પ્રતિપાદિત વિષય :
જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે.
મુખ્ય મુદ્દા :
૧. જ્ઞાની ભક્તના મનમાં ભગવાન વિના બીજી કામના રહેતી નથી.
ર. વૈરાગ્ય, આત્મનિષ્ઠા કે ભક્તિને યોગે જો માન આવે તો તે કામના કરતાં પણ વધારે ખોટય છે.
૩. યથાર્થ મહિમા સમજવાથી કામના અને અહંકાર બંને ખોટય દૂર થાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે : શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભકત કહ્યા છે. તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે. ચારેયને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે. તો પછી જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે ? તેનો ઉત્તર મુનિઓએ કરવા માંડયો પણ થયો નહિ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા : જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થ જાણે છે. માટે એને ભગવાનના સ્વરૂપ વિના મનમાં બીજી કાંઈ કામના રહેતી નથી. જયારે બીજા જે ભગવાનના ભક્ત છે તેને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. માટે જ્ઞાની શ્રેષ્ઠ છે.
‘આતો જિજ્ઞાસુઃ અથાથી જ્ઞાની ચ ભરતર્ષભ’ આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી આ ત્રણ ભકત તો છે પણ જ્ઞાની જેવા નહિ, કારણ કે આ ત્રણેયને બે બે આરાધના છે. એક તો પરમાત્માની અને બીજી પોતાની જે ખામી છે, કામના છે તેની પણ આરાધના છે. એટલું જ નહિ પણ ભગવાનની આરાધના સાધન છે ને ઈતર આરાધના સાધ્ય છે. તે ભક્ત ભગવાનને સાધન બનાવીને બીજી કામનાને સિદ્ધ કરવા માગે છે.
આર્ત એટલે દુઃખી. દા.ત. ગજેન્દ્ર. તે દુઃખી છે ને ભગવાનનો ભક્ત પણ છે. તેને દુઃખ દૂર કરવાની પણ ઈચ્છા છે ને ભગવાનની પણ ઈચ્છા છે. પણ દુઃખ દૂર કરવાની જે ઈચ્છા છે તે જેટલી પ્રબળ છે તેટલી ભગવાનની ઈચ્છા પ્રબળ નથી. ઉલ્ટું પેલી ઇચ્છાને પૂર્ણ કરવા ભગવાનને કામે લગાડવા પ્રયત્ન કરે છે. એટલે અજાણતા પણ ભગવાન કરતા કામનાપૂર્તિનું મહત્ત્વ તેના મનમાં વધારે છે. માટે તેની ભકિતમાં પ્રથમ તેની આરાધના અને બીજા નંબરે ભગવાનની આરાધના છે.
બીજો ભક્ત છે અર્થાર્થી–એટલે આ જગતની સુખ સમૃદ્ધિ, સત્તા કે કોઈ તેવી વસ્તુની ઈચ્છાવાળો. દા.ત. ધ્રુવજી. તેમણે જે આરાધના આદરી હતી તે રાજ્ય પદવી પ્રાપ્ત કરવા આદરી હતી. ભલે ભગવાનની જ આરાધના કરી હતી પણ ભગવાન સાધન હતા ને રાજ્ય પ્રાપ્તિ સાધ્ય હતી. માટે બે આરાધનાઓ હતી.
ત્રીજો ભકત છે જિજ્ઞાસુ– એને પણ એક તો પોતાની બુદ્ધિમાં જ્ઞાનની ભૂખ છે તેને શાંત કરવાની ઈચ્છા છે ને બીજી પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા છે.
ચોથો ભકત છે જ્ઞાની– તેને પરમાત્માની આરાધના પાછળ બીજું કોઈ ઈતર પ્રયોજન નથી. દા.ત. શુકદેવજી. ભાગવતમાં જ કહ્યું છે કે ‘આત્મારામશ્ચ મુનયો નિર્ગ્રન્થાયિુંરુક્રમે । કુર્વન્ત્યહૈતુકીમ્ભક્તિમિત્થં ભૂતગણો હરિઃ।।’ શુકદેવજી શા માટે આરાધના કરે છે ? તે કોઈ કારણ પૂર્તિ માટે આરાધના કરે છે એવું નથી. એની ભક્તિ આરાધના અકારણ છે, સ્વયંભૂ છે. રોકી શકાય તેમ નથી.
બીજા ત્રણ ભકતોમાં પોતાની મુખ્ય આરાધના સિદ્ધ થઈ જાય એટલે ભગવાનની આરાધના ધીમી પડી જાય કે શાંત પણ થઈ જાય. જ્યારે શુકદેવજીની આરાધના ધીમી પણ ન પડે ને શાંત પણ ન થાય, એ નિર્હેતુક છે. મહારાજ કહે તે મહિમા પ્રેરિત છે. જયારે બીજાની આરાધનાઓ કામના પૂર્તિ કરવા માટે પ્રેરાયેલી છે અને તેથી જ જ્ઞાની શ્રેષ્ઠ છે. ગીતામાં કહ્યું છે ‘ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાનીત્વાત્મેવ મે મતમ્।’ બીજા ભક્તો પણ સારા છે, પણ જ્ઞાની મારો આત્મા છે. મહારાજ કહે ભગવાનની ઓળખાણ થયા પછી પણ બીજી કામના રહેવી એ મોટી ખોટ છે. તેણે પરમાત્માને બરાબર ઓળખ્યા નથી. જેથી પરમાત્મા તુલ્ય અથવા તેથી પણ વધારે બીજી વસ્તુને કરી રાખી છે એમ કહી શકાય. માટે એ મોટી ખોટ કહેવાય.
અહીં એક ક્રમ છે આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ. આ ત્રણેયમાં આર્તને દુઃખ દૂર કરવાની જે તાલાવેલી અને તીવ્રતા હોય છે એટલી અર્થાર્થીને ઈચ્છિત અર્થ મેળવવાની નથી હોતી અને અર્થાર્થીને સુખાદિ મેળવવામાં જેટલી તીવ્રતા હોય છે તેટલી જિજ્ઞાસા નથી હોતી. એટલે ભક્તનો પણ ક્રમ થઈ જશે. આર્તથી અર્થાર્થી અને તેનાથી જિજ્ઞાસુ અને તેનાથી જ્ઞાની પ્રશસ્ત ભકતો છે. તેમાં આર્તને દુઃખ દૂર થતાં જે પરમાત્મામાં રસ પડે છે તેનાથી અર્થાર્થીને કામના પૂરી થતાં વધારે રસ પડતો હોય છે. તેથી પણ જિજ્ઞાસા પૂરી થતાં જ્ઞાન થાય ત્યારે વધારે રસ ઉત્પન્ન થાય છે. માટે એક એક પગથિયાથી ભગવાનનું નજીકપણું વધારે થતું જાય છે. જયારે જ્ઞાનીને તો સંપૂર્ણપણે એક ભગવાનમાં જ રસ રહે છે. આર્તાદિકને જે કામનાઓ રહે છે તે ખોટય છે તે દૂર કરવા યોગ્ય છે.’
વળી મહારાજ કહે કે કામના, જેમ ખામી છે તેમ કામનાનો વિરોધી વૈરાગ્ય છે. તે કામના રહેવા દેતો નથી, પણ તેને યોગે જે માન આવે ને અહંકાર આવે તો એ મોટી ખોટય છે. પછી તે અહંકાર વૈરાગ્યનો હોય, આત્મજ્ઞાનનો હોય અથવા ભક્તિનો હોય તો પણ અતિ અનર્થ કરનારો થાય છે. કારણ કે પ્રથમ કહી જે કામનાઓ જ્યારે ભક્તમાં હોય ત્યારે તે ભક્તને તેનું દર્દ હોય અથવા કયારેક બીજા નિષ્કામ ભક્તને જુએ તો દિલમાં સંતાપ થાય કે મારે ખોટય છે ને પ્રાર્થના કરવાનો ભાવ થાય ખરો. તે ખોટય ભગવાન દૂર પણ કરે. પરંતુ વૈરાગ્યના અહંકારથી જે અનર્થ આવ્યો તેનું ભાન ભક્તને જલ્દી થાય નહિ અને ઉલ્ટો પોતાનો ગુણભાવ વધે ને અહંકાર દૃઢ થાય ને ગરીબ ભક્ત ઉપર તિરસ્કાર કે તુચ્છબુદ્ધિ ઉપજે. તેથી એ ખોટય દૂર કરવાનો કોઈ રસ્તો નથી. આના કરતા પેલી ખોટય દૂર થવા વધારે સંભાવના છે. આને તો વધવાની જ સંભાવના છે.
બીજુ ખામીવાળા ભકતને કહી શકાય કે તમારી આ ખામી છે, પણ વૈરાગ્યથી અહંકાર આવ્યો હોય તેને છંછેડી ન શકાય. માટે તે ટળવાની શકયતા ઓછી છે. માટે મહારાજ કહે કૂવો ખોદે ત્યારે પથ્થર પોલો બોલે તો સલાટ કહે પાણી થશે. પણ રણકાર કરે (અહંકારનો) ને કાપે તો તીખારા ઝરે (હું–તુંના) તો પાણી ન થાય. તેમા ભક્તિ આદિ શુભ ગુણ આવે નહિ. માટે જેમ જગતની કામના દૂર કરવાની છે તેમ ગુણનું માન પણ સારી રીતે દૂર કરીને ભગવાનના ભક્ત પાસે નિર્માની થાય તો ભગવાન રાજી થઈ તેના હૃદયમાં નિવાસ કરે છે.
પછી મુકતાનંદ સ્વામીએ પૂછયું : હે મહારાજ ! શુભ ગુણનું જે માન આવે તે કયે ઉપાયે કરીને ટાળવું ?
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા : ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણી દેહે કરીને નમતો રહે ને સેવા ચાકરી કરે ને અંતરમાં વિચારનું બળ રાખે તો માન ટળી જાય. પણ મહારાજ કહે ગમે તેવા સારા ગુણ હોય અને તેનું માન આવે તો પણ તે માન તો દેહાભિમાનને જ દૃઢ કરાવે, નહિ કે ગુણને. જ્યારે માન આવતું હશે ત્યારે અંતરમાં રહી જે મૂર્તિ તે રાજી નથી દેખાતી. જ્યારે નિર્માનીપણે વર્તાય છે ત્યારે મૂર્તિ પ્રસન્ન દેખાય છે. એમ મહારાજ કહે છે. નિર્માની ભક્તોના ગુણોમાં બળ ઘણું હોય છે. માન સહિત ગુણો હોય તે જગતમાં વધારે દેખાય, પણ તેમાં બળ નથી જણાતું. તે બળ તે શું ? તો ભગવાનને વશ કરવાની તાકાત તે નિર્માની ભક્તમાં વધારે હોય છે.
મહારાજે આકાશનું દૃષ્ટાંત દીધું છે. પંચભૂતોમાં બીજાં ભૂતો કરતા આકાશ સૌથી બળવાન છે ને સૌને ધારી રહ્યો છે. તેમ નિર્માની ભક્તના ગુણો બળવાન છે ને સૌને ધરી રહ્યા છે, તે ભગવાનને જલદી વશ કરી લે છે. ત્યારે વળી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો : ઈન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પોતાનું સ્વરૂપ ન્યારું છે એવું સત્સંગમાંથી સાંભળીને દૃઢ નિશ્ચય કર્યો છે તો પણ ઈન્દ્રિયો, અંતઃકરણ ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?
ત્યારે શ્રીજી મહારાજ કહે : કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે વગેરે મોટયપ પામે છે તે પરમાત્માની ઉપાસનાથી પામે છે. માટે ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે કોઈ જાણે જે શાસ્ત્રમાંથી અથવા મોટા સંતના મુખેથી સાંભળીને હું આત્મારૂપ થઈ જાઉં તો એમ થવાતું નથી. એ તો જેટલી એને ઈષ્ટદેવની નિષ્ઠા, સમર્પણભાવ કે હૃદયથી ગરજ હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક રહે, પણ તે વિના થતો નથી. માટે પરમાત્માની ગરજ વિના કોઈ સાધન સિદ્ધ થતું નથી.
એવી જે ગરજ કે નિષ્ઠા કયારે આવે ? કાં તો તેમને ગોપીઓના જેવો પ્રેમ હોય અથવા પરમાત્માનો મહિમા સમજે જે જગતમાં જે કાંઈ મહિમાવાળી વસ્તુઓ પ્રમાણિત થયેલી છે તે સમગ્ર મહિમાનો મૂળ સ્રોત પરમાત્મા છે. તે પરમાત્મા લક્ષ્મીપતિ છે. એટલે કે સમગ્ર સંપત્તિનું કેન્દ્ર છે. સુજ્ઞ સેવકોના સ્વામી છે, સર્જનનું બીજ–કેન્દ્ર છે. એવો મહિમા સમજીને જે સમર્પિતભાવ–નિષ્ઠા ઊભી થાય તેટલો એને વૈરાગ્ય તથા શુભ ગુણ આવે છે અને એવો ભકત હોય તે ભગવાનના નામનો પણ અતિ મહિમા સમજતો હોય છે. માટે સત્સંગ કરીને મહિમાનું બળ ભગવાનના ભક્તએ અતિશય વધારવું તો સર્વે વાત સિદ્ધ થાય છે.