પ્રતિપાદિત વિષયઃ
મલિન વાસના, પ્રીતિ થવાનું સાધન, દૈવી આસુરીની ઓળખાણ, સ્નેહથી વિવેક–વૈરાગ્ય, વિશ્વાસપાત્ર મહિમા, મોટા પુરુષની દયાળુતા વગેરે.
મુખ્ય મુદ્દાઃ
૧.મલિન વાસના ભગવાનમાં પ્રીતિ થવા દેતી નથી.
ર.તીવ્ર શુભ સંસ્કારોથી મલિન સંસ્કારો દૂર થાય છે.
૩.દૈવી જીવ ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન સન્મુખ રહે છે.
૪.ભગવાનના ભક્ત સાથે અણબનાવ એ આસુરી જીવનું મુખ્ય લક્ષણ છે.
પ.પ્રથમથી જ ભગવાનમા સ્નેહ થઈ જાય તો વિવેક વૈરાગ્ય આપોઆપ આવી જાય છે.
૬.સંતોની ઉદાસીનતા, તિરસ્કારમાં પણ અવગુણ ન આવે તો તેનો મહિમા વિશ્વાસ પાત્ર છે.
૭.નિર્વ્યાજ સેવા અને સમર્પણ હૃદયમાં પડેલા મહિમાના પરિચાયક બને છે.
૮.ધર્માદિ અતિ તીવ્રપણે સિદ્ધ કર્યા હોય એવા મોટા પુરુષનું જરા શિથિલ વર્તન મુમુક્ષુ ઉપર દયા માટે હોય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં પ્રથમ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે હે મહારાજ, પરમેશ્વર સિવાય તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દૃઢ પ્રીતિ થતી નથી ? ત્યારે મહારાજ કહે તેને સાર શું છે તેની જ ખબર નથી. તેને સાર તથા અસારનો વિવેક નથી. જો અંતરમાં સ્પષ્ટ વિવેક હોય તો તે વિવેકનું રક્ષણ કરનારા વિચારો તેને આવે. જે મહારાજે વચનામૃતમાં વર્ણવી બતાવ્યા છે. મહારાજે કહૃાો તેવો વિવેક ન હોય ત્યાં સુધી સ્ત્રી, ધન આદિકનું જે સુખ તેને અતિશય દુર્લભ જાણે છે અને તેનું અતિ માહાત્મ્ય જાણીને વારંવાર ભોગવવાથી એ સુખની તૃષ્ણા અતિ મલિન થતી જાય છે. ભોગ ભોગવવાનો વેગ વધતો જાય છે. જેમ જેમ ભોગના સંસ્કાર તથા વેગ વધતો જાય તેમ તે વાસનામાં અતિ મલિનતા આવતી જાય છે. જ્યારે ભગવાન સંબંધી જે વાસના અને તૃષ્ણા છે તેનો જેમ જેમ અનુભવ થાય તેમ તેમ તેમાં નિત્ય નવીનતા આવતી જાય છે. નિર્મળતા આવતી જાય છે. તેજસ્વિતા આવતી જાય છે. મહારાજ કહે સ્ત્રી આદિક ભોગવ્યાની અતિ મલિન વાસના અમે નજરે જોઈ છે એમ કહીને અયોધ્યામાં શિવ મંદિરમાં એક કાયસ્થ આવીને નિત્ય વાસના ભોગવવા લંબકર્ણ થવાની પ્રાર્થના કરતો તે વાત કરી. આવી રીતે પાપરૂપ વાસના જીવના હૃદયમાં થાય છે. માટે તેને કોઈ રીતે ભગવાનમાં પ્રીતિ થતી નથી.
વળી મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે હે મહારાજ, તમે કહો છો તેવા અતિ મલિન વાસનાવાળાને ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય કે ભગવાન સર્વ સુખના નિધિ છે અને ભગવાનના સુખ વિના બીજા પદાર્થ તથા સ્ત્રી આદિકના સુખ તે અતિ દુઃખના કારણ છે એવો વિવેક સમજતા હોય તો પણ ભગવાનમાં પ્રીતિ થતી નથી તેનું શું કારણ છે ?
ત્યારે મહારાજ બોલ્યા જે એ જીવને પૂર્વ જન્મને વિષે અથવા આ જન્મને વિષે મલિન વાસનાએ યુક્ત ભોગ ભોગવાયા છે. તેથી અતિશય ભૂંડા તીક્ષ્ણ કર્મ થયા છે. જેનો તેના ચિત્તમાં પાશ લાગ્યો છે. તેના ચિત્તમાં ભૂંડા કર્મના તીવ્ર સંસ્કારો બેસી ગયા છે. માટે સાર અસારનો વિવેક જાણે છે તો પણ અસારને છોડી શકતો નથી. તે ભૂંડા કર્મોના સંસ્કારો તેના વિવેકને ઉથલાવીને ફગાવી દે છે. માટે ભગવાનમાં પ્રીતિ થતી નથી. જો અતિશય શુભ કર્મનો તેના ચિત્તમાં પાશ લગાડે તો તેનાથી તીવ્ર શુભ સંસ્કારો તેના ચિત્તમાં ઊભા થાય. આવા તીવ્ર શુભ સંસ્કારો જ તે ભૂંડા સંસ્કારોનો નાશ કરી શકે અને તેને ભગવાનમાં પ્રીતિ થાય.
અહીં એક વિશેષ જાણવા જેવું એ છે કે ‘કામિની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબન્ધિકા’ સ્ત્રી ભોગેચ્છા બીજી હજારો શુભ ઈચ્છાઓને દાબી દે છે અથવા તોડી નાખે છે. કોઈપણ નબળી મલિન વાસનાઓ પૈકી એક જ ઈચ્છા હજાર શુભ સંસ્કારોને હટાવીને પોતાનું કામ કરે છે. જે સૌભરી, બ્રહ્મા, શિવ, પરાશર વગેરેના ઈતિહાસ ઉપરથી જણાય છે. આપણા ચિત્તમાં શુભ સંસ્કારો ઝાઝા હોય તો પણ એક જ ભૂંડા પાશનો સંસ્કાર હોય તે ભક્તના હૃદયની શાંતિ અને સુખને ડોળી નાખે છે અને ભગવાનમાં પ્રીતિ થતી રોકી દે છે. ઉલ્ટું, ઝાઝા ભૂંડા સંસ્કારો વચ્ચે એક સારો સંસ્કાર જગતમાં થતી પ્રીતિને પેલા જેટલી રોકી શકતો નથી. આલોકમાં અથવા આ યુગમાં નબળાની એટલી બલિહારી છે ! માટે તેને મૂળથી નાશ કરે તો જ ભગવાનમાં સાચી પ્રીતિ થાય.
પછી અયોધ્યાપ્રસાદજી એ પ્રશ્ન પૂછયો છે જે એકની તો શાસ્ત્રમાં દૃષ્ટિ પહોંચે છે ને બુદ્ધિ ઘણી છે તો પણ વિમુખ થઈ જાય છે. જ્યારે બીજાને શાસ્ત્રમાં પણ દૃષ્ટિ પહોંચતી નથી ને બુદ્ધિ પણ થોડી છે તો પણ સત્સંગમાં દૃઢ રહે છે તેનું શું કારણ છે ?
મહારાજે ઉત્તર કર્યો છે જે ઝાઝી બુદ્ધિવાળા અને અધ્યાત્મનો માર્ગ એ બન્નેને સંબંધ ને સુમેળ હોય એવો કોઈ નિયમ નથી. દૈવીભાવ અને ભગવાનનો માર્ગ તેને ઘાટો સંબંધ છે. અયોધ્યાપ્રસાદજી મહારાજને પ્રશ્ન ઊઠયો છે તે એવી ભૂમિકાએ ઊઠયો છે કે ઝાઝી બુદ્ધિ હોય તે તો ભગવાનના માર્ગમાં પણ આગળ જ હોય ને ? પરંતુ મહારાજ કહે છે કે એ વાસ્તવિકતા નથી. મહારાજ કહે છે કે જે આસુરી હોય તે કદાચ ઝાઝી બુદ્ધિવાળો હોય તો પણ સત્સંગમાંથી વિમુખ થાય અને દૈવી જીવને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી પાછો પડે જ નહીં.
ખરેખર તો સાચા ભાવમાં ભગવાનનો માર્ગ પકડીને ચાલે એ જ દૈવી જીવનું સાચું લક્ષણ છે. ભગવાનના માર્ગનો જ જેને વિરોધ હોય, બાકી બધું ફીટ બેસી જતું હોય, એ જ એ જીવનો આસુરભાવ બતાવે છે. મહારાજ કહે, બીજ અનુસાર ફળની જાત થાય છે. સારવાર પ્રમાણે જાત ફરીને લીમડામાંથી આંબો થઈ જતો નથી.
ત્યારે શુકમુનિએ પૂછયું એ બે પ્રકારના જીવ કેમ જાણ્યામાં આવે? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કેદૈવી ને આસુરી બન્નેમાં સત્સંગનો યોગ થયા મોરે તો બન્નેમાં કામ, ક્રોધ, લોભાદિક દોષો હોય પણ દૈવી જીવને સત્સંગ અને સારા દેશકાળનો યોગ થાય તો નાશ પામી જાય. આસુરીને તે દોષો નાશ ન પામે. સત્સંગિજીવનમાં ભક્તરાજ મૂળજી શર્મા (સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી)નો મહારાજ પ્રત્યે આ જ વિષયનો પ્રશ્ન છે. ત્યારે મહારાજે દૈવી આસુરીની વિક્તિ બતાવતા કહ્યું છે કે આસુરી જીવને કેવળ ભગવાનના સાચા ભક્તનો વિરોધ હોવો એ જ આસુરીને જાણ્યાનું મોટું લક્ષણ છે. બન્નેમાં દોષો હોવાનો સંભવ તો છે જ, પણ આસુરીને ઓછા થવાનો સંભવ નથી. કોઈપણ વ્યક્તિના ભક્તપણા સાથે જ તેને વિરોધ હોય છે. એ વિરોધ સીધો નહિ તો કોઈ બહાનાએ કરીને પ્રગટ થાય છે.
મહારાજ કહે, આસુરી જીવ હોય ને તેને તેના સ્વભાવથી વિરુદ્ધ એકવાર કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહિ. તે જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય. કારણ કે તેનું અભિમાન–ઘમંડ તેજ હોય છે ‘દંભો દર્પોભિમાનશ્ચ’ તેથી તે હમેશાં આગળની હરોળમાં જ પોતાનું મોઢું રાખવા ઈચ્છે અને તે માટે જે કાંઈ કરવું પડે તે કરે છે. એમાં જો કોઈની સાથે ટકરામણ થઈ તો તેનું મૂળ ઉખેડવા પોતાના જીવનનો સમગ્ર પુરુષાર્થ ઠાલવી દેવામાં પાછો પગ ન કરે. મહારાજ કહે, એકવાર ગમતું મરડીને લગારેક છેડયો હોય તો જેટલી સાધુની સેવા કરી હોય તેથી લાખગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. જેમ ભાલદેશમાં લગારેક ઊંડું ખોદાય જાય તો પાણી ખારું ઝેર નીકળે. પ્રથમ મીઠું પાણી નીકળ્યું હોય તેને પણ બગાડી નાખે. આવો ભગવાનના સાચા ભક્ત–સંત વગેરે સાથે વ્યવહાર હોય તે આસુરી જીવ છે એમ જાણવું. આસુરી જીવ હોય તે કોઈ સાચા ભક્તની આંતરડી ન કકળાવે ત્યાં સુધી તેના અંતરમાં શાંતિ કે નિરાંત થતી નથી. એ તેના આસુરભાવનું લક્ષણ છે.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછયુ. હે મહારાજ, તમે એમ કહ્યું જે આસુરી જીવનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગ રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય. તો જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય ? ત્યારે મહારાજે કહ્યું કે જ્યાં સુધી દૈવીભાવ છે ને દેહ પડે તો ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પામે છે.
નવધાભક્તિમાં કઈ ભક્તિ સર્વ શ્રેષ્ઠ છે ? તેના ઉત્તરમાં મહારાજ કહે, નવધા ભક્તિમાંથી જે ભક્તિએ કરીને તેને ભગવાનમાં વધારે સ્નેહ થાય તે જ ભક્તિ તેને માટે શ્રેષ્ઠ છે. ભક્તિ કોઈપણ હોય તે સરખી જ છે, તેનું પરિણામ જે ભગવાનમાં પ્રીતિ થવી તે છે અને તેનું જ મહત્ત્વ છે માટે તે શ્રેષ્ઠ છે.
બાળ–યુવાનોએ કેવા પુરુષનો સંગ કરવો ? તેના ઉત્તરમાં મહારાજ કહે છે કે જે વયે કરીને પણ વૃદ્ધ હોય ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય જેને દૃઢ હોય તથા ભગવાનમાં દૃઢ પ્રીતિ હોય તેનો સંગ કરવો. શાસ્ત્રોમાં બરોબરિયા ગુણવાન હોય તો પણ તેમનો સંગ ન કરવો તેમ કહ્યું છે. ખાસ કરીને યુવાની ઉંમર જ એવી છે. બાળક અવસ્થા અજ્ઞાનની અવસ્થા છે. માટે સંગ કરવા યોગ્ય ઓછી ઠરે છે. માટે જે ગુણવાન પણ હોય અને ઉંમરમાં પીઢ હોય તે સમાગમ કરવા લાયક છે.
ક્રોધ,ભય ને સ્નેહથી મન ભગવાનમાં જોડાયું હોય તેમાં કયો શ્રેષ્ઠ? તો સ્નેહથી જોડાયું હોય તે જ શ્રેષ્ઠ છે. કારણ તે જ ભક્તિ છે. તેનાથી વર્તમાનમાં પણ સ્વાદ આવે છે. ક્રોધ વગેરેમાં વર્તમાનમાં ભક્તિનો સ્વાદ આવતો નથી. અંતે ફળ તો જરૂર થાય છે.
પછી શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. જે ભગવાનનો ભક્ત હોય પણ મહારાજે કહ્યો તેવો સાર અસારનો વિવેક અને વૈરાગ્ય ન હોય તો કેમ થાય ?
મહારાજ કહે, પ્રથમથી જો ભગવાનમાં દૃઢ હેત થઈ જાય તો વિવેક અને વૈરાગ્ય તેને યોગે કરીને પ્રગટ થઈ આવે છે. સાચી ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્યની અને બીજા શ્રેષ્ઠ સદ્ગુણોની જન્મદાત્રી છે. સાચું હેત થયું હોય તો તેને વિધ્ન પણ નડી શકતું નથી. પ્રીતિમાં જ્યારે અંતરાય થાય તો તેના કટકા કરી નાખવા જીવ પ્રયત્ન કરે છે. તેવું સર્વત્ર પશુપક્ષીમાં પણ દેખાય છે ને માણસમાં પણ છે. માટે પ્રથમથી ભગવાનમાં એવી પ્રીતિ થઈ જાય અથવા ભગવાનમા એવી પ્રીતિવાળા ભક્ત કે સંતમાં પ્રીતિ થઈ જાય તો તેને વિવેક અને વૈરાગ્ય એની મેળે ઉદય થઈ આવે છે. એવો સાચી પ્રીતિનો પ્રભાવ છે.
વળી મહારાજ બુદ્ધિવાળા કરતાં પણ ભગવાનમાં વિશ્વાસી ને શ્રેષ્ઠ કહે છે.
પછી આત્માનંદ સ્વામીએ પૂછયું. મનમાં તો એવો નિશ્ચય છે જે દેહપર્યત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરના સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે ? ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે કે પરમેશ્વર ને સંતને વિશ્વાસ ત્યારે આવે કે તેઓ આપણા પ્રત્યે બિલકુલ ઉદાસીન રહે, કોઈ જાતની કાળજી ન રાખે, આ અતિશય માંદો પડે તો પણ ચાકરી બિલકુલ ન કરાવે તો પણ પોતાનું પ્રારબ્ધ માનીને સહન કરી રાજી રહે, પોતાને સંત પ્રત્યેનો રસ દૂર ન થવા દે, અવગુણ ન લે અને સંત સેવામાં પોતે પૂર્ણ રસ લે. બીજું ભગવાન તથા સંત કોઈપણ તિરસ્કાર કરે તો પણ પોતે સંતનો આદર કરીને અવગુણ ન લેવો તથા ત્રીજું સત્સંગના જે નિયમો છે તે કોઈની પણ પ્રેરણા વિના એ આદરથી, અતિ રસપૂર્વક પાળે અને ચૂકી જાય તો ખૂબ દુઃખી થઈ ને પ્રાયશ્ચિત કરે. આવો હોય ત્યારે ભગવાન અને સાચા સંતને પૂર્ણ વિશ્વાસ આવે છે જે આ સત્સંગમાંથી કોઈ કાળે પાછો પડશે નહિ.
પછી ભગવદાનંદ સ્વામીએ પૂછયું જે, જે ભક્તજનના મનને વિષે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ માહાત્મ્ય હોય તે બીજાને કેમ જણાય ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો. ભગવાન અને તેના ભક્તની નિર્વ્યાજપણે અને નિષ્કપટપણે સેવા કરે તથા જેના ઉપર ખૂબ મમતા હોય એવી વહાલી વસ્તુનું સમર્પણ કરે આ બે વાનાં હૃદયમાં અંદર પડેલા મહિમાને બહાર દેખાવાના ચિહ્નો છે. મહારાજ કહે નિષ્કપટ સેવા કરે, પગે લાગે, માથું દાબે, પગ દાબે, માંદા સાધુની ખબર રાખે, મનગમતી વહાલી વસ્તુ સંતને આપીને રાજી થાય ત્યારે તેના અંતરમાં ભગવાન ને સંતનું માહાત્મ્ય અખંડ છે એમ જાણવું.
પછી મહારાજે સંતને પ્રશ્ન પૂછયો. ધર્મ,જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતા હોય અર્થાત્એ ચારે વાનાં અતિ તીવ્રપણે સિદ્ધ કર્યા હોય તો પણ પછી ધર્મમાં કાંઈ સંકરપણું–પારંપરિક મર્યાદા થોડી ગૌણ કરવાપણું થાય. વૈરાગ્યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય. ગરિષ્ઠ ભોજન સ્વીકારાય વગેરે તથા ભક્તિમાં શિથિલપણું થાય. જે દર્શનાદિકની અતિ આતુરતા ન જણાય તથા જ્ઞાનમાં પણ દેહાસક્તિ રહી જાય અર્થાત્દેહસેવા વગેરેની પ્રવૃત્તિ થાય તેનું શું કારણ હશે ?
તેનો ઉત્તર ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ કર્યો જે ધર્માદિ ચારે વાનાં જેને તીવ્ર વર્તે છે એવા ઈશ્વરમૂર્તિ સમર્થ મહાપુરુષ તેમાં કસર જેવું જણાય છે તે તો કેવળ આશ્રિત જીવો ઉપર દયાએ કરીને છે. તેમાં બીજી કોઈ જાતની કસર હોઈ શકે નહીં. એવા જે મોટા હોય તેને આવી બાહ્ય દૃષ્ટિએ વર્તવું એટલે કે કસરયુક્ત વર્તનથી વર્તવાથી કેટલાક જીવોને જડ ભરત જેવા અને શુકજી જેવા કરી મૂકે, એવી ઊંચી સ્થિતિવાળા બનાવી દે છે. માટે એવા અતિશય ધર્માદિકની પકવતાવાળા હોય તેનું વ્યવહારિક દૃષ્ટિથી વર્તવું એટલે ધર્માદિકમાં ઢીલાશ લાવવી તે કેવળ મુમુક્ષુ અને આશ્રિત જીવો ઉપર દયાનું પરિણામ છે. ત્યારે મહારાજે કહ્યું જે એનો ઉત્તર એ જ છે.