પ્રતિપાદિત વિષયઃ
મૂર્તિનો મહિમા તથા આંટી પાડવા વિષે.
મુખ્ય મુદ્દાઃ
૧.મહારાજની મૂર્તિમાં એક સ્થાનેથી સમગ્ર પંચ વિષયનું સુખ પ્રાપ્ત થાય છે.
ર.ખપવાળો પ્રકૃતિ ટાળી નાખે છે.
૩.સવળી આંટી પાડવી.
૪.પંચવર્તમાને યુક્ત સંતના વચને મહારાજનો નિશ્ચય કરવો.
વિવેચન :–
શ્રીજી મહારાજે ભગવાનની મૂર્તિનો મહિમા બતાવતાં વાત કરી. જગતમાં શબ્દાદિક પંચ વિષય જુદા જુદા પદાર્થના આધારે તથા ભક્તોના અલગ અલગ ઈન્દ્રિયોના માધ્યમથી પ્રાપ્ત થાય છે. જ્યારે તે પાંચેય વિષય ભગવાનની દિવ્ય મૂર્તિમાંથી એક જ સ્થાનથી તથા ભક્તોના કોઈ એક ઈન્દ્રિય સંબંધથી પ્રાપ્ત થાય છે. એવો મૂર્તિનો મહાપ્રતાપ છે. વળી મહારાજ કહે છે કે તે ભગવાનની મૂર્તિના એક રોમમાં એટલું સુખ છે તેટલું પંચવિષય આખા બ્રહ્માંડના ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગમાં ન આવે. એવું ભગવાનની દિવ્ય મૂર્તિમાં સુખ રહ્યું છે. એવું જે ભગવાનનું સુખ આપણને કેમ આવતું નથી ? તો મહારાજ કહે, એ કયારે આવે ? એક તો સમાધિએ કરીને એ યથાર્થ સુખ પ્રાપ્ત થાય છે. બીજું દેહ મૂકયા પછી પરમાત્મા પાસે પહોંચે ત્યારે આવે છે અને ત્રીજો એક ઉપાય એ છે કે એની વાર્તા સાંભળીને તેનું મનન ને નિદિધ્યાસ કરે તો વિના સમાધિએ તથા વિના મૃત્યુએ જીવતા જ તેનો સાક્ષાત્કાર થાય અને તેવું જ સુખ તથા આનંદ પ્રાપ્ત થાય છે. માટે તે સાંભળીને આત્મા સંબંધી સુખ તથા પરમાત્માની મૂર્તિ સંબંધી સુખનું મનન નિદિધ્યાસ કર્યા કરવો તો સાક્ષાત્કાર થશે.
મહારાજ કહે છે, જ્યારે જીવને પરમાત્માના એવા સુખમાં દૃષ્ટિ પહોંચે ત્યારે એ સુખનો તથા ભક્તિનો તથા તેની પ્રાપ્તિમાં મદદરૂપ થનારા સંતનો ખપ–ગરજ જાગે ત્યારે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તેને પણ ટાળી નાખે અને જેમ સંત કહે– તેની મરજી હોય તેમ વર્તે. તો સ્વભાવ તે એવો હોય જે એના ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ ખપવાળો ટાળી નાખે. તે ઉપર પોતાના ખપનું દૃષ્ટાંત આપ્યું. પોતે અતિ ત્યાગી હતા તો પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્ત્યા. આ પ્રમાણે સ્વભાવ ટાળવા ભગવાન ને સંતની ગરજ અથવા તેમાં અતિ પ્રીતિ એ બે અકસીર ઔષધ છે. બીજી કોઈ અસરકારક દવા તેની છે નહિ.
વળી મહારાજે વાત કરી કે ભગવાનના ભક્તને આંટી પાડવી તો કેવી પાડવી ? એક તો નિષ્કામાદિ વર્તમાનની આંટી પાડવી અને બીજી કોઈક એવી પણ આંટી પાડે છે જે હું અહીં આસન કરું તો નિદ્રા આવે. મને આ ભાવે ને આ ન ભાવે. મને આવું જ જોઈએ ને આવું ન ચાલે. મને આ પ્રકારની જ સેવા ફાવે ને આ હું ન કરું. આની સાથે નહિ બોલું. એ આદિક જે પોતાના તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય તે તુલ્ય ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે. કલ્યાણને કરનારી છે. તેમાં બહુ માલ છે. એવો મહિમા સમજીને તેવી આંટી પાડવી અને તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય તેને સંત મૂકાવે તો મૂકી દેવી. બેયને બરોબર ન સમજવી. જો બરોબર સમજે તો મૂર્ખતા અને મૂઢતા ગણાય. એનો સ્વભાવ આંટીદાર જાણવો ને તેને માની જાણવો. તેનો ભરોસો નહિ. તે કદાચ આંટીથી ભક્તિ કરે તો પણ રાજર્ષિ કહેવાય. ભગવાનને રાજી કરવા આંટી રાખે તે બ્રહ્મર્ષિ કહેવાય, સાધુ કહેવાય.
આંટી પાડવી એટલે પોતાના જીવમાં, ચૈતન્યમાં ગાંઠ વાળવી કે હું આમ જ કરીશ.પછી તે નિર્ણયને ઊભો રાખવા તે પોતાની તમામ શક્તિ નીચોવીને, પોતે ખપી જઈને પણ નિર્ણય ન છૂટવા દે તેને આંટી કહેવાય. તે તુચ્છતાપૂર્વકની પણ હોઈ શકે અને ભગવાનને રાજી કરવા પણ હોઈ શકે. જેમ ગોપીઓએ આંટી પાડી હતી તેવી નંદ સંતોએ પાડી હતી જે…
એવી અંતર આંટી પાડી રે સુણ બેની, ઉખડે નહિ કોઈની ઉખાડી રે…
જેમ ચાતક આંટી રાખે રે… વિના સ્વાતિ નીર નવ ચાખે રે…
જેમ કેસરી ઘાસ ન ખાયે રે… સો લાંઘણ કરી મરી જાયે રે…
બ્રહ્માનંદ કહે થઈ મતવાલી રે… માથા સાટે વર્યા વનમાળી રે…
વળી,
અંતર પાડી રે, સમજીને સવળી આંટી,
માથું જાતા રે મેલે નહિ તે નર માટી…
વગેરે ઠરાવો ગોપીઓ, નંદ સંતો, અર્જુન, બલી, ઉદ્ધવ, હનુમાન, ભરત વગેરે વિરલાઓએ કર્યા હતા અને તે નિભાવવા પોતાનો સમગ્ર પુરુષાર્થ રેડી દીધો હતો. જ્યારે પોતાના મનમાં ગમ્યું તેની પણ આંટી પાડનારાં ઉદાહરણો શાસ્ત્રમાં છે. જેમ કે દુર્વાસાજીને એવી ગ્રંથિ કે મારો સાપ મિથ્યા ન જ થવો જોઈએ. પછી તે વ્યાજબી ગેરવ્યાજબી એવું કાંઈ નહિ. સૌભરીને સંકલ્પ થયો કે પૂરો કરવો જ. ભીષ્મદાદાને આંટી જે હસ્તિનાપુરની ગાદીનું રક્ષણ કરવું. પછી ગાદીએ ભલે અધર્મી દુર્યોધન બેઠો હોય. તેવું જ દ્રોણચાર્યનું હતું. કર્ણને આંટી પડી. ગાંધારી વગેરેએ આંટી પાડીને વિરાટ પુરુષાર્થ પાથર્યો હતો. તેવું જ આપણી હૈસિયત પ્રમાણે સત્સંગમાં આપણે કરતા હોઈએ તો તપાસવું અને ન થવા દેવું ને સાચા ભાવમાં મહારાજના સિદ્ધાંતો જળવાય. મહારાજ ને સાચા સંત રાજી થાય. પોતાનું કલ્યાણ થાય તેવી આંટી પાડવી તે સુજ્ઞતા કહેવાય.
પછી મહારાજે વાત કરી જે માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતાં પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે. માનમાંથી ઈર્ષ્યા અને ક્રોધ જન્મે છે. માટે માન મોટો દોષ છે. માને કરીને જેવો સત્સંગમાંથી પડી જાય છે તેવો કામે કરીને નથી પડતો. કેમ જે સત્સંગમાંથી માનના દોષે કરીને જે જાય છે તે પછી સત્સંગ રાખી શકતો નથી. ઉલ્ટો સત્સંગનો દ્વેષ કરવામાં લાગી જાય છે. જ્યારે કામે કરીને સત્સંગમાંથી પડે છે તે ગૃહસ્થાશ્રમમાં રહીને સત્સંગમાં રહે છે. માટે મહારાજે એમ કહ્યું હોય તેમ જણાય છે. અંતે તો કામના પણ મહારાજને ઈષ્ટ નથી. વચ.ગ.પ્ર.૬માં કામને અતિ ભૂંડો કહ્યો છે. વચ.ગ.અં.૧૯માં તેને પશુ જેવો કહ્યો છે. માટે બધા દોષને ત્યાગવા એમાં મહારાજનો રાજીપો છે, છતાં તેનું પૃથક્કરણ કર્યું છે.
મહારાજે નિશ્ચયની વાર્તા કરી જે, જેમ નાનું બાળક જન્મતાં જ્ઞાનશૂન્ય હોય. પછી તેના માબાપ તે જેમ જેમ સમજતું જાય તેમ તેમ તેની બુદ્ધિમાં નિશ્ચય કરાવતા જાય છે. આ તારી મા, બાપ, મારું, તારું, માણસ, પશુ આ બધાનો નિર્ણય તે કરતું જાય છે. તેવી જ રીતે નિષ્કામ આદિ પંચ વર્તમાનરૂપ લક્ષણ જેમાં હોય તે સંતને અને ભગવાનને સાક્ષાત્સંબંધ હોય છે. માટે બાળકને માટે નિશ્ચય કરાવવામાં માબાપ સદા વિશ્વાસ પાત્ર છે. તે જેમ કહે તેમ બાળક નિર્ણય કરે છે. પછી મોટો થતાં તે બધા નિર્ણયો તેને સાચા દેખાય છે. તેવી જ રીતે ભગવાનના માર્ગમાં એવા સંત જે કહે તે સાચું છે, કારણ કે પંચ વર્તમાનથી તે પરિશુદ્ધ અને વિશ્વાસ કરવા જેવા થયા છે. માટે ભગવાનના વિષયમાં એ ભગવાનને જેવા કહે તથા જેમ નિશ્ચય કરાવે તેમ કરવો. તો જીવને ભગવાનનો સાચો નિશ્ચય થાય છે.
પછી મહારાજે નાથ ભક્તના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે એવા ભક્તમાં તેના સંબંધીને હેત હોય તો તે સંબંધીનું પણ કલ્યાણ થાય અને ન હોય તો ન થાય. સંબંધી ન હોય ને હેત હોય તો પણ તેનું કલ્યાણ થાય છે.