પ્રતિપાદિત વિષયઃ
વિષમ દેશકાળમાં ભગવાનના ભક્તને એકાંતિકપણું અખંડ રહેવાના ઉપાયો.
મુખ્ય મુદ્દાઃ
એકાંતિકપણું રાખવા માટે :–
૧.મહારાજની મહિમા સહિત નિષ્ઠા.
ર.ભગવાનના ભક્તોમાં પ્રીતિ.
૩.અભક્તમાં અરુચિ.
૪.દેહની રક્ષા માટે પ્રાર્થના નહિ.
પ.ભગવાનની ભક્તિમાં મસ્તાઈ.
આ વચનામૃતમાં ભગવાનના ભક્તને વિષમ દેશકાળમાં પણ એકાંતિકપણું અખંડ કેમ રહે છે તે પોતાના વર્તનના દૃષ્ટાંતથી મહારાજે સમજાવ્યું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર વાનાં સંપૂર્ણ હોય તેને એકાંતિક કહેવાય છે. અંકાંતિકની મુક્તિને પણ તે જ પામે છે. જ્યારે દેહની વ્યવસ્થા એકની એક રહે એવું જણાતુ નથી. દેહ પૂર્વ કર્મને આધીન છે. કર્માધીનપણે કયારેક સાજો રહે અથવા માંદો પણ થઈ જાય. સ્વતંત્ર પરતંત્ર થઈ જાય. કોઈ રાજસત્તાએ પરવશ રાખ્યા અથવા ઈન્દ્રિયોએ પરાધીન બનાવી દીધા ત્યારે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તથા ધર્માદિકનો જે ક્રિયાકલાપ છે તેનું પૂર્ણ અનુષ્ઠાન અથવા બિલકુલ અનુષ્ઠાન ન થઈ શકે. નવધા ભક્તિનું અનુષ્ઠાન ન થાય ત્યારે એકાંતિકપણું કેવી રીતે સચવાઈ શકે ? આવો મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે.
જ્યારે સંતોથી ઉત્તર ન થયો ત્યારે પોતે ઉત્તર કર્યો કે અમારે જેવીરીતે સદાકાળ તમામ પરિસ્થિતિમાં એકાંતિકપણું જળવાઈ રહે છે અને ખંડિત થતું નથી. એ અમારું વર્તન કે અમારા મનનુ વલણ અમે કહીએ છીએ.
મહારાજ કહે છે કે…
એક તો ભગવાનનો અતિ મહિમા સમજાયો છે તેથી જગતની ગમે તેવી સમૃદ્ધિમાં મન લલચાતું નથી. ભગવાનથી અધિક કાંઈ દેખાતું જ નથી. એવું જાણીને ભગવાનના ચરણમાં એવું મન ચોટાડયું છે કે જેને કાળ, કર્મ ઉખેડી શકે તેમ નથી. જગતનાં સુખ કે સંગવડમાં રુચિ થતી નથી. તેના ત્યાગમાં જ રુચિ થાય છે. માટે વન પર્વત ગમે છે.
બીજું ભગવાનના ધ્યાનની ખૂબ આતુરતા રહે છે. મુક્તાનંદ સ્વામી સાથે ઠેરાવ પણ કરેલો અને અત્યારે પણ અમારા મનના તે વલણમાં કાંઈ ફેરફાર થયો નથી. ભગવાનના ભક્તમાં પણ એવું હેત છે કે તેને કાળ, કર્મ તોડી શકે તેમ નથી. અમારું મન પણ ટાળી શકે તેમ નથી. અમે સત્સંગમાંથી ઘણીવાર જવા ઉદાસ થયા પણ ભગવાનના ભક્તનો સમૂહ અમને ખેંચે છે. અમે તે પ્રીતિ તોડીને જઈ શકતા નથી.
ત્રીજુ જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે કોટિ ઉપાયે, ગમે તે સગવડતા આપે તો પણ અમારાથી ત્યાં રહેવાતું નથી અને
ચોથું ભગવાનના કથા કીર્તનાદિકમાં એવી મસ્તાઈ આવી જાય છે કે જાણે દીવાના થઈ જવાશે ? મર્યાદા રાખવા તેને રોકવી પડે છે અને
પાંચમું અમે એમ નક્કી કર્યું છે કે આ દેહને ભગવાનને જેમ પ્રવર્તાવવો હોય તેમ પ્રવર્તાવે; પણ સુખ–દુઃખ,અનુકૂળ–પ્રતિકૂળતામાં કયારેય દુઃખી થઈને અકળાવું નથી. ભગવાનની ઈચ્છામાં–દુઃખમાં પણ રાજી રહેવું છે. દુઃખ ટાળવા ભગવાનને કોઈ દિવસ પ્રાર્થના કરવી નથી. એવી દૃઢ આંટી પાડી છે.
ભગવાનને જે ગમે તે જ આપણું ગમતું છે. પછી શા માટે પ્રાર્થના કરવી ? આપણું તન, મન, ધન ભગવાનને અર્પણ કરવું છે. કાંઈ બાકી રાખવું નથી. આવા નિર્ણયો કરીને અમે વર્તીએ છીએ. પછી ભગવાનમાં પ્રીતિ શા માટે નહિ રહે ? માટે મહારાજ કહે છે કે એવી અંતરમાં દૃઢ પ્રીતિએ યુક્ત જે ભક્ત તેના એકાંતિકપણાનું રક્ષણ ભગવાન પોતે જ કરે છે. કયારેક દેશકાળના વિષમપણાથી બાહેરથી ધર્મ ભક્તિમાં ભંગપણું કે જ્ઞાન વૈરાગ્યમાં મંદપણું દેખાય પણ આવા ઠરાવે કરીને વર્તતા ભક્તના હૃદયમાંથી કયારેય એકાંતિકપણાનો ભંગ થતો જ નથી.
અહીં મહારાજે વર્ણવેલા પોતાના વર્તન ઉપરથી આપણે તારવી શકીએ છીએ કે એકાંતિક ધર્મમાં એક તો બાહ્ય ક્લેવર છે. જે ધર્મ–ભક્નિો ક્રિયાકલાપ તથા જ્ઞાન–વૈરાગ્યની તીવ્રતા અને તેનાથી સર્જાતી ક્રિયાઓ આ એકાંતિક ધર્મનું બાહ્ય ક્લેવર છે. જ્યારે પરમાત્મા પ્રત્યેની પ્રબળ નિષ્ઠા, તેમના ભક્ત પ્રત્યેની પ્રબળ નિષ્ઠા અને તેમાંથી સર્જાતી તેના પ્રત્યેની પ્રીતિ એ એકાંતિકપણાનું આંતર ક્લેવર છે. દેશકાળનું વિષમપણું મોટે ભાગે બાહ્ય ક્લેવરને અસર કરે છે. પોતાના જીવની નબળાઈ કે ખામી તેના આંતર ક્લેવરને અસર કરે છે. જ્યારે મહારાજ પોતાના દૃષ્ટાંતમાં અંદરની નબળાઈ ખંખેરીને અતિ આતુર થયા છે ત્યારે બાહ્ય દેશકાળ પ્રથમ તો તેમને રોકી શકતા નથી અને કદાચ અસર કરે તો પણ બાહ્ય ક્રિયાઓને થોડી ખંડિત કરી શકે પણ મનમાં પરમાત્માનો વેગ, નિષ્ઠા અને પ્રીતિનું તથા તેના ભક્તો પ્રત્યેના પ્રેમ, નિષ્ઠા વગેરેને ઘાયલ કરી જ શકતા નથી. એકાંતિકતાનું પાત્ર દેહ, ઈન્દ્રિયો કરતાં પણ હૃદય વધારે છે. તેના હૃદયમાં જો ભગવાન પ્રત્યે અથવા તેના એકાંતિક ભક્ત પ્રત્યે નબળાઈ હોય તો શુભ ક્રિયાઓ અને ગુણોથી એકાંતિકતાને ગમે તેટલી શણગારે તો પણ એકાંતિકતા તેના હૃદયમાં જીવિત રહેતી નથી. મહારાજે બતાવી તે પ્રમાણે અંદર એકાંતિકતા કારણ છે. તેમાંથી સર્જાતી સર્વ ક્રિયાઓ તથા સદ્ગુણો કાર્ય છે. મહારાજે કારણની ઉપર ભાર દીધો છે. તેને સાધ્યા પછી એકાંતિકપણું રહેશે જ. એમ મહારાજ બળભરી ભાષામાં જણાવે છે. દેશકાળમાં એકાંતિકપણામાં શું ઓછું થાય છે ? નિયમો, ક્રિયાઓ ઓછાં થાય છે. અને શું રહે છે ? તો મહારાજ કહે છે અખંડ રહે છે નિષ્ઠા, પ્રીતિ, દૃઢતા. એ જ એકાંતિકપણાનાં બીજ છે. તેને જાળવવાથી એકાંતિકપણું દેશકાળમાં પણ જળવાઈ રહે છે ને ખંડિત થતું નથી.