પ્રતિપાદિત વિષયઃ
ભગવાનનું સંગણ – નિર્ગુણપણું.
મુખ્ય મુદ્દાઃ
૧.સંગણપણું અને નિર્ગુણપણું એ તો ભગવાનનું ઐશ્વર્ય છે.
ર.મનુષ્યાકાર, સચ્ચિદાનંદ એવા પ્રત્યક્ષ મહારાજ એ ભગવાનનું મૂળ રૂપ છે.
૩.ભગવાનના સંગણ – નિર્ગુણ ભાવને યથાર્થ જાણે તો તેને કાળ, કર્મને માયા બંધન કરતા નથી.
વિવેચન :–
આ વચનામૃત સંગણ નિર્ગુણ ભાવનું છે. અહીં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ! શાસ્ત્રમાં ભગવાનનું સંગણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. (અણોરણીયાન્મહતો મહીયાન્નિતિ ક.૩.૧.૨.૨૦) તે બન્ને કેવી રીતે સમજવું. તે બન્ને સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ થાય છે ? કારણ કે જે વસ્તુ અણુ હોય તે મોટી ન હોઈ શકે અને મોટી હોય તે અણુ ન હોઈ શકે. માટે એક મહારાજના સ્વરૂપમાં એટલે કે એક મૂર્તિમાં બન્ને વસ્તુ કેવીરીતે ઘટાવી શકાય ? અને એવી રીતે સમજવાથી ભક્તને શો ફાયદો થાય ? એ પ્રશ્ન છે.
ત્યારે મહારાજ ઉત્તર કરે છે કે વસ્તુતઃ ભગવાનનું સ્વરૂપ બે પ્રકારનું એટલે કે સંગણ અને નિર્ગુણ છે એમ નથી. ભગવાનનું સ્વરૂપ તો સદાકાળ એક સરખું અને એક જ છે, પણ મૂર્તિનાં ઐશ્વર્ય બે પ્રકારનાં છે. એક સંગણ ઐશ્વર્ય અને એક નિગુર્ણ ઐશ્વર્ય. સ્વરૂપમાં એટલે કે મૂર્તિમાં – એક સંગણ મૂર્તિ અને બીજી નિર્ગુણ મૂર્તિ એવું નથી.
સમગ્ર વચનામૃતને આધારે ને અહીં આ વચનામૃતમાં પણ મહારાજે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનની મૂર્તિ એ એક બીજાના પર્યાય તરીકે જ લીધા છે. માટે ‘અણોરણીયાન્મહતો મહીયાન્’ એ વસ્તુ એક જ મૂર્તિમાં કેમ ઘટી શકે અથવા તો એક મૂર્તિને વિષે’અણોરણીયાન્મહતો મહીયાન્’ કહેવા પાછળ શાસ્ત્રકારોનો શો અભિપ્રાય છે ?
તેના ઉત્તરમાં મહારાજ કહે છે કે ભગવાનનું સ્વરૂપ– ભગવાનની મૂર્તિ તો સનાતન છે. સદા એક રૂપ છે. તે ઘડીક અણુ બની જાય અથવા ઘડીક મોટી પહાડ જેવી બની જાય એવું નથી. સદા એકરૂપ, દિવ્ય, કિશોરવય, સચ્ચિદાનંદ સ્વરૂપ, અતિ તેજોમય, નિર્વિકાર છે. ઘડી ઘડી ફરે તેવું સ્વરૂપ નથી. અનાદિ છે, એક સ્વરૂપ છે. તો પછી અલગ અલગ જણાય છે તે શું છે ? તે તો ભગવાનની દિવ્ય અલૌકિક કોઈ શક્તિ છે, ઐશ્વર્ય છે અને તેના આપણે નિર્ગુણ અને સંગણ એવા બે વિભાગ કરી શકીએ અથવા બે પ્રકારનું છે એમ કહી શકીએ. એ ભગવાનના સ્વરૂપમાં એટલે કે ભગવાનની મૂર્તિમાં એવી શક્તિ છે – એવું ઐશ્વર્ય પડયું છે કે તે પોતાની મૂર્તિને મોટી પહાડ જેવડી, અરે બ્રહ્માંડ જેવડી કે તેથી મોટી અનેક બ્રહ્માંડોથી પણ મોટી બતાવી શકે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને પોતાને વિષે વિશ્વરૂપ દેખાડયું. દુર્યોધનને કૌરવ સભામાં વિષ્ટી સમયે વિરાટ રૂપ દેખાડયું. વામન ભગવાને બલિરાજાને દર્શન (વિરાટ) આપ્યું. તેવું વિરાટ સ્વરૂપ પણ આપણે માટે આશ્ચર્યકારી છે.
મહારાજની શક્તિ તો તેનાથી પણ મોટું બતાવી શકવાની છે, પણ જીવ તેને ઝીલી શકે કે કેમ ? તેથી તો ગીતામાં ભગવાને વિરાટ રૂપ બતાવતી વેળાએ અર્જુનને કહ્યુ કે ‘દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ્।। (ગીતાઃ૧૧–૮) આપણે જીવ કેટલું ઝીલી શકીએે અને માની શકીએે એ મહત્ત્વનું છે. ભગવાનની મૂર્તિમાં જે રહ્યુ છે તેનું તો કોઈ માપ નથી. મહારાજે પણ પોતાની મૂર્તિને વિષે સમાધિ પ્રકરણ વખતે ખૂબ જ એવાં ઐશ્વર્યો બતાવ્યાં છે. માટે આવા ભાવો ભગવાન બતાવે તેને સંગણ ભાવ અથવા સંગણ ઐશ્વર્ય કહેવાય. સંગણતા એટલે અહીં સ્થૂળતાના ભાવ બતાવવા એવો અર્થ થાય છે. એવું નથી કે ભગવાન પોતાની મૂર્તિમાં ખાલી સ્થૂળતા જ બતાવી શકે છે. ભગવાનની ઐશ્વર્ય શક્તિ એવી પણ છે કે પોતાને વિષે સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવ પણ બતાવી શકે છે.
જગતના તમામ પદાર્થો જડ છે. તેનાથી સૂક્ષ્મ આત્મપદાર્થ છે. તે બધે વ્યાપીને રહે છે. તેમાં પણ જેમ જેમ તેની શુદ્ધિ થતી જાય તેમ તેમ તે વધુ શુદ્ધ થતો જાય અને વધુ સૂક્ષ્મ ભાવને પામતો જાય. જ્યારે શુદ્ધ અક્ષરભાવને પામે ત્યારે તેની અવધિ આવી જાય છે, પણ ભગવાન તો તેનાથી પણ સૂક્ષ્મ તેની અંદર પણ વ્યાપવા સમર્થ અને તેને પણ શુદ્ધિ અર્પનારા છે. અક્ષરપર્યંતના સ્વરૂપમાં વ્યાપવા માટે ભગવાનને પોતાનું મૂળ સ્વરૂપ ત્યાગ કરીને સૂક્ષ્મ રૂપ ધરવું પડે છે એવું નથી. અણુમાં વિરાટ સમાય કેમ ? જગ્યાનો પ્રશ્ન ઊભો થાય. માટે કમસે કમ ભગવાન દેખાય છે તે સ્વરૂપ છોડીને થોડું ઝીણું તો થાવું પડે. સૂક્ષ્મ તો થવું પડે નહિ તો અંદર પ્રવેશ કેમ શકય બને ? પરંતુ તે પ્રશ્ન આપણી બુદ્ધિનો છે. તે ભગવાનના સ્વરૂપ માટેનો નથી.
આધુનિક વિજ્ઞાનની અમુક બાબતો કે નવી શોધો છે તેને જૂના કાળમાં માણસો નહોતા માની શકતા અને નહોતા સ્વીકારી શકતા. અરે, ભણેલા ગણેલા હોય, બુદ્ધિશાળી હોય તો પણ નહોતા સ્વીકારી શકતા. એ જ વસ્તુ આજે અજ્ઞાની પણ સમજી શકે છે અને માને છે. માટે એ પ્રશ્ન વાસ્તવિકતાનો નથી. આપણી બુદ્ધિમાં ઉતરવાનો છે. શાસ્ત્રો કહે છે કે ભગવાનની સાડા ત્રણ હાથની મૂર્તિ જેમની તેમ બધી જગ્યાએ વ્યાપી શકે છે. અંતર્પ્રવેશ કરી શકે છે. એ આપણા જેવું દ્રવ્ય નથી. તેને કાળની, જગ્યાની(ક્ષેત્રફળની) કે પદાર્થની અપેક્ષા નથી. તેને તો પોતાની અલૌકિક શક્નિો આધાર છે કે પ્રભાવ છે. તેનો પ્રભાવ કે શક્તિ આપણી બુદ્ધિમાં ઉતરે તો સમજવામાં મુશ્કેલી નથી પડતી. માટે સૂક્ષ્મથી સૂક્ષ્મ અક્ષરબ્રહ્મનું જે સ્વરૂપ તેના અંતરમાં પણ ભગવાન મૂર્તિમાન થકા વ્યાપી શકે છે.
અત્યારે વૈજ્ઞાનિકોએ જીનેટીક સેલમાં એવી શોધો કરી છે કે બાળક માતાના ગર્ભમાં હોય ત્યાંથી તેનું માપ કાઢી લે છે કે આ બાળકનો કેવો રંગ, વાળ, અવયવો, બુદ્ધિ, સ્વભાવ થશે. તેમાં તેને કોઈ ખામી દેખાય દા.ત. એેક આંખમાં ખામી છે એવું દેખાય તો શરીરના બીજા ભાગમાંથી સેલ લઈ તેને રીવર્સ કરી શૂન્ય ગુણધર્મમાં લાવી પછી ફોરવર્ડ કરી તેની આંખમાં ફીટ કરી આંખને પરફેકટ કરી શકે છે અથવા ‘કલોન’નું સર્જન કરી શકે છે. યોગીઓ સિદ્ધિ વડે પોતાના દેહને વધારીને મોટું કરી શકે છે. હનુમાનજીએ પહાડ જેવડું શરીર વધાર્યું હતું. એવો ઉલ્લેખ રામાયણમાં આવે છે. તો પછી ભગવાન તેવું આ દેહ ન કરી શકે ? કરી જ શકે. જો તે ભગવાન હોય તો. કરવું ન કરવું તે તેની ઈચ્છાની વાત છે. માટે મહારાજ કહે આ પ્રત્યક્ષ (શ્રીજી મહારાજ) તમને દેખાય છે એ જ મૂળરૂપ છે અને પેલું તો સંગણભાવ ને નિર્ગુણભાવ એ તો તેનું અલૌકિક ઐશ્વર્ય છે. ભગવાન તો પોતે ‘યોગકળાના પૂરણદરિયા’ છે. યોગેશ્વર છે. તેમની મૂર્તિમાં કોઈપણ જાતના ઐશ્વર્યની ખામી નથી. મહારાજે શ્રીકૃષ્ણ ભગવાનના દૃષ્ટાંતથી આ બન્ને પ્રકારના ઐશ્વર્ય કેમ હોય તે સમજાવ્યું છે.
આપણને મહારાજની મૂર્તિમાં મહિમા વધારે છે કારણ કે એ ઐશ્વર્યને ધારનારા આ સ્વરૂપ છે. આ મૂળ સ્વરૂપ છે. પેલું આને આધારે છે. એ ઐશ્વર્ય તો ભગવાન પોતાના સ્વતંત્ર સંકલ્પથી પોતામાં ઉપજાવે છે, પ્રગટ કરે છે. મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું અને સંગણપણું સમજે તે ભક્તને કાળ,કર્મ અને માયા બંધન કરવાને સમર્થ થતા નથી. તેને આઠે પહોર અંતરમાં આશ્ચર્ય રહૃાા કરે છે.
અહીં આપણને એક પ્રશ્ન થાય કે આપણે તો ભગવાન જેમ કહે છે તેમ માનીએ છીએ તો પણ તે ફળ આપણામાં કેમ દેખાતું નથી ? તેનું સમાધાન એ છે કે આપણે ભગવાનની મૂર્તિમાં સંગણપણું–નિર્ગુણપણું સમજીએ તો છીએ પણ યથાર્થપણે જીવમાં એવું માની શકતા નથી. જો માની શકતા હોત તો મહારાજે કહેલું ફળ આપણા હૃદયમાં જરૂર દેખાવું જોઈએ; પરંતુ આપણને તો ભગવાનની મૂર્તિમાં એવું કાંઈ આશ્ચર્ય ભાસતું નથી. તેથી તેવું પરિણામ પણ આવતું નથી.