પ્રતિપાદિત વિષયઃ
કલ્યાણના માર્ગના કરામતવાળી બાબતો.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાન તથા તેના ભક્તો આગળ કોઈ પ્રકારનું માન ન રાખવું.
ર.ભગવાન તથા તેના ભક્તોનો અવગુણ ન લેવો.
૩.સંબંધીમાં અતિશય હેત ન રાખવું.
વિવેચન :–
આ વચનામૃત કરામતનું વચનામૃત કહેવાય છે. કરામત એટલે કોઈ અતિ સિદ્ધ ઔષધ પેટમાં જાય અને તે અદ્ભૂત ચમત્કાર સર્જે અથવા તો કોઈ પુરુષે દૂરદર્શન, દૂરભાષ જેવી અષ્ટ સિદ્ધિ પૈકીનું ઐશ્વર્ય અતિશય સિદ્ધ કર્યું હોય તો તે કેમ કાર્ય કરે છે તે ખ્યાલ ન આવે પણ પરિણામથી બધા ચકિત થઈ જાય. મહારાજ કહે આ વચનામૃતમાં વાર્તા કરી છે તે કરામત જેવી છે. તે કઈ વાર્તા ! તો મહારાજ કહે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેણે એક તો કોઈ પ્રકારનું ભગવાન અને ભગવાનના ભક્ત આગળ માન ન રાખવું. તે માન પછી ઉચ્ચ રાજકુળનું, ઉચ્ચ પવિત્ર બ્રાહ્મણ કુળનું, ધનવાનપણાનું, રૂપનું કે વિદ્વાનપણાનું હોય; પણ એવું કોઈ પ્રકારનું માન ન રાખવું. ગરીબ સત્સંગી ભક્ત, સાધુ હોય તેના દાસાનુદાસ થઈને રહેવુ. અહીં જો માન આવે અથવા નિર્માનીપણું આવે તો તે બન્ને બાજુએ ચમત્કાર સર્જે છે. જો માન આવ્યું તો ઘણા ઉત્તમ ગુણો હોય, કલ્યાણના માર્ગની અનુકૂળતા હોય, સામગ્રી પણ ઘણી હોય તો પણ ચમત્કારની જેમ યમપુરીમાં ચાલ્યો જાય અને ભગવાન અને ભગવાનના ભક્ત આગળ નિર્માની થઈને, ગરીબ થઈને શરણે થયો તો પણ ચમત્કાર સર્જાય છે. કલ્યાણના સમૃદ્ધ સાધનોવાળો સાધક હોય તેની પહેલાં ભગવાન પાસે પહોંચી જાય છે.
બીજું ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ પણ ચમત્કાર સર્જે છે. મહારાજે અવગુણને હડકાયા શ્વાનની લાળ કહી છે. સામાન્ય કૂતરું કરડે તો પણ ઈંજેકશનનો ઘણો લાંબો કોર્ષ કરવો પડે અને તે નાભિમાં લેવા પડે. નહિ તો તેને કયારે હડકવા હાલે તે કહી ન શકાય. તો હડકાયું કૂતરું કરડે તો તો હડકવા જરૂર હાલને બીજાને કરડે તેને પણ તેવા જ કરે. હડકાયા શ્વાનને જીવે ત્યાં સુધી એક માત્ર સ્વભાવ હોય કે જેનો સંપર્ક થાય તેને લાળ અડાડી દેવી અને હડકાયા બનાવવા. મહારાજ કહે ભગવાન ને તેના ભક્તના અવગુણ લેવાની પ્રવૃત્તિ તદ્દન ઉપરના દૃષ્ટાંત જેવી છે. જે અદ્ભુત ચમત્કાર સર્જે તેવી છે. ગમે તેટલા ઔષધોની સારવાર છતાં હડકવા સર્જે છે. તેમજ જો ગુણ લેવાની ટેવ પડે તો કલ્યાણના માર્ગમાં ચમત્કાર સર્જે છે. માટે મહારાજ કહે ભગવાન અને તેના સાચા ભક્તોના અવગુણ લીધા જેવું મોટું કોઈ પાપ નથી. તેનો કોઈ સંજોગોમાં છૂટકો નથી. જીવનો નાશ થઈ જાય છે. પોતાના કલ્યાણનો કોઈ દિવસ ઉપાય તે કરી જ શકતો નથી.
મહારાજે ત્રીજી વાત એ બતાવી કે પોતાના સંબંધીમાં અતિ આસક્તિ ન રાખવી. જો સંબંધીમાં આસક્તિ થઈ તો ઉપરની બન્ને બાબતો જેવો જ ચમત્કાર કલ્યાણના વિષયમાં સર્જાય છે. મહારાજ કહે જેમ દૂધ સાકર હોય તેમાં સર્પની લાળ પડે તો દેખાય નહિ. દૂધ પણ ઘણું મીઠું લાગે. તેમ સંબંધીમાં હેત પણ અંતરમાં મીઠું ઘણું લાગે, વળી કાંઈ સમાજમાં અજુગતું દેખાય નહિ. સર્પલાળની ભયંકરતા જેમ દૂધમાં દેખાતી નથી પણ પીવાથી જ પરિણામ આવે છે તેમ આસક્તિ રાખવાથી પણ પરિણામ આવે છે અને અનુભવાય છે; પણ ત્યારે કોઈ ઉપાય રહેતો નથી. માટે મહારાજ કહે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેણે દેહના જે સંગા સંબંધીઓ હોય તે સાથે હેત રાખવું નહીં ને સંસારમાંથી નિસ્પૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ ત્રણેય વાતોની કરામત છે. જે સવળી કરીને રાખે તેને કલ્યાણમાં માર્ગના વિધ્ન થાય જ નહિ.