પ્રતિપાદિત વિષયઃ
ભરતજીનું ચમત્કારી આખ્યાન.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાનના ભક્તએ ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે.
ર.આ આખ્યાનનું અનુસંધાન રાખી જે પ્રકારે ભગવાનમાં અખંડવૃત્તિ રહે તેવો પ્રયત્ન કરવો.
વિવેચન :–
આ વચનામૃત ભરતજીના ચમત્કારી આખ્યાનનું છે. શ્રીજી મહારાજ કહે છે કે શ્રીમદ્ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. અહી ચમત્કારનો ભાવ, મુમુક્ષુ જીવોને અનેક પ્રકારના ચમત્કારી ઉપદેશપ્રદ આ આખ્યાન છે એવો છે. આ આખ્યાનમાંથી મુમુક્ષુને જે ઉપદેશો મળે છે તેવા બીજા આખ્યાનોમાંથી મળી શકતા નથી. કારણ કે ભરતજી તો સાક્ષાત્ૠષભદેવ ભગવાનના પુત્ર હતા તો પણ મૃગ બાળકમાં પ્રીતિ થતાં મૃગ બાળકનો જન્મ લેવો પડયો. ભરતજીના આખ્યાનમાં અનેક એવાં જમા પાસાંઓ છે. જે સામાન્ય મુમુક્ષુઓના જીવનમાં દુર્લભ હોય છે. છતાં પણ આટલાં આટલાં જમા પાસાંઓ હોવા છતાં ભરતજીને જન્મ મરણમાં ધકેલી દેતા કોઈ રોકી ન શકયું. એટલું જ નહિ પશુયોનીમાં જતાં પણ કોઈ જમા પાસું તેને અટકાવી ન શકયું. તે આ આખ્યાનમાં ચમત્કારીતા–ઉપદેશપ્રદત્તા છે.
એક તો પોતાના સંગા બાપ ભગવાન હતા તો પણ મૃગ દેહ લેવો પડયો. વળી પોતે પૃથ્વીના સમ્રાટ હતા. અતિ મુમુક્ષુ ભાવથી અને અતિ તીવ્ર વૈરાગ્યથી સંસારનો મળવત્ત્યાગ કર્યો હતો. બીજા જે મુમુક્ષુમાં આવો મોટો અને વેગપૂર્વકનો ત્યાગ જ્વલ્લેજ હોય છે છતાં વિધ્ન આવ્યું હોય તો સામાન્ય મુમુક્ષુઓએ કેટલું સાવધાન રહેવાની જરૂર છે ! વળી જંગલમાં જઈને તેઓ અખંડ પરમાત્માની આરાધના કરતા હતા અને તે આરાધનામાં દિવસ રાત્રી કે દેહની ઊર્મિઓ જે ભૂખ તરસનું ભાન ભૂલી જતા હતા. આપણે મુમુક્ષુઓ ભગવાનની આવી આરાધના કરતા હોતા નથી. કયારેક તો વેગથી ત્યાગ કરીને, ત્યાગ કર્યા પછી બીજે ધંધે મુમુક્ષુઓ લાગી જતા હોય છે. તો તેને તો વિધ્ન બાધ કરે તેમાં કોઈ નવાઈ નથી. વળી ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તે કાંઈ નિંદિત કર્મ ન હતું. ખરેખર ભગવાનના ભક્તમાં ભક્તિની સાથે દયા પણ હોવી જોઈએ. ભક્તનું હૃદય તો ભગવાનના હૃદય જેવું કોમળ, જલદી પીગળી જાય તેવું હોવું જોઈએ. ભરતજીએ તેમ કર્યું હતું તો પણ એ દયાએ માયાનું સ્વરૂપ પકડી લીધું. જેથી આ જગતમાં કયારેક સદ્ગુણો પણ માયારૂપ બની જાય છે. તેથી મુમુક્ષુને સાવધાની રાખવી ઘટે. દયા કમ સે કમ દુર્ગુણ નથી તો પણ ભરતજીને માટે તે દુર્ગુણ બની ગઈ.
આવા અનેક પ્રકારના જેટલા ગ્રહણ કરવા હોય તેટલા સદ્ઉપદેશ આ આખ્યાનમાં રહેલા છે. માટે આના જેવું અન્ય આખ્યાન ચમત્કારી ઉપદેશવાળું નથી. માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. અતિ મોટી ભૂલ છે. એટલું અનુસંધાન રહે તો તેમાંથી ઉગરી શકાય, નહિ તો ભરતજી જેવા મહાન ભક્તને પણ તેમાં લપટાઈ જઈને જન્મો લેવા પડયા તો આપણા જેવા સામાન્ય મુમુક્ષુના જીવનમાં ભરતજીના જીવન જેવું કોઈ જમા પાસું નથી. તો આપણી શી વિસાત ! માટે મહારાજે બતાવ્યું તે પ્રમાણે અતિ સાવધાની રહે તો જ ઉગરી શકાય.