પ્રતિપાદિત વિષયઃ
એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ?
મુખ્ય મુદ્દાઃ
૧. જેને વિષે રહીને વિષય ભોગવાય છે તેને અવસ્થા કહેવાય છે.
ર. અવસ્થાઓ સત્ત્વાદિ ગુણના કારણે સર્જાય છે.
વિવેચન :–
અહીં વચનામૃતમાં શ્રી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થા કેમ રહી છે ? શ્રીજી મહારાજે તે પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં પ્રથમ ભૂમિકા સ્પષ્ટ કરી કે જેને વિષે રહીને આ જીવ વિષયભોગને ભોગવે તેને અવસ્થા કહેવામાં આવે છે.
અવસ્થા એટલે ‘position.’ પરંતુ એટલું કહેવાથી અવસ્થાનું પૂરું જ્ઞાન થઈ જતું નથી. પોઝીશન એટલે સ્થિતિ અથવા પરિસ્થિતિ; પણ તેની સાથો સાથ એવી જિજ્ઞાસા ઊભી થાય કે પોઝીશન કોની ? તેનો ઉત્તર જ્યારે સમજીએ ત્યારે અવસ્થાની કંઈક અંશે સ્પષ્ટતા થશે. વિષયભોગ એટલે જીવાત્મા અને વિષયનો યોગ. પરંતુ પરિસ્થિતિ એવી છે કે જીવાત્મા દેહની અંદર સૌથી ઊંડે હૃદયમાં બેઠો છે. વિષય દેહથી તદ્દન બહારની વસ્તુ છે. આ બન્નેના મિલાપમાં અંતઃકરણ અને ઈન્દ્રિયો માધ્યમરૂપ બને છે. ઈન્દ્રિયો અને અંતઃકરણ હોય તો જ જીવાત્મા વિષય ભોગવી શકે, અન્યથા વિષય ભોગવી શકે નહીં.(વિષય ભગવાન સંબંધી અને જગત સંબંધી પણ હોય છે.)
પરમાત્માએ ઈન્દ્રિયો અને અંતઃકરણની વ્યવસ્થા કરી છે. તેમાં પણ બધી જ ઈન્દ્રિયો એક સાથે કાર્ય કરતી હોતી નથી. કોઈ એક મુખ્યપણે કામ કરતી હોય છે. બાકીની તેને અનુરૂપ થઈને કાર્ય કરતી હોય છે અને જીવાત્મા પણ જાગતો હોય, સ્વપ્ન આવતુ હોય, કે ઘોર ઊંઘમાં સૂતો હોય તો પણ તેને વિષયનો સંબંધ સતત રહે છે. કયારેય તૂટતો નથી. માટે બધી પરિસ્થિતિમાં કયું સાધન, કેવીરીતે રહીને, જીવાત્માને વિષય સાથે સંબંધ કરાવવામાં મદદરૂપ થાય છે. તેનું સર્વેક્ષણ કરવાથી અવસ્થાની સ્પષ્ટતા થાય છે. જેમ શરીરની અવસ્થાઓ હોય છે. જેમ કે બેઠેલું, ઊભેલું, સૂતેલું અથવા સાવધાન સ્થિતિમાં. તે કેવળ શરીરને અનુલક્ષીને અવસ્થા છે. પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં કેવળ શરીરની પરિસ્થિતિ પૂરતી નથી. તેમાં તો તે સ્થિતિમાં મન અથવા અંતઃકરણ શું કરે છે તે પણ તપાસવું જરૂરી છે. આત્મા કેવી રીતે વિષયનો સંબંધ કરે છે તે પણ તપાસવું જરૂરી છે. તે બધો જ તપાસ કરીને પરિસ્થિતિનું નામ આપવામાં આવે તેને અવસ્થા કહેવાય છે. આવી રીતે દશ ઈન્દ્રિયો, ચાર અંતઃકરણ, જીવાત્મા અને વિષય આ બધાની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી તેને અવસ્થા કહેવાય છે. તેમાં કારણરૂપ ત્રણ ગુણો છે.
જેમ તાળુ હોય તેનું ઉપરનું કલેવર મજબુત ધાતુથી બંધાયેલું હોય છે. અંદર વિશિષ્ટ પ્રકારની એકથી વધારે કળ ગોઠવેલી હોય છે. ચાવી સવળી ફેરવવાથી બધી કળો જુદી અવસ્થામાં ગોઠવાઈ જાય છે. ચાવીનો અવળો આંટો ફેરવવાથી વળી પેલી કળોની ગોઠવણી ફરી જાય છે. તેમ કળને સ્થાને ઈન્દ્રિયો–અંતઃકરણ છે. ચાવીને ઠેકાણે ત્રણ ગુણ છે. ત્રણ ગુણોથી પેલા બધાની અવસ્થાઓ જુદી જુદી ફરતી રહે છે. તેથી અવસ્થાને સમજવા દેહ, ઈન્દ્રિઓ, અંતઃકરણ, જીવ અને ત્રણ ગુણ એ બધાને ધ્યાનમાં રાખવા પડે છે.
સામાન્ય રીતે ઈન્દ્રિયો અંતઃકરણ જાગૃત હોય, યથાર્થ વિવેકવાળાં હોય અને ત્યારે જે વિષય ભોગવાય છે તે સત્ત્વગુણપ્રધાન, શુદ્ધ, જાગૃત અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં ઈન્દ્રિયો તથા અંતઃકરણ સંપૂર્ણ વિવેક ધારણ કરે છે. છતાં દેહનું અભિમાન રહે છે. આવી રીતે જીવાત્મા વિષય ભોગવતા હોય છે. તેને મહારાજે વિરાટ પુરુષની સ્થિતિ અવસ્થાનું કાર્ય કહ્યુ છે. તેમાં સત્ત્વગુણનો ઉત્કર્ષ હોય છે અને વિષય અને જીવાત્માના જ્ઞાનનો સંયોગ વિશેષે કરીને ઈન્દ્રિયોના ગોલક સ્થાનમાં થતો હોય છે. એટલે કે વિષયોનું સ્પષ્ટીકરણ ઈન્દ્રિયોના નિવાસસ્થાનમાં થતું હોય છે. ”નેત્ર ઈન્દ્રિયને વિશે રહ્યાં છે” તેનો અર્થ એવો છે કે પાંચેય જ્ઞાનેન્દ્રિયોને વિષે રહ્યાં છે. જેથી વિષયનું સ્પષ્ટીકરણ તે તે ઈન્દ્રિયોનાં સ્થાનકને વિષે થાય છે અને તેથી ત્યાં વિષયનો જોગ થયો કહેવાય. જીવે વિષય ભોગવ્યો કહેવાય. આવી પરિસ્થિતિ હોય તેને જાગૃત અવસ્થા કહેવાય. આ અવસ્થામાં સ્થૂળ દેહનું અભિમાન સંપૂર્ણપણે રહેલું હોય છે અને સાથે વર્ણાશ્રમના ધર્મનો વિવેક પણ રહેલો હોય છે. આત્મા અનાત્માનો વિવેક અહીં લેવાનો નથી. વર્ણાશ્રમ અને ફરજનો વિવેક અહીં લેવાનો છે.
આવી જાગૃત અવસ્થામાં કેવળ વિવેક થોડો મંદ પડે એટલે કે મનની જાગૃતિ થોડીક ઓછી થાય ત્યારે વિષયનું સ્પષ્ટીકરણ જેટલું વિશદપણે થવું જોઈએ તેટલું નહીં થાય. વિષયના સ્પષ્ટીકરણનું ઠેકાણું તો ઈન્દ્રિય સ્થાન જ રહેશે. આવી પરિસ્થિતિ હોય તેને જાગૃતમાં સ્વપ્ન અવસ્થા કહેવાય. દા.ત. આપણે કોઈ વિચારમાં અતિશય વ્યસ્ત અથવા ચિંતાતુર હોઈએ અને આપણે જમવા બેઠા હોઈએ ત્યારે આપણને સ્વાદ વિશે કોઈ પૂછે કે મીઠું કેમ છે ? ગળપણ કેમ છે ? મરચું કેમ છે ? ત્યારે આપણે તુરંત સ્પષ્ટ જવાબ આપી શકીશું નહીં. સાવધાન જરૂર થઈ જઈશું અને કહેશું કે લો ફરીથી ચાખીને કહું. ફરીથી ચાખીને સ્પષ્ટ નિર્ણય આપીશું. વ્યકિત ભોજન કરતો જ હતો પણ તેનું મન સાવધાન ન હતું તેથી તેને જાગૃતમાં સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે છે.
કયારેક શરીરમાં અતિશય થાક લાગ્યો હોય અથવા કોઈ વસમા આઘાતને લઈને મનમાં શોક વ્યાપ્યો હોય. પછી આપણે કોઈ વિષય ભોગવીએ તો તે વિષયના સંવેદનો જીવાત્મા સુધી એકદમ અસ્પષ્ટ, નહીંવત્, ધુંધળા થઈને મળે છે. ત્યારે વિષય ભોગવતો હોય તો પણ તેને ખબર હોતી નથી કે હુ શું કરું છું. આવી સ્થિતિને જાગૃતમાં સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. છતાં પણ કિંચિત્અંશે પણ વિષયનું સ્પષ્ટીકરણ થાય છે. જે ઈન્દ્રિયના ગોલક સ્થાનમાં જ થાય છે. માટે એ જાગૃત અવસ્થા છે પણ જાગૃતપ્રધાન સુષુપ્તિ એવું તેનું નામ આપવામાં આવે છે.
જાગૃતને વિષે સ્વપ્ન અવસ્થામાં સંવેદનો કે વિવેકની ગેરહાજરી હોય છે અને તુરંત સાવધાનીથી તે પાછો આવી જાય છે. જ્યારે જાગૃતને વિષે સુષુપ્તિમાં સંવેદના અથવા વિવેક મૂર્છિત થઈ ગયો હોય છે. તે તરત સ્વસ્થ થતો નથી. એ તેનો તફાવત છે. જ્યારે વિષયની સ્પષ્ટતા આત્માને ઈન્દ્રિય ગોલક સ્થાનમાં થાય છે એ તેની સમાનતા છે.
સ્વપ્ન અવસ્થાને શ્રીજી મહારાજે હિરણ્યગર્ભની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય કહી છે. જે કંઠ દેશને વિષે તે રહી છે. જાગૃત અને સ્વપ્ન અવસ્થામાં પ્રથમ મોટો તફાવત એ છે કે સ્વપ્ન અવસ્થામાં ઈન્દ્રિયો પોતાનું કાર્ય સંકેલીને શાંત થઈ ગઈ હોય છે. બિલકુલ વિરામ પામી ગઈ હોય છે. જ્યારે જાગૃતમાં તે યથાર્થ કાર્યરત હોય છે. જ્યારે સુષુપ્તિમાં અંતઃકરણ પણ પોતાનું કાર્ય બંધ કરીને શાંત થઈ ગયું હોય છે. જ્યારે સ્વપ્નમાં અંતઃકરણ વિરામ પામેલું હોતું નથી. તેથી ઈન્દ્રિયો આરામ અવસ્થામાં હોય, અંતઃકરણ જાગૃત અને અસ્થિર અવસ્થામા હોય અને જીવાત્માને વિષયનો યોગ થાય તેને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે છે. શ્રીજી મહારાજે કંઠ સ્થાનકને વિષે સ્વપ્ન અવસ્થા રહી છે તેમ લખ્યું છે. તેનો અર્થ એ છે કે સ્વપ્ન અવસ્થામાં કંઠ સ્થાનકમાં જીવાત્માને વિષયની સ્પષ્ટતા થાય છે.
વાસ્તવમાં માણસ ઊંઘમાં જાય છે અથવા ઊંઘમાંથી બહાર આવે છે ત્યારે જ સ્વપ્નું આવે છે. બાહ્ય જગતમાં ફરતું મન જ્યારે સુષુપ્તિમાં જવાની તૈયારી કરે એટલે કે હૃદયપ્રદેશમાં જવાની તૈયારી કરે ત્યારે રસ્તામાં કંઠ પ્રદેશ આવે છે. એક સેકંડ કે સેકંડનો અમુક ભાગ મન ત્યાં સ્થિર થાય ત્યારે મનમાં રહેલા વિષયોની વાસનાનું જીવાત્માને સ્પષ્ટીકરણ થાય છે. તેને સ્વપ્ન અવસ્થા કહેવાય છે. ખરેખર તો મન ત્યાં સેકંડનો અમુક ભાગ જ રોકાયેલું હોય છે; પણ શ્રીજી મહારાજે કહ્યુ તેમ કંઠ દેશ જ એવો છે કે જેમ કાચનું ઘર હોય તેમાં એક વસ્તુ અનેકગણી ભાસે તેમ એક સંકલ્પ પણ અનેક સ્વરૂપે ભાસે છે. તેથી લાંબો સમય સ્વપ્ન અનુભવ્યું હોય એવી અનુભૂતિ થાય છે. તેવી જ રીતે સુષુપ્તિમાંથી મન જાગૃતમાં આવે ત્યારે પણ કંઠ દેશમાંથી પસાર થાય છે. ત્યાં સ્થિર થાય તો સ્વપ્ન આવે છે. માટે કંઠ સ્થાનકને વિષે સ્વપ્ન અવસ્થા રહી છે. ખરેખર તો સુષુપ્તિ અવસ્થામાં વિષયો મનમાં પડેલા હોય છે. તો પણ કંઠ દેશમાં આવે ત્યારે જ તેનું જીવાત્માને સ્પષ્ટીકરણ થાય છે. એનું એ મન હૃદય પ્રદેશમાં હોય ત્યારે તેમાં કયા કયા વિષયો પડયા છે તેનું સ્પષ્ટીકરણ થતું નથી.
આ અવસ્થામાં ઈન્દ્રિયોનું અભિમાન જીવને હોય છે. સમગ્ર દેહનું અભિમાન હોતું નથી. તેથી જીવાત્માને તૈજસાભિમાની એવું નામ આપ્યું છે. આ સ્વપ્ન અવસ્થામાં ઘણી વખત જાગૃતના જેવો વિવેક પણ અનુભવાય છે. ત્યારે સ્વપ્નને વિષે જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. ઘણી વખત સ્વપ્નમાં એવું આવે છે કે હું હરિભકત સત્સંગી છું. માટે મારે (સ્વપ્નમાં) ડુંગળી લસણ ખાવાની પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં વિચાર આવે છે કે મારે આમ ન કરાય અથવા તો હું સાધુ છું તો મારા ધર્મ પ્રમાણે મારે આ કાર્ય ન થાય. આવી અનુભૂતિ ઘણી વખત સ્વપ્નમાં પણ બને છે. અહીં છે તો સ્વપ્ન અવસ્થા; છતાં વર્ણાશ્રમ ધર્મનો વિવેક જાગૃત જેવો હોય. તેથી તેને સ્વપ્નને વિષે જાગૃત અવસ્થા કહેવામાં આવે છે.
સ્વપ્નને વિષે સુષુપ્તિ અવસ્થામાં વિવેક બિલકુલ હોતો નથી. જ્યારે ઘણી વખત સ્વપ્ન આવે અને સવારે જાગૃત થાય ત્યારે મનમાં અનુભૂતિ થાય કે મને કંઈક સ્વપ્નું આવ્યું હતું. ઘણું યાદ કરે પણ શું આવ્યું હતું એ ખ્યાલ ન આવે. ફકત સ્વપ્ન આવ્યું હતું તે ખ્યાલ આવે. તેનું કારણ એ છે કે સ્વપ્નમાં પણ તમોગુણની માત્રા વધી જવાથી સ્વપ્ન અવસ્થાની સહજ સ્થિરતા પણ ત્યાં અનુભવાતી નથી. માટે સ્વપ્નને વિષે સુષુપ્તિ કહેવાય છે.
સ્વપ્નને વિષે જાગૃત અવસ્થામાં અને જાગૃતને વિષે સ્વપ્ન અવસ્થા એ બંનેમાં એ તફાવત એ છે કે સ્વપ્નને વિષે જાગૃત અવસ્થામાં જીવાત્માને વિષયભાન,એટલે કે વિષયની સ્પષ્ટતા કંઠ દેશમાં થાય છે. જ્યારે જાગૃતને વિષે સ્વપ્નમાં જે કંઈ સ્પષ્ટતા થાય છે તે ઈન્દ્રિય ગોલક સ્થાનમાં થાય છે. આ તેનો સ્થાન ભેદ છે. બીજી એ કે સ્વપ્નને વિષે જાગૃતિમાં ઈન્દ્રિયો સંપૂર્ણપણે આરામમાં હોય છે અને વિવેક મન પ્રદેશમાં જ હોય છે. જ્યારે જાગૃતને વિષે સ્વપ્ન અવસ્થામાં ઈન્દ્રિયો સક્રિય હોય છે, પણ મન અન્યત્ર ચાલ્યું ગયું હોવાથી વિવેકની ગેરહાજરી હોય છે. સ્વપ્નને વિષે જાગૃતિમાં માનસ ભોગ હોય છે. જાગૃતને વિષે સ્વપ્નમાં પંચવિષય મૂર્ત સ્વરૂપમાં હોય છે. એટલો તફાવત છે.
સ્વપ્ન અવસ્થાની ત્રણેય કક્ષામાં રજોગુણની પ્રધાનતા હોવાથી અસ્થિરતાની માત્રા વધારે હોય છે. સ્વપ્નને વિષે જાગૃતિમાં વિવેકની માત્રા વધારે હોય છે. સ્વપ્નને વિષે સુષુપ્તિમાં જડતાની માત્રા વધારે હોય છે. આ તેના અવાંતર ભેદ છે.
સુષુપ્તિ અવસ્થા સુષુપ્તિ અવસ્થાને ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય કહી છે. તેમાં તમોગુણનું પ્રાધાન્ય છે. જે હૃદયસ્થાનકને વિષે રહી છે. એટલે કે જીવાત્માને હૃદયપ્રદેશમાં વિષયનો યોગ(ભોગ)થાય છે. જીવ જ્યારે સુષુપ્તિમાં જાય ત્યારે બાહ્ય ઈન્દ્રિયો વિરામ પામે છે. મન પણ હૃદયપ્રદેશમાં જઈ અને માયાના તમોગુણમાં લથબથ થઈને નિઃશ્ચેષ્ટ બની જાય છે. સર્વ જ્ઞાન લુપ્ત થઈ જાય છે. વચનામૃતમાં લખ્યું કે સંગણ બ્રહ્મના સુખ લેશને વિષે અતિશય લીનપણું થઈ જાય છે. તેનો ભાવ એ છે કે માયાના તમોગુણમાં મૂર્છિત થઈ જાય છે. ચેતનાહીન થઈ જાય છે. એને તમોગુણપ્રધાન શુદ્ધ સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે.
એ સુષુપ્તિને વિષે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃતિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહે છે. દા.ત કોઈ ખૂબજ નિયમિત અને ખટકાવાળી સાવધાન વ્યક્તિ હોય તેને કોઈક દિવસ બહારગામ જવું હોય અને વહેલી ટ્રેન પકડવી હોય ત્યારે સાંજે પથારીમાં સૂતી વખતે દૃઢ સંકલ્પ કરીને સૂએ કે મારે રાત્રીના ૩ વાગ્યે ઊઠવું છે. ઘણી વખત બરાબર ત્રણ વાગ્યે તેની ઊંઘ ઉડી જાય છે. ગાઢ સુષુપ્તિ હોય તો પણ તેમાં તેને યાદ આવી જાય છે. આ વસ્તુને કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિ ઉત્પન્ન થઈ એમ કહેવાય છે. આવી જ બીજી ઘટનાઓમા આ વસ્તુ ઘટાવી શકાય છે. તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહેવાય છે. ઉપલા દૃષ્ટાંતમાં કહ્યા પ્રમાણે વ્યક્તિનો અતિશય ખટકાવાળો સ્વભાવ હોય તેને જ આવી અનુભૂતિ થાય છે. બધાને પોતાના હૃદયમાં અનુભૂતિ થતી નથી. એટલે આ અવસ્થા જલ્દી સમજ્યામાં આવતી નથી. છતાં બીજામાં આ ઘટના ઘટતી જોઈને અનુમાનથી તીવ્ર જિજ્ઞાસા હોય તો સમજી શકાય છે.
જાગ્રત અને સ્વપ્નને વિષે જે પીડા, તેના તાપ થકી તે સુષુપ્તિને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત કહેવાય. માણસને ઘણી વખત કોઈ મર્મની પીડા થતી હોય, નખ પાકયો હોય, દાત–દાઢની પીડા હોય અથવા તો તેવાં સ્થાનોની અતિ તીવ્ર માત્રામાં પીડા થતી હોય ત્યારે તે વ્યક્તિ જ્યારે સુષુપ્તિમાં જાય છે ત્યારે પણ તેને પીડાની ઉંડે ઉંડે અનુભૂતિ સતત ચાલુ રહે છે. સવારે જાગ્યા પછી એવી અનુભૂતિ થાય છે કે મને આજે આખી રાત્રી પીડાના તીવ્ર સંવેદનો અનુભવાયા છે. આને પ્રતિલોમપણે કર્તાવૃત્તિનું જ્ઞાન કહે છે. તેને સુષુપ્તિને વિષે જાગ્રત અવસ્થા કહે છે.
સુષુપ્તિને વિષે જાગ્રત અને જાગ્રતને વિષે સુષુપ્તિ તથા સ્વપ્નને વિષે સુષુપ્તિ તે ત્રણેયમાં નીચે પ્રમાણે ભેદ છે.
જાગ્રતને વિષે સુષુપ્તિ
૧.અહીં વિષયભાનનું સ્થાન ઈન્દ્રિયોના ગોલોક છે.
ર.આ અવસ્થામાં ભોગો પ્રત્યક્ષ અને મૂર્તિમાન હોય છે.
સ્વપ્નને વિષે સુષુપ્તિ
૧.અહીં વિષયભાનનું સ્થાન કંઠ દેશ છે.
ર.આ અવસ્થામાં મનમાં પડેલી સુક્ષ્મ વાસનાને ભોગવાવવા માટે ભગવાન માનસિક ભોગોનું સર્જન કરી આપે છે.
સુષુપ્તિને વિષે જાગ્રત
૧.આ અવસ્થાના વિષયનું ભાન અથવા સ્પષ્ટતા ઉંડે ઉંડે હૃદયમાં થાય છે.
ર.આ અવસ્થામાં વિષયો કર્તાની સાથે(જીવની સાથે)એકરસ પામેલા સંસ્કાર સ્વરૂપ હોય છે.