પ્રતિપાદિત વિષય :
જીવને ભજન સ્મરણ તથા વર્તમાનનો દૃઢાવ એક સરખો કેમ રહેતો નથી ?
મુખ્ય મુદ્દો :
સારા દેશાદિક અને સત્પુરુષનો સંગ રાખે તો દૃઢાવ એક સરખો રહે છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે : જીવને ભજન–સ્મરણ અને વર્તમાનનો એક દૃઢાવ કેમ રહેતો નથી ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા : એ તો એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. તે દૃઢાવ પણ ત્રણ પ્રકારનો છે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એમાં જો ઉત્તમ દૃઢતા હોય ને દેશકાળાદિ અતિ ભૂંડા થાય તો ઉત્તમ દૃઢતાને પણ ટાળી નાખે. તો મધ્યમ અને કનિષ્ઠની શી વાત કહેવી ? અને દેશકાળાદિ અતિ ભૂંડા થાય તો પણ દૃઢતા જેમ છે તેમ એમને એમ રહે તો સમજવું કે એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે. જો દેશકાળાદિ અતિ પવિત્ર છે ને તો પણ એની બુદ્ધિ મલિન થઈ જાય તો તેને પૂર્વર્જન્મનું તથા આ જન્મનું મોટું પાપ છે તે નડે છે અથવા કોઈ ભગવાનના મોટા ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. માટે હવે જો ખબડદાર થઈને મોટા પુરુષની સેવામાં રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય અને અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય. કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. મદિરાપાનની કરનારી પાતરિયોના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહિ ? તેને તો મહા મૂર્ખ જાણવો.
આવી જ વાત મહારાજે વચ.ગ.પ્ર. પ૮મા કરી છે. ત્યાં પણ મુકતાનંદ સ્વામીનો જ પ્રશ્ન છે : જ્યારે ભકત ભજન–સ્મરણ કરે છે ત્યારે ગુણના (સત્ત્વ,રજ,તમ) વેગ આવે છે ત્યારે સુખ આવતું નથી. તો તે વેગ કેમ ટળે ? તેના ઉત્તરમાં મહારાજે તે ભજનના વિધ્નરૂપ ત્રણ ગુણના વેગનું કારણ દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર બતાવ્યા છે. આત્મા–અનાત્માનો વિચાર, સત્સંગ અને મોટા પુરુષની સેવાથી એક એકનો નાશ થાય છે. અને ભજન–સ્મરણનો દૃઢાવ કાયમ રહે છે ને તેમાં સુખ થાય છે.
આના જેવો જ વિષય મહારાજે વચ.ગ.પ્ર.ર૯મા ચર્ચ્યો છે. ત્યાં ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે : ધર્માદિ સહિત ભકિતનું બળ કેમ વધે ? તેના ઉત્તરમાં મહારાજે ચાર વાનાં બતાવ્યા. રૂડો દેશ, રૂડો કાળ, શુભ ક્રિયા ને પવિત્ર સત્પુરુષનો સંગ. તેમાં પણ સંગનું પ્રાધાન્ય સૌથી વધારે છે. કારણ કે તે સારો હોય એટલે કે સાચા સત્પુરુષનો સંગ હોય તો દેશકાળાદિ આઠેયને સારા કરી આપે છે. તેમાં જ મુક્તાનંદ સ્વામીએ પૂછયું કે કોઈક ભક્તને પ્રથમ ગોબરું અંતર હોય ને પછી અતિ શુદ્ધ થઈ જાય તેમાં શુ કારણ છે ? પૂર્વસંસ્કાર, કૃપા કે પુરુષપ્રયત્ન ? પછી મહારાજે એક એકની વિગતથી વાત કરી.
આ ત્રણેય વચનામૃતને સંકલિત રીતે વિચારશું તો ભગવાનની દૃઢતા અને વર્તમાનની સિદ્ધિ માટે ત્રણ પરિબળો મહારાજે મુખ્ય બતાવ્યાં છે.
એક તો દેશકાળની શુદ્ધિ–એટલે પવિત્ર દેશાદિકનું સેવન કરવું. બીજું બતાવ્યું છે કે પૂર્વસંસ્કાર સારા હોય તો દૃઢતા અને વર્તમાન સારા બળવાન થાય અને ત્રીજું બતાવ્યું છે કે પુરુષપ્રયત્ન. આ ત્રણ વાનાં સાનુકૂળ હોય તો ભજનની દૃઢતા અને વર્તમાનની દૃઢતા એકધારી રહે છે. એ ત્રણ વાનાં પ્રતિકૂળ હોય અથવા એક પણ પ્રતિકૂળ હોય તો તેટલા પ્રમાણમાં દૃઢતા મંદ પડી જાય છે. તેમાં દેશાદિક છે તે બાહ્ય પરિબળ છે અને પૂર્વસંસ્કાર તે આંતર પરિબળ છે. પુરુષપ્રયત્ન બંનેથી પ્રભાવિત થનારો છે. જો પ્રથમ બે અનુકૂળ હોય તો પુરુષપ્રયત્ન જલ્દી અને વધારે ફળ આપે છે. જો પ્રથમ બે પ્રતિકૂળ હોય તો પુરુષપ્રયત્ન કરવા છતા જોઈએ તેવું ફળ પ્રાપ્ત થતું નથી અને જોઈએ તેવી દૃઢતા કેળવાતી નથી.
તેમાં પણ પૂર્વસંસ્કાર પ્રતિકૂળ હોય તો તેનો ઈલાજ ભક્તોની સેવા, તેમનો રાજીપો અને તેમની કૃપા છે. દેશાદિક સારા સેવવા માટે મહારાજે સત્સંગિજીવનમાં ધર્મસિદ્ધિના અધ્યાયમાં બતાવ્યું છે કે પવિત્રદેશનુ સેવન કરવું. પવિત્ર કાળ સેવવો. સારી ક્રિયા અને સારો સંગ કરે તથા સારા ભગવાનના બળિયા ભક્ત હોય તેનો સંગ રાખીને ઉત્તમ દૃઢતા કેવળે તો તે દૃઢતા ટકી રહે, નહિ તો દેશકાળાદિકે મંદ પડી જાય. મહારાજ કહે : પવિત્ર–અપવિત્ર દેશાદિકનો વિવેક ન રાખે અને પાતરિયોના ગળામાં હાથ નાખીને બેસે ને પછી ભગવાનનો વાંક કાઢે મારું મન કેમ ઠેકાણે ન રાખ્યું ? તો તે ન જ રહે, એ સ્વાભાવિક છે. પછી ભલે ગમે તેવો બળિયો પૂર્વસંસ્કાર હોય અથવા પ્રબળ પુરુષાર્થ હોય તો અંતઃકરણ સારું ન રહે અને તેની દૃઢતા ટળી જાય. માટે તે દેશકાળાદિક ચાર વાતનો વિવેક અતિ જરૂરી છે.