પ્રતિપાદિત વિષયઃ
સાક્ષીનું જાણપણું.
મુખ્ય મુદ્દાઃ
૧.જીવનું જાણપણું પણ સાક્ષીના જાણપણાને આધારિત છે.
ર.સાક્ષી મૂર્તિમાન થકા પણ વ્યાપક બની શકે.
વિવેચન :–
આ વચનામૃત સાક્ષીના જાણપણાનું વચનામૃત છે. મહારાજની પ્રેરણાથી ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછયું. આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે ? ત્યારે સ્વામીએ તેનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહીં. ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો કે બુદ્ધિ છે તે આ દેહને વિષે નખથી શિખાપર્યંત વ્યાપીને રહી છે. તે સર્વ ઈન્દ્રિયોમાં પણ વ્યાપીને રહી છે. બુદ્ધિ સર્વ ઈન્દ્રિયોની ક્રિયાને એક કાળે જાણે છે. તે બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહો છે. તેથી બુદ્ધિની સર્વ ક્રિયાને જીવ જાણે છે. તેથી જીવના જાણપણા વડે બુદ્ધિનું જાણપણું કહેવાય છે અને તે જીવને વિષે પરમાત્મા અંતર્યામીરૂપે સાક્ષીપણે રહૃાા છે માટે તેના જાણપણાએ કરીને જીવનું જાણપણું કહેવાય છે. જો સાક્ષી ન હોય તો જીવ કાંઈ જાણી શકે નહીં અને જીવની સહાય વિના બુદ્ધિ કાંઈ જાણી શકતી નથી. માટે આ દેહને વિષે જે ચેતના જણાય છે તે અંતે તો સાક્ષી એવા પરમાત્માને આધીન છે.
ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે જે સાક્ષી હોય તે તો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોઈ શકે ? ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે જે મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોઈ શકે છે. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિષે મૂર્તિમાન છે ને પોતાની વિશેષ શક્તિએ કરીને કાષ્ટને વિષે વ્યાપીને રહે છે. માટે સાક્ષી હોય તેને વ્યાપવામાં કોઈ બાધ આવતો નથી. જગતના મૂર્ત પદાર્થો વ્યાપી શકતા નથી. તેથી માણસની બુદ્ધિમાં એક ધારણા ઊભી થાય છે કે જે મૂર્તિમાન હોય તે પદાર્થ વ્યાપી શકતો નથી; પરંતુ તે ધારણા ભૂલ ભરેલી છે અથવા તો અમુક પદાર્થો માટે જ મર્યાદિત છે. તે બધાને લાગુ પડતી નથી. તેમાં પણ સાક્ષી એવા પરમાત્માને તો બિલકુલ લાગુ પડતી નથી.
દૂરદર્શન કેન્દ્રમાંથી (ટી.વી. સ્ટેશન માંથી) પ્રસારિત થયેલા ચિત્રો ગમે ત્યાં પૃથ્વીના છેડા ઉપર ટી.વી. દ્વારા પકડી શકાય છે. દાખલા તરીકે દિલ્હીથી પ્રસારિત થયેલા ચિત્રો ભારતમાં ગમે ત્યાં અથવા દુનિયામા ગમે ત્યાં પકડી શકાય છે. તેમાં કોઈ ભાગ ખંડિત થઈ જતો નથી. તેનો અર્થ એ થયો કે તે ચિત્રો મૂર્તિમાનપણે કોઈપણ જગ્યાએ જઈ શકે છે. એટલે કે તમામ જગ્યાએ વ્યાપી શકે છે. જો આ માયિક એવા ચિત્રો આવી રીતે મૂર્તિમાન વ્યાપી શકતા હોય તો દિવ્યમૂર્તિ એવા પરમાત્મા તમામ જીવોના અંતરમાં મૂર્તિમાનપણે વ્યાપી શકે એમા શો બાધ છે ? તે તો જરૂર વ્યાપી શકે. માટે ભગવાન પોતાના અક્ષરધામને વિષે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને તમામ જીવોના અંતરમાં સાક્ષીરૂપે રહૃાા છે અને મૂર્તિમાનની પેઠે ક્રિયા કરે છે. માટે તે પણ મૂર્તિમાન છે એમ જાણવું.