तत्प्राप्य तदेवावलोकयति, तहेव श्रृणोति, तदेव भाषयति, तदेव चिन्तयति
જે વિશુધ્ધ પ્રેમને પ્રાપ્ત કરે છે પછી તે તેને જ નિહાળે છે(પરમાત્માને) તેને જ સાંભળે છે, તેજ વસ્તુ બોલે છે. તેનું જ ચિંતન કરે છે.
પ્રેમ હૃદયમાં આવતા મનુષ્યની દશા બદલાય જાય છે, તેની દૃષ્ટિ બદલી જાય છે, તેની વાણી બદલી જાય છે, તેનો સ્વભાવ પણ બદલી જાય છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ વ્યક્તિનું તે પરિવર્તન કરી શક્તું નથી. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખુ આચરણ કરે છે પણ પ્રકૃતિને મુકી શક્તો નથી. પરંતુ વિશુધ્ધ પ્રેમ તમામ પરીવર્તન લાવી દે છે. મહારાજ કહે છે, આ દાદાખાચર છે તે અમને ન ગમે તેવી કોઈ પ્રકૃતિ રાખતા નથી. સાચી ભક્તિ પ્રાપ્ત થતા મનુષ્યની દશા-સ્વભાવ બદલાય જાય છે.
तदेव आलोकयति – વિશુધ્ધ ભક્તિની પ્રાપ્તિ પછી તેને બધીજ જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ જ દેખાય છે અને તમામમાં તેની અનહદ ભક્તિના દર્શન થાય છે.
सर्वं धनमयं लुब्धा कामुकाः कामिनीमयम् ।
नारायणमयं धीराः पश्यन्ति परमार्थतः ।।
લોભી દરેક પદાર્થની રૂપિયામાં કિંમત કરીને જ જુએ છે અર્થાત તેને પદાર્થ નથી દેખાતા રૂપિયા જ દેખાય છે. તેલના સટોડિયાને તેલના ડબ્બા નથી દેખાતા પણ એક એક ડબ્બે માર્જિનના રૂપિયાની નોટોજ દેખાય છે. આની કિંમત કેટલી? કામીને તમામમાં કામજ દેખાય છે જ્યારે ધીર પુરુષો-ભગવાનના સાચા ભક્તને સર્વત્ર પરમાત્મા જ દેખાય છે.
पापी सर्वत्र पापमाशकते – પાપીને બધીજ જગ્યાએ પાપની જ શંકા થાય છે. તેમ જેનું હૃદય પ્રેમથી ભરાયેલુ છે તેને ભગવાન વિના બીજુ કોઈ દેખાતુ નથી. એક ભાઈનો એકનો એક દિકરો ૧૪-૧૫ વર્ષનો ગુજરી ગયો હતો. પછી તે ભગવાન પાસે આવેને ભગવાન સામુ જોઈને ચોધાર આસુડે રડી પડે. દરરોજ એમ કરે. કોઈકે તેમને કહ્યુ આમતો તમારે ભગવાનમાં ખુબજ હેત. પણ થોડું હૃદય કાબુમાં રાખો તો બધા વચ્ચે ઠીક લાગે. ત્યારે તે કહે પણ મારૂ હૃદય મારા કાબુમાં રહેતુ નથી ઠાકોરજીની મૂર્તિને જોઊને મારો બાબો યાદ આવી જાય છે. તેની અણસાર આવીજ આવતી હતી, પછી મારાથી રહેવાળુ નથી. તેને ભગવાનમાં પણ તેનો
બાબો દેખાય છે. માણસની આંખ વાસ્તવિક વસ્તુને જોતી નથી પણ પોતાના હૃદયમાં જે ભર્યું હોય છે, પડયુ હોય છે તેના જ બધી વસ્તુમાં તેને દર્શન થાય છે. ગોપીઓ જ્યારે ગાયને જુએ છે તો તેને લાગે છે કે ગાય કૃષ્ણના પ્રેમમાં લેલિન થઈ ગઈ છે. પ્રેમમાં તેના રૂંવાડા ઊભા થઇ ગયા છે. કૃષ્ણને માટે આસું આવી રહ્યા છે. હમણા જ તે કૃષ્ણને શોધવા દોડશે.
ગોપીઓ પક્ષીને જુએ છે. તેઓ આંખો ખોલીને ડાળી પર બેઠા છે તો ગોપીઓને લાગે છે કે આ પક્ષીઓ શ્રી કૃષ્ણનો પક્ષલેવા વાળા છે તેના પ્રેમી છે તેઓ ખુલ્લી આંખો રાખીને કૃષ્ણનું ધ્યાન કરે છે.
प्रायो बताम्त विहगा मुनयो वनेऽस्मिन्
कृष्णेक्षित तदुदितं कलवेणु गीतम् ।
आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान्
श्रृण्वन्त्यमीलितदृशो विगतान्यवाचः । भा. १०-२१-१४
હે સખી, આ વૃંદાચનમાં તો બધા મુનિઓ પક્ષી બનીને આવી ગયા છે અને કૃષ્ણના દર્શન કરે છે. જ્યારે કૃષ્ણ સુંદર વેણુનું કલગાન કરે છે ત્યારે તે બધા વૃક્ષની સુંદર કિસલય વાળી ડાળીઓ પર બેસીને બીજુ તમામ બોલવું બંધ કરીને નેત્રો ખુલ્લા રાખીને કૃષ્ણનું દર્શન કરતા કરતા મધુર વાંસળીનું કલગાન સાંભળે છે.
જ્યારે પક્ષીઓ આંખો બંધ કરીને બેઠા દેખાય છે. ત્યારે ગોપીઓ કહે છે આ પક્ષીઓ બધા કૃષ્ણનું ધ્યાન કરે છે તેની ઉપાસના કરે છે.
सरसि सारसहंसविहंगाश्वारुगीतहृतचेतस एत्य
हरिमुपासत ते यतचिता हन्त मीलितदृशो धृतमौनाः । भा. १०-३५-११
કૃષ્ણની વાંસળી સાંભળીને સરોવરના આ બધા પક્ષીઓના ચિત પરમાત્મામાં લાગી ગયા છે. વાંસળીના નાદે તેના ચિતચોરી લીધા છે. તે સરોવરમાં આવીને આ સારસ, હંસ આદિ પક્ષીઓ ચિતને એકાગ્ર કરીને, મૌન ધારણ કરીને, આંખો બંદ કરીને કૃષ્ણનું ધ્યાન કરે છે-ઉપાસના કરી રહ્યા છે આ બધા પક્ષી નથી, મુનિઓ છે. પૂર્વમીમાંસાના પક્ષી જૈમિની, ઉતરમીમાંસાના પક્ષી વ્યાસ, યોગના પક્ષી પતંજલી, વિગેરે છે. તેમ આ બધા કૃષ્ણના પક્ષીઓ છે.
હરણીને જોઈને ગોપી બોલે છે,
धन्या स्ममूढमतयोऽपि हरिण्य एता
या नन्दनन्दनमुपातविचित्र वेषम् ।
आकर्ण्य वेणुरणितं सहकृष्णसाराः
पूजां दधुर्विरचितां प्रणयावलोकैः ।। १०-२१-११
મૂઢબુધ્ધિ(પશુ) હોવા છતા પણ આ હરણીઓ ધન્ય છે તેના પતિ કૃષ્ણસાર(કાળીયારમૃગ) છે. અર્થાત્ કૃષ્ણનું ધ્યાન કરતા કરતા કાળા થઇ ગયા છે કૃષ્ણજ તેના જીવનનો સાર છે એવા છે તેથી નન્દનન્દનને વિચિત્ર વેશ ધારણ કરેલો જોઈને, તેની વાંસળીનો ધ્વની સાંભળીને આ હરણીઓ તેના પતિની સાથે પ્રેમ પૂર્વક કૃષ્ણને જુએ છે. પ્રેમાવલોકનથી કૃષ્ણની પૂજા કરી રહી છે. અમારા પતિ તો અમને રોકે છે કે ત્યાં જવાનું નથી. તેના પતિતો તેની સાથે કૃષ્ણના દર્શન કરવા માટે આવે છે માટે પશુ હોવા છતાં તેને ધન્યવાદ છે.
ગોપીઓ યમુનાને જોઈને બોલે છે કે
नद्यस्तदा तदुपधार्य मुकुन्दगीत
मावर्तलक्षितमनोभव भग्नवेगाः ।
आलिंगनस्थगितमूर्मिभूजैर्मुरारे
गृहणन्ति पादयुगलं कमलोपहाराः ।। १०-२१-१५
લોકમોહન વંશીનાદ સુણીને યમુનાના મનમાં પણ આપણી જેમ કૃષ્ણને મળવાની આકાંક્ષા જાગી ઊઠી છે જળમાં જે ભમરીઓ પડે છે તે ભમરીઓ નથી પણ પ્રવાહ ત્યાંને ત્યાં ઘુમરાય છે તે મળવા ઘેલપણ આવી ગયું છે તેની નિશાની છે જુઓ ને ભગવાન ભેટવા માટે તેની તરંગરૂપી ભૂજાએ કેવી ઉછળી રહી છે અને કૃષ્ણના ચરણ યુગલમાં કલમની અંજલી અર્પણ કરી રહી છે.
કાળા ડિબાણ વાદળાઓને જોઈને ગોપીઓ કહે છે કે આ મેઘ કૃષ્ણના સખા છે-તેના ભક્ત છે. તેઓ કૃષ્ણની સેવા કરે છે તેની સાથે સાથે ફર્યા કરે છે.
दृष्टवाऽऽतपे व्रजपशून् सहरामगोपै :
संचारयन्तुमनु वेणुमुदीरयन्तम् ।
प्रेमप्रवृध्ध उदितः कुसुमावलीभिः
सख्युर्व्यधात्स्ववपुषाम्बुद आतपत्रम् ।। १०-२१-१६
આ વાદળાઓ જુએ છે કે જ્યારે બળરામ અને ગોપબાળકો સાથે કૃષ્ણ વૃંદાવનમાં વંશી બજાવતા, ગાયોને ચારતા, ધુપમાં ચાલી રહ્યા છે તો પોતાના શરીરેથી તેના પર છાયા કરે છે અને અત્યંત પ્રેમથી તેમના ઉપર કોમળ બુંદથી પુષ્પવર્ષા કરે છે.
हन्तायमद्रिरबला हरिदासवर्यो
यद रामकृष्णचरणस्पर्शप्रमोदः ।
मानं तनोति सहगोगणयोस्तयोर्यत्
पानीयसूयवसकन्दरकन्द मूलै : ।।
સિખ આ ગીરીરાજ તો ભક્ત શિરોમણી છે નહિતો શ્રી બલરામ અને શ્રી કૃષ્ણના શ્રી ચરણોના સ્પર્શનો આનંદ શુ કોઈને આમ જ મળી જાય ખરો? તે કૃષ્ણનું, તેના સખાઓનું, તેની ગાયોનું અતિ સન્માન કરે છે તેના ઝરણા એટલા માટે છે કે તેનું જળ તેઓ પીશે, તેમાં તેણે ગુફાઓ એટલા માટે બનાવી છે કે તેમાં બેસીને તેઓ બધા વિશ્રામ કરે, તેણે પોતામાં તૃણ, કન્દ, ફળ, ફુલ આ બધુ કૃષ્ણ અને ગાયોના સત્કાર માટે બધી સજાવટ કરીને રાખ્યું છે માટે તે મહા ભક્ત છે. ચોમાસામાં પૃથ્વી પર ઘાસ ઉગ્યું છે પણ ગોપીઓને એવું લાગે છે કે શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી ભૂમીદેવીને રોમાંચ થયો છે તેની રોમાવલી બેઠી થઈ ગઈ છે.
किं ते कृतं क्षिति तपो बलकेशवांध्रि-
स्पर्शोत्सवोत्पुलकितांगरुहैर्विभासि ।। १०-३०-१०
હે પૃથ્વીદેવી તમે એવું કયું તપ કર્યું છે કે જેના ફળરૂપે તમને શ્યામ સુંદરના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત થયો? તેમના ચરણના સ્પર્શથી તમારી રોમાવલી બેઠી થયેલી છે.
એમ ગોપીઓને લતાઓ વિગેરેમાં પણ કૃષ્ણનો સંબંધ અને કૃષ્ણમાં પ્રેમજ દેખાય રહ્યો છે કારણકે ગોપીઓના હૃદયમાં કૃષ્ણ પ્રતિ અસાધારણ-લોકોત્તર પ્રેમ છે.
માણસ પોતાના અંતરમાં શું ભર્યુ છે તેવું જ બધે જુએ છે. તેવું જ ચારે બાજીથી શોધી કાઢે છે. તમે આપણા મનને કીડી બનાવશો તો તે ગમે ત્યાંથી ખાંડ શોધી
કાઢશે. વિષ્ઠાનો કિડો બગીચામાંથી પણ વિષ્ઠા શોધીને ત્યાં જ બેસી જાય છે ને માણવા લાગી જાય છે. મધમાખી ગટરમાંથી પણ મધ શોધી લે છે. પ્રેમ હૃદયમાં આવતા સર્વત્ર ભગવાન અને પ્રેમજ દેખાવા લાગી જશે.
तदेवश्रृणोति – ભગવાનમાં વિશુધ્ધ પ્રેમવાળાને દરેક શબ્દમાં પરામાત્માની અને પરમાત્માના પ્રેમની ભણક સંભળાય છે. ભગવાન મથુરા ગયા પછી પણ ગોપીઓને વેણુનાદના ભણકારા સંભળાય છે. ગોપીઓ બગીચામાં નીકળે અને ત્યાં ભમરાનો ગુંજરાવ સંભળાય છે તો તેમાં કૃષ્ણના શબ્દો સંભળાય છે અને જાણે કૃષ્ણની સાથે વાતો કરતી હોય તેમ ભ્રમરની સાથે સંવાદ કરવા લાગી જાય છે ત્યારે તે સંબંધી જ બોલવા લાગી જાય છે.
तदेव भाषयति- ગોપીગીતમાં ગોપી કહે છે કે અમે નિયમ રાખ્યું છે કે કાળી કોઈ વસ્તુનું નામ ન લેવું. કૃષ્ણને ક્યારેય સંભારવા નહિ પણ હાય! શું કરીએ તેની કથાજ ક્યારેય હૃદયથી છુટતી નથી કર્યા વિના રહેવાતુ નથી.
मृगयुरिव कपीन्द्रं विव्यधे लुब्धधर्मा,
स्त्रियमकृत विरुपां स्त्रीजितः कामयानाम् ।
बलिमपि बलिमत्वावेष्टयद् ध्वांक्षवद् य-
स्तदलमसितसख्यैर्दुस्त्यजस्तत्कथार्थः ।। भा.१०-४७-१७
तदेव चिन्तयति- ગોપીઓ સવારે વહેલી ઉઠીને મનમાં એક જ વાત ચિંતવે છે હું વહેલી ઊઠી જાઊ, દહિંનું મથન કરીશ, સોનાના કટોરામાં માખણ રાખીશ, કૃષ્ણ આવશે તેને ખવડાવીશ. ગોપી પોતાની દરેક ક્રિયામાં એવાજ વિચારો કરે છે. ચિંતન ચાર ભાગમાં થાય છે સંકલ્પ, વિકલ્પ, વિચાર અને અહંકાર એવો સંકલ્પ કરે છે. કૃષ્ણને આજે મળવું છે એની સેવા માટે સામગ્રી ભેળી કરવા ના વિકલ્પ કર્યા કરે છે. ગોપી કૃષ્ણને મળવાના ઉપાય, કૃષ્ણનો સ્વભાવ, સ્વરૂ૫ સંબંધી જ સતત વિચારતી રહે છે અને તેનો અહંકાર પણ એવું જ ચિંતવન કરે છે કે કૃષ્ણ મારો છે અમે તેના છીએ.
વિખરાય ગયેલી વસ્તુને ભેળી કરી દે, પીંડી કરણ કરે તેને સ્નેહ કહેવાય છે. પ્રેમમાં પોતાનો એક સ્વાદીષ્ટ રસ હોય છે. જે બીજા સાથે મળતા બીજાને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. જેમ સાકર જેની સાથે ભળે છે ત્યારે તેમાં મધુરતા લાવી દે છે એવો પ્રેમનો સ્વભાવ છે.
અત્યાર સુધી સાધ્યભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે એવી સાધ્યભક્તિ જીવનમાં આવવી દુર્લભ છે માટે હવે સાધન ભક્તિ કહે છે જે સાધ્યભક્તિને આપણા હૃદયમાં લાવવા સાધનરૂપ બનતી હોય છે. ભગવાનના ભક્તને એક ભગવાનના સ્વરૂપમાં અચળ નિષ્ઠા હોવી જરૂરી છે. નિષ્ઠાવસ્તુ દૂરને નજીક કરી આપે છે, દુર્ગમ વસ્તુને સુગમ બનાવી દે છે. નિષ્ઠામાં અનંતસામર્થી રહેલી છે ભક્તિ ભગવાન તરફ લક્ષ રાખીને, ભગવાનની સામે જોઈને કરવાની છે. ભગવાનમાં અપાર કરૂણા રહેલી છે. માટે આપણા મનમાં રાગ, દ્વેષ, કામના હોય તો પણ ભગવાનની ભક્તિ શરૂ કરી દો. કામના પણ પુરી થઈ જશે અને અંતે ભક્તિ પણ પ્રાપ્ત થશે. તેને ગૌણી ભક્તિ કહેવામાં આવે છે હવે તેવી ગૌણી ભક્તિનું નિરૂપણ કરવામાં આવે છે.