પ્રતિપાદિત વિષયઃ
ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન
મુખ્ય મુદ્દાઃ
૧.પોતાના એકાંતિક ભક્તોને લાડ લડાવવા તે અવતાર ધર્યાનું મુખ્ય પ્રયોજન.
ર.ધર્મનું સ્થાપન અને અસુરોના નાશનું પણ પ્રયોજન.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે. ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહૃાા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી ? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે. તો અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થી હોય અને અવતાર ધર્યા વિના જીવનું કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિષે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવનું કલ્યાણ કરવા સમર્થ છે. એવા સમર્થ ભગવાનને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? એ પ્રશ્ન છે. એટલે કે જીવનું કલ્યાણ કરવા સિવાય પણ બીજું મુખ્ય પ્રયોજન શું છે ? પછી સંતોથી ઉત્તર થયો નહિ.
ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. ભગવાનને અવતાર ધર્યાનું મુખ્ય પ્રયોજન પોતાને વિષે અતિશય પ્રીતિવાળા ભક્તોને લાડ લડાવવા તે છે. તે પોતે આવે તો જ શકય બને. બીજા કોઈ ઉપાયથી એવું શકય બનતું નથી. માટે પોતાના અનન્ય એકાંતિક ભક્તોને લાડ લડાવવા માટે પોતાને અવતાર ધારણ કરવો પડે છે.
ગીતામાં અવતાર પ્રયોજન અંગે ભગવાન લખે છે કે…
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્।
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ।। (ગીતાઃ૪–૭,૮)
તેમાં પ્રથમ ભગવાનને અવતાર ધરવા માટેનો સમય નિર્દેશ કર્યો છે કે હું કયારે અવતાર ધરું છું. તો યદા યદા હિ… આવો સમય જ્યારે હોય ત્યારે હું અવતાર ધારણ કરું છું. શા માટે અવતાર ધારણ કરું છું. તો તેનું પ્રયોજન બીજા શ્લોકમાં બતાવે છે કે સાધુઓનું પરિત્રાણ(રક્ષણ) કરવા માટે, દુષ્ટોનો વિનાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે હું અવતાર ધારણ કરું છું. તેમાં પણ સાધુઓનું રક્ષણ કરવું એ મારું મુખ્ય પ્રયોજન છે. બાકીનાં ગૌણ પ્રયોજન છે.
હવે પ્રશ્ન એ થાય છે કે સાધુઓનું રક્ષણ એટલે શું ? દૈહિક રક્ષાને તો ભગવાનના અનન્ય સાધુઓ ઈચ્છતા નથી. જેમ પ્રહ્લાદજીએ નૃસિંહ ભગવાનને કહ્યુ કે તમે મારા દેહની રક્ષા કરી તેને હું સાચી રક્ષા માનતો નથી. તમે જ્યારે મારા અંતઃશત્રુઓ અને ઈન્દ્રિયોના ગણ થકી રક્ષા કરશો તેને જ હું સાચી રક્ષા માનું છું. માટે સાચા સંતોને કોઈ દુષ્ટ માણસ પીડા ઉપજાવે તેને તે પીડા જ માનતા નથી. તો પછી ભગવાનને સંતોનું રક્ષણ કરવાની કઈ જગ્યાએ જરૂર પડે છે ?
તો તેનું સમાધાન આચાર્યોએ એવું કર્યુ છે કે ભગવાનમાં અનન્ય પ્રીતિવાળા અને ભગવાનના વિરહી એકાંતિક ભક્તોને ભગવાનના વિરહની જે પીડા થાય છે તેવી પીડા દુષ્ટોએ આપેલા દુઃખથી થતી નથી. ભગવાનના વિરહમાં તેના પ્રાણ પીડાય છે અને તેને ધારણ કરવા તે સમર્થ થતા નથી ત્યારે તે પીડાથી રક્ષણ કરવા માટે પરમાત્માને અવતાર ધરવા વિવશ થવું પડે છે. અવતાર ધરીને પોતાની મૂર્તિનું સાંનિધ્ય આપીને તે ભક્તોની પીડાને સારી રીતે દૂર કરી. તેમને અનન્ય ભાવથી લાડ લડાવે છે.
શ્રીજી મહારાજ કહે છે કે તે ભક્ત દેહધારી છે અને સ્થૂળભાવે યુક્ત છે. માટે ભગવાન પણ પોતાનો દિવ્ય ભાવ અને ઐશ્વર્ય છુપાવીને ભક્ત જેવા સ્થૂળભાવને ધારણ કરે છે. ભક્ત જેવા દેહધારી થાય છે અને પોતાના ભક્તોને લાડ લડાવે છે. જ્યારે ભગવાન પોતાના જેવા દેહધારી થાય છે ત્યારે ભક્તોને પણ ભગવાનની મૂર્તિનું યથાર્થ સુખ આવે છે. ભગવાન સાથે સખાભાવે, મિત્રભાવે અથવા સંગાંસંબંધીના ભાવે વર્તાય છે. સુવાણ્ય થાય છે અને ઝાઝી મર્યાદા રહેતી નથી. ભગવાન પણ તે ભક્તને જેવી ઈચ્છા હોય તેવીરીતે લાડકોડ પૂરા કરે છે. માટે પોતાના અનન્ય પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધરીને આવે છે તે ભેળું અસંખ્ય જીવોનું કલ્યાણ પણ કરે છે અને ધર્મનું સ્થાપન પણ કરે છે. તેમાં અંતરાય કરતા અસુરોનો નાશ પણ કરે છે; પરંતુ એ ગૌણ પ્રયોજન છે. તે કાર્યો ભગવાન બીજા દ્વારા પણ કરાવી શકે છે. જ્યારે પે્રમી ભક્તોને લાડ લડાવવા તે બીજા દ્વારા શકય બનતું નથી. માટે અવતાર ધર્યાનું તે મુખ્ય પ્રયોજન છે.