પ્રતિપાદિત વિષયઃ
બુદ્ધિમા ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ આવવાનું કારણ.
મુખ્ય મુદ્દાઃ
૧. કોઈ ગરીબને દુભવ્યા હોય, માબાપની ચાકરી ન કરી હોય, કોઈ સાચા ભક્તની આંતરડી કકળાવી હોય તો બુદ્ધિ શાપિત થઈ જાય છે. પછી તેને બુદ્ધિમાં ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ જ આવે.
ર. તેઓને રાજી કર્યા હોય ને આશીર્વાદ લીધા હોય તો બુદ્ધિ પવિત્ર થઈને ભગવાનને ભગવાનના ભક્તનો ગુણ જ આવે.
૩. શાપિત બુદ્ધિ થઈ હોય તો પણ અતિ પરિતાપ અને અધિક પુરુષાર્થ કરે તો સારી થાય છે, નહિ તો આસુરી થઈ જાય છે.
વિવેચન :–
આ વચનામૃત શાપિત બુદ્ધિનું વચનામૃત છે. શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસો આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી મહારાજે તેઓને પ્રશ્ન પૂછયો જે એકની બુદ્ધિ તો એવી છે કે જે દહાડાથી સત્સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહિ. ટળી જાય. એમને એમ ગુણ અવગુણ આવ્યા કરે. બીજો એક ભક્ત છે તેને એવી બુદ્ધિ છે જે, સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયને સરખો છે પણ એકને અવગુણ આવ્યા કરે છે અને એકને નથી આવતો. તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે ? એ પ્રશ્ન નાના શિવાનંદસ્વામીને પૂછીએ છીએ. ત્યારે તેમનાથી ઉત્તર થયો નહિ પછી ભગવદાનંદ સ્વામીએ ઉત્તર કર્યો જે એની બુદ્ધિ શાપિત છે. ત્યારે મહારાજ કહે, એ ઠીક કહે છે. એનો ઉત્તર એ જ છે. કોઈ મોટા સંતને દુઃખવ્યા હોય અથવા ગરીબને દુઃખવ્યા હોય અથવા મા–બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય. તેણે કરીને એવી બુદ્ધિ થઈ જાય છે.
આવો જ પ્રશ્ર શ્રીજી મહારાજે વચ.ગ.પ્ર.૩પ માં પૂછયો છે અને ત્યાં પણ મહારાજે એ જ કારણ બતાવ્યું છે કે એની બુદ્ધિ દૂષિત છે. એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે અને તે દોષ એની બુદ્ધિમાં આવ્યો છે માટે તે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. ઉલ્ટું તેના મુખની વાત સાંભળવાથી પણ સાંભળનારાની બુદ્ધિ સત્સંગમાંથી પાછી પડી જાય છે.
આમ બુદ્ધિમાં બે તત્ત્વો વિશેષ કામ કરી રહૃાાં છે એક તો બુદ્ધિની તેજસ્વીતા અથવા ફળદ્રુપતા અને બીજી વસ્તુ છે બુદ્ધિની પવિત્રતા. બુદ્ધિની તેજસ્વીતાથી માણસ વ્યવહારમાં, શાસ્ત્રમાં અથવા રાજનીતિમાં આગળ વધી શકે છે પણ કલ્યાણના માર્ગમાં તેજસ્વિતા એટલી બધી કામયાબ થતી નથી. જ્યારે બુદ્ધિની પવિત્રતા એ કલ્યાણના માર્ગમાં ચાલવા માટે ઉપયોગી થાય છે અને તે ભગવાન તથા મોટા સંતના આશીર્વાદથી આવે છે. ગરીબને રાજી કરવાથી અથવા મા બાપ કે વડીલોને પ્રસન્ન કરવાથી પણ એવી સુબુદ્ધિ આવે છે. તીવ્ર બુદ્ધિનું પોષણ અલગ છે અને પવિત્રતાનું પોષણ અલગ છે.
અહીં મહારાજે કહ્યુ છે કે બન્નેની બુદ્ધિ તો સરખી છે. નિશ્ચય પણ સરખો છે અને સત્સંગમાં રહેવાથી પોષણ પણ સરખું જ મળતું હોય છે. તો એકને ગુણ અવગુણ આવ્યા કરે છે તો તેની બુદ્ધિમાં કયું એવું વિશેષ તત્ત્વ છે કે જે અવગુણ આવવાનું કારણ બને અને બીજાની બુદ્ધિમાં કયું એવું વિશેષ તત્ત્વ છે કે તેને અવગુણ આવતો નથી અને માત્ર ગુણ જ આવે છે. ત્યારે મહારાજે તેની સ્પષ્ટતા કરી કે ભગવાન અથવા પવિત્ર પુરુષોના મનને દુઃખવવાથી તેમની બુદ્ધિ શાપિત થાય છે. તે જ અવગુણનું કારણ બને છે. તેમના આશીર્વાદથી તેમની બુદ્ધિ પવિત્ર થાય છે અને તે જ ગુણ આવવાનું કારણ બને છે.
ત્યારે ભગવદાનંદસ્વામી એ પૂછયું જે, હે મહારાજ ! એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય ? ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે તેને વધારે પુરુષાર્થ કરવો પડે. બીજા તમામ ભક્તો જે વર્તમાન પાળે છે અને સાધના કરે છે તેના કરતાં આ ભક્ત વિશેષ વર્તમાન પાળે અને વિશેષ સાધના કરે તો તેની બુદ્ધિ શાપિત હોય તો પણ રૂડી થઈ જાય છે. સાથે સાથે ભગવાનની સ્તુતિ પ્રાર્થના પણ કરતો રહે છે.
પછી મોટા શિવાનંસ્વામીએ પ્રશ્ન પૂછયો જે કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે ? ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે કર્મ અમૂર્ત છે પણ કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ ફળ તે મૂર્તિમાન છે. એટલે કે તે પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય બને છે.