ક–૦૩ : શુકમુનિ મોટા સાધુ છે તેનું, માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો તેનું

પ્રતિપાદિત વિષયઃ

સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહેવા માટેના પરિબળો.

મુખ્ય મુદ્દાઃ

૧. ખાસ કરીને યુવાવસ્થામાં જેને અયોગ્ય ઘાટ ઉપર ખટકો હોય કે મને તે થાય તે બરાબર નહિ તે વધતો રહે છે.

ર. છોકરાની સોબત, જીહ્‌વાના સ્વાદમાં અરુચિ તથા દેહ દમન એ વધવાનાં લક્ષણો છે.

૩. સદાય ચડતા રંગ માટે પ્રીતિપૂર્વક સત્પુરુષનું સાંનિધ્ય ખૂબ મહત્ત્વનું છે.

૪. વિવેકહીનતા અથવા મૂર્ખતાનો ત્યાગ જરૂરી.

વિવેચન :–

આ વચનામૃત સદાય ચડતા રંગનું છે. મહારાજ કહે છે કે આ શુકમુનિ બહુ મોટા સાધુ છે. જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ તો પડતો જ નથી માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એમ વાત કરીને પછી મહારાજે એવી વાત કરીકે સત્સંગમાં રહીને સદાય ચડતો ને ચડતો રંગ કેમ રહે ? વળી તેથી આડકતરી રીતે એ પણ કહેવાયું છે કે આ સત્સંગમાં સદાય ઉતરતો રંગ કેવી રીતે આવે છે ? સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ કહ્યુ છે કે ગુણ, વિનય અને સેવા એ વધવાના ઉપાય છે અને હઠ, માન અને ઈર્ષ્યા એ ઘટવાના ઉપાય છે.

મહારાજ અહીં વચનામૃતમાં પણ એ વાત જ કહે છે કે મનુષ્યની પ્રકૃતિમાં રહેલા સ્વાભાવિક ગુણોથી ભક્ત સત્સંગમાં હમેશાં પ્રગતિ કરતો જાય છે. જ્યારે પોતાની પ્રકૃતિમાં પેસી ગયેલા દોષથી આ સત્સંગમાંથી ઉતરતો ઉતરતો છેક ઉતરી જાય છે. તે ગુણદોષ માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી. ગુણદોષની પરીક્ષા તો ભેળા રહેવાથી થાય છે. વળી સાચા ગુણદોષ ભેળા રહે ત્યારે ઓળખાય છે. બોલ્યામાં, ચાલ્યામાં, ખાતા–પીતાં, સૂતાં, ઉઠતાં, બેસતાં, ઈત્યાદિક ક્રિયામાં પોતાની અંદર રહેલા ગુણદોષની ઝલક તે ક્રિયામાં જણાઈ આવે છે.

માણસની સ્વાભાવિક પ્રકૃતિ એવી હોય છે કે પોતાની નબળાઈઓ બીજા માણસો ન દેખે માટે હૃદયમાં ઊંડે ઊંડે ભંડારી રાખે છે અને જે કાંઈ પોતામાં સારપ્ય હોય અથવા ન હોય તો દંભ કે નાટક વગેરે કરીને પણ બીજાને પ્રથમ નજરે સદ્‌ગુણો કે સારુંઞ્હાથમાં આવે એવી ગોઠવણી કરી રાખી હોય છે. જો કોઈ નબળાઈનો તપાસ કરવાનો પ્રયત્ન કરે તો પણ પોતાની તમામ શક્થિી તેને ઊંડે દબાવીને સંતાડી દેવામાં આવે છે; પરંતુ આ નબળાઈઓને પણ તેમના પોષણની ભૂખ લાગે છે. તેમને પણ બહાર આવવાનો શોખ હોય છે. તો કયારે આવવું ? તો અતિ એકાંત હોય ત્યારે બહાર આવે છે ને તેમના પોષણની વ્યવસ્થા થઈ હોય છે. આંધળો અનુયાયી વર્ગ મહિમામાં ઘેલો બની ગયો હોય ત્યારે તેઓની વેવલાઈનો લાભ લઈને કયારેક નિર્ભયપણે દર્શન આપે છે. માણસના હાથમાં સત્તા આવે ત્યારે પણ નબળાઈઓ ઊંડે પડી હોય તે પ્લેટફોર્મ ઉપર આવે છે. તેથી સામી વ્યક્તિના ગુણદોષ તુરત હાથમાં આવતા નથી. તેમાં પણ દોષો જણાઈ આવવા ઘણા મુશ્કેલ છે.

ત્યાગાશ્રમ જ એવો છે કે તેમાં મુમુક્ષુની આંખે પટ્ટી બાંધી દેવામાં આવે છે ‘તારે અમારો અવગુણ લેવો નહિ’ જો લેવો હોય તો બીજાનો લેવાનો. તેમાં અમે મદદ કરીશું ! આવી પરિસ્થિતિ હોય છે. તેથી મહારાજ કહે છે કે વ્યક્તિના સાચા ગુણદોષ ઉપરથી ઓળખી શકાતા નથી એ તો ભેળો રહેતા કયારકે કળાઈ આવે છે. તેમાં પણ મહારાજે વચ.લોયા પ માં કહ્યું કે નોખો રહે ત્યારે પણ તેની ખબર રખાવે તો ગુણદોષ જણાઈ આવે છે. વિશેષે કરીને તો કામાદિક નબળાઈની ખબર યુવાવસ્થામાં પડે છે. જ્યારે બાળક અવસ્થામાં તે નબળાઈઓ દેખાતી ન હોય પણ યુવાવસ્થામાં બગડી જાય છે અને કોઈક બાળક અવસ્થામાં ઠીક ન હોય ને યુવાવસ્થામાં સારો થઈ જાય છે. માટે સાચી ઓળખાણ તો યુવાવસ્થામાં જે જણાય તે જ છે. તેમા પણ મહારાજે કહ્યુ કે યુવાવસ્થામાં દોષોનો સ્વાભાવિક વધારો હોય તો પણ કોણ સત્સંગમા સદાય આગળ વધતો રહે ? તો જેને પોતાના મનમાં ખટકો હોય કે મારે સત્સંગમાં આગળ વધવું છે. માટે મને આ ઘાટ થયો તે ઠીક નહિ ને તે ઘાટને ટાળ્યાનો ખટકો રાખે ને ન ટળે ત્યાં સુધી પ્રયત્ન કર્યા કરે. એવો જે હોય તે યુવાવસ્થામાં પણ આગળ વધી જાય છે. જેને ખટકો ન હોય અને પ્રમાદી હોય તે ઘટી જાય છે.

પછી મહારાજે આગળ વધવાના ચિહ્‌નોમાં પોતાનું દૃષ્ટાંત આપીને પોતાના બાળપણાના વિચારો ને પ્રકૃતિ કહી દેખાડી. મહારાજ કહે, જે ભવિષ્યમાં સારો થવાનો હોય તેને છોકરાની સોબત ગમે નહિ. જીહ્‌વાનો સ્વાદિયો હોય નહિ. શરીરને દમ્યા કરે. પછી પોતાનો બાળપણાનો સંકલ્પ કહ્યો કે મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી અને તેમજ કર્યું.

સત્સંગિજીવનમાં પણ આવી જ વાત કરી છે કે આટલા વાનાં હોય તે સત્સંગને માર્ગે આગળ વધી શકે.

બાલે યોષિતિ દર્પણે નિજજને રાગે ધને માદકે
જાયન્તે સુધિયોપિ વિહ્વલતરા હોલાદિનોત્ક્રીડને ।

અષ્ટસ્વેષુ તદઙિ્‌ઘ્રચિન્તનરતં ચિત્તં ન યસ્યોત્સરેત્‌
તસ્ત્રક્ત્યેકરસસ્ય તસ્ય પદયોઃ પાંશુ સુરૈરિષ્યતે ।। (સત્સંગિ. :૨–પ૧–પ૦)

આ આઠવાનાંમાં બુદ્ધિશાળી હોય તોય વિહ્વળ બુદ્ધિવાળા બની જાય છે. માટે તેમાં જેને રસ ન પડે અથવા તેમાંથી પોતાના મનને રોકી શકે તો તે ભગવાનને માર્ગે નિર્વિધ્ન પ્રગતિ કરી શકે છે.

પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે, હે મહારાજ ! એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક કે શરીરને દમે તે ઠીક ? ત્યારે મહારાજ ઉત્તર આપે છે કે બન્નેની જરૂર પડે છે. કારણ કે શરીરનું દમન કરવાથી શરીરના દોષ દૂર થાય છે ને વિચારે કરીને મનનું દમન કરવાથી મનના દોષ દૂર થાય છે. કેવળ શરીરનું દમન કરવાથી શરીરના દોષો દૂર થાય છે, પણ જો મનનું દમન ન કરે તો ફરી પાછા મનમાંથી તે દોષો શરીરમાં આવી જાય છે ને મહેનત વ્યર્થ બનાવી દે છે. શરીર ન દમે અને ખાલી વિચાર જ કર્યા કરે તો શરીરના દોષો મનના દોષોને ઓછા થવા ન દે અને વિચારને વ્યર્થ બનાવી દે છે. માટે બન્નેની જરૂર પડે છે.

મહારાજ શરીરના દોષો તથા મનના દોષોને અલગ અલગ કરી બતાવે છે. આ જે શરીરના દોષો ગણાવ્યા તેનું મનમાં અથવા છાનુ પોષણ કરવું એ સત્સંગમાંથી પડતો રંગ બતાવે છે. પડતીની નિશાનીઓ બતાવે છે. તે દોષોને ઓછા કરવાનો તથા ટાળવાનો ખટકો જેને હોય તે સત્સંગમાં ચડતા રંગની નિશાની બતાવે છે. જાણીને છાને ખૂણે આ ગણાવેલા દોષોનું આપણે પોષણ કરતા હોઈએ અથવા આપણને અંતરમાં મીઠા લાગતા હોય કે આપણા રસના વિષય હોય તો જાણવું કે સત્સંગમાંથી આપણી પડતીની નિશાની છે. પછી ભલે સ્થૂળ રીતે આપણે દૂર ન થઈએ અથવા આપણને કોઈ દૂર કરી શકે તેમ ન હોય; પણ આપણું અંતર સત્સંગથી ઘણું દૂર ચાલ્યુ ગયું હોય છે. માટે મહારાજ કહે કે આવું જે શરીરદમન અને વિચાર તો ગૃહસ્થ સત્સંગીએ પણ રાખવા જોઈએ. તેને જો જરૂરી છે તો ત્યાગીને તો જરૂર રાખવા જ જોઈએ.

ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછયું જે, હે મહારાજ ! એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્યે કરીને રહેવાય છે ? ત્યારે મહારાજ બોલ્યા જે એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે. એટલે કે વિચાર અને દમનને પ્રોત્સાહિત કરે એવું વાતાવરણ હોય તો તેવીરીતે રહેવાય છે. તેવું વાતાવરણ દમન અને વિચારેયુક્ત મોટા સંત જ્યાં રહેતા હોય ત્યાં તેના પ્રભાવથી અવશ્ય સર્જાય છે. તે વાતાવરણમાં રહેવાથી સામાન્ય જીવ હોય તેનાથી પણ સુખપૂર્વક એમ વર્તાય છે. જો મોટા સંતમાં એ બે વાનાં ન હોય તો ઉપદેશ કે સત્તાથી એવું વાતાવરણ સર્જી શકાતું નથી. તેવું વાતાવરણ ન હોય તો વૈરાગ્યવાળાને પણ એમ વર્તવું મુશ્કેલ પડે છે. માટે વૈરાગ્યની સહાયતા તો છે, પણ વૈરાગ્ય કરતાં તેને પ્રોત્સાહિત કરે તેવું વાતાવરણ તેમાં વધારે સહાય કરે છે. મહારાજ કહે છે કે મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. કારણ કે તેના વધારે પાપ છે કે વધારે મલિનતા છે. જેથી સારું વાતાવરણ અને મોટા પુરુષનો સત્સંગ પણ કાંઈ અસરકર્તા થતો નથી. મહારાજ કહે છે સત્સંગમાં રહીને પણ દોષનું પોષણ કરવાની ઈચ્છા રાખે છે તેના સમજવામાં તે વાત બરાબર આવી નથી. એ પોતે ખડ ખાય છે.

ખડ ખાવાનો અર્થ એ છે કે ઘણી વખત કૂતરા ભૂખ્યા થાય તો ખડ ખાવાનો પ્રયત્ન કરે, પણ તેને પશુની જેમ ખાતા ન આવડે અને કદાચ થોડા તાતણા ખાય તો તેને ઉલ્ટી થઈને પેટમાં બીજું નાખ્યું હોય તે પણ બહાર નીકળી જાય છે. તેવું આ ત્યાગીને થાય છે. માટે તેવું મનોવલણ તે મૂર્ખતા છે. એમ મહારાજ કહે છે. જો સાચું સમજાય તો અયોગ્ય સ્વભાવ રહે નહિ.