ક–૧ર : કારણ શરીર ટળ્યાનું, આંબલીના કચૂકાનું

પ્રતિપાદિત વિષયઃ

કારણ શરીરનો નાશ.

મુખ્ય મુદ્દાઃ

૧.ભગવાનની મૂર્તિનું ધ્યાન અને વચનને હૃદયમાં ધારવાથી કારણ શરીરનો નાશ થઈ જાય છે.

ર.હૃદયપૂર્વક આસ્તિક થઈને અધ્યાત્મવાર્તા સાંભળવાથી ને મનન કરવાથી મન નિર્વિષયી થાય છે.(કારણ શરીર ખોખલું થાય છે)

વિવેચન :–

આ વચનામૃત આંબલીનાં કચૂકાનુ અથવા તો કારણ શરીર ટાળ્યાનું છે. અહીં જીવના કારણ શરીરને આંબલીનું જે બીજ હોય તેની ઉપર છાલ ચોટી હોય તેની ઉપમા આપવામાં આવી છે. આ ઉપમા ઘણી જ પૂર્ણ કક્ષાની છે. જીવ અને તેના કારણ શરીર સાથેના સંબંધો, તેનાથી અલગ થવાના ઉપાયો વગેરેને સમજવા માટે આ ઉપમા જેટલા ઊંડાણથી આપણા હૃદયમાં બેસે તેટલું સહેલું બની જાય છે.

કારણ શરીરને જીવ સાથેનો સંબંધ અનાદિ માનવામાં આવે છે. જેમ આંબલીના બીજ ઉપર છાલ કયારે આવી તેનો સ્ટાર્ટીંગ પોઈન્ટ (શરૂઆતની ક્ષણ) નક્કી કરી શકાતો નથી. જ્યારથી બીજનું સર્જન થયું, સાથે જ છાલનું પણ સર્જન થયું છે. તેમ અહી જીવનું સર્જન નથી. તે અનાદિ છે. તે કારણ શરીર પણ જીવ જેવું જ અનાદિ છે. જેમ છાલ બીજ સાથે સખત ચોટી હોય છે તેમ જીવ સાથે કારણ શરીર દૃઢ રીતે વળગેલું છે. બીજને અગ્નિમાં શેકવાથી છાલ જુદી થઈ જાય છે. તેમ વચનામૃતમાં મહારાજે કહેલ સ્વરૂપ અને વચનને હૃદયમાં ધારવાથી અને મનનરૂપી અગ્નિથી કારણ શરીર જીવથી અલગ થઈ જાય છે. જ્યાં સુધી છાલ બીજ સાથે ચોટીને વળગેલી હોય ત્યાં સુધી જ બીજ ઊગે છે. તેમ કારણ શરીર અને જીવ જુદા ન પડે ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહે છે. આમ તેમાં ઘણી સામ્યતાઓ રહી છે.

મહારાજ આ વચનામૃતમાં કહે છે કે કારણ શરીર છે એ જ જીવની માયા છે. તે જ સૂક્ષ્મ શરીરરૂપે થાય છે. માટે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણે શરીર એ જીવની માયા છે. એટલે તેમાં અહં ને મમત્વ કરીને દૃઢપણે જોડાવું તે જ જીવને માટે માયા છે. વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરો ઈશ્વરની માયા છે. જીવની કારણ શરીરરૂપ માયા તે વજ્રસાર જેવી છે. તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. તે કયારે પડે ? તો જ્યારે સંતનો સમાગમ મળે ને તે સંતના વચનથી પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ત્યારે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે ને પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે ત્યારે કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય છે. જેમ આંબલીના બીજને શેકવાથી છાલ અલગ પડી જાય છે તેમ તે વિના કોટિ ઉપાય કરે તો પણ કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી.

મહારાજે મુનિઓને એક પ્રશ્ન પૂછયો કે જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે અને સર્વે પદાર્થનું જ્ઞાન યથાર્થ વર્તે છે તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તે સૂક્ષ્મ દેહમાં (મન, બુદ્ધિમાં) મનન કરે તો પાકું થાય છે અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે અને રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યુ છે તો પણ મનન કરે ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય છે તેનું કારણ શું ? મુનિઓથી ઉત્તર ન થયો. ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે હૃદયમાં અંતઃકરણનું સ્થાન છે. ક્ષેત્રજ્ઞ એવા જીવનો નિવાસ છે. તે સર્વે ઈન્દ્રિયો અંતઃકરણનો પ્રેરક છે. તેથી અંતઃકરણ ક્ષેત્રજ્ઞથી વધુ સમીપમાં છે. તે જ્યારે અંતઃકરણમાં મનન થાય ત્યારે જીવમાં તેનો વધારે પ્રભાવ રહે છે. વધારે દૃઢ થાય છે કારણ કે તે ક્ષેત્રજ્ઞ છે. તે જે વસ્તુને પ્રમાણ કરે એ વાત અતિ દૃઢ થાય છે.

વળી મહારાજે એ વાત પણ કરી કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય ને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. એટલે કે તે કારણ શરીરથી જીવ અલગ પડી જાય છે. મહારાજ કહે છે કે ગમે તેવો કામાદિક ને વિષે આસક્ત હોય પણ આવી રીતની અધ્યાત્મવાત આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહિ.