પ્રતિપાદિત વિષયઃ
આધ્યાત્મિક દૃષ્ટિથી નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે શુ ? (અથવા કયા સ્થાનને ગણાય ?)
મુખ્ય મુદ્દાઃ
૧. મનોમય ચક્રની ધારા જે ઈન્દ્રિયો જ્યાં બૂઠી થઈ જાય તે સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું.
ર. ભગવાનના સાચા સત્પુરુષોના સાંનિધ્યમાં આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર રહેલું હોય છે.
૩. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરેલી પરમાત્માની સાધના કે પુણ્યકર્મ દિવસે દિવસે વૃદ્ધિ પામતા જાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં ભાગવતના પ્રથમ સ્કંધમાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુત પુરાણી સનકાદિક ૠષિઓને ભાગવતની કથા કરે છે. સનકાદિક ૠષિઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરેલી છે. અમારે હજાર વર્ષનો સત્ર કરવો છે. તેને માટે ઉત્તમ સ્થાન બતાવો. ત્યારે બ્રહ્માજીએ તેમને એક ચક્ર આપ્યું અને આ ચક્ર જ્યાં સ્થિર થાય તે સ્થાનમાં તમે સત્રનો આરંભ કરજો. તેથી ૠષિઓ ચક્રની પાછળ ચાલ્યા. તે ચક્ર જ્યાં સ્થિર થયું તે નૈમિષારણ્ય ક્ષેત્રના નામથી ઓળખાય છે. ૠષિઓએ તે સમયમાં ત્યાં દીર્ઘકાલીન સત્ર કર્યો હતો. તે અત્યારે ઉત્તર પ્રદેશમાં સીતાપુર શહેરની બાજુમાં આવેલું છે. જે પ્રાચીન તીર્થ તરીકે પ્રખ્યાત છે. આવી પુરાણમાં કથા છે.
અહીં શ્રીજી મહારાજે અધ્યાત્મ અર્થમાં નૈમિષારણ્ય ક્ષેત્રની ચર્ચા કરી છે. ભૌતિક નૈમિષારણ્ય ઉત્તર પ્રદેશમાં આવેલા નૈમિષારણ્ય સ્થળને ગણવામાં આવે છે; પણ અધ્યાત્મ નૈમિષારણ્ય એટલે મનોમય ચક્ર. મન અને તેની ધારા એટલે ઈન્દ્રિયો છે. પુરાણની કથા એવી છે કે બ્રહ્માજીએ ૠષિને આપેલું ચક્ર નૈમિષારણ્ય ક્ષેત્ર પ્રદેશમાં આવીને ઘસાઈને બૂઠું થઈ ગયેલું હતું તેથી ત્યાં સ્થિર થઈ ગયું. તેમ મનોમય ચક્રની ઈન્દ્રિયોરૂપ ધારા કયાં બૂઠી થાય છે ? તે જાણવું જરૂરી છે. તો તે સત્પુરુષના સંગમાં જ બૂઠી થાય છે. તેથી જે સ્થાનમાં ભગવાનના સત્પુરુષો રહેતા હોય તે સ્થાનને અધ્યાત્મ અર્થમાં સાચું નૈમિષારણ્ય ક્ષેત્ર ગણવું જોઈએ.
જ્યાં ઈન્દ્રિયોના પ્રિય વિષયને ઘસારો નથી આવતો અને તેનો નિષેધ નથી થતો તેવું સ્થાન પછી ઐતિહાસિક રીતે ઉત્તમ તીર્થ હોય તો પણ તેને નૈમિષારણ્ય ક્ષેત્ર અધ્યાત્મ રીતે ગણી શકાતું નથી. મોટા સંતોએ એવું લખ્યું છે કે વિષયનો તિરસ્કાર કે અનાદર આ લોકમાં ભગવાનના એકાંતિક સંતો પાસે જ થાય છે. બીજાં બધાં સ્થાનોમાં તો વિષયનો આદર જ થાય છે. માટે ત્યાં ઈન્દ્રિયોની ધારા બૂઠી ન થઈ શકે. વિષયને ભોગવવાથી ઈન્દ્રિયોની ધારા તીવ્ર થાય છે. વિષયનો મહિમા સાંભળવાથી, બીજાને વિષય ભોગવતા જોવાથી પણ ઈન્દ્રિયોની ધારા તીક્ષ્ણ બને છે. તેને બૂઠી કરવાનું તો એક સત્પુરુષના સાંનિધ્ય સિવાય બીજા કોઈ સ્થાને શકય નથી.
પવિત્ર દેશ એટલે કે તીર્થ સ્થાનો, પવિત્ર કાળ તથા મહાપુરુષ આ ત્રણેય સાધકને અધ્યાત્મમાર્ગમાં ખૂબજ મદદરૂપ થાય છે. તેમ છતાં શ્રીજી મહારાજે તીર્થ સ્થાન અને પવિત્ર કાળ કરતાં પણ વધુ મહત્ત્વ પવિત્ર પુરુષને જ આપ્યું છે. ‘રાજા કાલસ્ય કારણમ્।’ રાજા કાળનું કારણ છે. કાળ એટલે ‘યુગ’ અર્થ લેવાનો છે. એટલે તેનો અર્થ એમ થાય છે દેશમાં સત્યુગ પ્રવર્તાવવો, ત્રેતાયુગ પ્રવર્તાવવો, દ્વાપરયુગ પ્રવર્તાવવો કે કળિયુગ પ્રવર્તાવવો તેનું કારણ રાજા છે. વિશાળ અર્થમાં રાજા એટલે કોઈ પણ ક્ષેત્રના આગેવાન. પછી તે દેશ હોય, રાજ્ય હોય, શહેર હોય, સંપ્રદાય હોય, રાજકીય પક્ષ હોય, કોઈ સંસ્થા હોય કે કુટુંબ હોય તેમાં સત્યુગ વગેરેનું વાતાવરણ આગેવાનના આધારે થાય છે.
કાળ એટલે ફક્ત સમય જ નહીં. સમય તો સત્યુગમાં પણ ર૪ કલાકનો જ દિવસ, ૧ર માસનું વર્ષ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી, પણ કાળ સામાન્ય પ્રજાના માનસમા ફેરફાર કરે છે. વૈચારિક ધારાઓમાં નીતિમત્તા અને અધ્યાત્મની ગૂંથણીને આપણે કાળથી ઓળખીએ છીએ. દરેક માણસમાં સત્યુગમાં અમુક પ્રકારની અધ્યાત્મિકતા અને નીતિમત્તાવાળી વિચારધારા હતી. તેથી તે સત્યુગ કહેવાય છે. એ સત્યુગનું મોટું લક્ષણ છે. લાંબી આયુષ્ય અને ઝાઝું શારીરિક બળ એ સત્યુગમાં ભલે હોય, પણ મહત્ત્વની વસ્તુઓ ઉપર ગણાવી તે છે. તેનાથી જ સત્યુગની મહત્તા પ્રખ્યાત થઈ છે. આવી વિચારધારાને પ્રવર્તાવવા માટે રાજા અથવા આગેવાન જ સમર્થ થઈ શકે. કૌરવ–પાંડવ સમયે વિદુરજી અને યુધિષ્ઠિર બન્ને ધર્મના સાક્ષાત્અવતારો ગણાય છે. છતાં પણ વિદુરજી દાસ તરીકે હતા અને યુધિષ્ઠિર રાજા તરીકે હતા. તે કારણથી યુધિષ્ઠિર ધર્મનું પ્રવર્તન કરી શકયા, વિદુરજી નહીં. તેથી તેવી વિચારધારા આગેવાન જ પ્રવર્તાવી શકે. તેને જ અધ્યાત્મ અર્થમાં સત્યુગ કહેવામાં આવે છે. તેવો સત્યુગ તો ઘોર કળિમાં પણ કયારેક કયારેક મહાપુરુષના પ્રભાવથી પ્રવર્તે છે.
એવી જ રીતે દેશ કે જે પૃથ્વી છે. તેમાં મહત્ત્વનો ફેરફાર બહુ થઈ જતો નથી, પણ રાજા અથવા આગેવાન શુભ હોય તો તે દેશ પણ શુભ થઈ જાય છે. આમ આગેવાન પુરુષ, એકલો બન્નેને ફેરવી શકે છે, પણ તે બન્ને થઈને મનુષ્યની વિચારધારા પલટાવવામાં એટલા સફળ થતા નથી. તેથી બન્ને કરતાં પુરુષનું વધારે પ્રાધાન્ય રહે છે. તેથી મહારાજે નૈમિષારણ્યનો અર્થ સ્થાનને પ્રાધાન્ય ન આપતાં પુરુષને પ્રાધાન્ય આપીને કર્યો છે.
વળી મહારાજે ઈન્દ્રિયોની ધારા બૂઠી કયારે થઈ જાણવી ? તેની વાત કરતાં કહ્યું છે કે જેમ ફળા સહિત બાણ ભીંતમાં ખૂંતી જાય અને ફળા વિનાનું થોથું ઉથળકીને પાછું પડે, તેમ ઈન્દ્રિયો વિષયમાં આસક્તિને લઈને તેમાં ચોટી જતી હોય તો હજી તે બૂઠી થઈ નથી. ભગવાનના એકાંતિક સંતના જોગે કરીને પંચ વિષયના દોષોનો જીવમાં સાક્ષાત્કાર કર્યો હોય તો ઈન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોટતી નથી. વિષયમાંથી ઉથળકીને પાછી પડે છે. આવું જણાય ત્યારે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ છે એમ જાણવું અને એવું જ્યાં જણાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ત્યાં જે વ્યક્તિ જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા વગેરે જે જે સુકૃતનો આરંભ કરે છે તે દિવસે દિવસે વૃદ્ધિ પામતા જાય છે. જો એવું ક્ષેત્ર ન હોય તો આરંભેલા સત્કૃત્યને પંચવિષયમાં આસક્તિ નિરર્થક બનાવી દે છે. માટે નૈમિષારણ્ય ક્ષેત્રને ઓળખીને સેવન કરવું.