મુખ્ય મુદ્દાઃ
પરમેશ્વરના એકાંતિક ભકતને ધ્યાન સિદ્ધ થાય છે.
વિવેચન :–
શ્રીજી મહારાજે આ વચનામૃતમાં ચમત્કારી ધ્યાનની વાત કરી છે. અમસ્તાયે જેટલા ચમત્કારો થાય છે તે મોટા ભાગના ધ્યાનના બળે કરીને થાય છે, એવું યોગશાસ્ત્રમાં કહ્યું છે. તેમાં પણ આ ધ્યાન છે તે બધાની તુલનાએ ચમત્કારી મંત્ર જેવું છે. તત્કાળ સિદ્ધ દશાને પમાડનારું છે. પછી મહારાજે આ ધ્યાન કેવી રીતે કરવું તેની પદ્ધતિ બતાવી છે. જે પદ્ધતિ યોગમાર્ગની છે. તેમાં અનુભવી ગુરુના માર્ગદર્શનની જરૂર પડે છે. શાસ્ત્રમાંથી વાંચીને કરવા જતાં ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જવાતું હોય છે.
સંપ્રદાયમાં મહારાજ પછી યોગીરાજ સદ્ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી અને તે પછીની પેઢીમાં સદ્ગુરુ મહાપુરુષદાસ સ્વામી આદિક યોગીઓ સુધી યોગ માર્ગ ચાલુ રહ્યો. પછી કોઈ વ્યક્તિગતની વાત અલગ છે પણ ઘણોખરો માર્ગ લુપ્ત થઈ ગયો. અત્યારે સંપ્રદાયની અંદર અને બહાર’યોગા’ને નામે જે ચાલે છે તેમાં આસનથી અધિક વધારે કાંઈ નથી હોતું. પ્રથમ તો યમ–નિયમનું તો નામોનિશાન જોવા મળતું નથી તો પછી ઊંડુ તત્ત્વ હોય તેવી અભિલાષા કેમ સેવી શકાય ? છતાં કાંઈક હોય તો થોડું ઘણુ પ્રાણાયામને નામે ચાલતું હોય છે, પણ સાચો પ્રાણાયામ થાય તો યોગમાં ઘણું થઈ જાય છે. માટે તે પણ વટાવવાના રૂપમાં દેખાય છે. માણસો અત્યારની પરિસ્થિતિ, માનસિક દબાણ, રોગો વગેરેથી પીડાતા હોવાથી એટલો પણ ‘યોગા’ ઘણો બધો થઈ જાય છે ને ઘણો બધો સંતોષ આપનારો બની જાય છે. છતાં વાસ્તવિકતાથી ઘણા બધા દૂર હોય છે.
આપણે એ વાત કરવી છે કે આ વચનામૃતમાં બતાવેલ માર્ગ આપણા માટે અનુષ્ઠાનમાં લાવવો ઘણો કઠણ છે. જે મેળવવા આપણે આપણો વધારાનો સમય ખોવો ન જોઈએ. ઉલ્ટું તે જ ફળ મેળવવા માટે વચનામૃતમાં બતાવેલા બીજા રસ્તામાં મહેનત કરી લેવી જોઈએ. માટે આપણી પહોંચ વિચારીને સારો અને ફળદાયી માર્ગ ગ્રહણ કરવામાં જ શાણપણ છે. તો તે સહીસલામત માર્ગ ગણાશે. મહારાજે આ માર્ગનો મહિમા ઘણો કહ્યો છે. તેથી મન સહેજે લોભાય તો ખરું જ. પછી કોઈ ‘ડુપ્લીકેટ’ બતાવે તોય મનમાં થઈ જાય કે કદાચ સાચું મળી જશે. માટે સચેત રહીને આપણે માટે અનુરૂપ બીજો રસ્તો પસંદ કરી લેવો એ જ વ્યાજબી રહેશે.
આ વચનામૃતમાં તો ઘણું પડયું છે. આ લખ્યું છે તે તેનું વિવેચન નથી, પણ આજના સંદર્ભમાં આ વચનામૃતનો કલ્યાણના માર્ગમાં કેવી રીતે ઉપયોગ કરવો તેનો નિર્દેશ માત્ર છે. અંતે મહારાજના ચરણોમાં પ્રાર્થના કે હે મહારાજ ! તમારાં વચનો જ સર્વ કોઈને પ્રેરણારૂપ બની રહે એવી આશા.