પ્રતિપાદિત વિષયઃ
પાડાખાર પ્રકૃતિ અથવા અતિ વેરની ડંખીલી પ્રકૃતિ.
મુખ્ય મુદ્દાઃ
૧.ખારીલી(ડંખીલી) પ્રકૃતિવાળાને સાધુ ન કહેવાય.
ર.જો ભક્તને ભગવાનનો મહિમા સમજાય તો તે ડંખીલી પ્રકૃતિ નાશ પામે છે.
વિવેચન :–
આ વચનામૃતને પાડાખારનું વચનામૃત કહેવામાં આવે છે. પાડાઓની જાતમાં પોતાની જ્ઞાતિ પ્રત્યે અથવા બીજા પાડા પ્રત્યે તીવ્ર દ્વેષ અને વેર હોય છે. એક વખત જો તેઓને દ્વેષ અથવા વેર થયું હોય તો ઘણા વરસોનો સમય જાય તો પણ તે દ્વેષની આંટી ઓછી થતી નથી ઉલટી વધતી જ જાય છે. બેમાંથી એકના મૃત્યુ સિવાય તેનો અંત આવતો નથી. બન્ને ઈચ્છા પણ એવી રાખે છે કે સામાનું મૃત્યુ કેમ જલ્દી થાય અને તેના માટે હું શું કરી શકું ? આવી મલિન રીસને પ્રાકૃત ભાષામાં ”પાડાખાર” કહેવામાં આવે છે. ખાર શબ્દ દેશી ભાષાનો છે. તે રીસ અને પૂર્વગ્રહ કરતાં પણ વધુ દ્વેષને સૂચવનારો છે.
કોઈ વ્યક્તિની ખારીલી પ્રકૃતિ હોય છે. ખારવૃત્તિ સકારણ હોતી નથી. તેમજ કોઈ નિમિત્ત ઉપર પૂર્ણ નિર્ભર હોતી નથી; પણ પોતાની પ્રકૃતિ ઉપર નિર્ભર હોય છે. અલ્પ એવું નિમિત્ત હોય અથવા ન પણ હોય તો પણ ખારીલી પ્રકૃતિ બિજાની હાજરીને સહન કરી શકતી નથી. બીજાની હાજરી એટલે કે પોતાની સમાન કોઈપણ દરજ્જો અથવા હક્ક હિસ્સો સહન કરી શકતી નથી. સામી વ્યક્તિનું અસ્તિત્વ ન હોવું જોઈએ. શા માટે ન હોવું જોઈએ ? તેનું કોઈપણ કારણ તેની પાસે હોતું નથી અને હોય તો તે યોગ્ય પણ હોતું નથી. છતાં તેની ઈચ્છા અતિ પ્રબળ હોય છે કે તેનું અસ્તિત્વ મટી જાય. પછી પોતાની શક્તિ પ્રમાણે મને ન દેખાવ અથવા દૂર થાઓ અથવા સૌથી સારું તો તે મટી જાઓ એ પ્રકારની હોય છે. આવી પ્રકૃતિને પાડાખાર પ્રકૃતિ કહેવામાં આવે છે.
આ વચનામૃતમાં મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે કે એવી જેને મલિન રીસ હોય કે પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે એવો જે હોય તેને સાધુ કહીએ કે ન કહીએ ? ત્યારે બન્ને સદ્ગુરુઓએ ઉત્તર આપ્યો કે એવો જે હોય તેને સાધુ ન કહેવાય. ખરેખર જગતમાં તો સ્વાર્થની ભરમાર હોય ત્યારે આ વસ્તુ દેખાય ખરી, પણ સંત–જીવનમાં તો તે ન હોવું જોઈએ; પરંતુ મહારાજે પ્રશ્ન પણ એવો પૂછયો છે કે તે સાધુમાં હોય ત્યારે કેમ ગણાય ? કોઈક જગ્યાએ મહારાજે જોયું હશે ત્યારે જ આવો પ્રશ્ન ઉઠાવ્યો હશે!
વિચિત્રતા તો એ છે કે અધ્યાત્મ ક્ષેત્રમાં આવ્યા પછી પણ પોતાની પાડાખાર પ્રકૃતિને સફળ કરવા માટે જ રાત્રી દિવસ ગજા ઉપરવટ ઘણા માણસો પુરુષાર્થ કરતા હોય છે. ત્યારે સંતો કહે મહારાજ એ તો સાધુ થયા છે તો પણ સાધુ ન કહેવાય.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો કે હે મહારાજ ! ભગવાનનો ભક્ત હોય તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય તે નિમિત્તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે ટાળ્યાનો શો ઉપાય છે ? ટૂંકમાં પાડાખાર પ્રકૃતિ ટાળ્યાનો શો ઉપાય છે ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય અને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવતો નથી અને તેના ઉપર રીસની આંટી પણ બંધાતી નથી. જ્યારે એક જ દુન્યવી પદાર્થ કે સ્વાર્થ કે મમત્વ ઝાઝા માણસો વચ્ચે કેન્દ્રમાં હોય છે ત્યારે પાડાખાર વૃત્તિ ઊભી થવાનો પ્રસંગ આવે છે.
એક પાડાને બીજા પાડા ઉપર વેરવૃત્તિ કયારે થાય છે ? ઝાઝા વચ્ચે સ્વાર્થ કે ભોગનું સમાન કેન્દ્ર એક હોય છે. અનેક ભક્તોમાં ધ્યેય કે ઉપાસનાનુ કેન્દ્ર એક જ મહારાજ હોય છે, પણ ત્યારે પાડાખારવૃત્તિ ઊભી થતી નથી. ત્યારે તો સમાન કેન્દ્રમાં એકજુટ થયા હોય તેમાં ઉલ્ટી આત્મીયવૃત્તિ ઊભી થાય છે. એક બીજા પ્રત્યે પ્રેમભાવના અને મમત્વની ભાવના પ્રગટે છે.
જ્યારે મહારાજનો પ્રશ્ન એ છે કે એને સાધુ કહેવાય કે ન કહેવાય ? એટલે કે અધ્યાત્મ કેન્દ્ર– મહારાજને નિમિત્તે ભેળા થયેલા સમાજમાં પણ એ પાડાખારવૃત્તિ ઊભી થાય કે ન થાય ? અલબત્ત થવી ન જોઈએ. એવી વૃત્તિઓને શમન કરનારું આ કેન્દ્ર છે અને તો પણ ઉત્પન્ન થાય છે તો તેનો અર્થ એ થાય છે કે એ વ્યક્તિ એ હેતુ(અધ્યાત્મ કેન્દ્રિત) ઉપર આ ક્ષેત્રમાં જીવતી નથી. આ ક્ષેત્રમાં રહીને પણ તેણે પાડાખારવૃત્તિ ઉત્પન્ન કરે તેવું કોઈ નિમિત્ત કેન્દ્રમાં ગોઠવી રાખ્યું છે. નહિ તો ઉત્પન્ન થવાની શકયતા જ નથી. મહારાજ કહે કે તેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય અને મહિમા સમજતો હોય તો આંટી ન બંધાય અને તેનાથી ઉલ્ટુ તેના હૃદયમાં દુન્યવી સ્વાર્થ કેન્દ્ર સ્થિર થયું હોય તો તેવી આંટી બંધાયા વિના રહી જ ન શકે. પછી ભલે સાધુ હોય કે હરિભક્ત હોય.
મહારાજ કહે ઉદ્ધવજી એવા મહિમાને જાણતા હતા તો ગોપીઓના ચરણની રજ જેના પર પડતી હોય તેવી લતા, તૃણ તથા ગુચ્છનો અવતાર માગ્યો. કારણકે ઉદ્ધવજી અને ગોપીઓનું આરાધ્ય કેન્દ્ર એક શ્રીકૃષ્ણ હતા. દુન્યવી સ્વાર્થ કે ભોગ આરાધ્ય કેન્દ્ર ન હતું. સંત જીવનમાં આવીને કે ભક્ત બનીને પછી પણ આંટી બંધાય છે તેનું કારણ એ છે કે તેના અંતરમાં જગતની જ પ્રધાનતા છે. જગતનો જ મહિમા સમજતા શીખ્યા છે.
માટે તેને ટાળવાનો તો એજ ઉપાય છે કે ભગવાનના ભક્તનો મહિમા સમજવો. તો પાડાખારવૃત્તિ ઓછી થાય. આ કોઈ કામાદિ શત્રુ નથી કે તે ઉપવાસ કરવાથી ઓછી થાય. આતો આરાધનાનું કેન્દ્ર બદલવાથી ઓછી થાય છે. મહારાજ કહે છે કે દોષ અથવા ખામી આવતી જ નથી. ઉલ્ટા ભગવાનના સંબંધને પામેલ વૃક્ષ વેલીને અતિ ભાગ્યવાળા સમજે. તો પછી મનુષ્ય હોય ને ભક્તિ કરતા હોય, વર્તમાન પાળતા હોય તેનો અવગુણ ન લે તેમાં તો શું કહેવું ? માટે માહાત્મ્ય ન સમજે તો ભક્ત સંગાથે પણ આંટી બંધાય અને વેર પણ બંધાય ખરું. મહારાજ તો ત્યાં સુધી કહે છે કે ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી હોય તો પણ અર્ધો વિમુખ છે. જે મહિમા સમજે છે તે જ પૂરો સત્સંગી છે.