ગઅ–૧પ : પાટો ગોઠયાનું

પ્રતિપાદિત વિષયઃ

અંગમાં રહીને ભક્તિ કરવી.

મુખ્ય મુદ્દાઃ

૧.જે ભક્તિ કરવાથી પોતાનું મન ભગવાનમાં ચોટે અને પંચ વિષયના સંકલ્પો ન થાય તે પોતાનું અંગ કહેવાય.

ર.પોતાના અંગમાં રહીને ભક્તિ કરવાથી સમાસ ઘણો થાય છે.               

વિવેચન :–

આ વચનામૃત પાટો ગોઠયાનું વચનામૃત છે. મહારાજે દૃષ્ટાંત આપ્યું છે કે જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાએ આવ્યો હોય તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્યાં સુધી ઘાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ. જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા પણ ટળી જાય ને નિદ્રા આવે. તેમ મુમુક્ષુ અને સાધક જીવ હોય તે ભગવાનના માર્ગે આગળ ચાલવા પ્રયત્ન કરતો હોય ત્યારે તેને પંચવિષયના તથા કામ, ક્રોધાદિકના ઘા લાગ્યા હોય તેથી તેનો જીવ મોક્ષના માર્ગમાં ઘાયલ થઈ જાય છે. જેમ શૂરવીર શૂરાતનમાં હોય ત્યારે તે ઘા પીડા કરતા નથી પણ પથારીમાં સૂવે ત્યારે તે ઘાના તેને સણકા ઉઠે છે, આકરી પીડા ઉપજાવે છે તથા નિદ્રા હરામ કરી દે છે. તેમજ મુમુક્ષુને પણ જેમ પંચ વિષયથી અથવા કામાદિક શત્રુથી પરાભવ થયો હોય પછી તે ભક્ત ભગવાનની માનસી પૂજા કરવા બેસે, ધ્યાન કરવા બેસે અથવા જપ વગેરે કરવા માટે ભગવાનમાં મન એકાગ્ર કરવા બેસે; બરોબર તે જ સમયે પેલા પંચ વિષયના કે કામાદિક શત્રુના તેના મનમાં સણકા આવે છે. એટલે કે તે વિષયો, પદાર્થો, ભોગ, ચેષ્ટાઓ અને વિષયોનો થયેલો અભ્યાસ, વિષયો કે કામ, ક્રોધાદિકમાં આવેલી પ્રવીણતા અથવા રૂઢતાની તેને તીવ્ર સ્મૃતિ કરાવે છે. તેથી તે ભક્તનું અંતર દુઃખી ઘાયલ અને ખિન્ન તથા શોકમગ્ન બની જાય છે. પછી તે ભક્ત અંદરથી કાયર બની જાય છે અને માનસી પૂજા કે ધ્યાનનું સુખ આવતું નથી.

તે અંતરના છેદની પીડાને ભૂલવા મહારાજ કહે નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરવાથી જો તેની પીડાની વિસ્મૃતિ થાય અને તંદુરસ્તપણે મહારાજની સ્મૃતિ, ધ્યાન થાય તો તે ભક્તને પાટો ગોઠયો કહેવાય અને તે ભક્તનું તે અંગ કહેવાય. પછી પોતાના અંગ પ્રમાણે જો ભક્તિ કરે તો ભગવાનમાં પોતાના મનને નિમગ્ન અથવા તરબોળ કરી શકે છે અને તેને અતિ સમાસ થાય છે ને ભગવાનના માર્ગે ચાલવાની તે ભક્તની હિમ્મત તથા ઉત્સાહ વધી જાય છે. જો આવી રીતે તપાસ કરીને કઈ ભક્તિથી પોતે વિષયના ઘા અથવા કામાદિક શત્રુ થકી પરાભવના ઘા સારી રીતે ભૂલી શકે છે તે નક્કી ન કરે અને પોતાના અંગને ન ઓળખે તો જેમ ઘાયલને પાટો ગોઠે નહિ ત્યાં સુધી પીડા ટળે નહિ, તેમ ભક્તના અંતરમાં પણ પોતાના પરાભવનો શોક અને લઘુતાગ્રંથિ દૂર ન થાય માટે ભક્ત માટે તે ખૂબ જરૂરી છે.

નવધા ભક્તિમાંથી જે ભક્તિનો આધાર લઈને ભક્ત દેહભાવથી ઉપર જઈ શકતો હોય અથવા પંચ વિષયનો પરાભવ કે કામાદિકથી ઉપર ઊઠી શકતો હોય એવી ભક્તિ પોતાનું અંગ કહેવાય છે. એ પછી તે ભક્તને તે પ્રકારની ભક્તિ મુખ્ય રાખવી અને બીજી ભક્તિ અનુકૂળતા પ્રમાણે ગૌણ રાખવી. તો તેના જીવને ખૂબ સમાસ થાય છે. થોડા કાળમાં પંચવિષય અને અંતર્‌શત્રુના બંધન કાપીને મુક્તભાવને પામી જાય છે. માટે જે ભક્તિ કરતાં પોતાનું મન ભગવાનમાં સારી રીતે ચોટે અને વિષયના ઘાટ ન ઘડી શકે ત્યારે એમ જાણવું જે એ મારું અંગ છે. પછી તે નવધા ભક્તિમાંથી કોઈ ભક્તિ હોય અથવા સેવા, સત્સંગ વગેરે કોઈ પણ ક્રિયા હોય તો પણ પોતાના જીવને તેનાથી સમાસ થાય છે. પોતાના અંગને અનુકૂળ કરેલી ભક્તિથી ભગવાન વિના બીજા સંકલ્પ, વાસનાઓ તથા અંતર્‌શત્રુઓને પરાભવ કરવાને શક્તિમાન થઈ શકાય છે.