પ્રતિપાદિત વિષય :
પુરુષ, પ્રકૃતિ, કાળ, તત્ત્વો તથા ભગવાનના ધામના સ્વરૂપો જાણવાની મહત્તા.
મુખ્ય મુદ્દો :
બંધનથી છુટવા માટે પોતાના દેહમાં રહેલા ચોવીસ તત્ત્વોને જાણવા.
વિવેચન :-
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહત્તત્ત્વાદિક ચોવીસ તત્ત્વ એમના સ્વરૂપને જાણે છે ત્યારે પોતાને વિષે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્ત્વ તેના બંધન થકી મુકાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછયું કે હે મહારાજ એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે ? ત્યારે મહારાજ કહે છે કે તેમના લક્ષણને જાણવે કરીને તેમનું સ્વરૂપ જાણ્યામાં આવે છે. જે ચોવીસ તત્ત્વોને જાણવાથી તેનું બંધન દૂર થાય છે; તે ચોવીસ તત્ત્વો કયા ? પોતાના દેહમા રહ્યા છે તે. તે જ પોતાને બંધનરૂપ થાય છે. માટે બ્રહ્માંડના તત્ત્વોનું જ્ઞાન થાય એ તો સારી વાત છે પણ મુક્ત થવા માટે તો પોતાના તત્ત્વો ઓળખાય ત્યારે મુક્ત થવાય છે.
એ તત્ત્વોનું સ્વરૂપ જાણવા માટે તેના લક્ષણોને જાણવાનું મહારાજે કહ્યુ. લક્ષણોને જાણવાથી તે તત્ત્વોનો પરિચય થાય છે. તેમા પણ અહીં વચનામૃતમાં તે બધા તત્ત્વોના કાર્ય લક્ષણો બતાવ્યા છે. તે તત્ત્વો આપણા દેહમા રહીને શું શું કરે છે તે કહ્યું છે. નહીં તો માયિક દ્રવ્યોના ગુણ ધર્મેા તો સત્ત્વ, રજ અને તમ છે. પણ અહીં તે ન કહીને તેના કાર્યેા વર્ણવ્યા છે અને તેનો પ્રભાવ આપણા ચૈતન્ય પર શો પડે છે તે જાણવાથી બંધન દૂર થાય છે. તે જાણવામાં પણ તે તત્ત્વોના દોષનું જ્ઞાન થવું જોઈએ ત્યારે તત્ત્વોના બંધનથી મુક્ત થવાય છે. તત્ત્વોનું જ્ઞાન અથવા સાંખ્ય જ્ઞાનનું પ્રયોજન પણ એ જ છે કે તે તત્ત્વોના દોષનો સાક્ષાત્કાર થવો. તે કહ્યું કે ‘વિદ્વાન્વિપશ્ચિત્દોષજ્ઞ’ દોષને જાણે એ જ જ્ઞાની છે. આ જ વાત મહારાજે વચ.વર.૧૭મા કહી છે. માટે તત્ત્વ પરિચયમાં દોષજ્ઞાન અત્યંત આવશ્યક છે ને તેને જ સાચો પરિચય ગણવામાં આવ્યો છે.
કોઈ પણ પદાર્થ કે વ્યકિતનું હકારાત્મક અને નકારાત્મક બે પ્રકારનું જ્ઞાન હોય છે. હકારાત્મક કરતા નકારાત્મક જ્ઞાનમાં થોડી વિશેષતા હોય છે. દા.ત. સો માણસની સભા બેઠી હોય તેમા કોઈ આવીને પૂછે કે રામજીભાઈ છે ? તો તેના જવાબ બે હોઈ શકે. હા અથવા ના. જયારે સભામાં નજર નાખતાં જ રામજીભાઈ હાથ આવી જાય તો હા. પણ ના જયારે કહેવી હશે તો વધુ ઊંડેથી તલસ્પર્શી તપાસ કરવી પડશે. ચારે ખૂણે સંપૂર્ણ તપાસ કર્યા પછી જ કહી શકશે કે રામજીભાઈ નથી. તેમજ તત્ત્વ પરિચય અને પુરુષ પરિચય માટે વધુ ઊંડાણમાં જવું પડે છે તેથી તે પરિચય કઠિન પણ છે અને વસ્તુનું વધારે યથાર્થ માપ બતાવનાર છે.
દરેક વ્યક્તિએ પોતાના ગુણદોષનો બીજાને પરિચય કરાવવા માટે એવી અગાઉથી જ વ્યવસ્થા કરી રાખી હોય છે કે કોઈ તપાસ કરે તો સીધા આપણા ગુણો જ તેને હાથમાં આવવા જોઈએ અને દોષો–માયનસ પોંઈટો જલ્દી હાથમાં ન આવવા જોઈએ. તે થોડા ઊંડાણમાં સંતાડીને વ્યવસ્થા કરી હોય છે. સહેલાઈથી બીજાની નજરે આવવા દેવાના હોય નહીં. તેથી તેનો પરિચય ઘણો કઠણ છે. આવું સહજ હોય છે. તેમાંથી આપણે પણ બાકાત હોતા નથી. એ વસ્તુની ચકાસણીની તો એક ભગવાનમાં જરૂર પડતી નથી. ત્યાં તેની સંભાવના જ નથી. તે સિવાયના પરિચય માટે દોષજ્ઞાન મુખ્ય બની જાય છે. છતાં ન હોય તો પણ થોપી બેસાડવું અથવા કિંચિત્ખામી હોય તો સાવ નકામા છે એવું સમજવા માટે નથી પણ વિશદ પરિચયમાં જરૂરી તો છે જ.
અહીં જે ચોવીસ તત્ત્વોનાં લક્ષણો બતાવ્યા છે તે મોટે ભાગે સાંખ્યશાસ્ત્રાનુસાર છે. ટૂંકમાં સાંખ્યજ્ઞાન એટલે શું ? તો તત્ત્વોના દોષનો સાક્ષાત્કાર થવો. જગતના દુઃખોનો સાક્ષાત્કાર થવો. સાંખ્યજ્ઞાનમાં અગ્રેસર એવા જનકે પણ શુકદેવજીને કાળરૂપી શિલા લટકી રહી છે તે બતાવીને તત્ત્વોમાં રહેલા ગર્ભિત દુઃખોનો પહાડ લટકે છે તેનો સાક્ષાત્કાર થવો એ જ ઉપદેશ આપ્યો છે. ગીતામાં પણ ભગવાને જગતને ‘દુઃખાલયમ્અશાશ્વતમ્'(૮:૧પ) તથા યોગસૂત્રમા ‘પરિણામતાપસંસ્કારૈઃ સર્વં દુઃખમેવ વિવેકીનઃ’ (સાધનપાદઃ૧પ) એમ કહ્યું છે.
અહીં એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જગતના દુઃખ ભોગવવા (કર્માધીન થઈને) એ વસ્તુ અલગ છે અને તત્ત્વોમાં કે જગતમાં ગર્ભિત દુઃખો રહ્યા છે તેનો સાક્ષાત્કાર કરવો એ વસ્તુ અલગ છે. જે જ્ઞાની પુરુષોએ જગતના દુઃખોનો હૃદયમાં સાક્ષાત્કાર કર્યો છે તેઓએ મુક્ત થઈને માયાના દુઃખ ભોગવ્યા નથી ને છૂટી ગયા છે. જે આપણા જેવા જગતમાં સુખભાવના રાખી ઈંતરડીની જેમ ચોંટયા છે તેમણે પેટ ભરીને દુઃખ ભોગવ્યા છે ને ભોગવવા પડે છે. આ જીવ સતત દુઃખ ભોગવે છે તો પણ તેમાંથી સુખની આશા રાખીને ચોંટયો રહે છે. ને જે કાંઈ સુખ મળે છે તે મહારાજ કહે છે કે ધર્મે સહિત કિંચિત્ભગવાનના સંબંધથી છે. વચ.પં.૧. પરંતુ તેમા–એટલે કે ધર્મમાં અને ભગવાનમાં આને દુઃખનો સાક્ષાત્કાર થાય છે. ત્યારે કયાંથી સુખ મળે ?
આ બધા તત્ત્વો અતીન્દ્રિય છે. તેથી અનુભવગમ્ય છે. તે પણ તેનાં કાર્યેા ઉપરથી તેનું અનુમાન થાય છે અને તેનું જ્ઞાન થાય છે પણ તે બધાને શકય નથી. તેથી મહારાજ અહી દરેક તત્ત્વોનો કાર્ય પરિચય આપે છે.
પુરુષ – તેમા પ્રથમ પુરુષનો પરિચય આપતાં કહે છે કે ‘…પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયંજયોતિ ને સર્વજ્ઞ ને દિવ્યવિગ્રહ ને સમગ્ર આકારમાત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે.’ પુરુષ તત્ત્વ એ પ્રકૃતિના ચોવીસ તત્ત્વ અંદરનું તત્ત્વ નથી, પણ સૃષ્ટિ રચનાના એક કારણ તરીકે તેનું લક્ષણ છે. તેમાં પ્રકૃતિના નિયંતા, સમગ્ર આકારમાત્રની પ્રવૃત્તિના કારણ તથા ક્ષેત્રજ્ઞ એટલાં કાર્ય સંબંધી લક્ષણો છે. બાકીના સ્વરૂપ સંબંધી લક્ષણો છે.
તેમા પ્રથમ પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય એવા પુરુષ છે. પ્રકૃતિના નિયંતા છે. નિયંત્રણ કયારે થાય ? તો તેના પ્રત્યે અતિ નિર્લેપ હોય ત્યારે શકય બને છે.
કોઈપણ વસ્તુ કે વ્યક્તિ તેનું અતિ અદલ શાસન કયારે કરી શકાય ? જયારે તેમા બિલકુલ આસક્તિ ન હોય ત્યારે જ તે શકય બને. જયારે જરાક હૃદયમાંથી કોઈ ભાગ પ્રત્યે આસક્તિ ઊઠે ત્યારે સમતુલા–બેલેંસ ગુમાવાઈ જાય છે. પછી જોઈએ તેવું શાસન ચાલતું નથી. પ્રકૃતિમાં ગુણ દોષ બન્ને છે. આ પુરુષને પ્રકૃતિના ગુણ દોષ બન્ને પર શાસન કરવાનું છે. ગુણનું શાસન અને દોષનું શાસન એક સરખી રીતે ન થઈ શકે. ગુણોને યથાર્થ જાણીને તેને પ્રોત્સાહન આપીએ તો ગુણિયલ વ્યકિત વફાદાર થઈ શાસકનું શાસન સ્વીકારે. જયારે દોષને દંડથી દમન કરીને વફાદાર બનાવી શકાય છે, અંકુશિત–કંટ્રોલ કરી શકાય છે. ગુણમાં પણ જો આસક્તિ થઈ કે ગુણિયલ વ્યકિતમાં પણ વધુ પક્ષપાત થાય ત્યારે નિયંતા નિયંત્રણ ન કરી શકે. તેવી જ રીતે દોષમાં વધુ અતિ દ્વેષ થાય તો પણ તકલીફો ઊભી થાય. દ્વેષરહિત દમન અને આસક્તિરહિત પ્રોત્સાહન હોય ત્યારે શાસનની સમતુલા જાળવી શકાય છે. અહીં તો અનંત કુટીલ પુરુષો જેની પેદાશ છે એવી એની માતા પ્રકૃતિ તેના નિયંતા પુરુષ છે. તે નિર્લેપતાની અવધિ હશે ત્યારે પ્રકૃતિનું નિયંત્રણ શકય બનતું હશે.
તેમા મદદરૂપ બીજું લક્ષણ તુરંત કહ્યું કે પ્રકૃતિ થકી વિજાતીય છે. સ્વરૂપ અને સ્વભાવથી અત્યંત વિલક્ષણ છે. વિલક્ષણ તો જીવાત્મા પણ છે પણ તેને પોતાના વિલક્ષણપણાનું ભાન નથી. માટે દેહાદિકનું નિયંત્રણ કરી શકતો નથી. પ્રકૃતિનું શાસન કરતાં પ્રકૃતિના સારા વૈભવો કે નબળાઈમાં પુરુષને પોતાની વિજાતીયતા અખંડ યાદ છે. તેથી તો તેને તેનું બંધન નથી અને તેથી જ તો અદલ નિયંતા છે. એ પુરુષ છે તે આકાર માત્રની પ્રવૃત્તિના કારણ છે. પ્રલયકાળે પ્રકૃતિના ઉદરમાં લીન રહેલા જીવો અને ઈશ્વરોને તેના કર્મોને અનુસારે કરણ કલેવર આપીને તેની પ્રવૃત્તિના કારણરૂપ બને છે. પ્રકૃતિ ઉપાદાન છે જયારે પુરુષ નિમિત્ત છે. વધારે મહત્ત્વ તો નિમિત્તનું છે. પુરુષના સંકલ્પોને અનુસારે આકારો ઉદ્ભવે છે, પ્રકૃતિના સંકલ્પોને આધારે નહીં; કારણ પ્રકૃતિને સંકલ્પ શક્તિ જ નથી અને વળી તે ક્ષેત્રજ્ઞ છે. પ્રકૃતિના કોઈપણ પ્રદેશમાં જે કાંઈ શકિત, ગુણ કે દોષ રહ્યા છે તેનો જેટલો પુરુષને સાક્ષાત્કાર છે તેટલો પ્રકૃતિને પોતાને પણ નથી. તેથી જ તો તેનો અંકુશ છે. જયારે બાકીના ગુણો છે તે તેના વિજાતીયપણાની પુષ્ટિના છે. તે પ્રકૃતિ થકી વિજાતીય છે તો કેવા છે ? તો અખંડ–માયાની જેમ વિભાગીકરણ શકય નથી, અનાદિ–આદિરહિત, અનંત–અંતરહિત, સત્ય–ત્રિકાળમાં અબાધિત સ્વરૂપ છે, સ્વયંજયોતિ– સ્વયંપ્રકાશ છે; સ્વયંપ્રકાશ તો જીવ પણ છે પણ તે વિસરી ગયો છે માટે તેને વિવેકની કોઈકે યાદી આપવી પડે છે. સર્વજ્ઞ ને દિવ્યવિગ્રહ–અમાયિક શરીરવાળા છે. આટલા વિભાગમાં પ્રકૃતિ થકી વિજાતીયતા છે. આ બધા પોતાના અસાધારણ ગુણોથી અનંત કોટી બ્રહ્માંડને ઉપજાવનારી પ્રકૃતિ તેનું નિયંત્રણ કરે છે. તે પણ દંડ લઈને નહીં માત્ર સંકલ્પથી, પોતાની નજર માત્રથી જ તેનું નિયંત્રણ કરે છે તેવા એ પુરુષ છે.
પ્રકૃતિ – પ્રકૃતિ ત્રિગુણાત્મક છે એટલે કે ત્રણ ગુણો જ તેનું સ્વરૂપ છે. તેમાંથી ત્રણ ગુણોને બાદ કરો તો તેમાં કાંઈ ન બચે. તેનું અસ્તિત્વ ખલાસ થઈ જાય. જેમ જીવનું સ્વરૂપ ચૈતન્ય છે. તે દૂર થાય તો જીવાત્મા જેવું કશું રહે નહીં. તેમ અસાધારણ લક્ષણ કહો કે સ્વભાવ; પ્રકૃતિ માટે ત્રણ ગુણો જે સત્ત્વ, રજ અને તમ છે. વળી તે જડચિદાત્મક છે. મહારાજે તેને કારણ રૂપે ચિત્–ચૈતન્ય માની છે. તેનુ સ્વતંત્ર વ્યક્તિત્વ સ્વીકાર્યું છે ને કાર્યરૂપે–સૃષ્ટિરૂપે જડ માની છે. તેથી જડ ચિદાત્મક છે. પ્રકૃતિ–નિત્યા છે. સદાકાળ રહેનારી છે. જેમ જીવ, ઈશ્વરો અને પરમાત્મા નિત્ય છે. આદી–અંત રહિત છે તેમ તત્ત્વ સ્વરૂપે નિત્ય છે. કાર્યનો જ નાશ અને બદલાવ થાય છે પરમાર્થ તત્ત્વનો નાશ થતો નથી માટે નિત્ય છે. વળી તેને નિર્વિશેષ કહી છે અથાર્ત્કારણાવસ્થામાં રહેલી પ્રકૃતિમાં પૃથ્વી આદિ વિશેષો દેખાતા નથી માટે નિર્વિશેષ છે. અને મહદાદિક સમગ્ર તત્ત્વો અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે. જેમ બીજ વાવેલા ધાન્યના કયારામાં ઘઉં, બાજરી વગેરે ઉગે છે. તેમ જીવો તથા મહત્તત્ત્વાદિક તત્ત્વોના શરીરોની ઉત્પતિનું ક્ષેત્ર છે તથા સ્થિતિ પ્રલયનું પણ ક્ષેત્ર છે એટલું ઉપરાંત જાણી લેવું અને ભગવાનની શક્તિ છે. ભગવાન તેના માધ્યમથી સમગ્ર સૃષ્ટિ રચે છે. માટે પરમાત્માની શક્તિરુપ છે.
કાળ – હવે કાળના સ્વરૂપને કહે છે. ગુણસામ્ય અને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. શ્રીજી મહારાજે કાળને મૂર્ત માન્યો છે. પુરાણોમાં પણ કાળને મૂર્ત સ્વરૂપ માનવામાં આવ્યો છે છતાં તે અતીન્દ્રિય તત્ત્વ છે. જેથી કાળ તત્ત્વાનુભૂતિ કાળની કાર્યાનુભૂતિ કરીને તેના કારણપણે અનુમાનથી થાય છે. માટે કાળ તત્ત્વ વિશેષે કરીને બુદ્ધિગમ્ય છે છતાં પણ ઘણા મતવાળાઓએ કાળને પ્રત્યક્ષ માન્યો છે. જેમ આકાશનું પ્રત્યક્ષ થતું નથી. જે દેખાય છે તે ચારેય ભૂતોમાંથી કોઈ ન કોઈ ભૂતોનું પ્રત્યક્ષ થાય છે છતાં એકદમ પારદર્શી કાચમાંથી હવા પણ સંપૂર્ણપણે બહાર કાઢી લેવામાં આવે છે પછી જે બચે તે આકાશ બચે છે જે તેનું પ્રત્યક્ષ ગણો. તે એવી જ કાંઈક યુક્તિ કાળાનુભૂતિ માટે કહેવાય છે. કોઈ પણ ચેષ્ટા કે ક્રિયા થવા માટે બે પાયાની વસ્તુ જરૂર પડે છે. એક છે દેશ અને બીજી છે કાળ. આ બેના આધાર વિના ક્રિયા થતી નથી. પરંતુ ઘણી માનસ ક્રિયાઓ એવી છે કે તેને દેશની અપેક્ષા નથી અથવા કહો કે અપેક્ષા છે તો પણ દૃશ્યમાન રીતે દેશની અપેક્ષા નથી. ત્યારે તે ક્રિયાને કેન્દ્રમાં રાખીને તેમાંથી દેશની ભૂમિકા બાદ કરતાં જે બાકી રહે તે કાળ છે. કાળશૂન્ય ક્રિયા શકય નથી. એટલે કે તે ક્રિયા દ્વારા જેનો નિર્દેશ થાય છે અને કાળ તત્ત્વને અનુભૂતિમાં પકડી શકાય છે. સાંખ્યની દૃષ્ટિએ કાળ અને પ્રકૃતિ બન્ને જડ તત્ત્વો છે પણ પ્રકૃતિ વિકૃતિવાળી છે, કાળ અવિકૃત તત્ત્વ છે પણ પ્રકૃતિમાં વિકૃતિ સર્જાવામાં મદદરૂપ થાય છે. પ્રકૃતિનો સ્વભાવ પોતાનું અસ્તિત્વ દેશ નિર્દેશ સહિત કરી શકે છે. જ્યારે કાળને તેની જરૂર નથી. ખાસ કરીને કાળની શક્તિ પ્રકૃતિના તમામ કાર્યને ઉલટ–પલટ કરવાની તાકાત છે. તે જો બુદ્ધિમાં આવે તો વૈરાગ્ય થાય એવુ શાસ્ત્રમાં કહ્યું છે.
મહત્તત્ત્વ – હવે મહત્તત્ત્વનું લક્ષણ કહે છે. મહત્તત્ત્વને અને ચિત્તને અભેદપણે જાણવું. જેમ મહત્તત્ત્વમાં પ્રકૃતિના તમામ તત્ત્વો સમાયેલા છે તેમ ચિત્તમાં તમામ સંસાર સમાયેલો છે (સંસ્કાર રૂપે). તેથી જ કહ્યું છે કે તેમાં(મહત્તત્ત્વમાં) સૂક્ષ્મરૂપે સમગ્ર જગત રહ્યું છે. પોતે નિર્વિકાર છે એનો ભાવ એ છે કે કામ ક્રોધાદિ વિકારનું દ્વાર ચિત્ત નથી. તે વિકૃતિઓ બુદ્ધિ, મન, અહંકારમાં જેવી આકારિત થાય છે તેમ ચિત્તમાં આકારિત થતી નથી. માટે તે વિકૃતિઓ મન આદિકની છે. તેમાં સર્જાયેલી વિકૃતિઓને ચિત્ત ચિંતવે છે જરૂર; પણ આકારિત બીજા તત્ત્વોએ કરેલી છે. જે ચિત્તમાં આવતાં સ્પષ્ટપણે દર્શન થાય છે. માટે કહ્યું છે પ્રકાશરૂપ છે, સ્વચ્છ છે, શાંત એટલે ઉપશમના સ્વભાવવાળું છે, રજતમના ભાવરહિત છે.
અહંકાર – અહંકાર ત્રણ પ્રકારનો છે. સાત્ત્વિક, રાજસ અને તામસ. વિશેષે કરીને હવે પછીના જે તમામ તત્ત્વો તેની ઉત્પત્તિનું કારણ ગણવામાં આવ્યો છે. લોકમાં પણ કોઈપણ નવીન સર્જનમાં અહંકાર જ મૂળ કારણભૂત (નિમિત્ત કારણ) મનાય છે. અહીંતો નિમિત્ત અને ઉપાદાન બન્ને કારણરૂપ બનશે. તેમાં શાંતપણું સાત્ત્વિક અહંકારમાં, ઘોરપણું એટલે વિક્ષિપ્તપણું એ રાજસ અહંકારમાં અને મૂઢપણું એ તામસ અહંકારમાં રહેલું છે.
મન -હવે મનનું લક્ષણ કહે છે. મનનું સ્વરૂપ અણુ છે. મહારાજ કહે છે કે મન એ સ્ત્રી આદિક જગતની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે. જેમ કમ્પ્યુટરમાં નાખેલા કોઈ પણ ડેટા સ્ક્રિન પર મૂર્તિમાન દેખાય છે. ડિસ્કમાં પડયા હોય ત્યારે દેખાતા નથી. તેમ કોઈ પણ જાતની જગત કામના–અનેકવિધ વિષય ભોગની ઈચ્છાઓ તે મનના પડદા ઉપર પ્રગટ થાય છે. પછી બધા તત્ત્વોને કામે લગાડી દે છે. મન સંકલ્પ–વિકલ્પરૂપ છે. ખરેખર તે મન અણુ સ્વરૂપ છે અને સંકલ્પ–વિકલ્પ કરવા એતો એનું કાર્ય છે, ચેષ્ટા છે; કાર્યની સાથે તેનો સ્વભાવ પણ છે. તે સંકલ્પ વિકલ્પ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતું નથી. માટે સંકલ્પ–વિકલ્પરૂપ બની ગયું છે. તે વિના તેનું અસ્તિત્વ શકય નથી. તેમાં વિકલ્પ એટલે કેવળ વિષય સંકલ્પ અને સંકલ્પ એટલે દેહ–આત્મા બન્નેનાં સાથેના અનુસંધાનમાં મનની ચેષ્ટા તે સંકલ્પ કહેવાય છે. વળી મન સમગ્ર ઈન્દ્રિયોનું નિયંતા છે. વિષય ગ્રહણમાં મનનો સાથ ન રહે તો ઈન્દ્રિયો વિષય ગ્રહણ ન કરી શકે માટે તેને નિયંતા કહ્યું છે. વળી ગીતામાં મનના દુર્નિગ્રહ, પ્રમાથી, બલવાન, દૃઢ એવાં લક્ષણો પણ કહ્યાં છે. ચંચળ સ્વભાવ હોવાથી નિગ્રહ કરવો અતિ મુશ્કેલ છે. વળી પ્રમાથી છે. પ્રમાદી સાધકોને ખેદાન મેદાન કરી નાખવાના સ્વભાવવાળું છે. બળવાન છે. મોટા મોટા મુનિઓ, સાધકો, ઈશ્વરોને તેણે હરાવી દીધેલા છે, મચક ન આપે એવું દૃઢ હોય છે અને ભક્તિથી વશ થઈ શકે છે.
બુદ્ધિ -હવે બુદ્ધિનું લક્ષણ કહે છે. બુદ્ધિને વિષે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે. અર્થાત્બુદ્ધિ વડે પદાર્થ માત્રનું જ્ઞાન થાય છે. જો યોગ્ય પ્રયાસ કરે તો સમગ્ર ઈન્દ્રિયોને વિષે જે વિશેષ જ્ઞાન છે. દા.ત. આંખમાં ‘આ રૂપ છે’ એવું જ્ઞાન થાય છે તે સામાન્ય જ્ઞાન કહેવાય. આ સારું રૂપ છે કે સારું નથી વગેરે વિશેષ જ્ઞાન અને સામાન્ય જ્ઞાન બુદ્ધિ વતે થાય છે. બુદ્ધિને વિષે સંશય : ઉભયકોટીસ્પૃક્સંશયઃ । ‘સ્થાણુઃ ન વા’ આ સ્થાણુ છે કે સ્થાણુ નથી એવો જે ભાવ થાય છે. જે ભાવાભાવ કોટી સ્પૃક્ હોય તેને સંશય કહેવાય અને ભાવાભાવ કોટીમાંથી એક કોટીમાં લાવવાના કાર્યને નિશ્ચય કહેવાય. દા.ત. આ(મહારાજ) ભગવાન હશે કે નહીં હોય ? તે સંશય. પણ એમાંથી આ ભગવાન જ છે એવો એકતરફી દૃઢભાવ બનાવી રાખવો તે નિશ્ચય કહેવાય ને નિદ્રા અને સ્મૃતિ એ બુદ્ધિને વિષે રહ્યા છે અર્થાત્આ તેમનાં કાર્યો છે. આ ઉપરાંત પણ શાસ્ત્રોમાં બુદ્ધિના લક્ષણો આ પ્રમાણે કહ્યા છે.
શુશ્રુષા શ્રવણં ચૈવ ગ્રહણં ધારણં તથા ।
ઉહાપોહોર્થવિજ્ઞાનં તત્ત્વજ્ઞાનં ચ ધીર્ગુણાઃ ।।
શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા, શ્રવણમ્ એટલે સાંભળ્યા પછી યોગ્ય અયોગ્યનું વિભાગીકરણ. ગ્રહણમ્ એટલે શાસ્ત્રનો સાચો અર્થ પકડવો. ધારણમ્ એટલે અવિસ્મરણ, ગ્રહણ કરેલ અર્થનું વિસ્મરણ ન થવું, ઉહ એટલે પૂર્વપક્ષ (કલ્પવો) અપોહ : પોતાના સિદ્ધાંત ઉપર ધ્યાન આપવુ, અર્થવિજ્ઞાનમ્ એટલે ધન સંપત્તિ મેળવવાના ઉપાયોનુ જ્ઞાન ને તત્ત્વજ્ઞાનમ્એટલે આત્મકલ્યાણનું જ્ઞાન આ બધા બુદ્ધિના કાર્યો છે એમ શાસ્ત્રમાં કહેવામા આવ્યું છે.
દશ ઈન્દ્રિયોના લક્ષણ કેવળ પોતપોતાના વિષયમા પ્રર્વતવું એ જ છે.
હવે આકાશાદિક પંચ મહાભૂતના કારણ એવા પંચ તન્માત્રાનાં લક્ષણો કહે છે. તેમાં પંચભૂતના સારરૂપ શબ્દાદિક માત્રા જ રૂપે હોવાથી અને સ્થૂળ ભૂતનો ભાગ નહીં હોવાથી તેમને તન્માત્રા કહેવામાં આવે છે. તેમાં શબ્દ તન્માત્રાનું લક્ષણ કહે છે કે શબ્દ જે તે અર્થમાત્રનો આશ્રય છે એટલે કે અર્થમાત્રનો બોધક છે. અર્થ એટલે અહીં પદાર્થ. પ્રકૃતિથી સર્જન થયેલા પદાર્થ માત્ર અથવા કહો કે સૃષ્ટિના તમામ પદાર્થોને નિર્દેશ કરવા કોઈ ન કોઈ શબ્દનો ઉપયોગ કરવો જ પડે છે. માટે પદાર્થ અને શબ્દ વચ્ચે બોધ્ય–બોધક સંબંધ રહ્યો છે. માટે તમામ દૃશ્ય વ્યવહારો શબ્દમૂલક છે એટલે કે શબ્દથી થાય છે. બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેને જણાવનારો છે. જેમ કોઈ દીવાલ પાછળ ઊંચેથી બોલે હાથી ! હાથી ! તો તે શબ્દ દ્વારા હાથીને જાણનારો કોઈક છે અને હાથી છે (દૃશ્ય) આમ બન્નેનો જણાવનારો છે. (અહીં મહારાજ જાતિ અને સ્વરૂપનો શો વિશેષ અર્થ બતાવે છે તે વિશેષ જાણી શકાયું નથી). વળી આકાશને વિશે રહેવાપણું છે અને આકાશની માત્રા એટલે કે આકાશનો અસાધારણ ગુણ છે અને શ્રોત્ર ઈન્દ્રિય ગાહ્ય છે. હવે સ્પર્શનું લક્ષણ કહે છે. સ્પર્શ જે વાયુની તન્માત્રા છે. એટલે કે વાયુનો અસાધારણ ગુણ છે. દા.ત. કોમળપણું – આકડાના તુરનો સ્પર્શ, કઠણપણું–પથ્થરનો સ્પર્શ, શીતલપણું – કે બરફ આદિનો સ્પર્શ, ઉષ્ણપણું – અગ્નિસ્પર્શ વગેરે વિવિધ પ્રકારના સ્પર્શો છે. ત્વચા માત્રથી ગ્રાહ્ય છે.
હવે રૂપનું લક્ષણ કહે છે. પદાર્થ માત્રના આકારને જણાવી દેવાપણું એટલે કે પદાર્થનું દ્રવ્ય છે તે એક આકાર રચે છે અને તે આકારના બાહ્ય આવરણરૂપે રૂપ રહ્યું છે. દા.ત. ઘડો – સંપૂર્ણ માટીનો બન્યો છે. તેનો આકાર કંબુ ગ્રીવ – પૃથુ ઉદર – સાંકડું મોઢું અને મોટું પેટ જેવો છે અને લાલ, કાળો વગેરે રૂપ છે. તો રૂપ વિના આકારનો નિર્દેશ થઈ શકશે નહીં. આંખને પ્રથમ રૂપ ગ્રહણ થાય છે પછી આકાર ગ્રહણ થાય છે. અંધને પ્રથમ આકાર ગ્રહણ થાય છે, રૂપ ગ્રહણ થતું જ નથી. માટે રૂપ તે આકારને જણાવનારું છે અને આકારમાં ગૌણપણે રહ્યું છે અર્થાત્આકારને આધારે રહ્યું છે માટે ગૌણપણે રહ્યું છે અને આકાર પણ દ્રવ્યને આધારે રહ્યો છે. માટે આકાર પણ તેની અપેક્ષાએ ગૌણપણે રહ્યો છે અને તે પદાર્થોની રચનાએ કરીને પરિમાણપણું. પરિમાણ અર્થાત્ક્ષેત્રફળરૂપ. પદાર્થ કેટલા ક્ષેત્રફળમાં પથરાયેલું છે તે તેના આકાર ઉપર અવલંબે છે. માટે પદાર્થની રચનાએ કરીને પરિમાણપણું કહ્યું છે અને તેજ તત્ત્વનો અસાધારણ ગુણ અને ચક્ષુમાત્રનું ગ્રાહ્યપણું એ રૂપને વિષે રહ્યું છે.
હવે રસનું લક્ષણ કહીએ છીએ. ષડ્ભેદપણું અને જળનું તન્માત્રાપણું – અસાધારણ ગુણપણું અને રસના માત્રે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું લક્ષણ છે.
હવે ગંધનું લક્ષણ કહે છે. જે સુગંધ – દુર્ગંધપણું પૃથ્વીનો અસાધારણ ગુણ છે અને ઘ્રાણ માત્રનું ગ્રાહ્યપણું લક્ષણ છે. હવે પંચભૂતના લક્ષણો કહે છે. તેમાં પ્રથમ પૃથ્વીનું લક્ષણ કહે છે જે સર્વ જીવમાત્રનું ધારવાપણું અર્થાત્સર્વ પ્રાણીમાત્રનું અધિકરણપણું છે તથા લોકરૂપે કરીને સ્થાનપણું એટલે બ્રહ્માંડમાં ચૌદ લોક કહ્યા છે તે પ્રત્યેના એક લોક રૂપે રહેલી છે. સમગ્ર ભૂત પ્રાણીમાત્રના શરીરનો આકારબાંધી આપવાપણું. આકાશાદિ ચાર ભૂતનું વિભક્ત કરવાપણું એટલે વિશેષે કરીને અવચ્છેદપણું. એવું પૃથ્વીનું લક્ષણ છે.
હવે જળનું લક્ષણ કહે છે : પૃથ્વ્યાદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું. જે પિંડો બંધાય છે તે જળને આભારી છે. વળી પદાર્થને કોમળ કરવાપણું અર્થાત્ જે પદાર્થના બંધારણમાં જેટલો ભાગ જળનો વિશેષ, તેટલો તે કોમળ બને છે. દા.ત. ફૂલ, કાષ્ઠ વગેરેમાંથી જળનો ભાગ સૂકાઇ જતાં કડક બની જાય છે. ભીનું કરવાપણું તો પ્રસિદ્ધ છે, તૃપ્તિ કરવાપણું અર્થાત્ તૃષાને ટાળીને તૃપ્ત કરવાપણું, પ્રાણી માત્રને જીવાડવાપણું. કારણ કે પ્રાણ જળથી પોષાય છે, ટકી રહે છે તેના અભાવમાં પ્રાણ ઊડી જાય છે. માટે જીવાડવાપણું તેમાં રહ્યું છે. સૂર્યાદિકનો તાપ મટાડવાનો ગુણ તેમાં છે તથા બહુપણું અર્થાત્કુવામાંથી જળ ખેચવામાં આવે તો એ જગ્યામાં નવું જળ આવી જાય છે તે તેનુ બહુપણું છે. આ બધા જળના કાર્યરૂપ લક્ષણો છે.
હવે તેજનું લક્ષણ કહે છે. પ્રકાશપણું અર્થાત્અંધારું દૂર કરવાપણું છે, જઠરાગ્નિ રૂપે થઈને અન્નાદિકનું પાચન કરનાર છે. રસને ગ્રહણ અર્થાત્શોષણ કરનારું છે, યજ્ઞાગ્નિ રૂપે કાષ્ઠ તથા હોમેલ દ્રવ્યને ગ્રહણ કરીને પરમાત્મા પ્રત્યે પહોંચાડનાર અગ્નિને શાસ્ત્રમાં માનવામાં આવ્યો છે. ટાઢને દૂર કરનાર છે. શોષણ કરવાપણું અર્થાત્શરીરમાંથી લોહી, માંસ વગેરે શોષણ કરીને શરીરને કૃશ બનાવે છે અથવા સૂર્યરૂપે જળનું શોષણ કરે છે. ક્ષુધા અને તૃષા ઉત્પન્ન થવા તે પણ શરીરમાં રહેલા જઠરાગ્નિને આભારી છે. આ પ્રમાણે તેજનાં કાર્યો બતાવ્યાં.
હવે વાયુનું લક્ષણ કહે છે કે વૃક્ષાદિકને કંપાવવાપણું અને તૃણાદિકને ભેળા કરવાપણું, ઉડાડી નાખવાપણું વગેરે સર્વ મનુષ્યો જોઈ શકે છે. પંચ વિષયોને તે તે ઈન્દ્રિયો પ્રત્યે લઈ જવાપણું અર્થાત્ગંધ તથા સ્પર્શવાળા પદાર્થો, તથા શબ્દોને વાયુ વહન કરીને ઈન્દ્રિયો પ્રત્યે લઈ જાય છે. સર્વ ઈન્દ્રિયોનું આત્માપણું એ પ્રાણરૂપે કહ્યું છે. કારણકે પ્રાણ એ વાયુ સ્વરૂપ છે અને પ્રાણ દૂર થતાં સર્વ ઈન્દ્રિયોની ચેતના હરાઈ જાય છે. માટે સર્વનું આત્માપણું કહ્યું છે. એવા વાયુના કાર્યરૂપ લક્ષણો છે.
હવે આકાશનું લક્ષણ કહીએ છીએ. સમગ્ર જીવ માત્રને અવકાશ દેવાપણું–જગ્યા દેવાપણું ભૂત પ્રાણી માત્રનો બાહેરનો વ્યવહાર તથા માંહીલો વ્યવહાર સિદ્ધ કરવા માટે અવકાશ આપે છે. પ્રાણ, ઈન્દ્રિયો વગેરેને રહેવાના સ્થાનક આપનારો છે. અવકાશ ન હોય તો તે રહી ન શકે. માટે સ્થાનક આપનારો કહ્યું છે. તે આકાશનાં કાર્ય લક્ષણો છે.
આવી રીતે ર૪ તત્ત્વ, પ્રકૃતિ, પુરુષ અને કાળ તેમનાં જો લક્ષણને જાણે તો એ જીવ અજ્ઞાન થકી મૂકાય છે. અર્થાત્પોતાના શરીરમાં એ તત્ત્વો શું કાર્ય કરી રહ્યા છે ? શું ભાગ ભજવી રહ્યા છે તેના કાર્યોને જાણે તો તેનાથી પોતે આત્મા અલગ છે એવું ભાન થાય છે. પછી તેનો સંયમ કરીને તેના દ્વારા પરમાત્માની આરાધના કરીને તેના બંધન થકી છુટાય છે.
તે તત્ત્વોનો ઉત્પત્તિક્રમ સાથેના ચાર્ટમાં બતાવ્યો છે.
પછી પ્રલયની રીત એટલે કે કોની કેટલી આયુષ્ય મર્યાદા છે તે જાણવાથી – એટલે કે પ્રલય જાણવાથી સાંસારિક પર્દાર્થોથી મોહ દૂર થાય છે અને ભગવાનના ધામનો મહિમા અને વાસ્તવિકતા જાણવાથી ત્યાં જવાની ઈચ્છા થાય તો આ લોકથી વૈરાગ્ય થાય અને સાધનો કરીને ભગવાન પાસે પહોંચાય છે.