પ્રતિપાદિત વિષય :
સત્સંગમાં વધવા ધટવાનું કારણ શું ?
મુખ્ય મુદ્દાઃ
૧. સાધુનો જે ગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે વધતો જાય છે.
ર. સાધુનો જે અવગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે.
વિવેચન :–
આ વચનામૃત સત્સંગમાં વધવા–ઘટવાના કારણનું છે. કલ્યાણના માર્ગમાં કોણ આગળ વધી જાય અને કોણ ઘટી જાય છે ? તેની વાત મહારાજે આ વચનામૃતમાં કહી છે. શ્રીજી મહારાજે પ્રેરણા કરી કે કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુકતાનંદસ્વામીએ પૂછયું : કોઈક તો સત્સંગમાં રહીને દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય તેનું શું કારણ છે ?
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા : મોટા સાધુનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે. માટે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. અવગુણ તો ત્યારે જ લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલી જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો ભંગ કરે પણ વર્તમાનમાં ફેર ન હોય ને સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને અવગુણ ન લેવો.
સદ્.ગુણાતીતાનંદ સ્વામી કહે છે : ગુણ, વિનય ને સેવા એ ત્રણ વધવાના ઉપાય છે. જ્યારે હઠ, માન ને ઈર્ષ્યા એ ઘટવાના ઉપાય છે. વળી સ્વામી કહે છે કે કેટલાક તો જ્ઞાન શીખે છે (એટલે કે સદ્ગુણો શીખે છે) ને વધતા જાય છે ને કેટલાક તો દેહાભિમાન વધારે છે ને ઘટતા જાય છે. માટે ભગવાનના સંત–ભકતમાંથી ગુણ લેવો, ગુણ શીખવા એ વધવાનો ઉપાય છે. જ્યારે ગુણો આવે ત્યારે કદાચને માન આવવાની પણ સંભાવના છે. માટે ગુણ પછી કહ્યું, વિનય. ગુણો આવતાં સહજ અભિમાન અને ઉદ્ધતપણું આવવાની શકયતા વધારે છે. માટે વિનયની સાથે ગુણો શીખવા કહ્યું છે ગુણ લેવો, ગુણ શીખવા અને તેમની આગળ નિર્માની થઈને વિનયથી વર્તવુ. ગુણ અને વિનય તેનું પણ ઘરેણું છે ભગવાનના ભકતોની સેવા કરવી તે. એમ મહારાજે વચનામૃતમા કહયું છે. માટે જીવનમાં આગળ વધવા માટે વિશેષ કરીને કલ્યાણના માર્ગમાં ભગવાનના ભક્તની સેવા મન, કર્મ, વચને કરવી.
બીજા ત્રણ ઘટવાનાં કારણ છે : હઠ, માન ને ઈર્ષ્યા. ભગવાનના ભક્તનો વિરોધ કરવાથી, તેની સાથે હઠ કરવાથી શાસ્ત્રના ઈતિહાસમાં ઘણાએ નુકસાની ભોગવ્યાનાં દૃષ્ટાંત છે. શાસ્ત્રમાં તેના અનેક દાખલાઓ છે. હિરણ્યકશિપુ, કંસ, રાવણ, રામાંડલીક વગેરે. રઘુનાથદાસ, નિર્વિકલ્પાનંદ વગેરે સંપ્રદાયમાં પણ અનેક ઉદાહરણો છે. તે ભક્તની સાથે વિરોધથી જ થયેલી અધોગતિ છે. માટે ભગવાનના ભક્ત સાથે હઠ ન કરવી, ત્યાં નમી દેવું, નિર્માની થવું, માન ન રાખવુ. જો માન રાખે તો પછી માનને સાચવવા હઠ પણ કરવી પડે અને ઈર્ષ્યા પણ થાય. માટે નિર્માની થવું તો આગળ વધાય, નહિ તો આગળ ન વધાય.
અહીં વચનામૃતમાં એમ લખ્યું કે મોટા જે સંત તેનો ગુણ–અવગુણ લે છે તે વધે ઘટે છે. તેમાં સાચા સંત એમ ન લખતાં મોટા સંત એવું લખ્યું છે. તે હેતુલક્ષી છે. કારણ કે મંદિર, સમાજ કે સંકુલના આગેવાનને પોતાના સંતજીવન ઉપરાંત વિશિષ્ટ જવાબદારીઓ અદા કરવાની હોય છે. જે જવાબદારીમાં અવગુણ લેવાની તિરાડો જલ્દી મળી જાય છે. આનાથી આપણે એવું પ્રતિપાદન નથી કરવું કે મોટા કરે તે બધું બરાબર જ કરે, તેનો અવગુણ ન લેવો. તે માટે તો મહારાજે બતાવ્યું કે કયારે અવગુણ લેવો. તેની મર્યાદા, સીમારેખા બતાવી. મહારાજ કહે, અવગુણ લેનારને તો અવગુણ જ દેખાય અને એવું નથી કે મોટામાં ખામી ન હોય.
આ વચનામૃતનો મુદ્દો ગુણ અવગુણ વાસ્તવિક છે કે નહિ ? તેની ઓળખાણ કરાવવા કરતા આપણે સત્સંગના માર્ગે આગળ જવું છે કે પાછું પડવું છે ? તેનો માર્ગ બતાવ્યો છે. કદાચને તેમાં વાસ્તવિક કિંચિત્(થોડો) અવગુણ હોય પણ ખરો. તેથી એવો પણ દાવો ધરાવવો હોય તો ધરાવી શકાય કે તેમાં ખામી છે ને અમે અવગુણ લઈએ એમાં અમે શું ખોટું કરીએ છીએ ? તો આ વાત સાચી છે. તમે કશું ખોટું કરતા નથી. એ વિષયમાં તમે સાચા છો. પણ તમારી ઉર્ધ્વગતિ–અધોગતિ માટેની આ દ્વારા શિખામણ આપવામાં આવી છે. સત્ય શું છે તેની વાત નથી કરી. માટે જે મર્યાદા કહી તેમાં જો હોય તો પછી ગુણ લેવો.
વળી મોટાની પોતાના સ્થાન અંગે ઇચ્છા, ફરજ હોય છે કે પાછળના સમાજની ઉર્ધ્વગતિ–પ્રગતિ ઇચ્છવી. માટે પણ જો તેનો ગુણ લેવાય તો પ્રગતિ થાય. ગુણ છે કે નહિ ? ગુણ લેવો કે અવગુણ ? તે પણ બતાવ્યું. એટલું તો જરૂર છે કે પંચવર્તમાનની મર્યાદામાં હોય અને પ્રકૃતિ આપણી સાથે મળતી ન હોય તો પણ અવગુણ ન લેવો, ગુણ લેવો. મયાર્દા ભંગ કરતા હોય તો પણ ગુણ લેવાની ઉદારતા દાખવવાની જરૂર નથી. દૂર રહેવા ઈશારો છે. તેનો પણ અવગુણ લેવાનો ભાવ એ છે કે તેનાથી સાવધાન રહેવું, દૂર રહેવું; પણ તેના અવગુણનું સદા ચિંતવન ન કરવું.
‘ગુણ લેવો’ એનો અર્થ શો ? ગુણ લીધો કયારે ગણાય ? ને અવગુણ લીધો કયારે ગણાય ? મોટા સંતમાંથી આપણે ગુણ લઈએ ત્યારે શું તેમા કાંઈ અવગુણ નથી ? હોય જ. કારણ કે પૂર્ણ વ્યકિતત્વ તો એક પરમાત્માનું જ હોય. માનવ સ્વભાવે તેમાં કોઈ ખામીઓ હોઈ શકે અને આપણે તે જાણતા પણ હોઈએ તો પણ તેમાં હેત–પ્રીત હોવાથી તેના ગુણ જ આપણી બુદ્ધિમાં તુરત પકડાય છે. પોતાના પુત્રમાં દુર્ગુણ હોય તો પણ માબાપને તેનો ગુણ જ આવે કારણ કે હૃદયમાં પડેલો મોહ તેને ગુણ પકડાવે છે.
તેવી જ રીતે જ્યારે આપણે મોટા ભકતોના અવગુણ લઈએ છીએ ત્યારે તેનામાં ગુણ નથી એવું નથી. ઝાઝા અવગુણ છે એવું પણ નથી. આપણા હૃદયમાં તેના તરફ દ્વેષ, ઈર્ષ્યા કે સમાવડિયાનો પૂર્વગ્રહ પડેલો છે. તે પૂર્વગ્રહ તેનામા રહેલા ગુણને એક બાજુ રખાવી આપણા મગજમાં તેનામાં રહેલા અવગુણો સર્વપ્રથમ પકડાવે છે. ત્યારે આપણે અવગુણ લીધો કહેવાય. તેમજ ગુણ પકડાય ત્યારે ગુણ લીધો કહેવાય. ગુણ લેવો ને અવગુણ લેવો એટલે વાસ્તવિક સ્થિતિ ખોળી કાઢવી એમ નથી, વાસ્તવિક સ્થિતિ સમજીને આગળ કોઈક પ્રક્રિયા છે. તેને ગુણ–અવગુણ લેવો એમ કહેવાય છે.