ગપ્ર–૪૧ : એકોહં બહુસ્યાંનું

પ્રતિપાદિત વિષય :

બહુભવન સમજવાની રીત.

મુખ્ય મુદ્દો :

બહુભવનનું તારતમ્યપણું.

વિવેચન :–

પ્રસ્તુત વચનામૃતમાં નૃસિહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે : ‘એકોહં બહુ સ્યાં પ્રજાયેય‘ ભગવાન એક હતા તે સૃષ્ટિ સમયે બહુરૂપે થયા. તે અર્થ કેવી રીતે સમજવો ? આપણે ભગવાનને સાકાર માનીએ છીએ. માટે બીજા પંડિતો અર્થ કરે છે તેમ માની શકાતુ નથી તો કેમ સમજવું ?

અહી ‘એકોહં બહુ સ્યાં પ્રજાયેય‘ આ બહુભવન શ્રુતિમાં ખરેખર તો બે પ્રશ્નો થઈ શકે છે કે ભગવાનને બહુભવનની શી જરૂર પડી ? અને કયા પ્રકારે બહુભવન ? તો પ્રથમ પ્રશ્નનો વિષય આ વચનામૃતમાં લેવામાં આવ્યો નથી. તેનો ઉત્તર શ્રુતિમાં આપ્યો છે કે ‘સઃ એકાકી ન રમતે‘ એટલા માટે બહુભવન સંકલ્પ કરે છે. અને બહુભવન કેવી રીતે ? એ મુખ્ય પ્રશ્ન આ વચનામૃતનો છે. તો તેના ઉત્તરમાં મહારાજ સ્પષ્ટ કહે છે કે બીજી શ્રુતિઓના બળથી અને અવિરોધથી પરમાત્માનું અંશતઃ અથવા તો ભાગ રૂપે તો બહુભવન શકય નથી. કારણ કે પરમાત્મા નિરંશ અને અચ્યુત છે. તો પછી શ્રુતિનો અર્થ કેમ ઘટાવવો ? તો શ્રીજી મહારાજ કહે છે કે અંતર્યામી શકિતથી અનેક રૂપે થયા છે. તે પણ તારતમ્યતાથી તે શકિત રહી છે. મોટામાં મોટી અને નાનામાં નાની. ત્યાં દૃષ્ટાંત સ્વરૂપે કાષ્ઠ કહ્યું છે. જેમ મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ અને નાના કાષ્ઠમાં નાનો અગ્નિ રહ્યો છે તેમ ભગવાન રહ્યા છે.

અહી પ્રશ્ન એમ થાય છે કે કાષ્ઠનું તો નાના મોટાનું માપ ફૂટ, ઘનફૂટ કે વજન વગેરે માપદંડોથી કાઢી શકાય છે; પણ ભગવાનને અંતર્યામીપણે રહેવાનાં પાત્રોમાં મોટા નાનાનો માપદંડ શો હોઈ શકે ? કે જેથી આમાં ભગવાન વધારે રહ્યા છે કે ભગવાન ઓછા રહ્યા છે તેમ જાણી શકાય ?

તો તેનું સમાધાન એ છે કે ભગવાનના કાર્યમાં યોગદાન અને અનુરૂપતાના આધારે નાના મોટાપણું છે. મહારાજ કહે છે કે જેવા અક્ષરમાં છે તેવા પ્રકૃતિ પુરુષમાં નથી… તેવા પશુ પક્ષીમાં નથી. કારણ કે બ્રહ્માદિ કરતા અક્ષરનું પરમાત્માના કાર્યમાં યોગદાન અને અનુરૂપતા વધારે છે. માટે તેમાં પરમાત્માનું નિવાસસ્થાન વધારે છે. જેમ સૃષ્ટિ પ્રકરણ છે તેમજ અવતાર પ્રકરણમાં પણ તેમ સમજી શકાય. ભગવાનનું જે હેતુ અને કાર્ય લઈને પૃથ્વી પર અવતરણ થયું હોય તેમાં જે પુરુષનું વધારે યોગદાન અને અનુરૂપતા હોય તેમાં પરમાત્માનું તારતમ્ય વધારે એમ જાણી શકાય છે