પ્રતિપાદિત વિષયઃ
ભગવાનમાં પ્રીતિનું લક્ષણ.
મુખ્ય મુદ્દાઃ
૧.પ્રિયતમની મરજી પ્રમાણે વર્તે એ પ્રીતિનું લક્ષણ છે.
ર.ભગવાનને રાજી કરવા ભગવાનનું સાંનિધ્ય દૂર કરવુ પડતું હોય તો તે પણ કરવું પણ મરજી ન લોપવી.
વિવેચન :–
આ વચનામૃત પ્રીતિનું વચનામૃત છે. આ વચનામૃતમાં સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. ભગવાનને વિષે પ્રીતિ હોય તેના શાં લક્ષણ છે ? સ્વામી પોતે મહારાજમાં અસાધારણ પ્રીતિવાળા છે. મહારાજના વિયોગમાં શરીર પણ ધારણ કરી ન શકે. રૂંવાડે રૂંવાડે લોહીના બિંદુ આવી જાય એવા તે મહારાજના વિરહી સંત છે : મહારાજ તેમના પ્રશ્ન નો ઉત્તર કરતાં કહે છે કે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહિ એ પ્રીતિનું (પ્રીતિવાળાનું) લક્ષણ છે.
વાસ્તવમાં પરત્માત્માના સ્વરૂપમાં રાગ એ પ્રીતિનું સ્વરૂપ છે. પરંતુ રાગ એ હૃદયમાં ઊંડો રહેનારો હોવાથી અને વળી ભાવનારૂપ હોવાથી બીજા ઈતર માણસો જલ્દી જાણી શકતા નથી કે અનુભવી શકતા નથી. માટે પ્રીતિ છે કે નહિ તે જાણવા માટે પ્રીતિના કાર્યરૂપ લક્ષણો જાણવાની જરૂર પડે છે. તો કાર્યલક્ષણો જેટલા તીવ્ર્રતાથી અને ઊંડાણથી વર્તતા હોય તે પુરુષના હૃદયમાં તેટલી ઘાટી પ્રીતિ પરમાત્મામાં હોય તેમ જાણી શકાય છે. માટે અહીં મહારાજે પ્રીતિનું કાર્યલક્ષણ કહ્યુ છે.
હૃદયની પ્રીતિ માણસને પ્રિયતમને અર્થે શું કરવા માટે પ્રેરે છે ? શાસ્ત્રમાં અન્ય કાર્યલક્ષણો પણ બતાવ્યાં છે. તે બધા એકવાર વિહંગાવલોકનથી પ્રથમ જોઈ લઈએ. તેમાં નારદ ભક્તિસૂત્રમાં જુદા જુદા ૠષિના મત પ્રમાણે લક્ષણો કહૃાાં છે. તે નીચે પ્રમાણે છે.
૧. પૂજાદિષુ અનુરાગઃ ઈતિ પારાશર્યઃ।। (પૂજામાં આસક્તિ)
ર. કથાદિષુ ઈતિ ગર્ગઃ ।। (કથામાં આસક્તિ)
૩. આત્મરતિ અવિરોધેન ઈતિ શાંડિલ્યઃ ।।(આત્મકલ્યાણમાં વિરોધ ન થાય તેવી ઉપર કહી બન્ને આસક્તિ)
૪. તદર્પિત અખિલાચારતા તદ્વિરહે પરમવ્યાકુલતા ઈતિ નારદઃ ।।(તેને માટે સર્વ કર્મો કરવા અને તેના વિરહમાં પરમ વ્યાકુળતા અનુભવવી.)
તદ્ઉપરાંત મહારાજે વચ.મ.ર૯મા કથામાં આસક્તિ એ અસાધારણ પ્રીતિનું લક્ષણ બતાવ્યુ છે. વળી ગ.પ્ર.વચ.૪૪મા ભગવાનની અખંડ સ્મૃતિ રહે એ સ્નેહનું (પ્રીતિનું) લક્ષણ કહ્યું છે. તદ્ઉપરાંત હૃદયથી સન્માન, તેનો કદાપિ કંટાળો નહિ, તેને વહાલી વસ્તુ અર્પણ કરીને ખુશી થવું આ બધાં પ્રીતિનાં કાર્યલક્ષણો છે.
જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યેની પ્રીતિ હોય ત્યાં આ બધા સમગ્રપણે અથવા અવકાશ અનુસારે જરૂર હોય; પરંતુ અહીં મહારાજે જે પ્રીતિનું લક્ષણ બતાવ્યું કે પ્રિયતમની મરજી પ્રમાણે વર્તે તે લક્ષણ બધા કરતાં વધુ પૂર્ણતા ભરેલું છે એવું તપાસ કરતાં દેખાય છે. તેને પ્રીતિની સાથે પૂર્ણ વ્યાપ્તિ છે. બીજા લક્ષણોમાં આની સરખામણીમાં ઓછી છે. વ્યાપ્તિ એટલે શું ? તો પ્રીતિ હોય ત્યાં આ લક્ષણની હાજરી હોય જ. તે દૃષ્ટિથી તપાસતાં જ્યાં જ્યાં પ્રીતિ હોય ત્યાં ત્યાં મરજીનું અનુસરણ હોય જ છે. જ્યારે કથા, પૂજા, વગેરે તમામ લક્ષણોને જ્યારે અવકાશ હોય ત્યારે જ ચરિતાર્થ થાય છે. જ્યારે આ લક્ષણ કોઈ પણ ક્રિયા, અવસ્થા કે સમયમાં હાજર રહી શકે છે. પ્રવૃત્તિ નિવૃત્તિ બન્નેમાં લાગુ પડી શકે છે. માટે બીજાં લક્ષણો કરતાં ખૂબજ પૂર્ણતાવાળું લક્ષણ છે. આવું લક્ષણ કોઈપણ સાહિત્યમાં મળવું ઘણું દુર્લભ છે.
મહારાજ કહે છે, જેને જેમાં પ્રીતિ હોય તે તેની મરજીને લોપે નહિ. પ્રિયતમ પોતાના મનમાં આપણા તરફની જે આકાંક્ષાઓ રાખતા હોય અથવા સદાને માટે રાખેલ હોય તે આકાંક્ષાઓ પ્રમાણે રહેવું એ પ્રીતિનું ઉત્તમ લક્ષણ છે. પછી તેમાં આજ્ઞા પણ આવી જાય છે. રુચિ પણ આવી જાય છે. ટૂંકમાં, મરજીમાં, હકારાત્મક (વિધિ) લક્ષણો અને નકારાત્મક (નિષેધ) લક્ષણો બન્ને વાત આવી જાય છે. પ્રવૃત્તિ લક્ષણો તથા નિવૃત્તિ લક્ષણો તે પણ આવી જાય છે.
આપણે મહારાજના પ્રીતિવાળા થવું હોય તો આપણી પરિસ્થિતિ પ્રમાણે એમ જરૂર વિચારવું જોઈએ કે મારી પાસે ભગવાનની કેવા વર્તનની આકાંક્ષા હોય ? પછી તે પ્રમાણે પૂર્ણ વર્તાય તો આપણને મહારાજમા પ્રીતિ ગણાય, નહિ તો તેટલા અધૂરા ગણાઈએ. મહારાજે ગોપીઓનું દૃષ્ટાંત આપ્યું છે. ગોપીઓમાં ભગવાનની મરજી અનુસારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેય ચરિતાર્થ થાય છે. પ્રવૃત્તિ પણ પરમાત્માને ગમે તેમાં હોવી જોઈએ અને નિવૃત્તિ પણ મહારાજની મરજી પ્રમાણે જ હોવી જોઈએ. આપણી રુચિ પ્રમાણે નહિ. ભક્તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે કે પોતાની રુચિ પ્રમાણે કરતા હોય છે. જ્યારે ભગવાનની રુચિ વિચારીને તે બન્ને થાય ત્યારે ભગવાનમાં પ્રીતિ છે એમ ગણાય.
પછી મહારાજે મુનિઓને પ્રશ્ન પૂછયો કે એક ભગવાનનો ભક્ત છે જેને ભગવાનમાં અત્યંત પ્રેમ છે. વિયોગ થાય તો પ્રાણ જાય એવો છે. ભગવાન સિવાય જગત સંબંધી પંચવિષય ધારી શકતો નથી. ભગવાન સંબંધી વિષયને આધારે જ જીવન કરી નાખ્યું છે. તેને ભગવાન કહે, તમે અમારાથી દૂર રહો. કોઈ કાર્ય નિમિત્તે અથવા કારણ નિમિત્તે આજ્ઞા કરે ત્યારે જેમ જગત સંબંધી પંચવિષયનો ત્યાગ કર્યો હતો ને ભગવાન સંબંધીમાં જોડાણો છે. તો હવે ભગવાનથી દૂર જવું પડે ત્યારે ભગવાન સંબંધી વિષયનો ત્યાગ કરવો પડે છે અને અન્ય સંબંધી વિષયનો જોગ થશે. તો તે કરવું કે કેમ ? જો આજ્ઞા ન પાળે તો ભગવાન કુરાજી થાય. જો પાળે તો સંબંધ દૂર થાય છે. માટે પ્રીતિનો નિભાવ કેમ કરવો ? શું કરે તો પ્રીતિનો પ્રવાહ અખંડ રહે અને તૂટે નહિ. ત્યારે તેનું સમાધાન પણ મહારાજે જ કર્યું કે તે ભક્તએ ભગવાનની આજ્ઞા પાળવી અને દર્શનાદિકનો લોભ જતો કરવો. જો એમ કરે તો ભગવાન તેમના પર રાજી રહે.
મહારાજ કહે છે કે જે શબ્દાદિક પંચવિષય વિના જીવમાત્રને રહેવાતું નથી તે પંચવિષયને એણે તુચ્છ કર્યા છે ને પાંચે પ્રકારે કરીને ભગવાનને વિષે જોડાણો છે તે માટે ભગવાન સાથે તેને અખંડ પ્રીતિ રહે છે. દૂર જાય તો પણ સંબંધ તૂટતો નથી. મહારાજે કહે છે કે એવી તેની અખંડ પ્રીતિ છે. તેથી ભગવાનની આજ્ઞાએ કરીને તે ભક્ત જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ તેની ભેળી જાય છે. જેમ તેને ભગવાનમાં અખંડ પ્રીતિ છે તેમ ભગવાનને પણ તેવા વિરહી ભક્ત વિના એક ક્ષણમાત્ર રહેવાતું નથી. એટલે ભક્ત જ્યાં જાય ત્યાં મહારાજ દિવ્ય રૂપે તેની સાથે જાય છે અને એક પળમાત્ર અળગા થતા નથી. માટે આજ્ઞા પણ પળે છે અને ભગવાનનું સાંનિધ્ય પણ દૂર થતું નથી. પ્રીતિનો પ્રવાહ અખંડ રહે છે.
પ્રીતિનો પ્રવાહ ભક્તના હૃદયમાંથી ભગવાનની મૂર્તિ પ્રત્યે વહે છે તેના બે કિનારા છે. એક તો ભક્તના હૃદયમાં ભગવાનના સાંનિધ્યની તીવ્ર ઝંખના હોય છે. બીજું મરજી ન લોપાય તેનો ઊંડો ફફડાટ હોય છે. બન્ને પ્રીતિ પ્રવાહના બે કિનારા છે. તે બન્ને કિનારા જો અખંડ રહે તો પ્રીતિનો પ્રવાહ ભગવાન સુધી હેમખેમ પહોંચે. તેમાં ઘણી ક્રિયાઓ (ઘટનાઓ) મોટે ભાગે તેવી હોય છે કે બન્ને કિનારાઓ બરાબર સચવાય છે. ત્યારે તો પ્રીતિમાં કોઈ મુશ્કેલી હોતી નથી. પરંતુ આ બન્ને કિનારાઓનું જ જ્યારે ઘર્ષણ થાય અને એકને જાળવે તો બીજો કિનારો ખંડિત થાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો બન્ને કિનારામાંથી કયો એવો મહત્ત્વનો રક્ષક કિનારો છે જે એક હોય તો પણ પ્રીતિનું પૂર્ણ રક્ષણ કરે ?
ત્યારે મહારાજ કહે છે કે એવા સંજોગોમાં સાંનિધ્ય ન સચવાય તો વાંધો નહિ પણ ભગવાનની મરજીનો લોપ ન થવો જોઈએ. એ કિનારો જો તૂટયો તો પ્રીતિનો પ્રવાહ છિન્ન ભિન્ન થઈ જશે. માટે બન્નેનું ઘર્ષણ ઊભું થાય અને એકના ભોગે એકનું જ રક્ષણ થતું હોય ત્યારે પ્રીતિનું રક્ષણ કરવા માટે મરજી, આજ્ઞા કે ભગવાનની આકાંક્ષા ન લોપવી એ પ્રીતિનો પ્રાણ છે. સાંનિધ્ય એ કલેવર છે. પ્રાણનું રક્ષણ કરવું. સાંનિધ્યની ઈચ્છા થાય તે સાધન છે. જ્યારે ભગવાનની આપણા તરફની પ્રીતિ (રાજીપો) સાધ્ય છે. સાધ્યના ભોગે સાધનનું રક્ષણ ન કરાય. સાધનના ભોગે સાધ્ય સાચવવું જોઈએ.