ત જે મૂર્તિ છે તે જ તેનાથી રહિત દેખાતા આ મહારાજ છે. એવો મહા વિશ્વાસ રાખવો.
પછી મહારાજે ધ્યાન પ્રક્રિયાની વાત કરી. જ્યારે ભક્ત પ્રતિલોમપણે નેત્રની કીકીમાં ધ્યાન કરે ત્યારે નાની, કંઠ દેશમાં મોટી, બુદ્ધિ અને જીવમાં અંગુષ્ઠ પ્રમાણ અને તેથી પર તેજોમંડળમાં વળી પાછી મનુષ્યાકાર મૂર્તિ અતિ તેજે સહિત દેખાય છે. આમ જુદી જુદી દેખાય છે તે સ્થાનના ભેદે દેખાય છે. છાયાનું દૃષ્ટાંત મહારાજે આપ્યું કે શરીર તો એક જ છે, છતાં સમયાનુસાર છાયા નાની મોટી જણાય છે. એક જ વ્યક્તિના ક્રોધ, રાજીપો, આશ્ચર્ય વગેરે ભાવોમાં ચહેરો જુદો જુદો જણાય છે, પણ છે તો એજ. તેમ મહારાજની મૂર્તિ પ્રતિલોમ કરનારાને જુદી જુદી જણાય અથવા મનુષ્ય ભાવથી ભક્તને તેજ, ઐશ્વર્ય ન દેખાય તો પણ અક્ષરધામમાં જે મૂર્તિ છે તેમાં ને આ મૂર્તિમાં રોમમાત્રનો ભેદ નથી. એવી દૃઢ મતિ રાખીને ભક્તે વિરામ પામ્યા સિવાય ધ્યાન સ્મૃતિ કરવા. એવો આ વચનામૃતનો અભિપ્રાય છે.