પ્રતિપાદિત વિષયઃ
વાસના જીર્ણ થયાનું લક્ષણ.
મુખ્ય મુદ્દાઃ
૧.જીવ જેટલો પ્રીતિપૂર્વક ભગવાનમા અથવા તેના એકાંતિક ભક્તમાં જોડાય તેટલી વાસના જીર્ણ થાય છે, છૂટે છે.
ર.વાસના છૂટયા પછી પણ પરમેશ્વરની આજ્ઞા અથવા નવધા ભક્તિ નિભાવવા ઘટિત દેહાભિમાન રહે છે.
વિવેચન :–
આ વચનામૃતમાં પ્રથમ રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછયો છે. જેવી જાગ્રત અવસ્થાને વિષે જીવની સ્થિતિ છે તેવી સ્વપ્ન અવસ્થાને વિષે કેમ રહેતી નથી ?
ત્યારે મહારાજે કહ્યું કે જીવની સ્થિતિ તો જેવી જાગ્રતમાં હોય તેવી જ સ્વપ્નમાં રહે છે. જેવી જાગ્રતમાં વાસના હોય તેવી જ સ્વપ્નમાં સ્ફુરે છે. ત્યાં નિર્લોભાનંદ સ્વામીએ પૂછયું કે હે મહારાજ ! જાગ્રતમાં તો કોઈ દિવસ દીઠા પણ ન હોય ને સાંભળ્યા પણ ન હોય તેવા પદાર્થ સ્વપ્નમાં સ્ફુરી આવે છે તેનું કારણ શું છે ? ત્યારે મહારાજ કહે તે પૂર્વજન્મમાં ભોગવ્યા છે માટે તેની વાસનાએ કરીને સ્ફુરે છે પણ અનુભવ્યા વિના–સંસ્કાર વિના સ્મૃતિ શકય નથી.
ત્યાં અખંડાનંદ સ્વામીએ પૂછયું જે હે મહારાજ ! આ જીવને પૂર્વજન્મના જે કર્મ તેનું જોર ભગવાનનો ભક્ત થાય પછી કયાં સુધી રહે છે ?
ત્યારે મહારાજે ઉત્તર કર્યો જે એ જીવ જેમ જેમ સત્પુરુષનો સમાગમ કરે છે અર્થાત્હેતપૂર્વક સત્પુરુષમાં તેનો જીવ ચોટતો જાય છે અને ભગવાનમાં ચોટતો જાય છે તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી વાસના તે જૂની થતી જાય છે. જીવના હૃદયમાં પડેલી વાસના કાલાંતરથી જૂની થઈ શકતી નથી, તેમ તો વાસના કયારેક નવીન નવીન રૂપ ધારીને યુવાન પણ થતી જાય છે. માટે વાસનાને કાળ જૂની કરી શકતો નથી. ભગવાનના એકાંતિક ભક્ત કે સંત અને પરમાત્મામાં એનો જીવ જેટલો પ્રીતિપૂર્વક ચોટતો જાય. તેટલી વાસના જીર્ણ અને બળહીન થતી જાય છે. પછી એ વાસના જન્મ મરણ ભોગવાવે તેવી તે રહેતી નથી.
મહારાજે દૃષ્ટાંત આપ્યું કે જેમ ત્રણ ચાર વર્ષની જૂની ડાંગર હોય તે જમ્યામાં તો આવે પણ તેને વાવે તો ઊગે નહિ. તેમ પૂર્વ કર્મની વાસના જીર્ણ થાય ત્યારે જન્મ મરણ ભોગવાવે તેવી રહેતી નથી. ભગવાનના ભક્તના પૂર્વ કર્મનાં બે પરિણામો હોય છે. એક તો પ્રબળ પરિણામ હોય તો જન્મમરણની સંસૃતિમાં ધકેલી દે છે અને જીર્ણ પરિણામ તે કેવળ જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી દૈહિક સુખ દુઃખ આપનારું થાય, પણ જન્મમરણ લેવરાવે નહિ.
યોગશાસ્ત્રની અંદર કહ્યું છે કે એક બાજુ તો આપણો જીવાત્મા ચૈતન્ય છે. બીજુ બાજુ એ જીવે કરેલા પૂર્વ કર્મનો સમૂહ છે. ત્રીજું તે બેની વચ્ચે સંબંધ જોડનારા અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ કલેશો છે. જીવે કરેલાં પૂર્વ કર્મનો સમૂહ ત્યાં સુધી તેનો નિગ્રહ કરી શકે છે અને ફળ ભોગવવા મજબૂર કરી શકે છે કે જ્યાં સુધી જીવ પાંચ કલેશોને વળગી રહે છે. રાગાદિક કલેશો જીવના હૃદયમાંથી નાશ થઈ જાય તો પોતે કરેલાં કર્મસમૂહની હાજરી હોય તો પણ તે કર્મ જીવને ફળ ભોગવાવી શકતા નથી.
તે પંચકલેશો ઘણું કરીને રાગરૂપ છે અથવા તેના કારણ કે પરિણામરૂપ છે. તેનો નાશ કરવા માટે જગતમાં તે જોડાય છે. તેને ફેરવીને પરમાત્માની દિશામાં કરવાના છે. તે ભગવાન અને તેના સાચા ભક્ત કે સંતમાં થાય તો તે માયામાં જોડાયેલા કલેશો જીર્ણ થઈ જાય છે. તે પૂર્વ કર્મની વાસના અળગી કરી કર્મના ફળથી જીવનું રક્ષણ કરે છે. એ વાસના જીર્ણ થઈ ત્યારે ગણાય કે વાસના સંબંધી સંકલ્પ કરતાં તેમાં વિરોધી પ્રતિપક્ષ ભાવવાળા સંકલ્પો ઝાઝા થાય અને ભોગના સંકલ્પને જેટલા દાબી દે ત્યારે સમજવું વાસના જીર્ણ થઈ છે.
પછી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછયો. જે ભગવાનના ભક્તને દેહાભિમાનની નિવૃત્તિ થઈ હોય ને પંચ વિષયનો અભાવ થઈ ગયો હોય તે બીજા સર્વે ભક્તોને કેમ કળ્યામાં આવે ? જ્યારે સંતોથી ઉત્તર ન થયો ત્યારે મહારાજે જ તેનો ઉત્તર કર્યો. જે ભક્તને દેહાભિમાન તથા પંચ વિષયની આસક્તિ દૂર થઈ હોય ત્યારપછી પણ પરમેશ્વરની આજ્ઞાએ કરીને વર્ણ અને આશ્રમ તથા ભક્તિ કરવામાં ઉપયુક્ત દેહાભિમાન પણ રાખ્યું જોઈએ અને ઘટિત પંચવિષય પણ ભોગવવા જોઈએ. વાસના સહિત અને વાસના રહિત વ્યક્તિના ભોગ, વિષય વગેરેમાં ફેર હોય છે.
મહારાજ કહે, જેમ અતિશય દૂબળું–પૂંછલેલ ઢોર હોય તેને હેઠે લાકડાં ભરાવીને તથા શીંગડે પૂંછડે ઝાલીને ઊભું કરીએ, તે જ્યાં સુધી માણસ ઝાલી રાખે ત્યાં સુધી ઊભું રહે અને જ્યારે માણસ મૂકી દે ત્યારે પૃથ્વી ઉપર પડી જાય. તેમ જેનું દેહાભિમાન અને પંચ વિષયની વાસના નિવૃત્ત થયા હોય તેને પરમેશ્વર આજ્ઞાએ કરીને જેટલી ક્રિયામાં જોડે તેટલી ક્રિયા કરીને રહેવા દે છે અને તેટલો જ વ્યવહારમાં જોડાય છે પણ બાકીનું આપ મેળે છૂટી પડે છે. તેને પોતાની વાસના પ્રેરિત રસ કે અહંની પ્રેરણાથી કોઈ જાતનો રસ હોતો નથી. જે કાંઈ ક્રિયામાં અથવા તે ભક્તિની કે આજ્ઞાને નિભાવવા ઘટિત દેહાભિમાન કે ભોગ પૂરતો જ પ્રવર્તે છે પણ વાસના પ્રેરિત રસ કે દેહાભિમાન પ્રેરિત રસથી તે રહિત હોય છે. જેથી આજ્ઞા કે ભક્તિ ન જણાતાં આપોઆપ ધબ લઈને ક્રિયા છૂટી જાય છે અને ભોગની પણ વિસ્મૃતિ થઈ જાય છે. જ્યારે સવાસનિક હોય તેને ભોગ કે પોતાની વાસના પ્રેરિત કે અહં પ્રેરિત ક્રિયામાંથી રસરહિત થઈ શકાતું નથી. ત્યાં સુધી કે પરમેશ્વરની આજ્ઞાથી પણ છૂટી શકાતું નથી. મર્યાદા તથા પરમેશ્વરની મરજી એ બધાને ઉપરવટ થઈને પોતાનો અંગત રસ પૂરો કરવા સિવાય રહી શકાતું નથી. એવું જણાય ત્યારે તે સવાસનિકતાનાં લક્ષણ જાણવાં.