ગઅ–૧૧ : સીતાજીના જેવી સમજણનું

પ્રતિપાદિત વિષયઃ

ઈન્દ્રિયો અને મન જીતવાનાં સાધનો. નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ. ભક્તિમાં આવતાં વિધ્નો નાશ તથા જાનકીજીના જેવી સમજણ.

મુખ્ય મુદ્દાઃ

૧.ભગવાન અને તેના ભક્તમાં આત્મબુદ્ધિથી નિર્વિકલ્પ સમાધિ જેવી વિના સમાધિએ શાંતિ તથા નિર્વિધ્નપણું આવે છે.
ર.સીતાજીના જેવી સમજણ શ્રેષ્ઠ છે.                

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે. ઈન્દ્રિયો અને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે જુદું જુદું સાધન છે ? આવો જ પ્રશ્ન મહારાજે સંતોને લોયાના પાંચમા વચનામૃતમાં પૂછયો છે. બાહ્ય ઈન્દ્રિયો શાણે કરીને જીતાય છે અને અંતઃકરણ શાણે કરીને જીતાય છે ? આ વચનામૃતમાં મહારાજ તેનો ઉત્તર કરે છે. વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઈન્દ્રિયો જીતાય છે. ભગવાનની માહાત્મ્ય સહિત નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે. લોયાના પાંચમા વચનામૃતમાં પણ મહારાજે આને મળતો જ ઉત્તર આપ્યો છે. જે ધર્મશાસ્ત્રમાં કહેલા ત્યાગીના નિયમ તેને રાખે, આહાર નિયમમાં રાખે, ચાંદ્રાયણાદિક વ્રત કરે, જાણી જાણી ને ટાઢ, તડકો, ભૂખ તરસ સહન કરે અને ભગવાનનાં કથા કીર્તન કરે, ભજન સ્મરણમાં બેસે તથા આસન જીતે ઈત્યાદિક સાધને કરીને બાહ્ય ઈન્દ્રિયો જીતાય છે. ભગવાનના માહાત્મ્યનો વિચાર ને ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલાં વાનાંએ કરીને અંતઃકરણ જીતાય છે.

આ વચનામૃત ઉપરાંત સારંગપુર પ્રથમ વચનામૃતમાં મહારાજે મન જીતવાનું લક્ષણ કહ્યું છે. વરતાલ.૧મા જીતેન્દ્રિય પુરુષનાં લક્ષણ કહ્યાં છે. તે સર્વે વચનામૃત સાથે રાખીને વિચારવાનું છે. પ્રથમ તો જીતેન્દ્રિયતા શું છે ! તે સમજવાની જરૂર છે. વચ.વર.૧મા મહારાજ કહે છે કે જ્યારે ઈન્દ્રિયોના એક એક વિષયના દોષ અને દુષ્પરિણામનો આપણા હૃદયમાં સાક્ષાત્કાર થાય ત્યારે જીતેન્દ્રિયતા આવે છે. આ વચનામૃતમાં તથા લોયાના વચનામૃત પાંચમા કહેલાં સાધનો વિષયદોષ સાક્ષાત્કાર થવાની ભૂમિકા સર્જવામાં તથા દોષોની ઓળખાણ તથા તે થકી બચવા માટે મદદરૂપ થનારાં સાધનો છે. તે સાધનો અનુસંધાનપૂર્વક કરવાથી ઈન્દ્રિયો જીતાય છે અને મનનું પણ તેમજ છે. આ વચનામૃતમાં તેનાં સાધન બતાવ્યાં છે. તે પ્રમાણે કરે અને પેલું અનુસંધાન રાખે ત્યારે મન જીતાય છે.

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછયું. જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે તેનો શો ઉપાય છે ?

ત્યારે મહારાજે ઉત્તર કર્યો. જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિને દૃઢ પ્રીતિ છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે.

શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછયો. ગમે તેવા ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહિ. એેને એવી દૃઢતા હોય જેથી કોઈ રીતનું વિધ્ન લાગેજ નહિ તેની કેવી સમજણ હોય ? તેના ઉત્તરમાં પણ ભગવાન અને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિને જ ઉપાય બતાવ્યો છે. વળી આની આ વાત વચ.ગ.અં.માં કહી છે કે એવી જેને આત્મબુદ્ધિ થાય તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પરાભવ કરી શકતા નથી. આજ વસ્તુને વચ.ગ.અં.૧રમા કરામત કહી છે. પરિણામ કેવી રીતે આવ્યું ! તેમાં આપણી બુદ્ધિ કે ગણતરી(કેલ્કયુલેશન)ન કામ કરે ત્યારે આપણે તેને કરામત કહીએ છીએ. વચ.ગ.પ્ર.૬૩મા આને જીવમાં બળ પામવાનો અતિ મોટો ઉપાય કહ્યો છે ને વચ.ગ.મ.ર૧મા આ વાતને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો તેમ મહારાજે કહ્યું છે. વચ.ગ.મ.પ૪મા આજ વાતને સાચો સત્સંગ કહ્યો છે અને વચ.ગ.પ્ર.પ૪મા મોક્ષનું દ્વાર કહ્યું છે. અનેક દૃષ્ટિથી મહારાજે એ વાતનો મહિમા કહ્યો છે. તે વાત જેટલી રખાય તેટલો જીવને ફાયદો થાય છે.

પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો. જે એક હરિભક્તને સીતાજીના જેવી સમજણ છે ને વૈરાગ્યધર્મ સામાન્ય છે. બીજો ભક્ત છે તેને વૈરાગ્યધર્મ તો આકરા છે, પણ સીતાજીના જેવી ગુણગ્રાહી સમજણ નથી. ત્યાં બેમાંથી કોના સંગાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી ? ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું, જેનો ધર્મ વૈરાગ્ય સામાન્યપણે છે તો પણ જાનકીજીના જેવી સમજણ છે તેનો જ અતિ પ્રીતિએ કરીને સમાગમ કરવો. અહીં મહારાજે જાનકીજીની સમજણ બતાવી. થોડા શબ્દોમાં ઝાઝું બતાવીને એક ભક્તનું અંદર અને બહારનું વલણ ભગવાન અને ભક્ત પ્રત્યે કેવું હોય તેવા ભક્ત બતાવ્યા છે. આ વચનામૃત પણ જાનકીજીની સમજણનું વચનામૃત તરીકે ઓળખાય છે. જાનકીજીની સમજણ એટલે શું ? તો પોતાના ઈષ્ટદેવ કે તેના સાચા ભક્ત તેનો કોઈ પણ પરિસ્થિતિમાં અવગુણ કે અભાવ ન આવે.

સીતાજીના જીવનમાં દુઃખના ભયંકર તાંડવ વરસ્યા તે પણ નિર્દોષ, નિષ્કલંક, સંગર્ભા અને કયારેય એકલા જેણે પગ મૂકયો નથી એવા સીતાજીને બીજાના કહેવાથી, લોકાપવાદથી કે વિના કારણે ઘોર દંડ દીધો. તો પણ સીતાજી રામને નિર્દોષ માને છે. હશે તો કાંઈક વાંક મારામાં હશે, પણ ભગવાન અતિ નિર્દોષ છે. તે દુઃખી થતા હશે. એનું સીતાજીના હૃદયમાં દર્દ છે. પોતાની પરિસ્થિતિનું તેને દુઃખ નથી. આ સ્નેહની પારાકાષ્ઠા છે. આવા વલણ વાળો એક ભક્ત હોય અને બીજો ભક્ત છે તે વૈરાગ્યધર્મની પરાકાષ્ઠાવાળો હોય. પેલા ભક્તમાં ધર્મ તો હોય પણ અતિ તીવ્ર ન હોય. પંચવર્તમાન પાળતો હોય પણ ત્રિકાળ સ્નાન ન કરતો હોય. એક વાર અથવા જરૂર પડયે બે વાર કરતો હોય. એક વાર પૂજા કરતો હોય પણ પાંચ વખત પૂજા ન કરતો હોય. એકાદશી તો કરતો હોય પણ નિર્જળા ન થતી હોય. પવિત્રતા તો રાખતો હોય પણ છોળે ન રહેતો હોય. અત્યારના જમાના પ્રમાણે જાહેર વાહન, ટ્રેન, બસમાં બેસીને યોગ્ય વિધિ પાળતો હોય પણ ન જ બેસવું એવો કડક નિયમ ન રાખી શકતા હોય. વૈરાગ્ય હોય પણ વશીકાર વૈરાગ્ય ન હોય. યતમાન, વ્યતિરેક વૈરાગ્ય તો હોય એટલે સામાન્ય વૈરાગ્ય હોય. એવો સીતાજીની સમજણવાળો ભક્ત હોય. જ્યારે પેલો ભક્ત તો ધર્મ વૈરાગ્યની પરાકાષ્ઠામાં વર્તતો હોય પણ ભગવાન અને ભગવાનના ભક્ત પ્રત્યે અતિભાવ કે અતિ પ્રીતિ ન હોય. જો હોય તો સામાન્ય હોય. તેમના પ્રત્યે હમદર્દી ન હોય કે કોમળ વલણ ન હોય. આવા બે ભક્તમાં કયો ભક્ત અતિ પ્રીતિપૂર્વક સોબત–સમાગમ કરવા જેવો છે ? એક ભક્ત તો આકરા ધર્મ વૈરાગ્યના ખેંચાણવાળો છે. બીજો ભક્ત ભગવાન અને ભગવાનના ભક્ત તરફ અંતરના ખેંચાણવાળો છે. મહારાજ કહે જાનકીજીના જેવી જેની સમજણ છે તે સોબત સમાગમ કરવા યોગ્ય છે કારણ કે તેને અંતરમાં ભગવાન ને ભગવાનના ભક્તની પ્રધાનતા છે. તેનું અંતર તેઓના તરફ ખેંચાણ અનુભવે છે. માટે તેમની પાસે જરૂર પહોંચાડશે. જ્યારે પેલાને ભગવાન અને તેના ભક્ત કરતાં પણ ધર્મ વૈરાગ્યનું વધારે ખેંચાણ છે. માટે તે કોઈ ઊંચા લોકમાં પહોંચાડશે, પણ ભગવાન પાસે નહિ. માટે સીતાજીની સમજણ વધારે ફાયદાકારક રહે છે.