પ્રતિપાદિત વિષયઃ
પતિવ્રતાની ટેકથી પરમાત્મામાં પ્રીતિ કરવી.
મુખ્ય મુદ્દાઃ
૧.જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને વિષે પતિવ્રતાની ટેકથી પ્રીતિ કરવી.
ર.વ્યભિચારિણીના જેવી ભક્તિ ન કરવી.
વિવેચન :–
આ વચનામૃત પતિવ્રતાની ટેકનું વચનામૃત છે. પતિવ્રતા નારીનો પતિ અતિ ગુણવાન અથવા ઐશ્વર્યવાન કે સત્તાવાન હોય તો જ પતિવ્રતામાં દૈવત આવે છે એવું નથી. એ તો એની ટેક પાલનનો જ મહિમા છે. આપણા શાસ્ત્રોમાં ઘણી પતિવ્રતાઓ અસુરોની પત્નીઓ હતી. ઘણી ગરીબ ૠષિઓની પત્નીઓ હતી. ઘણી દુર્ગુણના ધામ એવા ધૃતરાષ્ટ્ર જેવાની પણ પત્ની હતી અને ઘણી રાજાઓની પત્નીઓ પણ હતી છતાં પતિવ્રતાઓનો પ્રભાવ તે બધી મર્યાદાઓને ઉપર જઈને રહ્યો છે. લગ્નવિધિથી જેની સાથે સંબંધ બંધાયો તે સંબંધને શાસ્ત્રો અનુસાર પકડીને પતિવ્રતાઓ પ્રૌઢ પ્રતાપશાળી બને છે. પાતિવ્રાત્યમાં વિવેકદૃષ્ટિ ન ચાલે. જો સદ્ગુણ, સજ્જનતા વગરેનો વિવેક ગ્રહણ કરે તો પતિવ્રતાપણું રહે નહિ. પતિવ્રતામાં સંબંધ એ જ સર્વસ્વ છે. વિવેકદૃષ્ટિને સ્થાન નથી.
મહારાજ કહે છે કે પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય, કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા તાલેવર, રૂપવાન ને યુવાન પુરુષને જોઈને લેશમાત્ર મનમાં ગુણ આવે નહિ. જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે તેનું પતિવ્રતાપણું નાશ પામે છે. તેને ઘેર મહેમાન, તેના સંબંધી પુરુષો, તેને અન્નજળ આપે તે તો પતિના સંબંધી જાણીને તથા પતિની આબરૂ વધારવા આપે છે. પણ પોતાને તેમાં પ્રીતિ કે ગુણ ન હોય. જેવી પોતાના પતિ સંગાથે દૃઢ ટેક છે. તેવી જ રીતે ભગવાન સંગાથે પતિવ્રતાની ટેકથી પ્રીતિ કરવી. જો ગુણના માધ્યમથી પ્રીતિ કરવા જશે તો બીજા ગુણવાન મોટા મુક્તો સાથે જરૂર ભગવાન જેવી પ્રીતિ થઈ જશે. ત્યારે પતિવ્રતાની ટેક રહેશે નહિ.
શાસ્ત્રમાં ભગવાનના એકાંતિક ભક્તમાં તો આત્મબુદ્ધિ ને હેત કરવાનું કહ્યુ છે. જ્યારે અહીં મહારાજ તેનો પણ નિષેધ કરે છે. તેનું સમાધાન એ છે કે એકાંતિક સંત છે તે પતિવ્રતાની દૃષ્ટિએ સાસુ સસરાને સ્થાને છે અને પરમાત્મા પતિને સ્થાને છે. પતિવ્રતા સ્ત્રી સેવા–સન્માન કરવામાં પતિ કરતાં પણ પોતાના પતિના મા–બાપ એવા પોતાના સાસુ સસરાને અગ્રસ્થાન આપે છે અને પ્રથમ સન્માન આદરને યોગ્ય છે. તેમાં સુજ્ઞ પતિનો પણ રાજીપો હોય જ અને એમ ન કરે તો ખાનદાન પતિ તેને આજ્ઞા પણ કરે કે માતા પિતાનું સન્માન પ્રથમ કરો. પોતાના માતા પિતાની સાર સંભાળ રહે તો પતિ પોતાની સેવા કરતાં પણ વધારે ખુશી થાય અને થવું જોઈએ. છતાં એનો અર્થ એવો નથી કે તે પોતાના પતિથી અધિક છે અથવા પોતાના પતિ કરતાં પણ પ્રથમ છે. પતિવ્રતાને માટે તો પતિ એટલે સર્વસ્વ જ છે તેમ વિવેક છે.
બીજી જિજ્ઞાસા એ રહે છે કે મહારાજે અહીં વચનામૃતમાં કહ્યું, જે જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તે સંગાથે પતિવ્રતાપણાની તે ભગવાનના ભક્તએ ટેક રાખવી. તો પછી આપણને સત્સંગ થયા મોરે બીજા અવતારોની ઉપાસના હોય ને સત્સંગ થયા પછી મહારાજનો મહિમા સમજાયો અને મહારાજની ઓળખાણ થઈ તો પછી તે ઉપાસના મૂકીને આપણે મહારાજની ઉપાસના કરીએ તો પતિવ્રતાની ટેક જળવાઈ રહી ગણાય કે નહિ ? અથવા તો એમ કહો કે તે ઉપાસનાને છોડી આપણે મહારાજની ઉપાસના કરવી કે કેમ ? જો આપણે તે ઉપાસના છોડી મહારાજની ઉપાસના કરીએ તો આપણે પતિવ્રતાની ટેક છોડી ગણાશે. જો આપણને મહારાજનું સ્વરૂપ સર્વોપરી અને અવતારોનું અવતારી છે એવું ઓળખાયા પછી આપણે મહારાજની ઉપાસના ન કરીએ તો આપણે આધ્યાત્મિક વિવેકદૃષ્ટિને કાંધ મારી ગણાય અર્થાત્જાણ્યા છતાં વિવેકહીન દૃષ્ટિથી વર્ત્યા ગણાઈએ. ત્યારે આપણે શું કરવું જોઈએ ?
મહારાજ સમયના જે નંદ સંતો હતા તેઓ પણ મહારાજ મળ્યા પહેલાં કોઈ ને કોઈ અવતાર સ્વરૂપોની પતિવ્રતાભાવે ઉપાસના કરતા હતા. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ આ સંતોએ તો પરમાત્માની ટેકના ઠેરાવો કરેલા હતા. બીજા પણ સદ્ગુરુઓ મહારાજ સિવાય ઈતર અવતારોમાં અતિ દૃઢપણે જોડાયેલા હતા. જ્યારે મહારાજ મળ્યા ત્યારે તેઓ તે તે ઉપાસનાઓ છોડીને મહારાજમાં દૃઢ ભાવથી જોડાઈ ગયા હતા. અરે કયારેક તો તે તે ઉપાસ્ય અવતારોએ જ મહારાજ તરફ આંગળી ચીંધીને મહારાજને ઉપાસના કરવા માટે બતાવ્યા હતા. માટે પૂર્વાપર સત્સંગનો ઈતિહાસ જોતાં એમ જણાય છે જે ‘પોતાને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય’ અર્થાત્પોતાને જે સ્વરૂપની સાચી ઓળખાણ થઈ હોય એવો અર્થ પણ લઈ શકાય છે. કારણ કે ભગવાનના માર્ગમાં ભગવાનની સાચી મહિમાપૂર્વકની ઓળખાણ એ જ પ્રાપ્તિ છે. સ્થૂળ મળવું એ પ્રાપ્તિ નથી. માટે તે સંતોને મહારાજનું સ્વરૂપ ઓળખાયું અને મહારાજ સાથે પતિવ્રતાની ટેકથી જોડાયા હતા. એવી રીતે એ સંતોએ પતિવ્રતાની ટેક અને વિવેકદૃષ્ટિ બન્નેનો નિરાબાધપણે નિભાવ કર્યો છે, અખંડ રાખ્યા છે. નહિ તો બન્ને એટલા મહત્ત્વના છે અને કોઈપણ ઉપાયોથી બન્ને જળવાય એ જ વધારે સારો ઉપાય છે. મોટા સંતોએ મહારાજની આ પતિવ્રતાની આજ્ઞા તથા વિવેકદૃષ્ટિ બન્નેને આવી રીતે જાળવી છે અને એ પ્રશસ્ત માર્ગ છે.