પ્રતિપાદિત વિષયઃ
વૈરાગ્ય ઉદય થયાનું કારણ.
મુખ્ય મુદ્દાઃ
૧.જો સર્વે અહંતા–મમતા મૂકે તો ગૃહસ્થને પણ ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રહે.
ર.સંત અને સત્શાસ્ત્રનાં વચને કરીને જેને ચટકી લાગે તેને વૈરાગ્ય ઉદય થાય.
૩.પરમાત્માની સાચી ઓળખાણને આત્યંતિક કલ્યાણ કહેવાય.
વિવેચન :–
આ વચનામૃતમાં બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો જે, હે મહારાજ ! ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે તે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે માટે તેને તો સંસારની અનંત વિટંબણા વળગી છે. તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે ? મહારાજે ઉત્તર કર્યો કે, ત્યાગીઓએ સંગાંસબંધી તથા જગતના પદાર્થની મમતા મૂકી છે માટે ભગવાનમાં વૃત્તિ રાખી શકે છે. તેમ ગૃહસ્થાશ્રમી હોય તે પણ જો મમતાનો ત્યાગ કરે તો અખંડ વૃત્તિ રાખી શકે છે. સંગાં સંબંધી તથા પદાર્થોનો ત્યાગ કરવાની તો જરૂર નથી પણ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી હોય તો મમતાનો ત્યાગ તો અવશ્ય કરવો પડે.
મહારાજના ઉત્તરનો ગર્ભિત સૂર એ છે કે અખંડ વૃત્તિમાં ગૃહસ્થાશ્રમીના માબાપ, છોકરાં તથા સંબંધી એટલા બધા વિધ્ન કરતા નથી, જેવું વિધ્ન તેઓની મમતા અને આસક્તિ કરે છે. ભગવાનમાં વૃત્તિ, આસક્તિ અને મમતા રહેવા દેતા નથી. પછી તે ત્યાગીને હોય તો તે પણ ભગવાનમાં વૃત્તિ ન રાખી શકે ને અખંડવૃત્તિ – આસક્તિનું જે સ્થાન હોય તેમાં રહે છે. માટે મહારાજ કહે, ગૃહસ્થ હોય તેણે એમ સમજવું જે જેમ પૂર્વે ચોરાસી લાખ જાતના મારે માબાપ તથા સ્ત્રી છોકરાં થયાં હતાં તેવાં ને તેવાં જ આ દેહના પણ છે. કેટલાક જન્મની મા, બેન, દીકરીઓ તે રઝળતી હશે. તેની મારે મમતા– ચિંતા નથી તેમ આ દેહના સંબંધી તેની મારે મમતા–ચિંતા ન રાખવી. તેનું પાલન પોતાની ફરજ જાણીને જરૂર કરવું, પણ આસક્તિ છોડવી. એમ વિચારીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે તથા ભગવાનને અખંડ સંભારતા હોય તેવા સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે.
ત્યારે એ સવાલ કર્યો કે એવી રીતે ન વર્તાય તેના શા હવાલ થાય ? ત્યારે મહારાજ કરુણા કરી બોલ્યા, એ તો વાસનામાત્ર ટાળીને ભગવાનમાં અખંડવૃત્તિ રાખે તેની વાત કરી છે અને એવા જે બળિયા ન હોય તેણે તો સત્સંગની ધર્મમર્યાદામાં રહેવું અને સંત ને ભગવાન તેનો જે પોતાને આશ્રય થયો છે તેનું બળ રાખવું. જે ભગવાન તો અધમ ઉદ્ધારણ છે ને પતિતપાવન છે. તે મને સાક્ષાત્મળ્યા છે. મહારાજનાં એવાં વચન સાંભળીને સર્વે હરિજન અતિ રાજી થયા.
પછી મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો જે, વૈરાગ્ય થયાનું શું કારણ છે ? ત્યારે મુનિઓથી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી મહારાજે ઉત્તર કર્યો કે, વૈરાગ્યનું કારણ એ છે જે સદ્ગ્રંથ ને સત્પુરુષનાં વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને લાગે તે પાછી મટે જ નહિ એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે. બીંજો કોઈ વૈરાગ્યનો હેતુ કે કારણ નથી. વૈરાગ્ય ઉદય થવા માટે જુદાં જુદાં શાસ્ત્રમાં જુદાં જુદા કારણો બતાવ્યાં છે. યોગસૂત્રમાં કહ્યુ છે કે જગતમાં દોષદર્શનથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જ્યારે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન અથવા તેના વૈરાગ્યવાન સંત જો કૃપા કરે તો જ વૈરાગ્ય ઉત્પન થાય છે. જ્યારે હરિલીલામૃતમાં કહ્યુ છે કે ક્રોધે, સુબોધે, કરજે, મૂંઝાઈને–વૈરાગ્ય આટલી રીતે ઉત્પન્ન થાય છે. ઝઘડો થવાથી, સાચું જ્ઞાન થવાથી અને ઝાઝું કરજ અથવા દુઃખ આવવાથી માણસને વૈરાગ્ય થાય છે. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ તેમાં ઉમેરો કરી વિશેષ લખ્યું કે સંસારમાં કામ કરવાનો આળસુ હોય અને કામાનો કૂટયો હોય તેને પણ જલ્દી વૈરાગ્ય થઈ જાય છે. વૈરાગ્યવાન પરુષમાં હેત હોય તેને પણ જલ્દી વૈરાગ્ય થઈ જાય છે. આવા વૈરાગ્ય થવાનાં અલગ અલગ અનેક કારણો બતાવ્યાં છે. તે પોત પોતાના સ્થાનમાં દરેક સાચાં છે.
જગતમાં દોષ દર્શન થવાથી ધીરે ધીરે વૈરાગ્ય થાય છે. એટલે કે માયિક પદાર્થોમાં તેને દુઃખનો સાક્ષાત્કાર થાય છે. કર્મને વશ થઈને દુઃખ ભોગવવું તે અલગ વસ્તુ છે અને શાસ્ત્રો અને સત્પુરુષોનાં વચનમાં વિશ્વાસ રાખીને માયિક પદાર્થોમાં દુઃખોનો સાક્ષાત્કાર કરવો એ વસ્તુ અલગ છે. કર્મને વશ થઈને મોહથી આ જીવ જન્મોજન્મથી દુઃખ ભોગવતો આવે છે. તો પણ મોહ હોવાથી દુઃખનો સાક્ષાત્કાર થતો નથી. જ્યારે વૈરાગી પુરુષો તે દુઃખ આવ્યા પહેલાં તે દુઃખની દારુણતાનો માનસિક રીતે સાક્ષાત્કાર કરે છે. તેથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. મહારાજ કહે છે કે સત્શાસ્ત્ર અથવા સત્પુરુષનાં વચનથી જેને ચટકી લાગે તેને વૈરાગ્ય થાય છે. અહીં વૈરાગ્ય શબ્દથી વૈરાગ્ય અને ત્યાગ બંને સાથે નિર્દેશ કરાયેલા છે. મહારાજે જે ઉત્તર આપ્યો છે તેનાથી એવું જણાય છે. તેથી ગમે તેટલું દુઃખદર્શન થવા છતાં પણ અંતે ચટકીથી વૈરાગ્ય થાય છે તે સત્ય જ ઠરે છે. ચટકી એટલે સંવેદનાનો તીવ્ર વેગ. તેનાથી લાગતો ઝટકો. ચટકી વિના અથવા તીવ્ર સંવેદનાના ઝટકા વિના સંસાર અલગ થતો નથી.
ઘણા જ્ઞાની પુરુષો અને દુઃખોનો સાક્ષાત્કાર કરેલા એવા ગૃહસ્થ પુરુષો ચટકીના અભાવ માત્રથી સંસારમાં પડી રહેલા દેખાતા હોય છે. જ્યારે ઘણા કાચી બુદ્ધિમાં પણ ચટકીથી વૈરાગ્ય અને ત્યાગનો રસ્તો ગ્રહણ કરી લેતા હોય છે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વૈરાગ્ય તો ભગવાન કે સંત કૃપા કરે તો જ ઉપજે. તેનું સમાધાન એ છે કે કૃપાથી પૂર્વ ભૂમિકા રચાઈને તેને કોઈ નિમિત્તથી ચટકી લાગે છે અને વૈરાગ્ય પ્રગટ થાય છે. જ્યારે હરિલીલામૃતમાં કહેલા ઉપાયો પણ કોઈને કોઈ રીતે ચટકીમાં નિમિત્ત બને છે. વૈરાગ્ય ઉદય થવા માટે ચટકીની અવશ્ય જરૂર પડે છે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ‘જનની જીવો રે’ ગોપીચંદની તે કીર્તનમાં વૈરાગ્યવંત પુરુષોનાં નામ ગણાવ્યા છે. ગોપીચંદજી–ધ્રુવજી–બાજંદ–ભર્તૃહરિ–આ બધાને જીવનમાં કોઈક નિમિત્તે ચટકીઓ લાગી હતી.
મહારાજ કહે છે કે જેને ચટકી ન લાગતી હોય તેને વૈરાગ્ય ન થાય. પછી ભલે તેને ગમે તેટલું જ્ઞાન હોય અથવા ગમે તેટલું દુઃખ આવી પડેે, તો પણ ચટકીના અભાવે તે સારી રીતે દુઃખમાં ટીપાય છે; પણ વૈરાગ્ય થતો નથી. માટે સમજીને ચટકી લાગવી તે મોટા ભાગ્યની વાત છે. વળીં મહારાજ કહે છે કે ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જતી હોય તો તેને પહેલાં કરતાં પણ વધારે ખુવાર કરે છે અને ધોબીના કૂતરાની જેમ વાટનો નહીં ને ઘાટનો પણ નહીં તેમ ઉભયભ્રષ્ટ થાય છે. જે દૃઢ ચટકીવાળા હોય તે પરમ પદને પામે છે.
અહીં વૈરાગ્યની વિચારણા ચાલતી હોવાથી મુમુક્ષુઓને એક પ્રશ્ન એવો પણ ઊભો થાય છે કે દોષદર્શનથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે કે વૈરાગ્યથી દોષનું દર્શન થાય છે ? ચટકીથી વૈરાગ્ય થાય છે કે વૈરાગ્ય હોય તો ચટકી લાગે છે ? એવું કહ્યુ છે કે દુઃખદર્શનથી વૈરાગ્ય થાય છે, પણ વૈરાગ્યની સહાય વિના અથવા તો વૈરાગ્યની ગેરહાજરીમાં દુઃખ હોય તો પણ મોહની આંધીમાં દુઃખ દેખાતું નથી. તો પછી દુઃખદર્શન કરવું કઈ રીતે ? વૈરાગ્ય વિના દુઃખ દર્શન થતું નથી અને દુઃખ દર્શન વિના વૈરાગ્ય થતો નથી. માટે પરસ્પર વિરોધ આવે છે તો મુમુક્ષુઓએ આ માર્ગમાં પ્રવેશ કેમ કરવો ?
તેનું સમાધાન એ છે કે આ જગતમાં વૈરાગ્યની હાજરી તો કોઈક જગ્યાએ છે, પણ દુઃખની હાજરી ભરપૂર છે. પ્રથમ સંતમાં અથવા સત્શાસ્ત્રમાં વિશ્વાસ રાખીને દુઃખનો સાક્ષાત્કાર કરવા લાગે. એટલે કે ઓળખવા લાગે તો તેને ધીરે ધીરે વૈરાગ્ય થાય છે અને ઉત્પન્ન થયેલો વૈરાગ્ય તેને વધારે દુઃખદર્શન કરવાની શક્તિ પૂરી પાડે છે. આમ તેની વૈરાગ્યયાત્રા આગળ ચાલે છે.
બીજો પ્રશ્ન એ છે કે મહારાજે અહીં કહ્યુ છે કે ચટકીથી વૈરાગ્ય થાય છે; પરંતુ વૈરાગ્ય વિના ચટકી લાગવી ઘણી દુર્લભ છે. જગતના જીવો દુઃખમાં પિસાય છે. ચટકી લાગવાના હજારો નિમિત્તો તેની આખ આગળથી પસાર થતા હોય છે તો પણ વૈરાગ્યની દુર્બળતાથી તેને કયારેય ચટકી લાગતી નથી. તેથી અંતે તો એ જ તારણ આવ્યું કે વૈરાગ્ય વિના ચટકી ન લાગે અને ચટકી લાગ્યા વિના વૈરાગ્ય ન થાય. આવો પરસ્પર વિરોધાભાસ મુમુક્ષુઓના હૃદયમાં ઊભો થાય છે.
તેનું સમાધાન પણ મહારાજે અહીં વચનામૃતમાં બીજ રૂપે આપ્યું છે. તેને જો વૈરાગ્યવાન સંતનાં વચનમાં વિશ્વાસ હોય અને તેની સહાયથી ચટકી લગાડે તો વૈરાગ્ય ઊભો તો થાય. તે ચટકી સદાકાળ નિભાવવા માટે તેને વૈરાગ્યવાન એવા સંતોની મદદ અને સંતોમાં પ્રીતિ રાખવી જરૂરી છે. આ બે વાનાં જો હોય તો ચટકી લાગે અને તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય ચટકીની પુષ્ટિ અને દૃઢતા કરે છે. એ તેનું સમાધાન છે.
પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછયો છે. આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિષે કેવી દશા વર્તતી હોય ? ત્યારે મુનિઓથી તે પ્રશ્નનો ઉત્તર થયો નહિ. પછી શ્રીજી મહારાજે જ કૃપા કરી તેનો ઉત્તર કર્યો. આત્યંતિક કલ્યાણ એટલે સર્વથી અંતિમ પ્રાપ્તિ. જે પ્રાપ્ત કર્યા પછી બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું કે સમજવાનું બાકી રહેતું નથી. તેને મહારાજ આત્યંતિક કલ્યાણ કહે છે. જો કે આપણે માટે શ્રીજી મહારાજ થકી અધિક કાંઈ પ્રાપ્ત કરવાનું છે નહીં. તો પછી આટલા આત્યંતિક કલ્યાણને પામ્યા અને આટલાને હજી આત્યંતિક કલ્યાણમાં ખામી છે એવો વિભાગ શકય બની શકે નહિ.
આપણને બધાને એક શ્રીજી મહારાજ પ્રાપ્ત થયા છે તો પછી આવો પ્રશ્ન કેમ ઊઠી શકે ? તેનું સમાધાન શ્રીજી મહારાજે આપેલ ઉત્તર ઉપરથી એવું થાય છે કે શ્રીજી મહારાજને જેવા ઓળખવા જોઈએ એવા જ્યારે ઓળખીએ ત્યારેજ આત્યંતિક કલ્યાણ થયું ગણાય. શ્રીજી મહારાજ કોણ છે ? અને તેનો મહિમા કેટલો છે ? તે જાણવામાં જેટલી ખામી રહે છે તેટલી આત્યંતિક કલ્યાણમાં પણ ખામી રહે છે. મહારાજે અહીં પણ એ જ કહ્યુ છે કે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામમાં જે દિવ્ય તેજોમય મૂર્તિ છે અને અવતાર ધારણ કરીને આવેલ શ્રીજી મહારાજની મનુષ્યાકૃતિ મૂર્તિ છે તે પેલી દિવ્ય મૂર્તિ જ છે, પણ તેમાં અને આ મૂર્તિમાં શક્તિ–સામર્થી–દિવ્યપણું તેમાં કોઈપણ ફેર નથી. એમ ઓળખાય અને મનુષ્યાકૃતિ મૂર્તિને વિષે એવી દૃઢ નિષ્ઠા બંધાય તેને આત્યંતિક કલ્યાણ કહેવાય છે. એટલે કે તેની સાચી ઓળખાણને જ આત્યંતિક કલ્યાણ કહેવાય છે; પરંતુ માત્ર પ્રાપ્તિને આત્યંતિક કલ્યાણ ગણાવી શકાય નહીં. જ્યારે એવી ઓળખાણ થાય છે ત્યારે સ્થાવર જંગમમાં જ્યાં જ્યાં પોતાની દૃષ્ટિ જાય ત્યાં ત્યાં મૂર્તિને દેખે છે, પણ બીજા પદાર્થો તેના ધ્યાનમાં આવતા નથી. આવી સ્થિતિ થાય તે સિદ્ધ દશાનું.