ક–૦૧ : ઈયળ ભમરીનું

પ્રતિપાદિત વિષયઃ

ભગવાનનો નિશ્ચય.

મુખ્ય મુદ્દાઃ

૧. ભગવાન મારા છે ને હું ભગવાનનો છું એવો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવો તે નિશ્ચય છે.

ર. પ્રથમ ઈન્દ્રિયોમાં, પછી અહંકારમાં, પછી ચિત્ત, મન, છેવટે બુદ્ધિ અને છેલ્લે જીવમાં નિશ્ચય થાય છે.

૩. જીવમાં નિશ્ચય હોય તો ભગવાન ગમે તેવા ચરિત્ર કરે તો પણ ટળે નહિ.

વિવેચન :–

આ વચનામૃત નિશ્ચયનું છે. આ વચનામૃતમાં ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે, ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમા થાય છે કે જીવમાં થાય છે ? શ્રીજી મહારાજ તેનો ઉત્તર કરતાં કહે છે કે ભગવાનનો નિશ્ચય બુદ્ધિમાં થાય છે. મહારાજે ઉત્તર ઘણો વિસ્તારથી આપ્યો છે. મહારાજ કહે છે કે આ જીવ છે તે બુદ્ધિએ કરીને સર્વ વસ્તુને જાણે છે. તેથી તમામ ઈન્દ્રિયો અને અંતઃકરણમાં બુદ્ધિ વ્યાપીને રહી છે. બુદ્ધિમાં જીવ વ્યાપીને રહ્યો છે તેથી બુદ્ધિમાં નિશ્ચય થવાથી જીવમાં નિશ્ચય થઈ જાય છે. બુદ્ધિ તમામ ઈન્દ્રિયોની સાથે જોડાયેલી છે. તેથી તમામ ઈન્દ્રિયોની લાગણીઓ તથા જ્ઞાન તેને બુદ્ધિ જાણે છે. ઈન્દ્રિયો, મન આદિ અંતઃકરણમાંથી તે લાગણીઓ–જ્ઞાન પસાર થઈને જાય છે ત્યારે એ જ્ઞાનમાં વિશેષતા ઉમેરાય છે. ત્યારે પણ બુદ્ધિ તેને જાણે છે. પછી તે જ્ઞાન અને લાગણીઓ બુદ્ધિમાંથી પસાર થાય છે ત્યારે તેમા એક વિશેષ પ્રક્રિયા બને છે. તે નિર્ણય પ્રક્રિયા છે અથવા નિશ્ચય પ્રક્રિયા છે અને તેમાંથી પસાર થઈને તે જ્ઞાનપ્રવાહ જીવમાં પ્રવેશ કરે છે. તેથી બુદ્ધિમાં થયેલો નિશ્ચય જીવમાં ઉતરે છે.

અહીં મહારાજ કહે છે કે પ્રથમ ઈન્દ્રિયોમાં નિશ્ચય થાય છે. પછી અહંકારમાં નિશ્ચય થાય છે. પછી ચિત્તમાં નિશ્ચય થાય છે. પછી મનમાં નિશ્ચય થાય છે. પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે અને પછી જીવમાં નિશ્ચય થાય છે. આ નિશ્ચયની પ્રક્રિયા ઘણી જ સૂક્ષ્મ છે. તેથી તેના ફેરફારો પકડાવા ઘણા અઘરા છે. ઈન્દ્રિયો પ્રાપ્ય પ્રકાશકારી છે. એટલે કે ઈન્દ્રિયોને જે વસ્તુનો સંબંધ થાય છે તેવું ને તેવું તે અંતઃકરણને આપી દે છે. પછી મહારાજ કહે છે કે અહંકારમાં નિશ્ચય થાય છે. એટલે કે ઈન્દ્રિયોના સંબંધ દ્વારા થયેલું જ્ઞાન અહંકારના ગોલકમાં આવે છે. તેમાં અહંકાર જ્ઞાનનું પૃથક્‌કરણ કરે છે. અહંકારની મુખ્ય પૃથક્‌કરણ પ્રક્રિયા મારું કોણ છે અને બીજાનું કોણ છે અથવા કઈ વસ્તુ છે. અહંકાર ઈન્દ્રિઓએ આપેલા જ્ઞાનમાં આવું પૃથક્‌કરણ કરે છે.

ભગવાન સંબંધી જ્ઞાન અથવા ભગવાનના વ્યક્તિત્વનું જ્ઞાન જ્યારે અહંકાર પાસે આવે છે ત્યારે અહંકાર પૃથક્‌કરણ કરે છે કે આ મારા છે અથવા કોઈપણ જાતનો મારાપણાનો તેની સાથે સંબંધ સ્થાપિત કરે છે. પછી તે જ્ઞાનને ચિત્ત પાસ ધકેલી દે છે. તે જ્ઞાનમાં ચિત્ત પણ પોતાના અધિકાર પ્રમાણે થોડો વધારો કરે છે અને સ્પષ્ટ દર્શન (વીજ્યુ લાઈઝ) કરે છે કે અહંકારે જે સંબંધ નક્કી કર્યો છે તે બરાબર છે અને સારું છે. ત્યાર પછી મહારાજ કહે કે મનમાં નિશ્ચય થાય છે.

મન પણ પોતાની વૃત્તિ એમાં કેન્દ્રિત કરીને આ સારું છે અને આ સારું નથી એવું નક્કી કરે છે અને અહંકારે કરેલ નિર્ણયને બહાલી આપે છે. ત્યાર પછી તે જ્ઞાન પ્રક્રિયા આગળ વધીને બુદ્ધિમાં પહોંચે છે ત્યારે બુદ્ધિ ઉહાપોહ કરીને તમામ પ્રકારે ત્રિરાશિ મૂકીને, (કેલકયુલેશન કરીને) લાભાલાભની તપાસ કરીને અંતિમ નિર્ણયના રૂપમાં તે જ્ઞાનને ફેરવે છે કે આ તમામ પ્રકારે મારા જીવના હિતમાં છે. ત્યારે તે જ્ઞાનને જીવ નિર્વિકલ્પપણે પોતામાં સ્થાપિત કરે છે.

ઈન્દ્રિયો પ્રાપ્ય પ્રકાશકારી છે. બુદ્ધિ દર્શિત વિષયા છે. જ્યારે જીવ સદા દર્શિત વિષયવાળો છે. ઈન્દ્રિયોની સામે જ્યારે કોઈપણ પદાર્થ આવે ત્યારે નિર્ભેળપણે જેવી હોય તેવી માહિતી અંતઃકરણને સોંપી દે છે. અંતઃકરણ દર્શિત વિષયવાળું છે. ઈન્દ્રિયો જ્યારે તેની પાસે કંઈક રજૂ કરે ત્યારે જ તે જ્ઞાનનું પૃથક્‌કરણ કરે છે અને તે જ્ઞાનનું તથા અંતઃકરણ પોતાનું પ્રકાશન કરે છે. નહીં તો પોતાની પ્રક્રિયા બંધ કરીને શાંત થઈને બેસી જાય છે અથવા પૂર્વે થયેલી પ્રક્રિયાઓનુ ચિંતન કરે છે; પરંતુ તેને સક્રિય રહેવા માટે ઈન્દ્રિઓએ લાવી આપેલું જ્ઞાન અથવા તેના સંસ્કારો (સ્મૃતિ) ખૂબ જરૂરી છે અને આધાર છે. જ્યારે જીવ પોતે સદા દર્શિત વિષયવાળો છે. એ બુદ્ધિ કાંઈક રજૂ કરે ત્યારે બુદ્ધિ સહિત રજૂઆતને પણ જુએ છે અને ન રજૂ કરે તો બુદ્ધિને તો સતત જુએ છે. એટલે કે જીવ–આત્માને પ્રક્રિયા ઓન ઓફ કયારેય થતી નથી. સદાને માટે ઓનજ રહે છે. જ્યારે બુદ્ધિની પાસે કાર્ય હોય તો ઓન નહિતર ઓટોમેટીક ઓફ પ્રક્રિયા થઈ જાય છે. જ્યારે ઈન્દ્રિઓને ઓન અને ઓફ બંને કરવા પડે છે. આ તેની પ્રક્રિયા આપણે જાણી.

હવે જ્ઞાનની પ્રક્રિયા વિષે પણ જાણી લેવું જરૂરી છે. વસ્તુ જેવી હોય તેવું બરાબર જાણવું તેને જ્ઞાન કહેવામાં આવે છે. ‘વસ્તુ તંત્રમ્‌ભવેત્‌જ્ઞાનમ્‌’ બુદ્ધિ તથા ઈન્દ્રિય, અંતઃકરણ જેના ઉપર કેન્દ્રિત થાય ત્યારે તે વસ્તુ જેવી હોય તેવી જણાઈ આવે છે. તેને જ્ઞાન કહેવાય છે. નિશ્ચયની પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રથમ ભગવાન વિષયક જ્ઞાન થાય છે. ત્યાર પછી મહિમાની પ્રક્રિયા આવે છે. તુલનાત્મક જ્ઞાનને મહિમા કહેવામાં આવે છે. આ વસ્તુ આના કરતા આટલી ચડિયાતી છે આવું જણાય છે તેને મહિમાજ્ઞાન કહેવામાં આવે છે. પછી નિશ્ચય પ્રક્રિયા શરૂ થાય છે.

કોઈપણ વ્યક્તિમાં વિલક્ષણતા કે મહત્ત્વની વિશેષતા છે એવું જ્યારે આપણને જણાય છે ત્યારે એમની સાથે સંબંધ સ્થાપિત કરવા આપણે લલચાઈએ છીએ. ત્યારે અંતઃકરણમાં તે સારા છે તેની સાથે કોઈપણ સંબંધ સ્થાપિત કરીને તે મારા પણ છે એવી અંતઃકરણ ચેષ્ટા કરે છે અને નિર્ણય લે છે. આવો ભગવાન વિષયક મારાપણાનો નિર્ણય તેને નિશ્ચય કહેવામાં આવે છે. જ્યારે મારું માન્યું ત્યારે તેમા મમત્વ અને રાગ થાય છે. તેને ભક્તિની પ્રક્રિયા કહેવામાં આવે છે. ભક્તિ એ રાગરૂપા છે. ત્યાર પછી નિષ્ઠા આવે છે. નિષ્ઠા એટલે મૃત્યુપર્યન્ત પરમાત્માના અનુસંધાનમાં મૃત્યુના ભોગે પણ ભગાવનની ભક્તિમાંથી પાછું ન હટવું. ભગવાનના માર્ગે ચાલતાં પાછું ન હઠવું તેવી દૃઢતાની ભાવનાને નિષ્ઠા કહેવામાં આવે છે. એવી નિષ્ઠાનો પરિચય લાંબે સમયે અને વિષમ દેશકાળમાંથી પસાર થાય પછી સ્પષ્ટ થાય છે.

ત્યાર પછી ઉપાસના પ્રક્રિયા આવે છે. મહારાજની સાથે સ્થાપિત કરેલો સ્વામીસેવક ભાવનો સંબંધ સનાતન છે. આ સંબંધ મારે જન્મોજનમ માટે કબૂલ છે એવું જાણીને સ્વીકારવામાં આવે અને તેની દૃઢતા કરવામાં આવે ત્યારે તેને ઉપાસના કહેવાય છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યુ છે કે ‘તત્ર બ્રહ્માત્મના કૃષ્ણસેવા મુક્તિશ્ચ ગમ્યતામ્‌ ।’ આવો સનાતન સ્વામી સેવક ભાવ નિશ્ચિત થવો તે ઉપાસનાની પ્રક્રિયા છે. તેમાં ભાવુકતા કરતાં સિદ્ધાંતની ઝલક વધારે છે અને તાત્ત્વિક પણ વધારે છે. નિશ્ચયની આવી પ્રક્રિયા છે. નિશ્ચયની પ્રક્રિયા સ્પષ્ટ કરવા આ તમામ પ્રક્રિયા જાણવી જરૂરી છે. કારણ કે ક્રમશઃ છે. એક બીજા સાથે સંબંધવાળી છે અને એક બીજાની ઓળખાણમાં મદદ કરનારી છે. તેથી સ્પષ્ટીકરણ આવું થશે–દર્શન શ્રવણ વગેરે ઈન્દ્રિયજન્ય જ્ઞાનથી મહારાજ સારા છે એવી અનુભૂતિ થશે. પછી અહંકારમાં મારા છે એવો નિશ્ચય થશે. પછી તમામ અંતઃકરણમાં પસાર થઈને બુદ્ધિમાં અંતિમ દૃઢતા થશે અને જીવમાં નિશ્ચય થશે. આવી નિશ્ચયની પ્રક્રિયા છે.

ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછયું, હે મહારાજ ! ઈન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ? અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય અને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય ? ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે જગતમાં જે સારા નરસા પદાર્થો, શુભ અશુભ, સુખરૂપ કે દુઃખરૂપ, યોગ્ય અયોગ્ય, ભગવાનમાં જણાય તો પણ સંશય ન થાય ત્યારે ઈન્દ્રિયોમાં નિશ્ચય થયો તેમ જાણવું. આ ઉત્તર નિશ્ચયની કસોટી માટે છે. આપણે ભગવાન સાથે સંબંધ સ્થાપિત કર્યો છે તે સારા જાણીને જ કર્યો છે. નિઃશંકપણે ભગવાન તેવા જ છે; પરંતુ ભગવાન મનુષ્યરૂપ થઈને જ્યારે વિચરતા હોય ત્યારે કયારેક મનુષ્ય લીલા કરે છે અથવા ભક્તની કસોટી કરતા હોય ત્યારે આપણી ધારણા પ્રમાણે ભગવાન સારા ન દેખાય. વળી તો આપણે સુખરૂપપણાની અપેક્ષા રાખી હોય અને ભગવાન દુઃખરૂપ નીવડે અને આપણને અપ્રિય અનુભવાય, આપણી ધારણા વિરુદ્ધ અયોગ્ય કાર્ય પણ કરે ત્યારે આપણે ભગવાનની સાથે જે સંબંધ સ્થાપિત કરેલો છે તે ઝાંખો ન પડે અને ઉલ્ટો લીલા જાણીને મજબૂત થાય તો આપણને ઈન્દ્રિયોમાં ભગવાનનો નિશ્ચય છે એમ કહેવાય. ત્રણ ગુણના કાર્ય ભગવાનમાં જણાય તો પણ ભગવાનમાં સંશય ન થાય એટલે કે આપણે ભગવાનની સાથે જે સંબંધ નક્કી કર્યો છે તે ઝાંખો ન પડે. ત્યારે અંતઃકરણમાં નિશ્ચય છે તેમ જાણવું.

નિશ્ચય ઝાંખો પડવાનું નિમિત્ત એ છે કે તમોગુણના કાર્ય એવા આળસ, નિદ્રાદિક ભગવાનમાં હોય તેનો આપણને કાંઈ પ્રશ્ન હોતો નથી પણ આપણા ભોગે આળસ, નિદ્રાદિકનું ગુજરાન થતું હોય તો આપણને કઠણ પડે અને કામ ક્રોધાદિક રજો ગુણનું કાર્ય છે તે ભગવાનમાં દેખાય. તેમાં પણ તે કામ ક્રોધાદિકનો ભોગ આપણે બનીએ અને સત્ત્વગુણનું કાર્યરૂપ એવા શમ, દમ આદિક આપણને કઠણ પડી જાય તેવા હોય. તો પછી આપણે તેને ભગવાન કહેવા તૈયાર ન થઈએ. ત્યારે આપણો નિશ્ચય રહે નહિ. જો એવી પરિસ્થિતિમાં પણ સંશય ન થાય અને ડગમગાટ ન થાય તો અંતઃકરણમાં નિશ્ચય થયો કહેવાય. મહારાજે લખ્યું કે ૠષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા અને મુખમાં પાણો રાખ્યો અને દેહ દાવાનળમાં બળી ગયો તો પણ ખબર રહી નહિ એવી ઉન્મત્ત દશા ભગવાનમાં જણાય; પરંતુ તેનો ભોગ જો આપણે બનીએ અથવા તો તેનાથી આપણને કાંઈ મુશ્કેલી આવે તો ભગવાનથી દૂર ભાગી જઈએ અને આપણો નિશ્ચય ઝાંખો પડી જાય અને મનમાં સંશય થાય. જો એવી પરિસ્થિતિમાં પણ સંશય ન થાય તો તેને જીવમાં નિશ્ચય થયો છે તેમ જાણવું અને એવો નિશ્ચય થયા પછી તેનો નાશ થવાની સંભાવના નથી. મહારાજે વહાણના નાંગળના દૃષ્ટાંતે કરીને તે સમજાવ્યું છે.

ત્યાર પછી ચૈતન્યાનંદસ્વામીએ પૂછયું જે, હે મહારાજ ! ભગવાન તો મન, વાણી થકી પર છે અને ગુણાતીત છે. તેને માયિક એવા જે ઈન્દ્રિયો અંતઃકરણ તે કેમ પામે ? એટલે કે મનવાણીથી પર એવા ભગવાનનો નિશ્ચય માયિક ઈન્દ્રિયો અંતઃકરણથી કેવી રીતે શકય બને ? ત્યારે શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો કે ભગવાન આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે તે કેવળ જીવના કલ્યાણને અર્થે કરે છે; પરંતુ તેમા કોઈપણ પોતાનો સ્વાર્થ નથી. સુષુપ્તિ આદિક અવસ્થામાંથી બીજી અવસ્થાઓમાં જીવને લઈ જાય છે તથા પ્રધાનપુરુષાદિકને સૃષ્ટિના કાર્યમાં પ્રવર્તાવે છે તે કેવળજીવના કલ્યાણને અર્થે પ્રવર્તાવે છે. એવીરીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જ્યારે કૃપાએ કરીને મનુષ્ય સરખા થઈને અવતાર લે છે ત્યારે પણ તેના હૃદયમાં જીવ પ્રત્યે અપાર કૃપા અને કરુણા ભરી હોય છે અને તેથી જ તો તે જીવો માટે અવતાર લે છે ત્યારે પોતે કૃપા કરીને સંકલ્પ કરે છે કે સામાન્ય જીવ પણ મને ઓળખે, મારો નિશ્ચય કરે અને મારે શરણે આવે. એવો સંકલ્પ કરીને મનુષ્ય જેવા થાય છે. ભગવાન સત્યસંકલ્પ છે માટે ભગવાનના આવા સંકલ્પનો લાભ લઈને – આધાર લઈને જે સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં ભગવાન આવે છે. એમાં ભગવાનની કૃપાનું પ્રધાનપણું છે, પણ જીવના પ્રયત્નનું નથી માટે ભગવાનનો નિશ્ચય શકય બને છે.

ત્યારે ભજનાનંદસ્વામીએ મહારાજને પૂછયું જે, શ્રુતિમાં એમ કેમ કહ્યુ છે જે ‘યતો વાચો નિવર્તન્તે અપ્રાયિં મનસા સહ ।’ (તૈ. આન.–૯) ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્નતાથી બોલ્યા કે જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી. તમામ ભૂતો આકાશમાં રહૃાાં છે તો પણ આકાશના ભાવને નથી પામતાં. એમ મન,વાણી ભગવાનને નથી પામતાં.

ત્યારે નિત્યાનંદસ્વામીએ પૂછયું, હે મહારાજ ! શ્રુતિ–સ્મૃતિમાં એમ કહ્યુ છે જે ‘નિરંજનઃ પરમં સામ્યમુપૈતિ ।’ (મુંડક. ૩–૧–૩), ‘બહવો જ્ઞાનતપસાપૂતાઃ મદ્‌ભાવમાગતાઃ।'(ગીતાઃ૪–૧૦) ત્યારે તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો કે એ તો અમે અભક્તના મન ઈન્દ્રિયોને કહ્યુ છે, પણ ભક્તના મન ઈન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે. જેમ પ્રલયકાળને વિષે પૃથ્વી એ આકાશરૂપ થઈ જાય છે અને તમામ ભૂતો પણ આકાશરૂપ થઈ જાય છે. તેમ ભગવાનના ભક્તના જે દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે અને દિવ્ય થઈ જાય છે. જેમ ભમરીના ચટકાથી અને ચિંતનથી ઈયળ ભમરીને આકારે થઈ જાય છે તેમ ભગવાનનો ભક્ત પણ આને આ દેહે ભગવાને આકારે થઈ જાય છે.

અહીં ઈન્દ્રિય અંતઃકરણ ભગવાનને પામે છે અને નથી પામતા તો તેમાં એ સમજવાનું છે કે નથી પામતા તો કઈ રીતે નથી પામતા.

તેનું સમાધાન એ છે કે ભક્તના દેહ, ઈન્દ્રિયોમાં તત્ત્વનો બદલાવ થતો નથી. તત્ત્વો તેના તે નાશવંત અને બદલાઈ જવાના સ્વભાવવાળા રહે છે. તેથી શ્રુતિમાં કહ્યુ છે કે તે ભગવાનને પામતા નથી કારણકે ભગવાનનું જે શ્રીવિગ્રહ (શરીર) છે. તે આપણા જેવું પરિવર્તનશીલ નથી. માટે તેવા દિવ્ય આ દેહ, ઈન્દ્રિયો તો થઈ શકે નહિ. માટે નથી પામતા અને પરમ સામ્યને પામે છે. એમ જે કહ્યુ તેનો ભાવ એ છે કે ભગવાનના જ્ઞાન, ભગવાનના ભજન અને ભગવાનની ઉપાસનાથી ભગવાનના ભક્તના દેહ ઈન્દ્રિયોનો માયિક ભાવ મૃતપ્રાય થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. એ તત્ત્વો એના એ હોવા છતાં ભગવાનની જે દિવ્યતા અને પરપણું તેને પકડી લે છે. તેથી ભગવાનના ભક્તના સંકલ્પો, ક્રિયાઓ અને ભાવનાઓ દિવ્ય થઈ જાય છે. તેમાં લેશમાત્ર માયિક ભાવ રહેતો નથી. તેથી આને આ દેહે ભગવદ્‌ભાવને પામી જાય છે. એટલે કે ભગવાનના ભક્તના જ્ઞાન, ઈચ્છા, ક્રિયા અને ભાવના એ ભગવાનની સમતાને પામી જાય છે. જ્યારે શરીરના પ્રારબ્ધ સુધી દેહના તત્ત્વો માયિક રહે છે તો પણ તેમાં માયાના ભાવ વ્યાપી શકતા નથી.

મહારાજ કહે છે કે આવું કોને થાય ? તો આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો હોય કે માત્ર ભક્તિનિષ્ઠાવાળો હોય તેને જ દેહ ઈન્દ્રિયો અને અંતઃકરણનું ભગવાનની મૂર્તિની સાથે તદાકારપણું થાય છે, પણ કેવળ આત્મનિષ્ઠાવાળાને નથી થતું. એ કેવળ બ્રહ્મસત્તાને પામે છે.