પ્રતિપાદિત વિષયઃ
ભગવાનને રાજી કરવાનું ધ્યેય રાખવું તથા ભગવાનનું ગમતું કરવું.
મુખ્ય મુદ્દાઃ
૧.કોઈપણ ક્રિયામાં નિષ્કામ ભાવ રાખવો તે સાચું પણ ભગવાનને રાજી કરવાની કામનાનો ત્યાગ ન કરવો. તે તો રાખવી.
ર.ભગવાનને ગમે તે કરવું અને ન ગમે તે ન કરવું તો ભગવાન રાજી થાય.
વિવેચન :–
આ વચનામૃત શ્રીજી મહારાજની પ્રસન્નતા ઈચ્છવાનું તથા પ્રસન્ન કરવાનું છે. પ્રથમ મહારાજે વાત કરી જે ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી. એમ સચ્છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું પણ એટલી ઈચ્છા તો રાખવી જે એણે કરીને મારા ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. એવી ઈચ્છા રાખ્યા વિના એ સઘળુ અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. ગીતામાં કહ્યું છે જે ‘મા ફલેષુ કદાચન’હે અર્જુન, તું ફળની ઈચ્છા ન કર. નિષ્કામ કર્મ બંધનથી મુક્તિ દેનારું છે; જ્યારે સકામ કર્મ જીવને બંધન ઊભું કરનારું બને છે, એમ નિષ્કામ કર્મનો અતિ મહિમા કહ્યો છે. પરંતુ સાચી નિષ્કામતા શું કહેવાય તેની મહારાજ અહીં સમજ બતાવે છે. શું ગીતામાં કહેલ નિષ્કામ કર્મયોગનો પરમ અનુયાયી એક મજૂર આખો દિવસ માલિકનું કામ કરે અને જ્યારે માલિક મજૂરી આપે તો તેને શું એમ કહેવું કે મારે મજૂરી જોઈતી નથી. હું નિષ્કામ કર્મયોગને માનું છું. શું એક નોકરી કરનારો સજ્જન પગારની ના પાડશે ? અથવા સાચે જ તે સિદ્ધાંતને અનુસર્યો ? તો ના પાડવી એ કેટલું વ્યાજબી છે ?
નિષ્કામ કર્મયોગનો એવો અભિપ્રાય નથી કે મજૂરી અથવા પગાર ન લેવો. કોઈપણ કર્મનું ફળ બે પ્રકારનું હોય છે. એક તો ઈહલૌકિક ફળ. જે દૈહિક ફાયદાવાળું આ લોકમાં જ લાભદાયક પરંતુ નાશવંત હોય છે. બીજું ફળ તે પારમાર્થિક. જે જીવના કલ્યાણમાં ઉપયોગી ધ્યેય હોય છે તે કયારેય નાશ પામતું નથી. તે સનાતન પ્રાપ્તિરૂપ હોય છે. માટે પુરુષાર્થ કરીને આલોકની નાશવંત ઈચ્છા રાખવી તે સકામતા છે; પરંતુ પોતાના આત્મકલ્યાણરૂપી ધ્યેયની સિદ્ધિ ઈચ્છવી એ સકામતા નથી. તેમાં પણ પરમાત્માની તથા એકાંતિક સતની પ્રસન્નતા ઈચ્છવી તે સકામતા નથી. એ પરમ નિષ્કામતા કક્ષામાં ગણાય છે.
ગીતામાં કહેલા નિષ્કામ કર્મયોગનું તાત્પર્ય પણ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છામાત્ર રાખવી તે જ સાચી નિષ્કામતા છે. તે માટે મહારાજ કહે છે કે આ લોકના નાશવંત પદાર્થો કે ભાવોની ઈચ્છા ન રાખવી એ વાત તો સાચી છે, પણ ભગવાન મારા પર રાજી થાય એવી ઈચ્છા તો જરૂર રાખવી અને એવી ઈચ્છા પણ ન રાખે ને અમથું અમથું કર્યે રાખે તો એ નિષ્કામતામાં ખામી ગણાશે અને તામસી ગણાશે. કોઈપણ ક્રિયાના ફળરૂપમાં પરમાત્માની પ્રાપ્તિ, તેમની પ્રસન્નતા કે સંત ભક્તની પ્રસન્નતા એ શ્રેષ્ઠ નિષ્કામ ભાવ છે. મહારાજ કહે તે તો જરૂર ઈચ્છવો. એ પણ જો ન ઈચ્છે તો તે કૈવલ્યાર્થીમાં ચાલ્યો જશે. માટે આ લોકની ઈચ્છા સકામતા છે. પરમાત્માની પ્રસન્નતાની ઈચ્છા તે પરમ નિષ્કામતા છે અને કાંઈ ન ઈચ્છવું ને વિના પ્રયોજન કરવું એ તામસ ભાવ છે અથવા કૈવલ્યાર્થી છે.
વળી ભગવાન તો એવા મોટા દિલના છે કે ઘણા ઉપચારે કરીને ભક્તિ કરે તેના ઉપર જ રાજી થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી. એ તો ગરીબ હોય ને શ્રદ્ધા સહિત પણ જળ, પત્ર આદિ અલ્પ વસ્તુ અર્પણ કરે તો પણ રાજી થાય છે અને ખરેખરો ભક્ત ત્યારે કહેવાય કે પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે, અન્ન ખાવા ન મળે ઈત્યાદિક ગમે તેટલું દુઃખ, અગવડતા આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પાછો ન પડે, પણ રતિવા સરસ થાય તેને ખરો હરિભક્ત કહેવાય અને ત્યારે ભગવાન ખરેખરા રાજી થાય છે.
પછી વળી રાજબાઈએ પ્રશ્ન પૂછાવ્યો જે હે મહારાજ, તમે કયા ગુણે રાજી થાઓ ને કયા દોષે કરીને કુરાજી થાઓ ?
ત્યારે મહારાજ કહે, આટલા વાણીના દોષ છે.
– જે અંતરમાં કાંઈક વિશેષ વર્તીને રાજી કરવાનો સંકલ્પ હોય તે એકવાર અમને કહી દેવો. જે કહો તો મહારાજ હું આમ વર્તું, પણ વારંવાર એની એ જ વાત ચોળ્યા કરે તે ન ગમે.
– અમારા વેણ ઉપર કુતર્ક લાવે તે ન ગમે. અમને ભગવાન જાણે ને પછી કુતર્કનો સવાલ રહેતો નથી. માટે અમારા વેણ પર કુતર્ક કરે તેને ભગવાનપણાની શ્રદ્ધા જ નથી.
– બોલાવ્યા વિના વચમાં બોલે.
– શુભ ક્રિયાઓ ભગવાન પર નાખે કે ભગવાન કરાવશે તો કરશું તે ન ગમે. તે પ્રારબ્ધની ચીજ નથી, તે આપણે કરવાની છે.
– વળી હુંકારો કરે તે ન ગમે.
– જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય એટલે કે પોતાનું અંગ કયું છે અને તે પ્રમાણે બોલવું એવી ખબર ન હોય ને આમ તેમ ગોથાં મારે તે ન ગમે.
– ભગવાનની ભક્તિમાં લાજ, આળસ રાખે તે ન ગમે.
– વળી પોતાના ગુણોનો કોઈ પ્રકારનો અહંકાર ન ગમે.
– વળી સભામાં પોતાને ઘટે ત્યાં ન બેસે અને આગળ અથવા પાછળ બેસે તે ન ગમે. એ બન્ને વાતમાં પોતાની જાતનું પ્રદર્શન છે. માટે તે ન ગમે.
– બાઈ માણસ લાજ સહિત વર્તે તે ગમે.
– દર્શન કરતાં આડું અવળું જુએ તે ન ગમે. તેના ઉપર ઘણી રીસ ચડે છે.
– કપટ ન ગમે, માન તથા ક્રોધ ન ગમે.
– કોઈથી દબાઈને જેમ હોય તેમ ન કહેવાય તો તે પણ ન ગમે.
– અને સત્સંગમાં એક બીજાને બરોબરિયાપણું રહે પણ મર્યાદા ન રહે તે ન ગમે. આનાથી ઉલ્ટી વાત ગમે.
એવી રીતે મહારાજે પોતાને ગમતું અને ન ગમતું બતાવ્યું. મહારાજને રાજી કરવા ન ગમતું છોડીને, ગમતું થાય તો મહારાજ રાજી થાય.