લ–૧૭ : સ્તુતિ – નિંદાનું

પ્રતિપાદિત વિષયઃ

પ્રથમ સ્તુતિ કરનાર ભક્ત દ્વારા પછી નિંદા કરવાનાં કારણો.

મુખ્ય મુદ્દાઃ

૧. દેહના અનાદર, આત્મનિષ્ઠા, પંચવિષયમાં દૃઢ વૈરાગ્ય અને ભગવાનનો મહિમા તેના અભાવથી સ્તુતિ કરતાં કરતાં નિંદા કરવા લાગી જાય છે.

ર. પંચવિષયનો અભાવ કેમ ઓળખાય ? સામાન્યથી દેહ ગુજરાન કરે ને સારામાં મુંઝાઈ જાય.

વિવેચન :–

આ વચનામૃત સ્તુતિ–નિંદાનું વચનામૃત છે. પ્રથમ તો મહારાજ કૃપા કરીને વાત કરે છે કે જુઓને માયાની કેટલી પ્રબળતા છે કે જ્યારે પ્રથમ સત્સંગમાં પ્રવેશ કર્યો હોય અથવા સંત આશ્રમમાં પ્રવેશ કર્યો હોય ત્યારે ઘણો સારો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. તેનામાં અતિશય વિપરીતપણું આવી જાય છે.

પછી સંતોને પ્રશ્ન પૂછવા આજ્ઞા કરી ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો. હે મહારાજ ! પ્રથમ સારો હોય ને તે ગમે તેવા દેશ, કાળ સંગમાં સારો જ રહે અને કોઈ રીતે વિપરીત મતિ થાય જ નહિ તેનો ઉપાય શો છે ? એટલે કે એક તો પ્રથમથી જ સ્તુતિ કરતો હોય અને અતિ ભાવનાવાન હોય તેને નિંદા કરવાની કેમ મતિ થઈ આવે છે ? એવું કયું પરિબળ કામ કરે છે કે તેને સ્તુતિ કરતાં કરતાં નિંદામાં લગાડી દે છે તોય ખબર રહેતી નથી. એવું કયારેય ન થાય તેનો ઉપાય કહો.

ત્યારે મહારાજે વાત કરી કે જેને દેહનો અનાદર હોય, દૃઢ આત્મનિષ્ઠા હોય, પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્ય સહિત નિશ્ચય હોય એવાને સૂઝે એવા દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ વિપરીત મતિ થાય નહિ. અહીં મહારાજે શુભ મતિના રક્ષણ માટે ચારવાનાં કહ્યાં છે. તેમાં પણ બે–બેનાં બે જોડકા છે.

પ્રથમ જોડકું દેહનો અનાદર ને આત્મનિષ્ઠા. બીજું વિષયનો અભાવ ને મહિમા સહિત નિશ્ચય. તેમાં પણ દેહ અનાદર અને વિષયના અનાદરના કારણપણા પર વિશેષ ધ્યાન આપીને વચનામૃતમાં ચર્ચા કરી છે. આત્મનિષ્ઠા અને નિશ્ચય તેના પીઠબળમાં પડદા પાછળ રહીને પેલા બેને ટકાવવામાં કારણપણે રહ્યા છે એવું દેખાય છે. કારણ કે મહારાજે કહ્યું કે પ્રથમ સ્તુતિ કરતો હોય પછી નિંદા કરવા માંડે. પ્રથમ સારો હોય પછી બગડી જાય. પ્રથમ પગ પૂજતો હોય પછી તલવારે કરીને માથું કાપવા તૈયાર થાય. માટે ભક્ત સાથે સૃહૃદ વ્યવહારમાં તિરાડ પડાવનાર અથવા ભગવાન કે ભક્તની સાથે સંબધ વણસાવી દેવામાં મુખ્ય ભાગ ભજવનાર સીધું જ કોણ છે ? તો દેહભાવનો આદર અને પંચવિષયના ભોગનો અંતરમાં આદર આ બે વાનાં જેટલા ભગવાન સાથે અને ભગવાનના અનન્ય ભક્ત સાથે સંબંધ વણાસ કરે છે અને સંબંધમાં કડવાશ લાવે છે અને સ્તુતિમાંથી નિંદામાં ઢસડી જાય છે તેવા પછીના બે મુદ્દા એટલા બધા સીધા કારણભૂત થતા નથી.પરોક્ષ રીતે જરૂર થાય છે.

વિષય તરીકે કહ્યા છે.

હવે જેને વિષયનો અંતરમાં અભાવ થયો છે તે બહાર કેમ જણાય તો મહારાજ કહે તેને દેહ ગુજરાનમાં જ રસ આવે પણ પોતાના વ્યક્તિ વિશેષ માટે પ્રયાસ અથવા આયોજનપૂર્વક મેળવેલા વિષયમાં રસ ન પડે, ભોગની જાહોજલાલી દ્વારા પોતાના વ્યક્તિત્વને ઊંચું ન માને, પણ ઉલ્ટો મૂંઝાઈ જાય તો એમ જાણવું કે તેને પંચવિષયમાં રસ નથી. તેને ભગવાનનો મહિમા સમજાયો છે ને ભગવાનમાં રસ છે. સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પંક્મિાં બેસીને લાડુ જમે(ઉત્તમ ભોજન જમે) તો પણ તે નિઃસ્વાદી છે. કારણ કે ભગવાનની ઈચ્છાથી આવ્યું છે. જો પોતાની ઈચ્છાથી ખૂણે બેસી એકલો મૂઠી બાજરો જમે તો પણ તે સ્વાદિયો છે, કારણ કે પોતાના મન કલ્પિત છે. કપડાં પહેરવાં, આસન કરવું ઈત્યાદિક દરેક વસ્તુમા પોતાના સમાજથી સહજ ઉદ્યમ વિના પ્રાપ્ત થતું હોય તેથી નોખા પડીને પોતાની વ્યક્તિગત સાનુકૂળતા ઊભી કરવી તે વિષયનો આદર છે. ઘણી વખત ઉપદેશની ગાદી ઉપર બેસીને વિષયનું ખૂબ ખંડન કરી જાણતા હોય છે અથવા વાતોથી ઘણો તિરસ્કાર ઊભો કરતા હોય છે, પણ ત્યાંથી ઊભા થઈને શ્રોતાથી બમણા–ચાર ગણા વેગથી પંચવિષય ભોગવતા હોય છે. એ પંચ વિષયનો અભાવ ન કહેવાય. બીજાનું ખંડન અને તિરસ્કાર એમાં તો મોટા ભાગના હોંશિયાર જ હોય છે. એ તો નાટક ગણાય.

વિષયનો અનાદર એટલે તેની પોતાને પ્રાપ્તિ માટે ઉદ્યમ નહિ, પ્રયાસ નહિ. સહજ મળે તેથી નિભાવ કરવો. ઘણા સહજ જીવન નિભાવના ભોગનો પણ અનાદર કરતા હોય છે. તે એમ જાણે છે જે વિષયભોગ માત્રની પેટ ભરીને નિંદા કરીએ અથવા ખંડન કરીએ તો જ આપણે વિષયના સાચા અભાવવાળા ગણાઈએ. મહારાજ અહીં તેથી જુદું બતાવે છે.

અહીં એક જિજ્ઞાસા ઊભી થાય છે કે કોઈ વ્યક્તિને વિષયનો અંતરમાં અતિ અભાવ થઈ ગયો તો દેહ નિભાવના ભોગનો પણ તિરસ્કાર કરે તો શો બાધ છે ? તેને અનાદર થઈ તો ગયો છે ! ત્યારે મહારાજ કહે કે જેવું તેવું હોય ને તે ભોગવતો હોય ને તેમાં જેવો આનદ રહે તેવો સારામાં ન રહે; મૂંઝાઈ જાય. સામાન્ય દેહ નિભાવની વસ્તુમાં તેની ખુશી રહે છે. તેનો શો અર્થ કરીશું ? માટે એ તો વ્યક્તિના મનની માન્યતા છે કે જેમ ભોગની ઝાઝી નિંદા કરીએ તેમ આપણે વધારે વૈરાગી ગણાઈએ. એ કોઈ મુમુક્ષુને અધ્યાત્મ જીવનમાં ભગવાન પાસે પહોંચાડવામા મદદરૂપ થઈએ એવી અંતરની ભાવના નથી, પણ મુમુક્ષુ વધુ આપણા કબજામાં રહે તેવી ભાવનાથી પ્રેરાઈને તેવું થતું હોય છે. શાસ્ત્રકારોનું કે મહારાજનું તેવું કહેવું થતું નથી. જીવન નિભાવનો ઉચ્છેદ કરી તે જીવનયાપન કેવી રીતે કરશે ? દેહયાત્રા જ ખોરવાઈ જશે તો મુમુક્ષુએ મેળવવાના વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણ કેમ પામશે ? માટે વૈભવી દેહયાત્રાનો અભાવ અને સહજ જીવનનિભાવનો આદર એ વિષયના અભાવની નિશાની છે તેવું જ સ્વઆદર અને સ્વઅનાદરનું જાણી લેવું.

વ્યક્તિને બીજી બધી વ્યક્તિઓ જેટલું સન્માન મળતું હોય તો તૃપ્તિ થતી નથી. સહજ રીતે આશ્રમ, વર્ણ કે પદ મોભાથી સહજ મળતા આદરથી તેને તૃપ્તિ થતી નથી. વિશેષ પ્રયાસપૂર્વક અને સામાન્ય સમાજ પ્રવાહથી નોખા પડી વિશિષ્ટ રીતે તેમનું સન્માન થાય તો જ તેવો પોતાનો આદર ગણે છે. બધાની સાથે આદર મળે પણ તે પોતાનો અનાદર થયો હોય તેવું અનુભવે છે. તેનું કારણ એ છે કે તેને અંતરમાં સ્વઅનાદર નથી ઉલ્ટો સ્વનો જ આદર છે. તેથી સહજ રીતે મળતો આદર તેને ઘણો જ ઓછો અને સીમિત અનુભવાય છે. પોતાને થયેલ શ્રેષ્ઠ પ્રાપ્તિનું ગૌરવ અથવા સ્વાભિમાન એ અલગ વસ્તુ છે. તેમાં તો બીજા ભક્તોને પણ આદર આપીને કે અપાવીને ઉલ્ટું વધુ ગૌરવ અનુભવાય છે. મહારાજે કહેલ દેહનો અનાદર એટલે સ્વઅનાદર એટલે શું ? તેનો ઊંડો વિચાર કરવાનો છે. અતિ માન સન્માનમાં કંટાળો આવે, મૂંઝાઈ જાય. પરમાત્માના માર્ગમાં કોઈ મદદ કરે કે સાધનાના માર્ગમાં કોઈ પ્રોત્સાહન આપે તો ગમે. ઘણી વખત સ્વઆદરવાળાને માન સન્માન આપવા માટે સમાજને મજબૂર થવું પડે છે તો પણ તે માન સન્માનથી તેને અધ્યાત્મ લાભ કોઈ થાય એવું નથી. જ્યારે જે વ્યક્તિ બીજાના આદરથી પોતાના કલ્યાણના માર્ગમાં કાંઈ મદદ થઈ છે કે નહિ અથવા પ્રોત્સાહન મળ્યું છે કે નહિ તેનાથી જ રાજી થાય છે જે જરૂરી પણ છે. તેનો તિરસ્કાર કે તેમાં મૂંઝવણ હોવી તે ખોટય ગણાય. વાસ્તવમાં આ ભેદરેખા મગજમાં આવવી ઘણી કઠણ છે.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે હે મહારાજ ! એ પંચ વિષયનો અભાવ કેમ થાય ? મહારાજે ઉત્તર કર્યો કે તેનો અભાવ થવાનાં મુખ્ય સાધનમાં તો ભગવાનનું માહાત્મ્ય સમજાય તે છે અને ત્યારપછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે ભગવાનનું માહાત્મ્ય અનંત છે. તેના અનેક દૃષ્ટિકોણ છે. ભગવાન સર્વ સૃષ્ટિની સત્તાનું, સંપત્તિનું, સુખનું , બુદ્ધિનું, સિદ્ધિનું, ગુણોનું, કલાનું કેન્દ્ર છે. ઉપરના ગુણોનો મૂળ ઉદ્‌ભવપ્રવાહ પરમાત્મા છે એમ જાણ્યું હોય અને આ તેના સંત છે એમ જાણતો હોય.

જેમ ઉદ્ધવજી કેવા મોટા હતા તો પણ ગોપીઓનો ભગવાન સાથેનો ગાઢ પ્રેમ અને સંબંધ જોઈને માન ન રહ્યું. તેમ એવા માહાત્મ્યવાળા ભગવાનને જાણે તો તેના ભક્ત આગળ માન કેમ રહે ! અને દાસાનુદાસ થઈને કેમ ન રહેવાય ! એ તો રહેવાય જ. અને સાધુ પાંચ પાંચ ખાસડાં મારે તો પણ ખમે અને મહદ્‌ભાગ્ય માને. નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત ત્યારે સ્વઆદર કેવો સચવાય ? તો અહીં શા માટે આશા રાખવી ? પ્રારબ્ધવશ થઈને ભોગની અગવડતા વેઠવી પડત તો પછી ઊંચા પંચ વિષયની આકાંક્ષા અહીં શા માટે ? એમ વિચારે તો સ્વઅનાદર અને વિષય અનાદર હૃદયમાં આવે. માટે જેટલો મહિમા તેટલો સત્સંગમાં અચળ પાયો થાય છે અને તેમાં જેટલી ખામી હોય તેટલો તેનો સત્સંગમાં વિશ્વાસ નહિ.