ક–૧૦ : નાડીયાનું–તપનું જો

પ્રતિપાદિત વિષયઃ

તપે કરીને ભગવાનને રાજી કરવા.

મુખ્ય મુદ્દાઃ

૧.વિવેકી સાધુ હોય તેણે તપે કરીને ભગવાનને રાજી કરવાની ઈચ્છા રાખવી.

ર.દરેકના અલગ ઈશક હોય છે. ભગવાનને રાજી કરવા ઈચ્છતા સંતોએ તપનો ઈશક રાખવો.(મહારાજની જેમ)

૩.મહારાજને સર્વ કર્તા માનવા.

વિવેચન :–

આ વચનામૃત તપે કરીને ભગવાનને રાજી કરવાનું છે. મહારાજના શરીરમાં તાવ જેવું જણાતું હતું. મુક્તાનંદ સ્વામી પાસે નાડી જોવરાવી. સ્વામી કહે કસર તો ઘણી છે. સમગ્ર સંત્સંગીને કઠણ કાળ વર્તે છે. કારણ કે આપ તો સર્વે સત્સંગીના જીવનપ્રાણ છો. તે આપને શરીરે કસર તે બધાને માટે કઠણ કાળ છે. ત્યારે મહારાજે વાત કરી કે ભગવાનને રાજી કરવા નારદજીએ ઘણા કાળ સુધી તપ કર્યું ને ટાઢ, તડકો, ભૂખ, તરસ સહન કરીને ભગવાનને રાજી કર્યા હતા. માટે વિવેકી સાધુ હોય તે તો જાણીને પોતાનાં દેહ, ઈન્દ્રિયોને દમે છે. તો પછી ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદને ટાળવાને ઈચ્છે. માટે ત્યાગી સાધુએ તો તપ કરવાની મનમાં તીવ્ર રૂચિ રાખવી.

હજારો જન્મ ધરીને પણ મારે તપે કરીને જ ભગવાનને રાજી કરવા છે એવી રુચિ રાખવી. એ તપ કરવામાં પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. તપ કરવામાં અનેક હેતુઓ હોય છે અને તે અનુસારે ભાવના ઊઠે છે. ઘણા સિદ્ધિ માટે તપ કરતા હોય છે. ઘણા કંઈક મેળવવા તપ કરતા હોય છે દા.ત. ધ્રુવજી. ઘણા કોઈને પરેશાન કરવાના હેતુથી તપ કરતા હોય છે દા.ત. હિરણ્યકશિપુ, ભસ્માસુર, રાવણ વગેરે. ઘણા કર્મ ખપાડવા તપ કરે છે દા.ત. જૈન ધર્મમાં. ઘણા બગડતી તબિયત સુધારવા તપ કરતા હોય છે. દા.ત. આધુનિક નેચર કયોર વગેરે. ઘણા શરીર સારું તંદુરસ્ત રહે માટે તપ કરતા હોય છે. ઘણા વિદ્યા મેળવવા તપ કરતા હોય છે. દા.ત.કાલિદાસ વગેરે. તો ઘણા ભગવાનની સેવામાં રહેવા માટે અને ભગવાનને રાજી કરવા તપ કરે છે દા.ત. લક્ષ્મીજી, તુલસીજી, રાધાજી વગેરે. ઘણા પોતાને તપસ્વી તરીકે જાહેર કરવા માટે પણ તપ કરતા હોય છે. ઘણા માણસોને છેતરવા દંભથી પણ તપ કરે છે.

મહારાજ કહે છે, ભગવાનના ભક્તોએ તપ કરવાનું છે તે ભગવાનની સેવા અને તે પણ પ્રેમપૂર્વક થાય એવા હેતુ–ભાવનાથી કરવું. ભોગી માણસ કોઈ દિવસ કોઈની સેવા કરી શકતા નથી. તે બીજાની પાસે સેવા લઈ શકે છે. સેવા કરવી એ મોટી તપશ્ચર્યા છે. તેમાં પણ ભગવાનની સેવા તો ઘણીજ પવિત્ર, દુર્લભ અને ઊંચી વસ્તુ છે. શરીર સેવામાંથી અથવા સંગાની સેવામાંથી જેને કયારેય ફુરસદ મળતી નથી તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકે ? ન જ કરી શકે. કયારેક તે સેવા કરતા હોય તેવું દેખાતું હોય તો પણ તે આભાસ જેવું જ રહે છે અથવા પોતાની સેવા કે ભોગ કે સ્વાર્થ તેમાં ગોઠવાઈ ગયા હોય છે માટે તે થતું હોય છે. માટે મહારાજ કહે છે કે નિષ્કામભાવે સેવા મેળવવા કે ચાલુ રાખવા ભક્તોએ સંયમ કરવાનો છે – તપ કરવાનું છે.

ભોગનું સેવન એ ભગવાનની સેવાની યોગ્યતાને તમામ પ્રકારે ખતમ કરી નાખે છે. ભોગ છે તે વ્યક્તિની અપવિત્રતા વધારે છે. સ્વાર્થપરાયણ બનાવે છે. કયારેક પાપમાં, હિંસામાં પણ ખેંચી જાય છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને વિનંતિ કરી કે હે મહારાજ ! કોઈક ભક્ત તપ ન કરે ને સારાં સારાં વસ્ત્ર, અલંકાર, ભોજન પાન અપર્ણ કરી સેવન કરે તો તમે રાજી ન થાઓ ? અને તમે તો કહો છો કે તપે કરીને રાજી થાઉં અને પેલો ભક્ત પણ રાજી કરવાના આશયથી સેવા કરે છે તો તેમાં શો બાધ ? ત્યારે મહારાજ કહે જો નિષ્કામ ભાવે કરે ત્યાં સુધી કોઈ બાધ નથી. પ્રસાદ જાણીને ઘણીવાર ભગવાનને પણ પડતા મૂકીને વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય એ બાધ છે. માટે એક તો પોતે તપ કરીને ભગવાનની પ્રેમથી સેવા કરવા માગે છે ને એકતો ભોગ દ્વારા સેવા કરવા માગે છે તે બેમાં તપે કરીને ભગવાનની સેવા કરવા માગે છે તે નિર્વિધ્ન માર્ગ છે. પેલામાં વિધ્ન આવવાની સંભાવના છે. મહારાજ કહે છે કે તે માર્ગે લાખોનું પતન થયું છે, ઉગર્યા તો કોઈક જ છે.

તપ કરીને ભગવાનની સેવા કરવામાં સેવકના ઈન્દ્રિયો શાંત બને છે અને અદલ સેવા કરી શકાય છે. જ્યારે ભોગના સ્પર્શથી ઈન્દ્રિયો વિહ્વળ, અશાંત અને વિકૃત બને છે અથવા એવું થવાની શકયતા છે. તેથી સેવામાં વિધ્ન આવે છે. વળી મહારાજ વધુ કાંઈ ચર્ચા આગળ ન કરતાં એટલું તો જરૂર કહે છે કે અમારી રુચિ છે ને અમારો એવો સિદ્ધાંત છે. અમે બીજાનું કાંઈ કહેતા નથી પણ અમને રાજી કરવા હોય તો અમારી આ સ્પષ્ટતા છે. મહારાજ પોતાનું દૃષ્ટાંત આપે છે કે અમારું જીવન જુઓ તો અમારી રુચિ કે ઈશક તમને સ્પષ્ટ દેખાશે. મહારાજ કહે, ભગવાન આ જગતના કર્તાહર્તા છે એમ દૃઢ પણે જાણવું એ જ જીવના કલ્યાણનું પરમ કારણ છે અને ભગવાનની પ્રસન્નતા થવી એમાં તપ કારણ છે. ભગવાનને સર્વ કર્તા નથી સમજતો ને કાળ, કર્મ કે બીજાને કર્તા કહે છે તેને તો મહારાજે અતિ પાપી કહ્યો છે. માટે મહારાજ સર્વ કર્તા છે એમ જાણી, સંયમ કરી, મહારાજની સેવા કરવી એ રાજીપાનું સાધન છે.

ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછયું કે હે મહારાજ ! ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશક તો હોય પણ વચમાં કોઈ વિધ્ન આવી પડે તો કેમ કરવું ? મહારાજ કહે ઈશક તો ત્યારે જ સાચો કે ગમે તેટલા અંતરાયો આવે તો પણ તેનો રોકયો રોકાય નહિ ત્યારે જ સાચો ઈશક કહેવાય. મહારાજ કહે છે, આ સંસારમાં નબળા ઈશકવાળા પણ મનુષ્યો હોય છે. ભોગના ઈશકવાળા મનુષ્યો પણ હોય છે. તે ગમે તે ભોગે (ગમે તેવા દુઃખ વેઠીને) પણ ઈશક પૂરો કરતા હોય છે. તેમ સારા ઈશક પણ હોય છે. તો સારા ને પવિત્ર ઈશક હોય તે તો જરૂર સિદ્ધ થાય જ; પણ હૃદયમાં સાચો ઈશક જાગવો જોઈએ. ઈશક એટલે અંતરના ઊંડાણથી ઊઠતી પ્રબળ ઈચ્છા, ઉત્સુકતા. તે જો સાચી જ હોય તો મહારાજ કહે અંતરાયથી રોકી શકાતી નથી. તેને સિદ્ધ કરીને જ માણસ શાંતિ મેળવે છે.