પ્રતિપાદિત વિષયઃ
ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાથી પર થઈને ભગવાનની ભક્તિ કરવી.
મુખ્ય મુદ્દાઃ
૧.આત્મનિષ્ઠા આદિ બીજા ગુણોની સરખામણીએ ભક્તિ શ્રેષ્ઠ ગુણ છે.
ર.ભક્તિની પુષ્કળતા કરતાં ભક્તિની શુદ્ધિ વધારે મહત્ત્વની છે.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો જે એક પરમેશ્વરનો ભક્ત છે તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સત્ત્વ,રજ, અને તમ એ ત્રણ ગુણોથી પર થઈને પરમેશ્વરને ભજે છે અને બીજો ભક્ત ત્રિગુણાત્મક વર્તે છે તો પણ પરમેશ્વરને વિષે અતિ પ્રીતિએ યુક્ત છે. એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે ? ત્યારે સંતોએ ઉત્તર કર્યો કે ભગવાનને વિષે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે. ત્યારે આ ઉત્તર બરાબર નથી એવું બધાને ભાન થાય એ માટે પ્રથમનો જ પ્રશ્ન હતો તેને શબ્દો બદલીને પણ પ્રથમ પ્રશ્નનુ તેનું તે જ હાર્દ જાળવીને ફરી વાર મહારાજે પૂછયું. એક તો નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે અને એક તો મળમૂત્રનો ભર્યો થકો ભગવાનની પૂજા કરે છે એ બેમાં કયો શ્રેષ્ઠ છે ? ત્યારે સંતોએ કહ્યું કે પવિત્ર થઈ ને પૂજા કરે છે તે શ્રેષ્ઠ છે.
અહીં એક જ પ્રશ્નમાં સંતોના જવાબ અલગ–અલગ અને ઉલ્ટા સુલ્ટા પડયા છે. તેને ઊંડાણથી તપાસતાં એવું કારણ જણાઈ આવે છે કે પ્રથમ સહજ પ્રશ્ન પૂછાયો ત્યારે સંતોની દૃષ્ટિમાં પણ એમ છે કે આત્મનિષ્ઠા વગેરે તમામ સદ્ગુણો કરતાં પરમાત્મામાં પ્રીતિ–ભક્તિ શ્રેષ્ઠ છે અને અતિ મહત્ત્વની છે. બીજા વૈરાગ્ય, આત્મનિષ્ઠા વગેરે સદ્ગુણ હોય પણ જો મહારાજમાં પ્રીતિ ન હોય તો તે ન્યૂન છે. એવું વિચારીને સંતોએ ઉત્તર કર્યો; પરંતુ મહારાજના પ્રશ્નનું હાર્દ સિદ્ધાંત ઉપર છે. મહારાજ ભક્તિની સરખામણી અહીં આત્મનિષ્ઠા આદિ ગુણોની સાથે કરવા માગતા નથી. તેમના મનમાં અહીં ભક્તિની સાથે બીજી ભક્તિની સરખામણી કરવાની ઈચ્છા છે. તેવું મહારાજના ઉત્તર ઉપરથી જણાઈ આવે છે.
એક ભક્ત તો ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાથી પર થઈને મહારાજની ભક્તિ કરે છે. જ્યારે બીજો ભક્ત ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાને પરાધીન થઈને ભક્તિ કરે છે. પછી ભલે ઝાઝી ભક્તિ કરતો હોય અથવા અતિશય પ્રીતિએ યુક્ત દેખાતી હોય પણ તેની ભક્તિમાં ત્રણ ગુણ અને અવસ્થાની પરાધીનતા રહેલી છે. જ્યારે પેલો ભક્ત છે તે ગુણ, અવસ્થાથી પર થઈને શુદ્ધ ભાવે ભક્તિ કરે છે. તેની ભક્તિમાં એક પરમાત્માની જ આધીનતા છે. માટે એ સિદ્ધાંતની ભક્તિ છે. અંતે એ રીતે ભક્તિ કરવી એવુ વચ.ગ.મ.પ્ર.૪૩મા પણ મહારાજે પ્રતિપાદન કર્યું છે. સામાન્ય રીતે બીજા ગુણોની સરખામણીએ ભક્તિની શ્રેષ્ઠતા છે. શાસ્ત્રોનો એવો સિદ્ધાંત છે; પરંતુ ભગવાનને માર્ગે સ્થિર થયા પછી ભક્તિની પુષ્કળતા કરતાં પણ ભક્તિની શુદ્ધિની વધારે જરૂર છે. તેવી ભક્તિને જ મહારાજે શ્રેષ્ઠ કહી છે. એવો મહારાજનો અને શાસ્ત્રકારોનો પણ સિદ્ધાંત છે.